You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત ટાઇટન્સનો એ ખેલાડી જેના ચક્રવ્યૂહમાં ભલભલા બૅટ્સમૅનો ફસાઈ જાય છે
- લેેખક, અર્ણવ વસાવડા
- પદ, બીબીસી ગુજરાતી
‘મોટા ભાગના બૅટ્સમૅનોમાં એવું બનતું હોય છે કે આ સ્પિનરનો ચાર ઓવરનો સ્પેલ નિકળી જાય એની રાહ જોતા હોય છે. એકવાર ચાર ઓવર આની પતી જાયને પછી આપણે સંભાળી લઈશું એવું બૅટ્સમૅનો વિચારતા હોય છે.’- તુષાર ત્રિવેદી, વરિષ્ઠ ખેલ પત્રકાર
‘ઘણી બધી ટીમ એ માઇન્ડ સેટ સાથે ઊતરતી હોય છે કે આ સ્પિનરની ચાર ઓવર પસાર કરી લેવી અને પછીની 16 ઑવર આપણે રમી લઈશું’ – ચિંતન બુચ, ખેલ પત્રકાર
આ ખેલાડી બીજું કોઈ નહીં પણ હાલમાં જ પાકિસ્તાન સામે ટી20 સિરીઝમાં પહેલી વખત જીતનાર અફઘાનિસ્તાનની ટી20 ટીમના કપ્તાન અને આજના સમયમાં સૌથી સર્વશ્રેષ્ઠ લેગ સ્પિનર પૈકીના એક રાશિદ ખાન છે.
એ રાશિદ ખાન જે શુક્રવારથી શરૂ થનારી આઈપીએલ 2023માં ગુજરાત ટાઇટન્સ તરફથી એકવાર ફરી મેદાનમાં ઊતરશે.
ગુજરાત ટાઇટન્સનું નામ જ્યારથી આઈપીએલમાં ચર્ચામાં આવ્યું ત્યારથી આ ટીમે પોતાના ટીકાકારોને ખોટા સાબિત કર્યા છે. પછી એ કપ્તાન તરીકે હાર્દિક પંડ્યા હોય કે પછી વર્ષ 2022માં પ્રથમ વખત આઈપીએલ વિજેતા બનવાની વાત હોય.
એટલું જ નહીં પરંતુ ગુજરાત ટાઇટન્સના અમુક નિર્ણય તો એવા રહ્યા જેણે ભારત અને અફઘાનિસ્તાન બન્નેને ટી20ના નવા કપ્તાન ભેટમાં આપ્યા. ભારતને હાર્દિક પંડ્યા જ્યારે અફઘાનિસ્તાનને રાશિદ ખાન.
હાલમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શારજહાંમાં ટી20 સિરીઝનું આયોજન થયું જેમાં રાશિદ ખાનની કપ્તાનીમાં પહેલી વખત એવું બન્યું કે અફઘાનિસ્તાન સામે પાકિસ્તાનને સિરીઝમાં હારનો સ્વાદ ચાખવો પડ્યો.
આ પહેલાં યુએઈ સામે યોજાયેલી ટી20 સિરીઝમાં પણ રાશિદ ખાને પોતાની બૉલિંગને લઈને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અફઘાનિસ્તાન તરફથી રમતા લેગ સ્પિનર રાશિદ ખાને પાછલી પાંચ ટી20 મૅચમાં પોતાના સ્પિનનો એવી તે માયાજાળ ફેલાવી કે તેમણે નાખેલા કુલ 120 બૉલમાં માત્ર ચાર બૉલ એવા હતા જ્યારે કોઈ બૅટ્સમૅને તેમની ઓવરમાં ફૉર કે સિક્સ મારી હોય. બાકી તમામ 116 બૉલમાં બૅટ્સમૅનની હિંમત ન ચાલી કે તેઓ રાશિદ ખાનને ફૉર કે સિક્સ ફટકારી શકે.
આ પાંચ મૅચમાં રાશિદ ખાને 20 ઓવર નાખી જેમાં તેમણે કુલ 94 રન આપી પાંચ વિકેટ ઝડપી અને તેમનો સર્વશ્રેષ્ઠ ઇકૉનૉમી 3.75 રનનો રહ્યો હતો.
રાશિદ ખાન સામે આખરે કેમ બૅટ્સમૅન રમી નથી શકતા?
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ખેલ પત્રકાર ચિંતન બુચ જણાવે છે, "રાશિદ ખાન ટીમમાં હોવાનો મોટો ફાયદો એ છે કે દુનિયાની લગભગ કોઈ લીગ બાકી નહીં હોય જ્યાં તે રમ્યા ના હોય, જેના કારણે તેમની પાસે દરેક પરિસ્થિતિ, દરેક ખેલાડી સાથે રમવાનો વિશાળ અનુભવ છે. "
"ઘણા સ્પિનર છે જે નથી ચાલી રહ્યા કારણ કે તેમની બૉલિંગ રીડ થવા લાગી, પરંતુ રાશિદ ખાનને ખબર છે કે હું ઘણું બધું ક્રિકેટ રમી રહ્યો છું એટલે મારે ઘણાં બધાં વૅપન્સ ઉમેરવા પડશે, એટલે તમે જોશો કે તેની ગૂગલી હોય કે ઑફસ્ટમ્પની બહાર બૉલને મૂવ કરવાની વાત હોય, એ દરેકમાં નવી નવી રીત ઉમેરતા રહે છે. એટલે એ અન્ય બૉલર્સ કરતાં એક સ્ટેપ આગળ રહે છે."
તો વરિષ્ઠ ખેલ પત્રકાર તુષાર ત્રિવેદી બીબીસી ગુજરાતીને જણાવે છે, "રાશિદ ખાન ટીપીકલ લેગ સ્પિનર છે અને લેગ સ્પિનરની જો લાઇન ઍન્ડ લૅન્થ સરખી રહેતી હોયને તો એ હંમેશાં સારી બૉલિંગ કરે."
"રાશિદ ખાન પાસે તેમની લાઇન અને લૅન્થને લઈને એટલી મજબૂત પકડ છે કે જો બૅટ્સમૅન આગળ વધીને રમવાનો પ્રયત્ન કરે તો પણ અને બૅકફૂટ જાય તો પણ તેમને તકલીફ પડે છે. એટલે ટીપીકલ લેગ સ્પિન અને લાઇન લૅન્થની પકડ તેમનું મુખ્ય જમા પાસું છે."
આ વખતે આઈપીએલમાં ‘રાશિદ ખાન Vs ધોની, રોહિત અને કોહલી’
'ગુજરાત ટાઇટન્સ ' અને 'ચેન્નઈ સુપરકિંગ્સ' વચ્ચે વર્ષ 2023ની પ્રથમ આઈપીએલ મૅચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. ત્યારે સવાલ એ થાય કે આ વર્ષે ગુજરાત ટાઇટન્સ માટે રાશિદ ખાન ઊતરશે તો સામે પક્ષે એવા કયા બૅટ્સમૅન છે જે તેમને પડકાર આપી શકે એમ છે?
આ વિષય પર વરિષ્ઠ ખેલ પત્રકાર તુષાર ત્રિવેદીનું માનવું છે કે, "આ વખતે ધોની, રોહિત શર્મા અને વિરાટ કોહલી રાશિદ ખાન સામે આક્રમકતા દેખાડવા તત્પર હશે અને ખાસ કરીને ધોની અને રોહિત, કારણ કે ગત સિઝનમાં ચેન્નઈ અને મુંબઈનો દેખાવ એટલો સારો નહોતો રહ્યો એટલે રાશિદ ખાન જ્યારે બૉલિંગ કરવા ઉતરશે ત્યારે આ બન્ને ટીમના ખેલાડીઓ તેમના પર હાવી થવાનો પ્રયાસ કરશે. "
"જોકે, સાથે જ જો વિરોધી ટીમના બૅટ્સમૅન વળતો પ્રહાર કરવાનો પ્રયાસ કરશે તો બની શકે કે રાશિદ ખાન તેમના પર ભારે પડે."
તો આ વર્ષે ભારતમાં રમાનારી આઈપીએલની પીચના સંદર્ભમાં ખેલ પત્રકાર ચિંતન બુચ જણાવે છે કે, "ગત વર્ષે મોટા ભાગની મૅચ મુંબઈમાં જ હતી, પરંતુ આ વર્ષે અમદાવાદની વાત કરીએ તો પીચ ફ્લેટ હોવાનું મનાઈ રહ્યું છે એટલે તે બૅટ્સમૅનને ફાયદો પહોંચાડશે. "
"આ સિવાય ચેન્નઈ છે કે હૈદરાબાદની પીચ છે ત્યાં સ્પિનરોને ખાસી એવી મદદ મળશે એટલે ગત આઈપીએલની સિઝન કરતાં આ વર્ષે રાશિદ ખાન વધુ સફળ રહે તો કોઈ નવાઈ નહીં."
આઈપીએલમાં રાશિદ ખાનનો દેખાવ
અહીં એ વાત પણ મહત્ત્વપૂર્ણ છે કે સત્તાવાર આઈપીએલની વૅબસાઇટ પરના આંકડાઓનું માનીએ તો આઇપીએલના ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ બૉલિંગ ઇકૉનૉમી જો કોઈ બૉલરની હોય તો એ છે રાશિદ ખાન.
રાશિદ ખાને 92 આઇપીએલની મૅચ રમી છે જેમાં તેમણે 365 ઑવર નાખી 2333 રન આપ્યા છે અને 112 બૅટ્સમૅનને પોતાનો શિકાર બનાવ્યા છે અને આ સાથે તેમની બૉલિંગ ઇકૉનૉમી 6.38 સાથે સૌથી સર્વશ્રેષ્ઠ બૉલરોની યાદીમાં ટોચ પર છે.
એટલે 31 માર્ચે જ્યારે ગત વર્ષના આઇપેલની ચૅમ્પિયન ટીમ તરીકે ગુજરાત ટાઇટન્સ ચેન્નઈ સુપરકિંગ્સ સામે મેદાનમાં ઊતરશે ત્યારે હાર્દિક પંડ્યા અને રાશિદ ખાન બન્ને ખેલાડીઓનો આંતરરાષ્ટ્રીય સ્તરે કપ્તાનીનો અને બૉલિંગનો અનુભવ પોતાની આઈપીએલની ટીમને કેટલો ફાયદો પહોંચાડે છે એના પર ક્રિકેટરસીકોની ચાંપતી નજર રહેશે.