ટોઈલેટ જતાં જ નજરે પડ્યો અજગર અને મોઢાંમાંથી નીકળી ગઈ ચીસ...

જેને જોવા આપણે પ્રાણી સંગ્રહાલયમાં જવું પડતું હોય, એવો અજગર ઇંગ્લેન્ડની એસેક્સ કાઉન્ટીના સાઉથએન્ડમાં એક ઘરનાં ટોયલેટમાં જોવા મળ્યો.

આ ઘરમાં રહેતાં લૌરા કૉવેલનો પાંચ વર્ષનો દીકરો ટોયલેટ જવા બાથરૂમમાં ગયો અને તરત જ બૂમ પાડતો પાડતો પાછો આવી ગયો. એણે જેવું કોમોડનું ઢાંકણું ઉંચુ કર્યું એમાં મોટો અજગર જોઈને એ હેબતાઇ ગયો.

લૌરા કોવેલે કહ્યું, “ઘણા દિવસોથી અમારૂં ટોઇલેટ બંધ હતું. ફ્લશ કર્યા પછી પણ તેમાં પાણી સારી રીતે વહેતું નહોતું.” એમણે સપનેય નહોતું વિચાર્યું કે એમના ટોઈલેટમાં અજગર અટકેલો હશે.

તેમણે કહ્યું, “જ્યારે મારો દીકરો ટોઇલેટનો ઉપયોગ કરવા ગયો, ત્યારે તેણે જોરથી ચીસ પાડી. હું ત્યાં ગઈ ત્યારે એ ડરથી ધ્રુજતો હતો. મેં સાવરણીથી ઢાંકણું ખોલ્યું તો હું પણ ડઘાઈ ગઈ. અજગરે જીભ બહાર કાઢી અને હું ગભરાઈ ગઈ. મેં તરત જ સાપને બચાવતાં લોકોનો સંપર્ક કર્યોં.”

આખરે તેમની મદદે રોબ યેલ્ડમ આવ્યા. તેમણે જણાવ્યું, “આ અજગર બિનહાનિકારક છે. અમે ત્રણ ફુટ મોટા આ અજગરને પકડી લીધો છે. મેં છેલ્લાં 10 વર્ષમાં ઘણાં સાપને છોડાવ્યા છે, પણ આ પહેલાં ક્યારેય ટોઈલેટમાં સાપ કે અજગર નથી જોયો.”

આ અજગર 91 સેન્ટિમીટર લાંબો બેબી રોયલ પાઇથન હતો. યેલ્ડમે કહ્યું કે, અજગરને કોઈ જ નુકસાન નથી થયું. ટોઇલેટમાં વાપરવામાં આવતાં બ્લીચને કારણે તેની ચામડીને થોડી અસર થઈ હતી. હાલમાં તેને એક પાળેલા જાનવરોનાં સ્ટોરમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. થોડા સમય પછી તેને જંગલમાં છોડી મૂકવામાં આવશે, જેથી તે પાછો કોઈના ટોઇલેટમાં ન પહોંચી જાય.

આ ઘટનાથી ડરી ગયેલાં કૉવેલે તેમનાં ઘરનાં ટોઇલેટની સીટ પર ઉપયોગમાં ન હોય ત્યારે દિવસો સુધી વજન મૂકવાનો નિર્ણય કર્યો છે.