માદા મગર સંભોગ કર્યા વગર પ્રેગનન્ટ થઈ, શું છે રહસ્ય?

    • લેેખક, પલ્લબ ઘોષ
    • પદ, વિજ્ઞાન સંવાદદાતા

કોસ્ટા રિકાના એક પ્રાણીસંગ્રહાલયમાં એક માદા મગરે સંભોગ વગર પોતાની જાતને પ્રેગનન્ટ કર્યાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે.

માદા મગરે પોતાની સાથે 99.9 ટકા મળી આવતું ભ્રૂણ બનાવ્યું છે.

‘વર્જિન-બર્થ’ તરીકે ઓળખાતી એ ઘટના સામાન્યપણે પક્ષીઓ, માછલી અને અન્ય સરિસૃપોની જાતિઓમાં જોવા મળતી, પરંતુ આ અગાઉ ક્યારેય આવું મગરોના સંદર્ભમાં જોવા મળ્યું નથી.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કદાચ મગરોએ આ આવડત પોતાના આનુવંશિક પૂર્વજો પાસેથી વારસામાં મેળવી હોઈ શકે. તેથી એવું કહી શકાય કે કદાચ ડાયનાસોરમાં પણ આવી આવડત હતી.

આ સંશોધન રૉયલ સોસાયટી જર્નલ, બાયૉલૉજી લેટર્સમાં છપાયું હતું.

વર્ષ 2018માં પાર્ક રેપ્ટિલેનિયા ખાતે 18 વર્ષીય અમેરિકન માદા મગરે ઈંડાં મૂક્યાં હતાં. તેની અંદરનું ભ્રૂણ એ સંપૂર્ણ વિકસિત હતું, પરંતુ તે મૃત હતું. તેના કારણે આ જીવ દુનિયામાં પેદા ન થઈ શક્યો.

આ માદા મગરને બે વર્ષની ઉંમરે અહીં લવાઈ હતી અને તેના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન તેને અન્ય મગરોથી અલગ જ રખાઈ હતી. તેથી પાર્કની વૈજ્ઞાનિક ટીમે અમેરિકાના વર્જિનિયા ટેક ખાતે કામ કરતા ડૉ. વૉરેન બૂથનો સંપર્ક સાધ્યો. તેઓ પાછલાં 11 વર્ષથી વર્જિન બર્થ ઘટનાઓનો અભ્યાસ કરી રહ્યા છે, જેનું વૈજ્ઞાનિક નામ પાર્થેનોજિનેસિસ છે.

99.9 ટકા સમાનતા

ડૉ. બૂથે ભૂણનું વિશ્લેષણ કર્યું અને તેમને જાણવા મળ્યું કે ભ્રૂણ માદા મગર સાથે 99.9 ટકા કરતાં વધુ મળતું આવતું હતું. તેથી એ કહી શકાય કે આ ભ્રૂણનો કોઈ પિતા (મગર) નહોતો.

તેમણે બીબીસી ન્યૂઝને જણાવ્યું કે તેઓ આ શોધથી આશ્ચર્યચકિત નહોતા.

“આવું શાર્ક, પક્ષીઓ, સાપ અને ગરોળીઓમાં જોવા મળે જ છે, આ ખૂબ સામાન્ય અને વ્યાપક ઘટના છે.”

તેમના અંદાજ અનુસાર અત્યાર સુધી મગરમાં આ ઘટના ન જોવા મળતી હોવાનું કારણ કદાચ એ હોઈ શકે કે લોકોએ ક્યારેય આ વાતનાં ઉદાહરણો આ પ્રજાતિમાં શોધવાના પ્રયત્નો નહીં કર્યા હોય.

તેમણે કહ્યું, “જ્યારે લોકોએ સાપ પાળવાનું શરૂ કર્યું તે બાદથી સરિસૃપોમાં પાર્થોજિનેસિસ ઘટનાના રિપોર્ટ વ્યાપક પ્રમાણમાં આવવા લાગ્યા. પરંતુ સરિસૃપોને પાળતા સરેરાશ લોકો મગર રાખતા નથી.”

એક એવી પણ થિયરી છે કે આ ઘટના ત્યારે થાય છે જ્યારે આવી ક્ષમતા ધરાવતી પ્રજાતિના જીવોની સંખ્યા ખૂબ જ ઘટી જાય છે કાં તો પ્રજાતિ વિલુપ્તિના આરે પહોંચી જાય છે.

ડૉ. બૂથે બીબીસીને જણાવ્યું કે જ્યારે વાતાવરણના બદલાવોને કારણે ડાયનાસોરની કેટલીક પ્રજાતિઓના જીવોની સંખ્યામાં વ્યાપક ઘટાડો જોવા મળ્યો હશે એ સમયે કદાચ આ પ્રક્રિયાની શરૂઆત થઈ હશે.

તેઓ કહે છે કે, “ઘણી અલગઅલગ પ્રજાતિઓમાં પાર્થોજિનેસિસની સમાન પ્રક્રિયા અને મિકેનિઝ્મ એ વાતનું સૂચક છે કે આ પ્રક્રિયા પ્રાચીન સમયથી ચાલતી આવે છે અને પ્રજાતિઓ વર્ષોથી પોતાના પૂર્વજો પાસેથી આ આવડત મેળવતી રહી છે. તેથી આ થિયરીએ એ વાતને ટેકો આપે છે કે કદાચ ડાયનાસોર પણ આવી જ આવડત ધરાવતા હશે.”