સુગંધ, શાયરી અને હીરા છે, તો'ય બનાસકાંઠામાં શું ખૂટે છે?

બનાસકાંઠામાં મહિલાઓનો સાક્ષરતા દર માત્ર 51 ટકા જેટલો જ છે, જે આ જિલ્લાની ચમકને ઝાંખી પાડે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બનાસકાંઠામાં મહિલાઓનો સાક્ષરતા દર માત્ર 51 ટકા જેટલો જ છે, જે આ જિલ્લાની ચમકને ઝાંખી પાડે છે

ગુજરાતની ઉત્તરે આવેલો બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદોને સ્પર્શે છે. ગુજરાતનાં આર્થિક, સામાજિક, વ્યાવસાયિક, રાજકીય અને સાહિત્યિક ઇતિહાસમાં બનાસકાંઠાનું મહત્ત્વપૂર્ણ પ્રદાન છે.

અહીંની ધરતીએ ફૂલોની સુગંધ, શાયરોની શાયરી અને હીરાની ચમક પારખી લેતાં વેપારીઓ આપ્યાં છે. આમ છતાં બનાસકાંઠામાં હજી કંઈક એવું છે, જે તેમાં તેની પૂરેપૂર ચમક બહાર નથી આવી રહી.

બનાસકાંઠાનો સાક્ષરતા દર રાજ્યમાં છેલ્લેથી બીજા ક્રમે છે. તેમાં પણ મહિલાઓનો સાક્ષરતા દર માત્ર 51 ટકા જેટલો જ છે. જે આ જિલ્લાની સંપૂણ રીતે ચમકતો અટકાવે છે.

બીબીસીની મહિલા બાઇકર્સની ટીમ પણ ગુજરાતના ચૂંટણી ચકરાવાની શરૂઆત બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોથી જ કરી રહી છે.

તમને આ પણ વાંચવું ગમશે

line

બનાસકાંઠાનો વારસો

પાલનપુરનાં ફૂલોનાં અત્તરની સુગંધ દેશ દુનિયામાં પ્રખ્યાત હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાલનપુરનાં ફૂલોનાં અત્તરની સુગંધ દેશ દુનિયામાં પ્રખ્યાત હતી

બનાસકાંઠાનું જિલ્લા મુખ્યમથક પાલનપુર નવાબોના સમયથી ફૂલોની નગરી તરીકે ઓળખાતું હતું. અહીંના ફૂલોનાં અત્તરની સુગંધ દેશ દુનિયામાં પ્રખ્યાત હતી.

આ ઉપરાંત પાલનપુર શહેર સાથે સિદ્ધરાજ જયસિંહના જન્મથી લઈને મૌર્યવંશના શાસનનાં ઐતિહાસિક સંદર્ભો જોડાયેલાં છે.

એટલું જ નહીં, વિશ્વના હીરાના વેપારમાં સુરતથી લઈને એન્ટવર્પ સુધી પાલનપુરી જૈન વેપારીઓનો દબદબો હજી પણ યથાવત્ છે.

ઇતિહાસ અને વેપારમાં નોંધપાત્ર સ્થાન ધરાવતા પાલનપુરનું પ્રદાન વેપાર ઉપરાંત સાહિત્યમાં પણ અવગણી શકાય તેમ નથી.

શૂન્ય પાલનપુરી, સૈફ પાલનપુરી, ઓજસ પાલનપુરી, મુસાફર પાલનપુરી જેવા શાયરો અને ચંદ્રકાંત બક્ષી જેવા ધુરંધર લેખકની જન્મભૂમિ અને કર્મભૂમિ પાલનપુર રહી ચૂક્યું છે.

બનાસકાંઠામાં ગુજરાતના સૌથી મોટાં ધાર્મિક સ્થાનોમાંથી એક અંબાજી શક્તિપીઠ પણ છે. જે કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે.

line

બનાસકાંઠાનું સામાજિક જીવન

વર્ષ 2011ની વસતી ગણતરીને આધારે 65.32 ટકા સાક્ષરતા દર સાથે બનાસકાંઠા રાજ્યમાં છેલ્લેથી બીજા ક્રમે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2011ની વસતી ગણતરીને આધારે 65.32 ટકા સાક્ષરતા દર સાથે બનાસકાંઠા રાજ્યમાં છેલ્લેથી બીજા ક્રમે છે

વર્ષ 2011ની વસતી ગણતરીને આધારે 65.32 ટકા સાક્ષરતા દર સાથે બનાસકાંઠા રાજ્યમાં છેલ્લેથી બીજા ક્રમે છે. અહીં મહિલા સાક્ષરતા દર 51.75 ટકા જેટલો છે.

જો કે આ વિસ્તારમાં શિક્ષણ સાથે જોડાયેલા સરકારી અધિકારીઓના મતે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં બનાસકાંઠામાં દરેક તાલુકા મથકે કોલેજ અને દર 15-20 કિલોમીટરના અંતરે માધ્યમિક શાળાઓની શરૂઆત થવાથી વધુને વધુ છોકરીઓ ઉચ્ચ અભ્યાસમાં જોડાઈ રહી છે.

રાજ્યના આરોગ્ય મંત્રી પણ આ જિલ્લાનાં જ છે. હાલ અહીં વધુને વધુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ તેમાં કામ કરવા માટેના ડૉક્ટર્સની સંખ્યા ખૂબ જ ઓછી છે.

બનાસકાંઠાની મુખ્ય આર્થિક પ્રવૃત્તિઓ ખેતી અને પશુપાલન છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બનાસકાંઠાની મુખ્ય આર્થિક પ્રવૃત્તિઓ ખેતી અને પશુપાલન છે

આમ છતાં અહીંની મોટાભાગની વસતી ખેતી સાથે સંકળાયેલી હોવાને કારણે સરેરાશ જન આરોગ્ય તંદુરસ્ત જોવા મળે છે.

બનાસકાંઠા જિલ્લાની આર્થિક પ્રવૃત્તિઓમાં ખેતી અને પશુપાલન મુખ્ય છે.

બનાસકાંઠાનો ડીસા તાલુકો ગુજરાતમાં બટાકાનું એક મોટું બજાર છે, જ્યાં બટાકાનો મોટા જથ્થામાં સંગ્રહ પણ કરવામાં આવે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બનાસકાંઠાનો ડીસા તાલુકો ગુજરાતમાં બટાકાનું એક મોટું બજાર છે, જ્યાં બટાકાનો મોટા જથ્થામાં સંગ્રહ પણ કરવામાં આવે છે

ડીસા તાલુકો ગુજરાતમાં બટાકાનું એક મોટું બજાર છે, જ્યાં બટાકાનું મોટા જથ્થામાં સંગ્રહ પણ કરવામાં આવે છે.

જિલ્લાની લગભગ 86.7 ટકા જેટલી વસતી ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે. જ્યારે 13.3 ટકા જેટલી વસતી જ શહેર અને નાના નગરમાં રહે છે.

line

રાજકીય મહત્ત્વ

દરેક ચૂંટણીમાં એકાદ બે અપવાદોને બાદ કરતાં ઠાકોર સમાજના મતો મોટાભાગની બેઠકો પર નિર્ણાયક સાબિત થાય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દરેક ચૂંટણીમાં એકાદ બે અપવાદોને બાદ કરતાં ઠાકોર સમાજના મતો મોટાભાગની બેઠકો પર નિર્ણાયક સાબિત થાય છે

ભવ્ય ભૂતકાળ ધરાવતા બનાસકાંઠા જિલ્લાનો વર્તમાન પણ એટલો જ રસપ્રદ છે.

વર્ષ 2011ની વસતી ગણતરી ગુજરાતનો માત્ર 5.47 ટકા વિસ્તાર ધરાવતા આ જિલ્લાએ કોંગ્રેસ અને ભારતીય જનતા પક્ષને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ આપ્યાં છે.

આ જિલ્લામાં રાજકારણ માટે જ્ઞાતિઓ ખૂબ જ મોટો ભાગ ભજવે છે. અહીંના મતદારો મુખ્યત્વે ચૌધરી (આંજણા પાટીદાર), રબારી, ઠાકોર, પાટીદાર અને આદિવાસી જેવા જૂથોમાં વહેંચાયેલા છે.

આ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં બનાસ ડેરી અને બનાસકાંઠા જિલ્લા સહકારી બેંક છે.

જેની પર હાલ ભાજપનું વર્ચસ્વ છે, પરંતુ દરેક ચૂંટણીમાં એકાદ બે અપવાદોને બાદ કરતાં ઠાકોર સમાજના મતો મોટાભાગની બેઠકો પર નિર્ણાયક સાબિત થાય છે.

રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા નોંધાયેલા કુલ મતદારોની સંખ્યા 21 લાખ, 40 હજાર 303 છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા નોંધાયેલા કુલ મતદારોની સંખ્યા 21 લાખ, 40 હજાર 303 છે

હાલમાં ભારતીય જનતા પક્ષની રાજ્યમાં આરોગ્ય રાજ્ય મંત્રી તરીકે શંકર ચૌધરી છે.

જ્યારે કેન્દ્ર સરકારમાં બનાસકાંઠાથી એકાદ અપવાદને બાદ કરતા છેલ્લી ચાર ચૂંટણીઓમાં સતત ચૂંટાતા રહેલા હરિભાઈ ચૌધરી પણ કેન્દ્ર સરકારમાં ગૃહ રાજ્યમંત્રી અને સુક્ષ્મ, લઘુ અને મધ્ય ઉદ્યોગ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કાર્ય બાદ હાલમાં ખાણ અને કોલસા મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કાર્યરત્ છે.

બનાસકાંઠામાંથી સ્વ. બી કે ગઢવી કોંગ્રેસ પક્ષના રાજ્ય એકમના પ્રમુખ તરીકે અને કેન્દ્રીય નાણાં વિભાગમાં રાજ્ય કક્ષાના મંત્રી રહ્યાં હતા.

વર્ષ 2011ની વસતી ગણતરીમાં નોંધાયેલી આ જિલ્લાની કુલ વસતી 31 લાખ 20 હજાર 506 છે.

વર્ષ 2007ની સરખામણીએ વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપને બનાસકાંઠામાં ચાર બેઠકોનું નુકસાન અને કોંગ્રેસને ચાર બેઠકોનો ફાયદો થયો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2007ની સરખામણીએ વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપને બનાસકાંઠામાં ચાર બેઠકોનું નુકસાન અને કોંગ્રેસને ચાર બેઠકોનો ફાયદો થયો હતો

જેમાં અહીં કુલ નવ વિધાનસભા બેઠકોનો મત વિસ્તાર છે. રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા નોંધાયેલા કુલ મતદારોની સંખ્યા 21 લાખ, 40 હજાર 303 છે.

વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં બનાસકાંઠાએ ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટો આંચકો આપ્યો હતો, જે કોંગ્રેસ માટે સુખદ આશ્ચર્ય સાબિત થયું હતું.

વર્ષ 2007માં ભારતીય જનતા પક્ષ આ જિલ્લાની નવ બેઠકોમાંથી આઠ બેઠકો પર વિજયી બન્યો હતો. વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણીમાં બનાસકાંઠામાં 62.57 ટકા મતદાન થયું હતું.

જ્યારે વર્ષ 2012માં મતદાનનું પ્રમાણ વધીને 75.57 ટકા થયું ત્યારે ભાજપને માત્ર ચાર અને કોંગ્રેસને પાંચ બેઠકો પર વિજય પ્રાપ્ત થયો હતો.

વર્ષ 2007ની સરખામણીએ વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપને બનાસકાંઠામાં ચાર બેઠકોનું નુકસાન અને કોંગ્રેસને ચાર બેઠકોનો ફાયદો થયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો