અમેરિકામાં ભીષણ હિમવર્ષા, 20 કરોડો લોકોને અસર

  • અમેરિકામાં ભીષણ ઠંડીના કારણે 20 કરોડ લોકોનાં જીવન પર માઠી અસર પડી છે
  • ભીષણ ઠંડીથી ઓછામાં ઓછા 12 લોકોનાં મૃત્યુ થયાં છે
  • ખરાબ વાતાવરણને કારણે દેશમાં 15 લાખ લોકોનાં ઘરોમાં વીજળી ગુલ થઈ હતી

બીબીસી ન્યૂઝના જ્યૂડ શીરિન અને મૅક્સ માર્ટાના અહેવાલ અનુસાર ક્રિસમસની રજાઓ શરૂ થાય તે અગાઉ અમેરિકામાં ભીષણ ઠંડીના કારણે 20 કરોડ લોકોનાં જીવન પર માઠી અસર પડી છે.

ભીષણ ઠંડીને ઓછામાં ઓછા 12 લોકોનાં મૃત્યુ સાથે પણ જોડવામાં આવી રહી છે.

શુક્રવારે ખરાબ વાતાવરણને કારણે દેશમાં 15 લાખ લોકોનાં ઘરોમાં વીજળી ગુલ થઈ હતી અને હજારો ફ્લાઇટો રદ કરાઈ છે.

અમેરિકાનાં ઘણાં રાજ્યોમાં લોકોને ઘરની અંદર જ રહેવાની અપીલ કરાઈ છે. આ તોફાનને ‘બૉમ્બ તોફાન’ નામ અપાયું છે કારણ કે હવામાનની સ્થિતિ ઝડપથી ખરાબ થઈ છે. ટેનેસી પ્રાંતના નેશવિલમાં મુસાફરો વચ્ચે લોકપ્રિય સ્ટ્રીટ બ્રૉડવે પર બરફ વચ્ચે નાતાલની રોનક પણ જોવા મળી રહી છે.

ઠંડીનો પ્રકોપ એટલો બધો વધ્યો છે કે દક્ષિણ ડૅકોટામાં કેટલાક મૂળ અમેરિકનો માટે ઈંધણ ખાલી થઈ જતાં ગરમી માટે કપડાં બાળવાનો વારો આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા હતા.

આ સિવાય કૅનેડાના ઓન્ટારિયો અને ક્યુબેકમાં પણ બરફના તોફાનની અસર જોવા મળી હતી.

તેના કારણે વાતાવરણીય દબાણ ઘટતાં ગ્રેટ લેક્સ અને અમેરિકા-કૅનેડાની સરહદે પરિસ્થિતિ અત્યંત મુશ્કેલ બની હતી.

નાતાલ વચ્ચે અમેરિકામાં ‘બરફનું તોફાન’

નાતાલની તૈયારીઓ વચ્ચે અમેરિકામાં લોકો બરફના તોફાનથી પરેશાન છે. હજારો ફ્લાઇટો રદ થઈ છે અને સડક પર બરફનો જાડો થર જામી ગયો છે. તહેવારની આ વ્યસ્ત મોસમમાં લોકો પરિવાર અને મિત્રો સુધી નથી પહોંચી શકી રહ્યા. તેમજ, હવામાનના જાણકારોએ એ વાતની આશંકા વ્યક્ત કરી છે કે આ વર્ષે અત્યાર સુધીની સૌથી ઠંડી નાતાલ હશે.

યુએસ નેશનલ વેધર સર્વિસ (એનડબ્લ્યુએસ)એ જણાવ્યું છે કે દેશના અમુક ભાગોએ માઇનસ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો સામનો કરવો પડી શકે છે.

વિપરીત હવામાન પરિસ્થિતિઓ વચ્ચે યુનાઇટેડ, ડેલ્ટા સહિત ઘણી ઍરલાઇનોએ ફ્લાઇટ રદ કરી દીધી છે. અમેરિકાના શિકાગોમાં પણ તોફાનના કારણે લોકો અત્યંત પરેશાન છે. અહીં સડક પરથી બરફ હઠાવાનું કામ શરૂ થઈ ગયું છે, કોલોરાડોમાં ટ્રકોની લાંબી લાઇન જોવા મળી છે.