વિશાખાપટ્ટનમમાં ધોળા દિવસે મહિલા પર બળાત્કાર, લોકોએ બનાવ્યો વીડિયો

ભોગ બનનાર પીડિતા મહિલા

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, ભોગ બનનાર પીડિતા મહિલાને તબીબી સારવાર આપવામાં આવી છે

આંધ્રપ્રદેશ રાજ્યના વિશાખાપટ્ટનમ શહેરમાં રવિવારની બપોરે એક મહિલા પર બળાત્કાર ગુજાર્યાના આરોપસર આરોપી ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી ગાંજી શિવાએ ધોળે દિવસે જાહેરમાં મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો અને એ સમયે ત્યાંથી લોકો પણ પસાર થઈ રહ્યા હતા.

પોલીસને ઘટનાસ્થળ પર હાજર લોકો પાસેથી આ ઘટનાનો એક વીડિયો પણ પ્રાપ્ત થયો છે.

જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એ સમયે લોકો તે ઘટનાસ્થળની આસપાસ અવર-જવર કરી રહ્યા હતા.

તમને આ વાંચવું પણ ગમશે :

વિશાખાપટ્ટનમ સ્થિત ટુ ટાઉન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સીવી રામન્નાએ બીબીસીને જણાવ્યું હતું કે નશામાં ધુત એક વ્યક્તિએ રવિવારે બપોરે બે વાગ્યે રેલ્વે સ્ટેશન નજીક એક મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી ગાંજી શિવાને કોર્ટમાં હાજર કરવામાં આવશે.

પોલીસ કહે છે કે ભોગ બનનાર પીડિતા મહિલાને તબીબી સારવાર આપવામાં આવી છે જેમાં તેના પર બળાત્કાર થયાની પુષ્ટિ કરવામાં આવી છે.

line

ઘટનાનો વીડિયો

યુવતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રસ્તે જતા લોકોએ આ દુર્ઘટના અટકાવવાનો પ્રયત્ન કર્યો ન હતો

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ત્યાંથી પસાર થઈ રહેલા ઘણા લોકોએ મહિલા પર બળાત્કાર થતો જોયો હતો પરંતુ કોઈએ આ દુર્ઘટના અટકાવવાનો પ્રયત્ન કર્યો ન હતો.

રામન્નાનું કહેવું છે કે પોલીસને આ દુર્ઘટના વિશે કૉલ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચે એ પહેલાં આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.

રામન્નાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બળાત્કાર થતો જોઈને ત્યાં ઘટનાસ્થળે હાજર એક વ્યક્તિએ તેના મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડ કર્યો હતો.

જ્યારે બીજા અન્ય વ્યક્તિએ પોલીસને કૉલ કરીને આ દુર્ઘટના અંગે માહિતગાર કર્યા હતા.

જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો અને વીડિયોના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી રાત્રે તેની ઘરપકડ કરી હતી.

ઘટનાસ્થળે હાજર રહેલા લોકોએ આરોપીની મોટરસાઇકલનો નંબર પણ પોલીસને આપ્યો હતો જેના આધારે આરોપીને પકડવામાં મદદ મળી હતી.

પોલીસ કહે છે કે ભોગ બનનાર પીડિતા વિશાખાપટ્ટનમની નથી. તેના પતિ સાથે વિવાદ થયા બાદ તે રવિવારે સવારે વિશાખાપટ્ટનમ આવી હતી.

પોલીસ ભોગ બનનાર પીડિતા વિશે વધુ માહિતી એકત્ર કરી રહી છે.

રામન્નાનું કહેવું છે કે ઘટનાસ્થળે હાજર લોકો દ્વારા જે વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો એને હવે અદાલતમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો