ઓસ્ટ્રેલિયાઃ નાની બાળકીનું ચોરાયેલું ગલૂડિયું તસ્કરોએ પરત કર્યું

ઓસ્ટ્રેલિયામાં એક નાની બાળકીનું ગલૂડિયું ચોર્યા બાદ તસ્કરોએ આ ગલૂડિયું પરત કર્યું છે. ઓસ્ટ્રેલિયાના મેલબૉર્નમાં ગત 6 નવેમ્બરે એક ઘરમાં ચોરી થઈ હતી.

જેમાં ઘરેણાં, લેપટોપ અને આઈપેડની સાથે 'સાશા' નામના એક ગલૂડિયાની પણ ચોરી કરવામાં આવી હતી. 'સાશા' બે મહિનાનો લાબ્રાડોર શ્વાન છે.

આ પરિવારે ઓસ્ટ્રેલિયન સમાચાર માધ્યમોને આપેલાં નિવેદનમાં કહ્યું હતું કે તેમના પરિવારને મોટો ફટકો પડ્યો છે.

કારણ કે આ પરિવારની ચાર વર્ષની પુત્રી માઈયાને આ પપ્પી સાથે ઘનિષ્ઠ મિત્રતા હતી.

તમને આ પણ વાંચવું ગમશે

જો કે નવમી નવેમ્બરે ઘરના બગીચામાંથી તે ગલૂડિયું મળી આવ્યું હતું.

તસ્કરોનું કથિત હૃદય પરિવર્તન થતા તેમણે આ ગલૂડિયું પરત કર્યું હતું.

ચોરી થયા બાદ ગલૂડિયું બીમાર થયું હોવાનો દાવો તેના માલિક કરી રહ્યા છે.

જ્યારે તેની ચોરી કરવામાં આવી તેના એક અઠવાડિયા પહેલાં જ તે પરિવારનો હિસ્સો બન્યું હતું.

નવમી નવેમ્બરે પપ્પી ફરી મળી આવતા આ મામલાની ચર્ચા દેશભરમાં થઈ હતી.

રયાન હૂડે 'ઓસ્ટ્રેલિયાઝ ટુડે' નામના ટી.વી. કાર્યક્રમમાં કહ્યું હતું, "ગલૂડિયું પરત મળવાની અમને કોઈ આશા નહોતી."

"સવારે મારી પત્ની જ્યારે કૉફી બનાવી રહી હતી ત્યારે તેણે બગીચા તરફનો દરવાજો ખોલ્યો હતો."

"તેણે બગીચામાં હલનચલન કરી રહેલી કોઈ વસ્તુ જોઈ. તે અમારું 'સાશા' હતું."

"અમને લાગે છે કે તેની ચોરી કરનાર વ્યક્તિનું હૃદયપરિવર્તન થયું હશે અથવા તેને ગલૂડિયાનો ડર લાગતા તેઓ તેને છોડી ગયા હશે."

મેલબૉર્નનો પોલીસ વિભાગ હજુ પણ આ કેસની તપાસ કરી રહ્યો છે કારણ કે ચોરાયેલી અન્ય વસ્તુઓ વિશે હજુ સુધી કોઈ માહિતી નથી મળી.

સિનિયર કોન્સ્ટેબલ એડમ લેગોએ ઓસ્ટ્રેલિયાના 'એબીસી' ન્યૂઝને આપેલા નિવેદનમાં કહ્યું છે, "ગલૂડિયાની ચોરી કરવી એ કદાચ તસ્કરોના આયોજનનો ભાગ નહોતું. આ થોડી વિચિત્ર ઘટના છે."

"તસ્કરો શું વિચારી રહ્યા છે સમજવું ખરેખર મુશ્કેલ છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો