IPL 2024 :દિલ્હીની ટીમનો એ નિર્ણય જેના કારણે કેકેઆરના સુનિલ નારાયણની ઇનિંગ મોંઘી પડી

કલકત્તા નાઇટરાઇડર્સે (કેકેઆર) બુધવારે રમાયેલા મૅચમાં દિલ્હી કેપિટલ્સ (ડીસી) સામે ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

સુનિલ નારાયણે કેકેઆર તરફથી ઓપનિંગ કરતા એક આક્રમક શરૂઆત આપી હતી અને માત્ર 21 બૉલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. પાવરપ્લેના અંતે ટીમનો સ્કોર એક વિકેટે 88 રન હતો.

અંગકૃષ રધુવંશી અને આન્દ્રે રસેલે પણ નારાયણનો સારો સાથ આપ્યો અને કેકેઆરે ડીસી વિરુદ્ધ આઈપીએલના ઇતિહાસનો બીજો સૌથી મોટો સ્કોર ખડક્યો. કેકેઆરે 20 ઓવરના અંતે સાત વિકેટ ગુમાવીને 272 રન ફટકાર્યા.

દિલ્હી કૅપિટલ્સ તરફથી નોર્ખ્યાએ સૌથી વધારે ત્રણ વિકેટો ઝડપી પરંતુ તેમણે પોતાની ચાર ઓવરમાં 59 રન પણ આપ્યા. ઈશાંત શર્માને પણ બે સફળતા મળી હતી. જ્યારે ખલીલ અહેમદ અને મિચેલ માર્શને એક-એક વિકેટ મળી હતી.

એક વિશાળ લક્ષ્યનો પીછો કરતા ડીસી સમયાંતરે વિકેટો ગુમાવતી રહી અને ટીમનો 106 રને કારમો પરાજય થયો હતો. દિલ્હી કૅપિટલ્સ તરફથી કૅપ્ટન ઋષભ પંતે સૌથી વધારે 55 રન ફટકાર્યા હતા. અને ટ્રિસ્ટન સ્ટબ્સે 54 રન બનાવ્યા. આ સિવાય અન્ય બૅટ્સમૅનો મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા.

કેકેઆર તરફથી વૈભવ અરોરા અને વરૂણ ચક્રવતીએ સૌથી વધુ ત્રણ-ત્રણ વિકેટો ઝડપી, જ્યારે સ્ટાર્કને બે અને આન્દ્રે રસેલ અને સુનિલ નારાયણને એક-એક સફળતા મળી હતી.

નારાયણની તોફાની બૅટિંગ

સુનિલ નારાયણે પોતાની 39 બૉલની ઇનિંગમાં સાત ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 218ની સ્ટ્રાઇક રેટ સાથે 85 રન ફટકાર્યા હતા.

જોકે, કેકેઆરની ઇનિંગની ચોથી ઓવરમાં ઈશાંત શર્માના એક બૉલને ફટકારવા જતા સુનિલ નારાયણના બૅટની એજ લાગી અને કિપર પાસે ગયો. જોકે, દિલ્હીના વિકેટકીપર અને કૅપ્ટન પંતે રિવ્યુ લેવામાં મોડું કર્યું. એ સમયે સુનિલ નારાયણે ત્યારે માત્ર 24 રન કર્યા હતા.

ગૌતમ ગંભીર આ સિઝનમાં ફરીથી કેકેઆર સાથે મેન્ટોર જોડાયા છે અને તેની સાથે જ સુનિલ નારાયણે કેકેઆર તરફથી ફરીથી ઑપનિંગ કરવાની શરૂઆત કરી છે.

જોકે, નારાયણની ઑપનર તરીકે પ્રથમ મૅચમાં શરૂઆત ખૂબ સારી ન હતી અને તેઓ સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ ચાર બૉલમાં માત્ર બે રન કરીને પોતાની વિકેટ ગુમાવી. જોકે, નારાયણે બીજી મૅચમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ તાબડતોબ 47 રન ફટકાર્યા હતા. તેમને બે ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી માત્ર 22 બૉલમાં જ 47 રન ખડક્યા અને આ માટે તેઓ મૅન ઑફ ધી મૅચ પણ બન્યા હતા.

નારાયણ આ સિઝનની પ્રથમ ત્રણ મૅચમાં 44.66ની એવરેજ અને 200થી વધારે સ્ટ્રાઇક રેટ સાથે 134 રન ફટકારી ચૂક્યા છે.

દિલ્હી કૅપિટલ્સનું નિરાશાજનક પ્રદર્શન

દિલ્હી કૅપિટલ્સને પહેલી ચાર મૅચમાંથી ત્રણ મૅચમાં હારનો સામનો કરવો પડ્યો છે અને ટીમ હાલમાં પૉઇન્ટસ ટેબલ પર નવમા સ્થાન પર છે. દિલ્હી કૅપિટલ્સના બૉલરો પાસે જાણે નારાયણ, રસેલ અને રધુવંશીની તોફાની બૅટિંગને રોકવાની કોઈ રણનીતિ જ ન હતી. જ્યારે કૅપ્ટન પંત અને ટ્રિસ્ટન સ્ટબ્સ સિવાયના બૅટ્સમૅનોનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું.

જોકે, ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે દિલ્હી કૅપિટલ્સ તરફથી સારા સમાચાર એ છે કે લાંબા સમય પછી મેદાન પર વાપસી કરી રહેલા ઋષભ પંત ધીરે-ધીરે પોતાની લયમાં આવતા નજરે પડે છે. પંતે છેલ્લી બન્ને મૅચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને કેકેઆર વિરુદ્ધ અડધી સદી ફટકારી છે.

ઋષભ પંતે કેકેઆર વિરુદ્ધ માત્ર 25 બૉલમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 220ની સ્ટ્રાઇક રેટ સાથે 55 રન ફટકાર્યા હતા. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ સામે તેમણે ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 159.37ની સ્ટ્રાઇક રેટ સાથે 32 બૉલમાં 51 રન ફટકારીને ટીમની એકમાત્ર જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

મૅન ઑફ ધી મૅચ સુનિલ નારાયણ

ગઈકાલે દિલ્હી કૅપિટલ્સ વિરુદ્ધ રમાયેલી મૅચમાં પણ સુનિલ નારાયણને પોતાનો આક્રમક અંદાજ જાળવી રાખ્યો અને 200થી વધારેની સ્ટ્રાઇક રેટ સાથે 85 રન ફટકાર્યા અને બૉલિંગમાં એક વિકેટ પણ ઝડપી. તેમના આ પ્રદર્શન માટે તેમને મૅન ઑફ ધી મૅચનો એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ સિઝનમાં કેકેઆરે રમેલી ત્રણ મૅચમાંથી બે મૅચમાં સુનિલ નારાયણને મૅન ઑફ ધી મૅચનો ઍવૉર્ડ મળ્યો છે.

ઍવૉર્ડ મેળવ્યા બાદ સુનિલ નારાયણે કહ્યું, "ક્રિકેટ સંપૂર્ણ રીતે બૅટિંગ પર આધારિત છે તેથી હું મારી બૅટિંગ વડે પણ ટીમને બને તેટલી મદદ કરવાની કોશિશ કરું છું. મને એક જવાબદારી આપવામાં આવી છે. સૉલ્ટ પણ એક આક્રમક બૅટ્સમૅન છે જેથી મારા પર વધારે દબાણ નથી રહેતું. આ પ્રકારની વિકેટ પર અમે મોટા અંતરે જીતવા માગતા હતા જેનો ફાયદો ટુર્નામેન્ટમાં પાછળથી મળી શકે."

કેકેઆરે આઈપીએલ 2024ની ધમાકેદાર શરૂઆત કરી છે અને પોતાના ત્રણેય મૅચ જીતીને પૉઇન્ટસ ટેબલ પર હાલ પ્રથમ સ્થાન પર છે.