જ્ઞાનવાપી મસ્જિદમાં સ્થિત વ્યાસ ભોંયરામાં શરૂ થઈ પૂજા, શું છે સમગ્ર મામલો?

વારાણસીની જિલ્લા અદાલતે 31 જાન્યુઆરીના રોજ આપેલા ચુકાદાને લાગુ કરતા જિલ્લા પ્રશાસને ગુરુવારે સવારે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સ્થિત વ્યાસ ભોંયરામાં પૂજા-અર્ચના શરૂ કરાવી દીધી છે.

બીબીસી સંવાદદાતા અનંત ઝણાણેંએ જણાવ્યું છે કે વારાણસીના જિલ્લાધિકારી એસ. રાજાલિંગમે ગુુરુવારે પત્રકારોને જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું, "મને જે ન્યાયાલયનો ઑર્ડર છે, તેનું પાલન કરવામાં આવ્યું છે."

જ્યારે તેમને જ્ઞાનવાપી પરિસર સ્થિત વ્યાસ ભોંયરાની સામેના બેરિકેડિંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે પણ તેમણે કહ્યું કે કોર્ટના ઑર્ડરનું પાલન કરવામાં આવ્યું.

જ્યારે પત્રકારોએ ડીએમને પૂછ્યું કે શું પૂજા કરવામાં આવી હતી, તો તેમણે ફરીથી એ જ જવાબ આપ્યો, "કોર્ટે જે કહ્યું છે તેનું પાલન કરવામાં આવ્યું છે."

એ પણ એક સંયોગ છે કે 38 વર્ષ પહેલા 1986માં 1લી ફેબ્રુઆરીએ અયોધ્યાની બાબરી મસ્જિદનું તાળું ખોલવામાં આવ્યું હતું.

આ મામલામાં અરજદાર સોહનલાલ આર્યએ ગુરુવારે એએનઆઈ સાથેની વાતચીતમાં પુષ્ટિ કરી હતી કે વ્યાસ ભોંયરામાં જવાનો રસ્તો બનાવવામાં આવ્યો છે, પરંતુ શ્રદ્ધાળુઓને અત્યારે ત્યાં જવાની મંજૂરી નથી.

તેમણે કહ્યું, "આજે (ગુરુવાર) ખૂબ જ ગર્વની ક્ષણ છે. અમે રોમાંચિત છીએ. જિલ્લા ન્યાયાધીશનો ગઈકાલનો નિર્ણય અભૂતપૂર્વ લાગતો હતો. અત્યારે ત્યાંની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ અત્યારે જનતાને ત્યાં જવાની મંજૂરી નથી. અમે 40 વર્ષથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા."

સોહનલાલ આર્યના જણાવ્યા અનુસાર, "અત્યારે ભોંયરામાં જવા માટે નંદીની બાજુથી (ઉત્તર તરફ) એક અલગ દરવાજો બનાવવામાં આવ્યો છે. ત્યાં ત્રણ પોલીસકર્મી તહેનાત હતા. અમે તેમને અમને દર્શન કરવાની પરવાનગી આપવા કહ્યું. તેમણે કહ્યું કે, અત્યારે દર્શન અને પૂજા કરવાનો કોઈ અધિકાર નથી, બધા ભક્તોને તે અધિકાર મળતાં જ ત્યાં જવા દેવામાં આવશે."

અગાઉ, વારાણસીના કલેક્ટર એસ. રાજાલિંગમ પોલીસ અને વહીવટીતંત્રના અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે કાશી કોરિડોરના ગેટ નંબર ચારથી લગભગ 11 વાગ્યે અંદર ગયા હતા. ત્યાંથી જ્ઞાનવાપી સંકુલની અંદર જવાનો રસ્તો છે.

તે જ સમયે, ઘણા મજૂરો જ્ઞાનવાપી સંકુલની આસપાસના બેરિકેડનો કેટલોક ભાગ કાપીને વિશ્વનાથ મંદિર પરિસરમાં સ્થિત નંદી પ્રતિમાની સામે રસ્તો બનાવવા માટે ત્યાં પહોંચ્યા હતા.

ત્યાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો પણ તહેનાત હતા. વારાણસી પોલીસ કમિશનર અશોક જૈને કહ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

લગભગ ત્રણ કલાક પછી, એટલે કે મોડી રાત્રે 2 વાગ્યે કલેક્ટર એસ. રાજાલિંગમ પરિસરમાંથી બહાર આવ્યા અને મીડિયાને કહ્યું કે, "કોર્ટના આદેશનું પાલન કરવામાં આવ્યું છે."

કોર્ટે હિન્દુ પક્ષની તરફેણમાં ચુકાદો આપ્યો હતો

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર કોર્ટે વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં પૂજાના અધિકાર બાબતે હિંદુ પક્ષકારોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

નિર્ણયના સાત દિવસમાં સીલબંધ ભોંયરામાં પૂજાપાઠ શરૂ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

આદેશમાં લખાયું છે કે "વાદી તથા કાશી વિશ્વનાથ ટ્રસ્ટ બોર્ડ દ્વારા જેમનું નામાંકન કરાય એ પૂજારી પાસેથી ભોંયરામાં સ્થિત મૂર્તિઓની પૂજા, રાગ-ભોગ કરાવાય. આ આદેશના અમલ માટે સાત દિવસની અંદર વાડ વગેરેનો યોગ્ય પ્રબંધ કરાય."

આદેશ બાદ જ્ઞાનવાપી કેસના હિંદુ પક્ષના અરજદારો અને વકીલો ઉત્સાહમાં જણાઈ રહ્યા હતા.

હિંદુ પક્ષના વકીલ સુભાષનંદન ચતુર્વેદીએ આ અંગે કહ્યું હતું કે, “આજે ‘વ્યાસ કા તહખાના’માં પૂજા કરવાની પરવાનગી આપી દેવાઈ છે અને આ હુકમનો અમલ કરાવવા કોર્ટે ડિસ્ટ્રિક્ટ ઑફિસરને એક અઠવાડિયાનો સમય અપાયો છે.”

વધુ એક ઍડ્વોકેટ વિષ્ણુશંકર જૈને આ અંગે માહિતી આપતાં કહ્યું હતું કે, “પૂજા કરવાનું સાત દિવસમાં શરૂ કરી દેવાશે. બધાની પાસે અહીં પૂજા કરવાનો અધિકાર હશે.”

જૈને કહ્યું, “કાશી વિશ્વનાથ ટ્રસ્ટ નક્કી કરશે કે પૂજા કેવી રીતે થશે. તેમને આ અંગે વધુ ખબર પડે છે. અમારું કામ કાયદાકીય હતું, જે અમે પૂરું કર્યું. હવે કાશી વિશ્વનાથ ટ્રસ્ટ પર આધાર છે કે કે પૂજા શરૂ થાય. ભક્તોથી માંડીને પૂજારી વગેરે તમામને પરવાનગી હશે.”

“હું કહેવા માગું છું કે જો જસ્ટિસ કે. એમ. પાંડેયે 1 ફેબ્રુઆરી, 1986ના રોજ રામમંદિરમાં તાળું ખોલવાનો આદેશ આપ્યો હતો. હું આજે આ હુકમને એની સરખામણીમાં જ જોઈ રહ્યો છું. આ કેસ ટર્નિગ પૉઇન્ટ છે. એક સરકારે પોતાની તાકતનો દુરુપયોગ કરીને હિંદુ સમાજના પૂજાપાઠ પર રોક લગાવી દીધી હતી. આજે કોર્ટે તે પોતાની કલમથી ઠીક કર્યું છે.”

નોંધનીય છે કે આ પહેલાં વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સર્વે કરનાર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)એ જણાવ્યું છે કે વર્તમાન ઢાંચાના નિર્માણ પહેલાં ત્યાં એક મંદિર હતું.

એએસઆઈના સર્વેમાં શું સામે આવ્યું?

વારાણસી જિલ્લા અદાલતે ગયા વર્ષે જુલાઈમાં એએસઆઈને મસ્જિદ પરિસરનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો.

હવે જાહેર કરવામાં આવેલા એએસઆઈના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ચાર મહિના પહેલાં કરવામાં આવેલા સર્વેક્ષણમાં વૈજ્ઞાનિક અધ્યયન-સર્વે, વાસ્તુશિલ્પ અવશેષો, વિશેષતાઓ, કળાકૃતિઓ, શિલાલેખો, કળા અને મૂર્તિઓના અધ્યયનના આધારે એવું આસાનીથી કહી શકાય કે વર્તમાન સંરચનાના નિર્માણ પહેલાં ત્યાં એક મંદિર હતું.

મુસ્લિમ પક્ષનું કહેવું છે કે તેમને પણ એએસઆઈના રિપોર્ટની કોપી મળી ગઈ હતી અને હવે એ તેમના વકીલો પાસે છે.

જ્ઞાનવાપી મસ્જિદનું વહીવટી કાર્ય સંભાળતી અંજુમન ઇંતેજામિયા મસ્જિદના જોઇન્ટ સેક્રેટરી એસ. એમ. યાસીને કહ્યું હતું, “આ એક રિપોર્ટ છે. ચુકાદો નથી. રિપોર્ટ લગભગ 839 પાનાંનો છે. તેના અભ્યાસ, વિશ્લેષણમાં સમય લાગશે. નિષ્ણાતોનો અભિપ્રાય લેવામાં આવશે અને ત્યારબાદ અદાલતમાં રજૂઆત કરવામાં આવશે.”

મસ્જિદ પક્ષનું માનવું છે કે જ્ઞાનવાપી મસ્જિદમાં બાદશાહ અકબરના લગભગ 150 વર્ષ પહેલાંથી મુસ્લિમો નમાજ પઢતા રહ્યા છે. એસ. એમ. યાસીને કહ્યું હતું, “આગળ અલ્લાહની મરજી. અમારી જવાબદારી મસ્જિદને આબાદ રાખવાની છે. નિરાશા હરામ છે. ધીરજ રાખવી પડશે. ચર્ચા ટાળવાની વિનંતી છે.”

બીબીસીને 800થી વધુ પાનાંના રિપોર્ટમાં નોંધાયેલા નિષ્કર્ષની કોપી આ કેસના મુખ્ય વાદી રાખી સિંહના વકીલ અનુપમ દ્વિવેદી પાસેથી પ્રાપ્ત થઈ છે.

એએસઆઈના રિપોર્ટમાં જણાવ્યા મુજબ, “એક ઓરડાની અંદરથી મળેલા અરબી-ફારસીમાં લખવામાં આવેલા શિલાલેખમાં એ વાતનો ઉલ્લેખ છે કે મસ્જિદનું નિર્માણ ઔરંગઝેબના શાસનકાળના વીસમા વર્ષ (1676-77)માં કરવામાં આવ્યું હતું. તેથી એવું જણાય છે કે 17મી સદીમાં ઔરંગઝેબના શાસન દરમિયાન અગાઉના માળખાનો નાશ કરવામાં આવ્યો હતો અને તેના કેટલાક હિસ્સામાં ફેરફાર કરીને હાલની સંરચનામાં ઉપયોગમાં લેવાયા હતા.”

જ્ઞાનવારી મસ્જિદમાં સીલ કરવામાં આવેલા વજૂખાનાનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ એએસઆઈના આ સર્વેમાં કરવામાં આવ્યું નથી.

હિંદુ પક્ષનો દાવો છે કે વજૂખાનામાં શિવલિંગ છે, જેને મસ્જિદ પક્ષ ફુવારો ગણાવે છે.

ભોંયરામાંથી શું મળ્યું?

એએસઆઈના જણાવ્યા મુજબ, મસ્જિદમાં ઇબાદત માટે તેના પૂર્વ હિસ્સામાં ભંડકિયાં બનાવવામાં આવ્યાં હતાં અને મસ્જિદમાં ચબૂતરા તથા વધુ જગ્યા બનાવવામાં આવી હતી, જેથી વધુમાં વધુ લોકો નમાજ પઢી શકે.

એએસઆઈ જણાવે છે કે પૂર્વ હિસ્સામાં ભંડકિયું બનાવવા માટે મંદિરના સ્તંભોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

એન 2 નામના એક ભંડકિયામાં એક સ્તંભનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના પર ઘંટડી, દીપક રાખવાની જગ્યા અને સંવતના શિલાલેખ મોજૂદ છે.

એસ 2 નામના ભંડકિયામાં માટી નીચે દટાયેલી હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ મળી આવી છે.

પહેલાં શું બન્યું હતું મંદિર કે મસ્જિદ?

તમે મસ્જિદ અને મંદિર બંને પક્ષો તરફથી રજૂ કરવામાં આવેલા કાનૂની દસ્તાવેજોને ઝીણવટભરી રીતે જોશો તો તમારા મનમાં આ વિવાદ અંગ એક સવાલ એ થશે કે અહીં પ્રથમ શું બન્યું હતું - મંદિર કે પછી મસ્જિદ?

આ જ સવાલ આ મુદ્દા પર ચાલી રહેલી કાનૂની લડતના પાયામાં છે.

પ્રથમ જાણીએ કે મંદિરની સ્થાપના અને તેના અસ્તિત્વ વિશે હિન્દુ પક્ષનું શું કહેવું છે અને મુસ્લિમ પક્ષ મસ્જિદના અસ્તિત્વ વિશે શું જણાવી રહ્યો છે.

મંદિરપક્ષ જણાવે છે કે ભગવાન વિશ્વેશ્વરનું મંદિર આજથી લગભગ 2050 વર્ષ પહેલાં રાજા વિક્રમાદિત્યે બનાવ્યું હતું. મંદિરના સ્થાને અગાઉથી પૌરાણિક કાળથી ભગવાન શિવનું સ્વંયભૂ જ્યોર્તિલિંગ ઉપસ્થિત હતું. તે ભગવાન વિશ્વેશ્વરના નામથી લોકપ્રિય હતું. આ મંદિર ભારતમાં મુસ્લિમ શાસકોના શાસનકાળથી પણ પહેલાં અસ્તિત્વમાં હતું. મંદિરપક્ષના જણાવ્યા અનુસાર આ જ્યોર્તિલિંગ દેશભરમાં ફેલાયેલાં 12 જ્યોર્તિલિંગમાંથી સૌથી પવિત્ર મનાય છે.

મસ્જિદપક્ષનો દાવો છે કે મસ્જિદ એક હજાર વર્ષ જૂની છે, જ્યાં મુસ્લિમો રોજ નમાજ અદા કરે છે.

મસ્જિદપક્ષનું કહેવું છે કે પ્લૉટ નંબર 9130 પર બનેલા માળખાનું નામ આલમગીરી અથવા જ્ઞાનવાપી છે.

ઔરંગઝેબે મંદિર ધ્વસ્ત કરવાનું ફરમાન આપ્યું હતું?

મંદિરપક્ષ તરફથી રજૂ થયેલા દાવામાં સૌથી અગત્યનો દાવો એ છે કે આદિ વિશ્વેશ્વર મંદિરને મોગલ શાસક ઔરંગઝેબના સમયે તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની ઉપર જ જ્ઞાનવાપી મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સાકી મુસ્તાદખાનને લખેલા પુસ્તક 'માસિર-એ-આલમગીર'ને ટાંકીને મંદિરપક્ષ આ દાવો કરે છે. આ પુસ્તકને ઔરંગઝેબના શાસનના ઇતિહાસ તરીકે ગણવામાં આવે છે.

મંદિરપક્ષના જણાવ્યા અનુસાર 'માસિર-એ-આલમગીર'માં નીચે પ્રમાણે લખાયેલું છે:

"18 એપ્રિલ 1669ના રોજ સમ્રાટ ઔરંગઝેબને ખોટી માહિતી પહોંચી હતી કે (હાલમાં પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં આવેલા) થટ્ટા, મુલતાન અને બનારસમાં કેટલાક મૂર્ખ બ્રાહ્મણ શેતાની વિદ્યા ભણાવે છે, જેને હિન્દુઓની સાથોસાથ મુસલમાનો પણ શીખી રહ્યા છે."

પુસ્તકમાં વધુમાં લખાયું છે:

"એટલે સમ્રાટ ઔરંગઝેબે કાફરોનાં આવાં વિદ્યાલયો અને મંદિરોને તોડી પાડવા માટેનો આદેશ કર્યો હતો અને અધિકારીઓને મૂર્તિપૂજાની રીત બિલકુલ અટકાવી દેવા માટે આદેશ અપાયો હતો."

મંદિરના હિસ્સાને તોડી પાડવામાં આવ્યો તે વિશે પુસ્તકમાં લખ્યું છે કે:

"18મી રબી-ઉલ-આખિરના રોજ બાદશાહ ઔરંગઝેબેના આદેશનું પાલન કરીને કેટલાક શાહી અધિકારીઓએ જ્ઞાનવાપી પરિસરમાં બનેલા ભગવાન વિશ્વેશ્વરના મંદિરને આંશિક રીતે નષ્ટ કરી દીધું હતું."

મંદિરપક્ષના વકીલ વિજય શંકર રસ્તોગીએ પોતાની અરજીમાં લખ્યું છે, "વિશ્વનાથ એટલે કે વિશ્વેશ્વર મંદિરના વિધ્વંસની આ ઘટનાઓનો ઉલ્લેખ 'એશિયાટિક સોસાયટી ઑફ બંગાલ' દ્વારા 1871માં અરબી ભાષામાં છપાયેલા 'માસિર-એ-આલમગીર' પુસ્તકમાં કરવામાં આવ્યો છે."

મંદિરપક્ષ તરફ કરવામાં આવેલા આ દાવાઓની સામે મસ્જિદ પક્ષનું કહેવું છે કે, "1669માં કોઈ બાદશાહના ફરમાન આધારે કોઈ મંદિર તોડી પાડવામાં આવ્યું નહોતું. મસ્જિદ 'અંજુમન ઇન્જેઝામિયા મસાજિદ'ના કબજામાં જ રહી છે અને અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થાના કબજામાં ક્યારેય રહી નથી."

મસ્જિદપક્ષ મંદિરપક્ષના દાવાઓ વિશે વધુમાં જણાવે છે કે, “હિન્દુ પક્ષનો દાવો છે કે 15 ઑગસ્ટ 1947 પહેલાં ઔરંગઝેબે માળખું તોડી પાડવા માટે આદેશ આપ્યો હતો. તે માટે તે લોકો પુસ્તકોનો હવાલો આપે છે. અમે પૂછવા માગીએ છીએ કે જે સ્રોતોના આધાર તેઓ લઈ રહ્યા છે તે ભારત અથવા ઉત્તર પ્રદેશના સરકારના રાજપત્રો છે ખરા? કોઈએ ત્યાં જઈને કંઈ લખ્યું હશે કે જોયું હશે. અમે લેખકના ઈરાદા વિશે શંકા નથી કરતા, પરંતુ અમારા માટે એક 'કટ ઑફ ડેટ' 15 ઑગસ્ટ, 1947 છે. અમારા માટે 300 વર્ષ, 700 વર્ષ કે 1500 વર્ષના ઇતિહાસને જોવાનો કોઈ મતલબ નથી.”

જ્ઞાનવાપી નામ કેવી રીતે આવ્યું?

આ વિશે મંદિરપક્ષનું માનવું છે કે હાલમાં જ્ઞાનવાપી પરિસર છે તેની અંદર એક પ્રાચીન કૂવો છે, જેને સ્વંય ભગવાન વિશ્વેશ્વરે સતયુગમાં પોતાના ત્રિશૂળથી ખોદ્યો હતો. આજે પણ તે કૂવો પોતાની મૂળ જગ્યા છે. આ કૂવાનું નામ જ્ઞાનવાપી પડ્યું હતું અને તેના કારણે સમગ્ર પરિસરનું નામ જ્ઞાનવાપી થયું હતું, મસ્જિદ અહીં બનેલી છે.

પોતાની અરજીમાં મંદિરપક્ષે લખ્યું છે કે મોગલ શહેનશાહ અકબરના શાસન વખતે, “સંત શ્રી નારાયણ ભટ્ટના આગ્રહથી કાશી વિશ્વનાથ મંદિરના પુનર્નિર્માણ માટેની મંજૂરી મળી હતી. જ્ઞાનવાપી પરિસરમાં મંદિરને તેના મૂળ સ્થાને નારાયણ ભટ્ટે પોતાના શિષ્ય અને બાદશાહ અકબરના નાણાપ્રધાન રાજા ટોડરમલની મદદથી નવેસરથી બનાવ્યું હતું."