સૂર્યકુમાર : ટી20માં તરખાટ મચાવનાર આ ખેલાડી ત્રણ વનડેમાં શૂન્યમાં કેમ આઉટ થયા?

    • લેેખક, અર્ણવ વસાવડા
    • પદ, બીબીસી ગુજરાતી

“સૂર્યકુમાર યાદવ સાથે જે બાબત સંકળાયેલી છે તે છે કે તેઓ 50 ઑવરની રમત થોડી ઘણી શીખી રહ્યાં છે. ટી20ની રમત સાવ અલગ છે. એટલું જ નહીં તમે ભારત માટે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ટી20 પણ લાંબા ગાળા સુધી રમ્યા નથી. તેઓ રમ્યા છે તો માત્ર દસ વર્ષ આઈપીએલ કે જે આંતરરાષ્ટ્રીય જેવી ટૂર્નામૅન્ટ ગણી શકાય.”

આ શબ્દો ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના કૉચ અને પૂર્વ ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડના છે. તેઓ આવું બોલી રહ્યા હતા, ત્યારે તેમને ખ્યાલ નહોતો કે તેના 24 કલાક બાદ રમાનારી નિર્ણાયક મૅચમાં ભારત ઑસ્ટ્રેલિયા સામે હારી જશે અને આ મૅચમાં પણ સૂર્યકુમાર યાદવ ફરી એકવાર ગોલ્ડન ડક એટલે કે શૂન્ય રન સાથે જ આઉટ થઈ જશે.

સૂર્યકુમાર યાદવની અહીં વાત એટલા માટે થઈ રહી છે કે તેઓ હાલમાં જ આઈસીસી એટલે કે ઇન્ટનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તરફથી જાહેર ટી20ના સર્વશ્રેષ્ઠ બૅટ્સમેન તરીકે જાહેર થયા હતા.

એ જ સુર્યકુમાર યાદવ જ્યારે ભારત તરફથી વનડે રમવા ઊતરે છે, તો સ્કોરબૉર્ડ પર એક રન નોંધાવી નથી શકતા. ત્યાં સુધી કે મેદાન પર ઊતરવાની બીજી સેકન્ડે તેઓ પેવેલિયન ભેગા થઈ જાય છે. ત્યારે દરેક ક્રિકેટ પ્રેમીને સવાલ થાય કે આખરે સૂર્યકુમાર યાદવ વનડેમાં આટલો ખરાબ દેખાવ કેમ કરી રહ્યા છે?

  • સૂર્યકુમાર યાદવ એ યાદીમાં સામેલ જેઓ સતત ત્રણ વખત મેદાન પર ઊતર્યા, પરંતુ ખાતું ન ખોલી શક્યા
  • સૂર્યકુમાર યાદવ એ યાદીમાં પણ હવે ટોપ પર છે, જેઓ સળંગ ત્રણ વખત ગોલ્ડન ડક સાથે આઉટ થયા
  • સૂર્યકુમાર યાદવ અને તેમની વનડેમાં આ નિષ્ળતા પાછળનાં કારણો કયાં હતાં?

તો આવો રહ્યો સૂર્યકુમારનો વનડેમાં દેખાવ

ટી20માં ચોથા નંબરે રમવા આવીને 117 રન નોંધાવનાર એવા વિશ્વના પ્રથમ બૅટ્સમેનનો રેકર્ડ.

ટી20માં સૌથી વધુ પ્લૅયર ઑફ ધી મૅચ જીતનાર ખેલાડીઓમાં વિશ્વમાં ચોથા નંબરનો રેકર્ડ 175.76ના સ્ટ્રાઇક રૅટ સાથે કારકિર્દીના સૌથી વધુ સ્ટ્રાઇક રેટ ધરાવતા વિશ્વના ત્રીજા ખેલાડી હોવાનો રેકર્ડ.

આ તમામ રેકર્ડ છે ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવના નામે, પરંતુ ટી20માં આ જ સૂર્યકુમાર જ્યારે ભારત તરફથી વનડે રમવા ઊતરે છે, ત્યારે તેમના નામે સળંગ શૂન્ય રને આઉટ થનાર ભારતીય ખેલાડીઓમાં પહેલાં સ્થાને અને વિશ્વમાં આ રેકર્ડની યાદીમાં છઠ્ઠા સ્થાને તેમનું નામ નોંધાય છે.

હાલમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી 3 મૅચની વનડે સિરીઝમાં સૂર્યકુમાર યાદવ સાથે એવું બન્યું કે તેઓ મેદાન પર ઊતરે અને બૉલર કોઈ પણ હોય પોતને પહેલો બૉલ રમે કે સીધા આઉટ થઈ ડ્રેસિંગ રૂમ ભેગા થઈ જાય. સળંગ ત્રણ મૅચમાં તેઓ ખાતું પણ નથી ખોલાવી શક્યા.

બીજી બાજુ વર્ષ 2023ની ત્રણ ઘર આંગણે રમાયેલી સિરીઝમાં સૂર્યકુમાર યાદવનો સૌથી વધુ સ્કોર 31 રનનો જ રહ્યો છે, જે તેમણે ન્યૂઝિલૅન્ડ સામેની હૈદરાબાદમાં રમાયેલી વનડેમાં નોંધાવ્યો હતો.

આ સિવાય શ્રીલંકા સામેની મૅચમાં 4 રને તો ન્યૂઝિલૅન્ડ સામેની અન્ય એક મૅચમાં 14 રને તેઓ આઉટ થયા. પરંતુ ક્રિકેટ ફેનની ચિંતા વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમ મૅનેજમૅન્ટ સૂર્યકુમાર યાદવને લઈને ચિંતિત નથી દેખાઈ રહ્યું.

સૂર્યકુમાર યાદવ શા માટે મેદાન પર ટકી ન શક્યા?

આ સવાલનો જવાબ અમે ક્રિકેટ કૉલમિસ્ટ અને સ્પૉર્ટ્સ લેખક વિમલકુમાર પાસેથી મેળવ્યો, વિમલકુમાર પાછલા બે દાયદાથી પણ વધુ સમયથી ક્રિકેટ સાથે સંકળાયેલા છે અને સૂર્યકુમાર યાદવને તેઓએ ખૂબ જ નજીકથી રમતા જોયા છે.

વિમલકુમાર કહે છે કે, “વિશ્વમાં કોઈ પણ ખેલાડી માટે ઑફ ધ માર્ક એટલે કે પહેલો રન ખૂબ જ મહત્ત્વનો હોય છે, એવામાં શૂન્ય પર આઉટ થતા તમારા પર દબાણ વધે છે અને મને લાગે છે કે પહેલી મૅચમાં અને બીજી મૅચમાં સ્ટાર્કે તેમને એલબીડબ્લ્યૂ આઉટ કર્યો એ બૉલ સારા હતા.”

“સૂર્યા સાથે એવું થયું કે બન્ને મૅચમાં તેમણે વહેલા બેટિંગ કરવા ઊતરવું પડ્યું જેની તેમને ટેવ નથી. અને બૉલિંગ નવા બૉલથી થઈ રહી હતી, કારણ કે વન-ડેમાં બે નવા બૉલનો ઉપયોગ થઈ રહ્યો છે. એટલે બૉલ સ્વિંગ થાય છે અને બૉલમાં ધાર રહે છે, જ્યારે ટી20માં શું હોય છે કે એક જ બૉલ રહે છે, બન્ને બાજુથી અલગ અલગ બૉલ નથી રહેતા.”

તેઓ વધુમાં ઉમેરતા કહે છે કે, “જો સૂર્યા વનડેમાં પાંચમી ઑવરમાં બેટિંગ કરવા અને ટી20માં પાંચમી ઑવરમાં બેટિંગ કરવા ઊતરે છે, તો બન્નેમાં પડકારો અલગ છે. કારણ કે વનડે ક્રિકેટમાં નવો બૉલ બન્ને બાજુથી નાખવામાં આવ્યો છે, તો જોવામાં આવે તો તેઓ બન્ને ઑવરમાં નવા બૉલનો સામનો કરી રહ્યા હતા. એટલે આ ટૅકનિકલ વસ્તુઓ છે જે સરળ નથી હોતી.”

વિમલકુમારને આશા છે કે આવનારા સમયમાં સૂર્યકુમાર આ પ્રકારની વનડેમાં પોતાને ઢાળી શકશે. તેમના મતે આવું પહેલીવાર નથી.

વિમલ કુમાર જણાવે છે કે, “ઇતિહાસ જોશો તો ઍન્ડ્રૂ સાઇમન્ડ, શેન વૉટ્સન જેવા અનેક મોટા ખેલાડીઓ ગોલ્ડન ડકનો શિકાર થયા છે.”

“ભારતના સચિન તેંડુલકર જેવા દિગ્ગજ ખેલાડી પણ શૂન્ય રન પર ત્રણ વાર આઉટ થયા છે, જોકે તેઓ બીજા બૉલ પર આઉટ થઈ ગયા છે. હા સૂર્યકુમાર યાદવ માટે આપણને આવું લાગે છે, કારણ કે બૅક ટુ બૅક બે અઠવાડિયામાં ત્રણ મૅચ રમાઈ અને તેમાં તેઓ સતત શૂન્ય પર આઉટ થયા તેથી તે દેખાઈ આવે.”

કૅપ્ટન રોહિત શર્માએ બુધવારે મૅચની હાર બાદ સૂર્યકુમાર વિશે શું કહ્યું?

ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની વનડે સિરીઝ ઘર આંગણે હાર્યા બાદ અને આઈસીસીના રેન્કિંગમાં પહેલું પદ ગુમાવ્યા બાદ ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ બુધવારે પત્રકાર પરિષદ સંબોધી હતી.

તેમણે કહ્યું કે, “ભારત માટે ક્વૉલિટી વિરોધી ટીમ સામે લડવાની રણનીતિ પર કઈ રીતે કામ કરવું તેને લઈને વધારે ગહન વિચાર ચિંતન કરવાની જરૂર છે.”

સાથે જ જ્યારે સૂર્યકુમારને લઈને પત્રકારે સવાલ પૂછ્યો તો રોહીત શર્માએ કહ્યું કે, “અમે જોયું છે કે પાછલાં વર્ષોમાં એણે સ્પિન સામે ખૂબ જ સારો દેખાવ કર્યો છે અને એટલે જ અમે તેને પકડી રાખ્યો છે અને પાછલી 15-20 ઑવર તેને મળે એવો પ્રયાસ કર્યો છે, પણ દુર્ભાગ્યપૂર્ણ એ માત્ર 3 બૉલ રમી શક્યો."

"આખી સિરીઝમાં આવું કોઈની સાથે પણ થઈ શકે છે. પરંતુ પોટેન્શિયલ અને સ્કિલ તો એમની પાસે છે જ. એટલે આ માત્ર ખરાબ સમયમાંથી પસાર થવાની વાત છે.”

બીજી બાજુ કૉચ રાહુલ દ્રવિડે પણ મૅચ પહેલાંની પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “તેમણે વનડે ક્રિકેટ એટલી હદે નથી રમી, જેટલી હદે તેમણે ટી20 ક્રિકેટ રમી છે. પછી એ સ્થાનિક કક્ષાએ હોય કે પછી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ. એટલે કૉચ તરીકે તેઓ સૂર્યકુમારને હજી વધુ સમય આપવા માગે છે અને તેમને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં સૂર્યકુમાર સારો દેખાવ કરશે અને તે ટીમ માટે ફાયદાયકારક નીવડશે.”

આપને જણાવી દઈએ કે, બુધવારે ઑસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ ભારત 2019 પછી પહેલી વખત ઘર આંગણે કોઈ વનડે સિરીઝ હાર્યું છે.

આ પહેલાં પણ 2019માં ભારતનો વિજય રથ ઑસ્ટ્રિલયાએ જ રોક્યો હતો.

વર્ષ 2019માં ભારત પાંચ વનડેની સિરીઝમાં 2-0થી આગળ હતું, પરંતુ ત્યારબાદ સિરીઝ પૂરી થતાં ભારત 3-2થી ઑસ્ટ્રેલિયા સામે તેને ગુમાવી બેઠું હતું.

એટલું જ નહીં ઑસ્ટ્રેલિયા સામે આ વનડે શ્રેણી શરૂ થઈ, તે પહેલાં ભારત 114 પોઇન્ટ્સ સાથે આઈસીસીની ટૉપ ટૅન ટીમની યાદીમાં ટોચ પર હતું, પરંતુ ઑસ્ટ્રેલિયા સામેની આ હાર બાદ વિશ્વમાં વનડેના નંબર એક પર 122 પોઇન્ટસ સાથે ઑસ્ટ્રેલિયા આવી ગયું છે અને ભારત બીજા નંબરે સરકી ગયું છે.

એવામાં વર્ષ 2023ની વિશ્વ કપ પહેલમાં ભારતની આ નિષ્ફળતા પર કામ કઈ રીતે કરવું એ ભારતીય ટીમ મૅનેજમૅન્ટ માટે ખૂબ જ પડકાર જનક સાબિત બની રહેશે.