ભારતમાં પ્રથમ વખત ઇક્થિઓસૉરના અશ્મિ મળ્યા

લુપ્ત દરિયાઈ સરીસૃપ ઇક્થિઓસૉરનાં 152 મિલિયન વર્ષ એટલે કે 15 કરોડ વીસ લાખ વર્ષ જૂનાં અશ્મિ ગુજરાતમાંથી મળી આવ્યાં છે.

ભારતમાં પ્રથમ વખત ઇક્થિઓસૉરના અશ્મિ મળ્યાં છે. કચ્છનાં રણમાં ખડકોમાંથી આ અશ્મિ પ્રાપ્ત થયા છે.

આજથી 6 કરોડ વર્ષો પહેલાંના મેસોઝોઇક કાળનાં અશ્મિ હોવાનું માનવામાં આવી રહ્યું છે. અભ્યાસ કરનાર ટીમના પ્રોફેસર ગુન્ટુપલ્લી વીઆર પ્રસાદ કહે છે સાડા પાંચ મીટરનું આ અશ્મિ લગભગ પૂર્ણ રૂપમાં મળી આવ્યું છે.

ખાલી ખોપરી અને પૂંછના હાડકાંના કેટલાક ભાગ નથી. Plos One સાયન્સ જર્નલમાં આ અશ્મિના તારણો છપાયાં છે. આ ટીમમાં ભારત અને જર્મનીના વૈજ્ઞાનિકો સામેલ હતા.

તમને આ વાંચવું પણ ગમશે :

પ્રસાદ કહે છે કે આ એક નોંધનીય શોધ છે કે આ પ્રકારનાં અશ્મિ ભારતમાં પ્રથમ વખત મળ્યા.

પરંતુ તેમના મુજબ એના કરતાં મહત્ત્વની વાત એ છે કે આ શોધ ઇન્ડો-મડાગાસ્કન પ્રદેશમાં ઇક્થિઓસૉરની ઉત્ક્રાંતિ અને વિવિધતા અને જુરાસિકના અન્ય ખંડો સાથે ભારતના જૈવિક જોડાણ પર પ્રકાશ પાડે છે.

આ સંશોધનકર્તા ટીમ માને છે કે નવા મળેલાં અશ્મિને ઓફ્થાલ્મોરસૉરસ સાથે સરખાવી શકાય છે. ઓફ્થાલ્મોરસૉરસ એ ઇક્થિઓસૉરની પ્રજાતિ છે જે નવ કરોડ વર્ષ પહેલાં દરિયામાં વસવાટ કરતી હતી.

ઇક્થિઓસૉર

  • ઘણી વખત તેમને 'તરતાં ડાઇનોસૉર' તરીકે ખોટી રીતે ઓળખવામાં આવે છે.
  • પ્રથમ વખત તેઓ આજથી 19 કરોડ 90 લાખ વર્ષોથી 25 કરોડ 10 લાખ વર્ષો વચ્ચેના સમયગાળામાં જોવાં મળ્યાં હતાં.
  • તેમનું નામ ગરોળી આકારની માછલી સૂચવે છે. 19મી સદીના મધ્ય ભાગથી તેને સરીસૃપ તરીકે વર્ગીકૃત કરાયાં છે.
  • એક થી 14 મીટરની તેમની લંબાઈ હોય છે. સરેરાશ લંબાઈ જો કે બે થી ત્રણ મીટર હોય છે.
  • આ પ્રાણી તેના તીક્ષ્ણ અને મજબૂત દાંત માટે જાણીતું હતું.
  • ડાઇનોસૉર પહેલા જ ઇક્થિઓસૉર લુપ્ત થઈ ગયા હતા.

માહિતી સ્રોત: પૅલિઑન્ટૉલજી એનસાઇક્લોપેએડિયા

આ અશ્મિ મળવાથી એ જાણી શકાશે કે 15 કરોડ વર્ષ પહેલાં ભારત અને દક્ષિણ અમેરિકા વચ્ચે કોઈ દરિયાઈ જોડાણ હતું કે નહીં.

આ અશ્મિના દાંતની તપાસ કરતા લાગી રહ્યું છે કે આ ઇક્થિઓસૉર જે-તે સમયે અવ્વલ શિકારી હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો