યુક્રેનમાં યુદ્ધ ચાલતું હોવા છતાં ભારતીય વિદ્યાર્થીઓ કેમ પાછા જઈ રહ્યા છે?

    • લેેખક, જુગલ પુરોહિત
    • પદ, બીબીસી ન્યૂઝ, નવી દિલ્હી

“એલાર્મ વાગે એટલે સમજી જવાનું કે મિસાઇલ આવી રહી છે. તે પછી આવી રહેલી મિસાઇલને તોડી પાડવા સામી મિસાઇલ દાગવામાં આવે. આવી સ્થિતિમાં અમે ફફડી ઊઠીએ અને સલામતી માટે બૅઝમેન્ટમાં જતા રહીએ છીએ.”

“હાલના દિવસોમાં હુમલા વધ્યા છે. ઘણી વાર દિવસમાં ચાર વાગ્યે ઍર રેડના એલાર્મ્સ વાગે છે. આજે તો હું હજી ઊઠ્યો હતો ત્યાં સાઇરન સંભળાઈ. અમે રહીએ છીએ તે લવિવ પર બે મિસાઇલો પડી હતી.”

“બહાર નીકળ્યા હોઈએ ત્યારે ઘણી વાર જોઈએ તો ઉપર ઘણાં બધાં હેલિકૉપ્ટર કે વિમાનો જોવા મળે. એ જોઈએ એટલે વળી ચિંતા પેઠે કે... પાછો હુમલો થશે કે શું. અમે હમણાં જ ઍપાર્ટમેન્ટ બદલ્યું કે જ્યાં વીજળી કનેક્શન મળે. અગાઉ મહિનાનું ભાડું 100 અમેરિકન ડૉલર (અંદાજે 8100 રૂપિયા) હતું, પણ હવે $350 ડૉલર (અંદાજે 28,600 રૂપિયા) ભાડું ચૂકવવું પડે છે. ચિંતાનો પાર નથી રહ્યો.”

આ અનુભવો એવા ભારતીય વિદ્યાર્થીઓના છે, જે યુક્રેનમાં મેડિકલનું શિક્ષણ મેળવવા ગયા છે અને અત્યારે ફરી યુક્રેન પહોંચીને મારી સાથે ત્યાંથી મુશ્કેલીઓ જણાવી રહ્યા છે.

ગયા વર્ષે યુદ્ધ થયું ત્યારે તેમને મહામહેનતે ત્યાંથી બહાર લાવવામાં આવ્યા હતા, પણ તેઓએ ફરી યુદ્ધની વચ્ચે યુક્રેન પહોંચવું પડ્યું છે.

સરકારે આપેલા આંકડા અનુસાર 1100થી વધારે ભારતીય વિદ્યાર્થીઓ ફરીથી યુક્રેન પહોંચ્યા છે.

હજી ગયા વર્ષે જ ભારત સરકારે ઑપરેશન ગંગા હાથ ધર્યું હતું અને યુક્રેનથી ભારતીયોને સલામત પાછા લવાયા હતા. યુક્રેનના આસપાસના દેશોમાં વિમાનો મોકલીને (અંદાજે 18,000 મેડિકલ સ્ટુડન્ટ્સ સહિત) 23,000 ભારતીયોને પરત લાવવામાં આવ્યા હતા. યુદ્ધ હજીય ચાલી જ રહ્યું છે એટલે હાલના સમયે ભારત સરકારની કાયમી સૂચના એ જ છે કે ‘યુક્રેન તત્કાલ છોડી દેવું’.

યુક્રેન છોડવાની સૂચના છતાં ઘણા બધા ભારતીયો ત્યાં ફરી પહોંચ્યા છે અને અમે જે વિદ્યાર્થીઓ સાથે વાત કરી તેમના જણાવ્યા અનુસાર ઘણા લોકો યુક્રેન પહોંચવાની તૈયારીમાં છે.

યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ગત વર્ષે મહામહેનતે પાછા લવાયેલા ભારતીય વિદ્યાર્થીઓ જીવના જોખમે પાછા ફરવા કેમ મજબૂર બન્યા?

  • વર્ષ 2022માં યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યા બાદ યુક્રેનથી બચાવી લવાયેલા ભારતીય વિદ્યાર્થીઓ પૈકી કેટલાક હવે પાછા ફરી રહ્યા છે
  • વિદ્યાર્થીઓનું કહેવું છે કે ભારતના નેશનલ મેડિકલ કમિશનના એક નિયમના કારણે તેઓ ફરી એક વાર યુદ્ધગ્રસ્ત દેશમાં પોતાનો અભ્યાસ પૂરો કરવા પહોંચ્યા છે
  • ગત વર્ષે જ્યારે યુક્રેનમાં ભણતા વિદ્યાર્થીઓને ભારત સલામત પાછા લવાયા ત્યારે તેનો શ્રેય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘કુશળ નેતૃત્વ’ને આપવામાં આવ્યો હતો
  • ભારત સરકારે અને સત્તાધારી ભાજપે વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા અને તેમનું ભવિષ્ય ન બગડે તે દિશામાં પ્રયાસ કરાઈ રહ્યા હોવાની વાતો કરી હતી
  • સંસદમાં પણ કહેવાયું હતું કે યુક્રેનમાંથી ભારત પાછા લવાયેલા વિદ્યાર્થીઓને “ડૉક્ટર બનાવવાના પૂરા પ્રયાસ કરાશે”
  • પરંતુ આ દિશામાં નક્કર પગલાં ન લેવાયાંના કારણે ઘણા વિદ્યાર્થીઓએ ફરીથી યુદ્ધગ્રસ્ત દેશમાં જીવના જોખમ પાછા ફરવું પડ્યું હોવાની ફરિયાદ કરાઈ રહી છે

શા માટે ભારતીય વિદ્યાર્થીઓ યુદ્ધગ્રસ્ત યુક્રેન પરત ફરી રહ્યા છે?

આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે બીબીસીએ પાછલાં અમુક અઠવાડિયાં દરમિયાન ઘણા બધા ભારતીય વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી છે.

કેટલાક વિદ્યાર્થીઓએ યુક્રેનની યુનિવર્સિટીઓ છોડીને બીજા દેશોમાં પ્રવેશ લીધો છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ માટે એ શક્ય બન્યું નથી. બીજા દેશોમાં પ્રવેશ ના મેળવી શકનારા વિદ્યાર્થીઓ હવે યુક્રેન પરત જઈ રહ્યા છે.

એમબીબીએસના બીજા વર્ષમાં ભણતાં વૈશાલી સેઠિયા આવાં જ એક વિદ્યાર્થિની છે.

દિલ્હી નજીક ફરિદાબાદનાં વૈશાલી પશ્ચિમ યુક્રેનના ટર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં ભણે છે. અહીં ઑનલઇન અને ઑફલાઇન બંને પ્રકારે શિક્ષણકાર્ય ચાલી રહ્યું છે અને કૅમ્પસમાં જ અમે વૈશાલીને મળ્યા હતા.

યુદ્ધ વચ્ચે અહીં કેમ રહે છે એવા અમારા સવાલનો જવાબ આપતાં પહેલાં વૈશાલી ઊંડો શ્વાસ લે છે.

વૈશાલી કહે છે, “મેં ડિસેમ્બર, 2021માં યુક્રેનમાં ઍડમિશન લીધું હતું. ભારતના નેશનલ મેડિકલ કમિશન (NMC)ના નિયમ અનુસાર અમે વચ્ચેથી યુનિવર્સિટી બદલી શકીએ નહીં. તેનો અર્થ એ થયો કે ભારતમાં અમારી ડિગ્રી માન્ય રહે તે માટે અમારે એક જ યુનિવર્સિટીમાં અભ્યાસ પૂર્ણ કરવો પડે. આવી સ્થિતિમાં અહીંથી કેવી રીતે બહાર જવું? નવેસરથી ભણવાનું ચાલુ કરીએ તો થાય. પહેલાં વર્ષથી ફરી ભણવાનું અને એટલું જ નહીં તે માટે ફરીથી ફી ભરવાનો અને ખર્ચ કરવાનો, જે મને પરવડી શકે તેમ નથી.”

“લોકો પૂછ્યા કરે છે કે અહીં કેમ રહો છો, પણ આ સ્થિતિ છે. ભય લાગે તેવું છે અને ચિંતા થાય છે, પણ અમે કરીએ શું?” એવો સવાલ તેઓ પૂછે છે.

વૈશાલી જે નિયમની વાત કરી રહ્યાં છે તે NMCના આ પાંચ પાનાંના આદેશમાં જણાવેલો છે.

વિદેશમાં અભ્યાસ કરીને ભારતમાં પ્રૅક્ટિસ કરવા માગનારા વિદ્યાર્થીએ આ શરતનું પાલન કરવું પડે: ‘…સમગ્ર અભ્યાસક્રમ, તાલીમ અને ઇન્ટર્નશિપ અથવા ક્લર્કશિપ ભારત બહાર કરવામાં આવે તે એક જ ફોરેન મેડિકલ ઇન્સ્ટિટ્યૂશનમાં સળંગ અભ્યાસથી કરેલો હોવો જોઈએ.’

'માતાપિતા નાખુશ'

પણ એ વિદ્યાર્થીનું શું, જેમને આ આદેશ લાગુ પડતો નથી? જેમ કે આર્યન.

એમબીબીએસના ત્રીજા વર્ષમાં ભણી રહેલા આર્યન હરિયાણાના છે. લવિવની નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ પૂર્ણ કરવા માટે ફરી પહોંચેલા આર્યન મને જણાવે છે કે તેમના જેવા ઘણા વિદ્યાર્થીઓ કૅમ્પસમાં પાછા ફર્યા છે. ભારત ઉપરાંત નાઇજીરિયા જેવા દેશોના વિદ્યાર્થીઓ પણ પરત ફર્યા છે.

“મેં યુક્રેનમાંથી બીજી યુનિવર્સિટીમાં ટ્રાન્સફર ના લીધી, કેમ કે એમ કરવા જઉં તો મારે આખું વર્ષ ફરી કરવું પડે. ખર્ચની રીતે પણ મારા પરિવારને તે પોસાય તેમ નથી,” એમ જણાવીને આર્યન ઉમેરે છે કે મહામહેનતે પરિવારને સમજાવીને તેઓ યુક્રેન પરત ફર્યા છે.

તેઓ કહે છે, “મારાં માતાપિતા બહુ નારાજ છે.”

યુક્રેનનાં ઍરપૉર્ટ્સ બંધ હાલતમાં છે. એટલે અહીં પહોંચવાનું પણ સરળ નથી. આસપાસના પોલૅન્ડ, મોલ્દોવા, હંગેરી જેવા દેશોમાં પહેલાં પહોંચવાનું અને પછી ત્યાંથી બહુ ખર્ચો કરીને યુક્રેન પહોંચવું પડે છે. આ દેશોમાંથી જ્યાંના વિઝા મળે ત્યાં થઈને પહોંચવું પડે છે.

કોર્સ પૂરો કરવાને લઈને ચિંતા

જો યુક્રેન પહોંચવું આટલું મુશ્કેલ છે, તો જંગના શિકાર દેશમાં ભણતર કેવી રીતે થઈ શકશે?

22 વર્ષનાં સૃષ્ટિ મોસેસને દિવસ દરમિયાન જ્યારે પણ ટાઇમ મળી જાય ત્યારે પહેલું કામ દહેરાદૂનમાં રહેતાં માતાપિતાને વીડિયો કૉલ કરવાનું કરે છે.

તેઓ કહે છે, “પહેલાં એવું હતું કે દિવસે એક વાર વાત કરી લેતી. હવે તો દિવસમાં જેટલી વાર તક મળે એટલી વાર વાત કરું છું. મારા પિતાને હૃદયની બીમારી છે એટલે હું તેમને જરાય ચિંતા થાય તેવું ઇચ્છતી નથી. યુક્રેનના સમાચાર આવે એટલે તેઓ ગભરાઈ જાય છે.”

સૃષ્ટિ કીએવની ટારસ શેવચેન્કો યુનિવર્સિટીમાં ભણી રહ્યાં છે. ટૂરિસ્ટ ગાઇડ તરીકે કામ કરતા પિતા અને ગૃહિણી માતાનાં દીકરી સૃષ્ટિનું આ ચોથું વર્ષ છે.

હાલમાં તેમની યુનિવર્સિટીમાં મોટા ભાગે ઑનલાઇન ક્લાસિસ ચાલી રહ્યા છે, પણ તેમને આશા છે કે થોડા સમયમાં કૅમ્પસમાં પણ ક્લાસ ચાલુ થઈ જશે.

અનિશ્ચિતાની સ્થિતિને કારણે તેઓ પોતે પણ માનસિક રીતે અસ્વસ્થ રહે છે.

તેઓ કહે છે, “ભણતાં ભણતાં પણ વિચારો આવ્યા કરે છે. ક્યારેય થાય છે કે આ આપણે શું કરી રહ્યા છીએ? આ રીતે અભ્યાસ પૂરો થશે ખરો? સરકાર કંઈક નવો નિયમ લાવશે અને અમારી આ બધી જહેમત એળે જશે તો? અને માથે યુદ્ધ તોળાયેલું રહે છે એ તો છે જ.”

શિયાળાની મોસમમાં યુક્રેનમાં તાપમાન માઇનસ 15 ડિગ્રી જેટલું નીચું જતું રહે છે. રશિયાના આક્રમણને કારણે વીજળી બંધ થઈ જાય ત્યારે ઘરમાં હીટિંગ પણ બંધ થઈ જાય.

વિદ્યાર્થીઓએ અમને જણાવ્યું કે રોજેરોજ સ્થાનિક સત્તાધીશો તરફથી જાહેરાત કરવામાં આવતી હોય છે કે આવતી કાલે કેટલાક કલાક વીજળી બંધ રહેશે.

“લગભગ સમજોને કે એવું હોય કે... બે ત્રણ કલાક વીજળી આવે અને પછી બે ત્રણ કલાક જતી રહે. એ રીતે ચાલ્યા કરે. અહીં બધું જ કામ વીજળીના ભરોસે જ થાય, કેમ કે રાંધવાનું કામ પણ ઇન્ડક્શન સ્ટવ પર કરવાનું હોય. એટલે અમારે તે પ્રમાણે ગોઠવવું પડે. વીજળી હોય તે દરમિયાન જ ભણવાનું અને નેટ પર સ્ટડી મટિરિયલ ડાઉનલોડ કરી લેવાનું હોય,” એમ સૃષ્ટિ સમજાવે છે.

લવિવમાં જ ભણતા શશાંકે મને એવું પણ જણાવ્યું કે, “યુક્રેન પાછા આવેલા વિદ્યાર્થીઓમાંથી કેટલાક ફરી પાછા ભારત જતા રહ્યા છે.”

યુદ્ધને કારણે રોજબરોજની ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ ગઈ છે. શશાંકના જણાવ્યા અનુસાર યુનિવર્સિટીમાં હવે રોજ ક્લાસ ચાલે છે એટલે ત્યાં જવા માટે બસમાં પ્રવાસ કરવો પડે. બસની ટિકિટ પણ પહેલાં કરતાં વધી ગઈ છે. ખાદ્યપદાર્થોના ભાવ પણ વધી ગયા છે.

સરકારે વિદ્યાર્થીઓને જવાની મંજૂરી આપી

આમ છતાં તેને અવગણીને યુક્રેનમાં રહેનારા ભારતીય વિદ્યાર્થીઓ શું સમજે છે ખરા કે તેમણે કેવું જોખમ લીધું છે?

આવા સવાલના જવાબમાં સૃષ્ટિએ કહ્યું, “આ સ્થિતિ માટે અમે સરકારને જવાબદાર ગણતા નથી. અમે અમારા જોખમે જ અહીં આવ્યા છીએ અને એથી તૈયારી સાથે આવ્યા છીએ. પણ સાથે અમારે અહીં આવવું પડ્યું એનું કારણ એ પણ છે કે સરકારે માત્ર ચેતવણીઓ જ આપી છે. તે સિવાય રહેઠાણ કે એવી કોઈ મદદ કરી નથી એટલે અહીં આવવું પડ્યું છે.”

LNMU ખાતે પાંચમા વર્ષમાં અભ્યાસ કરી રહેલા ઋષિ દ્વિવેદીએ હસીને જણાવ્યું, “અમે વાલીઓને જણાવી દીધું છે અમે અહીં અમારા જ ભરોસે છીએ. યુદ્ધ ઉગ્ર બનશે તે સંજોગોમાં અમે અહીંથી નજીકની સરહદે પહોંચીને બહાર નીકળી જઈશું.”

ઋષિ કહે છે કે અત્યારે તેમનું ધ્યાન ઑફલાઇન ક્લાસ પર અને હૉસ્પિટલ ખાતે પ્રેક્ટિકલ અનુભવ મળી રહ્યો છે તેના પર જ છે.

તે કહે છે, “પહેલાં તો કોવિડને કારણે ભણવાનું બંધ થયું અને પછી યુદ્ધને કારણે ક્લાસ ચાલતા નહોતા. હવે ફરીથી ભણવાનું શરૂ થયું છે તેનો મને વધારે આનંદ થઈ રહ્યો છે.”

લોકસભામાં 3 ફેબ્રુઆરી, 2023ના રોજ વિદેશ મંત્રાલયને એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું ભારતના વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ કરવા માટે યુક્રેન જવાની મંજૂરી આપવામાં આવી છે?

તેના જવાબમાં જણાવાયું હતું કે, “હા, વિદ્યાર્થીઓ યુક્રેન જઈ શકે છે. જોકે યુક્રેનની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને યુક્રેન છોડી દેવા માટેની સલાહ આપવામાં આવેલી છે.”

ભારત સરકાર શું કરી શકતી હતી?

યુદ્ધની સ્થિતિમાં પોતાનાં બાળકો ફસાઈ જાય તેની ચિંતા વાલીઓને હોય. પરંતુ યુદ્ધ હજી ચાલુ જ હોય અને વિદ્યાર્થીઓને ફરીથી ત્યાં જવા માટેની મંજૂરી આપી તે વાલીઓ માટે વધારે અઘરું હોય છે.

દિલ્હીમાં રહેતા એક પરિવારનાં દીકરી હાલમાં પોલૅન્ડની એક યુનિવર્સિટીમાંથી એમબીબીએસ કરી રહ્યાં છે.

ગયા વર્ષે તેમને યુક્રેનમાંથી બહાર નીકળી જવું પડ્યું હતું. આ વાલીઓ કહે છે, “ડૉક્ટર ના થઈ શકે તો કંઈ નહીં, પણ તેને ફરીથી યુક્રેન મોકલવા માટે અમે જરાય રાજી નહોતા.”

એ જ રીતે 53 વર્ષના મૃત્યુંજયકુમાર પોતાના દીકરા શશાંકને ભારતમાં જ રોકી રાખવા માગતા હતા. જોકે તેમના પ્રયાસો પછી પણ આખરે તેમણે પુત્રને જવા દેવો પડ્યો છે.

તેઓ કહે છે, “હું દીકરાને સમજાવતો કે થોડા દિવસ રાહ જોઈ લે. ભારત સરકાર તમારા માટે કંઈક વ્યવસ્થા કરશે. તેણે રાહ જોઈ, પણ આખરે એક દિવસ તેણે કહ્યું કે હવે રાહ જોવાનો અર્થ નથી અને યુક્રેન ફરીથી જવું જ પડશે. મેં અને મારી પત્નીએ તેને ના જ પાડી, પણ તેણે કહ્યું કે ભારતના બીજા ઘણા વિદ્યાર્થીઓ પાછા જઈ રહ્યા છે એટલે આખરે અમારે પણ કહેવું પડ્યું કે સારું જા.”

બિહારના પટણાની સ્થાનિક કોર્ટમાં સ્ટેનોગ્રાફર તરીકે કામ કરતા મૃત્યુંજયકુમાર બહુ શાંતિથી અમારી સાથે આ પરિસ્થિતિ વિશે વાત કરતા રહ્યા હતા.

જોકે વચ્ચે એક વાર તેઓ જરાક ઉશ્કેરાટમાં આવી ગયા હતા અને જણાવ્યું હતું કે, “જો સરકારની ઇચ્છા હોત તો શું વિદ્યાર્થીઓ માટે અહીં કંઈક વ્યવસ્થા ના કરી શક્યા હોત? તે લોકોને જરાય પડી નહોતી. તે લોકોએ કોઈ વિકલ્પ રહેવા જ દીધો નહોતો.”

મૃત્યુંજય અને તેમનાં પત્નીએ મારી સાથે વાતચીતમાં જણાવ્યું કે તેઓ સતત પોતાના પુત્રની સલામી માટે પ્રાર્થના કરતાં રહે છે. તેઓ સતત ફેસબુક ચેક કરતાં રહે છે.

તેઓ કહે છે, “તે યુક્રેન ગયો હતો ત્યારે મને એકાઉન્ટ ખોલીને આપીને ગયો હતો. યુદ્ધ થયું તે પછી અમે સતત તેનો ઉપયોગ કરતાં હતાં. જોકે મને બહુ સમજ નથી પડતી, પણ હવે મને થોડું આવડી ગયું છે.”

તેમનાં પત્ની નીલમકુમારી ઘરે બેસીને ટીવી પર સમાચારો જોતાં રહેતા હોય છે.

તેઓ કહે છે, “શશાંક મને કહેતો હોય છે કે ટીવી પર ન્યૂઝ ના જુઓ, કેમ કે તેમાં અતિશયોક્તિ થતી હોય છે. પણ હું તો તોય જોયા કરું છું.”

ફેબ્રુઆરી 2022માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશમાં નાના દેશોમાં ભણવા જતા ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ વિશે ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહેલું કે “નાના દેશોની ભાષા પણ ના સમજતા હોય” ત્યાં તેઓ અભ્યાસ કરવા માટે જાય છે.

આ વાત સાથે મૃત્યુંજય સહમત થાય છે.

તેઓ કહે છે, “ભારતમાં મેડિકલની પરીક્ષા સારી પડે, કેમ કે સરકારમાં ઓછી ફી હોય છે. પણ તમને સરકારી કૉલેજમાં પ્રવેશ ના મળે ત્યારે ખાનગીમાં જવું પડે, જેમાં 72 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય. તેની સાથે યુક્રેન જેવા દેશોમાં છ વર્ષનો અભ્યાસ 25 લાખ રૂપિયામાં થઈ જાય. જોકે વિદેશ જવું સહેલું નથી હોતું, પરંતુ તમારાં સંતાનો તમને કહે કે મારે જવું છે ત્યારે તેમની ઇચ્છા પૂરી કર્યા સિવાય છૂટકો હોતો નથી.”

‘મોટાં સપનાં જોવાને કારણે પાડોશીઓ મજાક ઉડાવે છે’

24 વર્ષના દીપકકુમાર TNMUમાં બીજા વર્ષમાં ભણે છે.

ગયા વર્ષે બીજા વિદ્યાર્થીઓ સાથે તેઓ પણ ભારત પરત આવ્યા હતા.

તેમની સાથે ભણતા કેટલાક વિદ્યાર્થીઓ ફરી પાછા યુક્રેન ગયા છે, પણ દીપક ફરી જઈ શક્યા નથી, કેમ કે તેમના પરિવારે ફરી યુક્રેન જવાની ના પાડી છે.

બિહારના દરભંગાના દીપક અમને સમજાવે છે કે કઈ રીતે ભારતમાં ખાનગી કૉલેજમાં પ્રવેશ લેવાના બદલે તેમણે યુક્રેન જવાનું વિચારેલું.

તેઓ કહે છે, “મારા પરિવારની આર્થિક સ્થિતિ બહુ સારી નથી. યુક્રેન જવા માટેના પણ પૈસા હતા નહીં, પણ મારા પિતાએ ફી ભરવા માટે અમારી થોડી જમીન વેચી નાખી.”

દીપક કહે છે કે યુક્રેનથી પરત આવ્યા પછી તેણે દિલ્હીની મુલાકાત લીધેલી અને ત્યાં પ્રધાનો તથા સાંસદોને મળવાની કોશિશ કરેલી. આવા વિદ્યાર્થીઓને થાળે પાડવા માટે કશુંક કરવામાં આવે તે માટે તે રજૂઆત કરવા માગતા હતા.

તેઓ કહે છે, “કોઈએ અમને મદદ ના કરી ત્યારે આખરે અમે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. પણ ત્યાંય વિલંબ જ થઈ રહ્યો છે.”

પોતાના જેવા વિદ્યાર્થીઓની શી હાલત થઈ છે તેને ઉજાગર કરવા માટે તેઓ હાલમાં ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર ઍકાઉન્ટ ચલાવે છે. ભારત પાછા આવી ગયા એટલે યુદ્ધની શારીરિક મુશ્કેલીમાંથી બચી શક્યા, પણ આવી પડેલી માનસિક વિપદામાંથી બચવું મુશ્કેલ છે.

મારી સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે, “અમારી સ્થિતિ ભયંકર છે. અવરોધોથી ભરેલી છે. અમારા પડોશીઓ મોટાં મોટાં સપનાં જોવા બદલ અમારી મજાક ઉડાવે છે. હું ચૂપ રહું છું અને વાતને ટાળું છું અને બહુ હળતોમળતો પણ નથી. કેટલા લોકોને મારી સ્થિતિ સમજાવું અને કેટલી વાર સમજાવું? સગાંના ઘરે પણ જતો નથી. રૂમમાં જ પડ્યો રહું છું અને ભણતો રહું છું. બહુ થાય ત્યારે અગાશીએ જઈને બેસું. જીવનનો આનંદ જતો રહ્યો છે. મારા પરિવારની સ્થિતિ પણ કફોડી થઈ ગઈ છે અને મારા કરતાં તેમણે વધારે સહન કરવું પડી રહ્યું છે.”

‘ધીમે ધીમે આશા ખૂટવા લાગી’

ગયા વર્ષે આ વિદ્યાર્થીઓને ભારત પરત લાવી દેવાયા તે પછી તેમના ભવિષ્ય વિશે સવાલો ઊભા થયા હતા. તે વખતે ભારતના શિક્ષણમંત્રી ધર્મેશ પ્રધાને 14 માર્ચ, 2022ના રોજ સંસદમાં જણાવ્યું હતું કે “તેઓને ડૉક્ટર બનાવવા માટે ભારત સરકાર શક્ય તમામ પ્રયત્નો કરશે.”

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (IMA)એ રજૂઆત કરી હતી કે આ વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂરો કરી શકે તે માટે તેમને ભારતની કૉલેજોમાં સમાવી લેવા જોઈએ.

આ પ્રકારની કોઈક વ્યવસ્થા કેન્દ્ર સરકાર કરે તે પ્રકારની માગણી પણ કેટલીક રાજ્ય સરકારોએ કરી હતી.

મેડિકલમાં પ્રવેશની મર્યાદિત સંખ્યા હોય તે સંજોગોમાં યુક્રેનની આસપાસના દેશોમાં આવા ભારતીય વિદ્યાર્થીઓને બહુ ઊંચી ફી ભરવી પડશે તેવી ચિંતા પણ હતી.

તે ચિંતા વ્યક્ત કરીને ભારતના વિદેશ મંત્રાલયે એપ્રિલ 2022માં આરોગ્ય મંત્રાલયને અરજ કરી હતી કે, "એક વારના અપવાદરૂપે યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓને ભારતની ખાનગી મેડિકલ કૉલેજોમાં પ્રવેશ માટેની મંજૂરી આપવી જોઈએ.’

આવા અભિગમને સ્વીકારીને સંસદમાં જણાવાયું હતું કે, “આવું પગલું લેવામાં આવે તો યુક્રેનની યુનિવર્સિટીઓમાં ભણતા વિદ્યાર્થીઓ કે જેઓ મુશ્કેલીમાં મુકાયા છે તેમની હાલની સમસ્યાનો ઉકેલ આવી શકે અને વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે.”

જોકે આરોગ્ય મંત્રાલયે આ સૂચન સ્વીકાર્યું નહોતું.

“વિદેશની કોઈ પણ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભારતની મેડિકલ કૉલેજોમાં પ્રવેશ આપવા માટેની કોઈ જોગવાઈ નથી. NMC દ્વારા કોઈ મંજૂરી આપવામાં આવી નથી કે જેથી વિદેશના મેડિકલ સ્ટુડન્ટ્સ ભારતની કોઈ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ કે યુનિવર્સિટીમાં સ્થાન મેળવી શકે.”

વિદ્યાર્થીઓ આ બધું જોતા રહ્યા છે.

સૃષ્ટિ કહે છે, “અમને લાગેલું કે સરકારે અમને બચાવવા માટે આટલું બધું કર્યું તો પછી અમને એમ જ તરછોડી દેશે નહીં. અમને સાચવી લેવા માટેની કોઈક વ્યવસ્થા કે કોઈક પ્રકારની રાહત મળશે. તેથી જુલાઈમાં અમે પરત આવ્યા તે પછી રાહ જોતા રહ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓ સુપ્રીમ કોર્ટમાં પણ ગયા હતા. પણ ધીમે ધીમે આશા ખૂટવા લાગી. વધુ રાહ જોયા કરીએ તો પછી યુક્રેનમાં અમારા ક્લાસ ફરી શરૂ થયા હતા તે પણ છૂટવા લાગે. એટલે આખરે ઑગસ્ટમાં મેં ફરીથી યુક્રેન પહોંચવાનો નિર્ણય કર્યો હતો.”

સુપ્રીમ કોર્ટમાં હજી કેસ ચાલી રહ્યો છે. દરમિયાન 10 ફેબ્રુઆરી, 2023ના રોજ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, “કુલ 3,964 ભારતીય મેડિકલ સ્ટુડન્ટ્સે હાલ તેઓ ભણે છે તે દેશની જુદી યુનિવર્સિટીમાં કે અન્ય કોઈ દેશની યુનિવર્સિટીમાં જવા માટેની કાયમી મંજૂરી માગી છે. અંદાજે 170 વિદ્યાર્થીઓએ જુદા જુદા દેશોની અન્ય યુનિવર્સિટીઓમાં કામચલાઉ ધોરણે શિફ્ટ થવા નોંધણી કરાવી છે.”

વધુમાં જણાવાયું હતું કે, “મેડિકલના છેલ્લા વર્ષમાં ભણતા હોય તેવા ભારતીય વિદ્યાર્થીઓ (કોવિડ-19, રશિયા યુક્રેન યુદ્ધ વગેરેને કારણે જેમણે ફોરેન મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ છોડવી પડી હોય તેવા વિદ્યાર્થીઓ) દ્વારા જો તેમનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હોય અને 30 જૂન, 2022 સુધીમાં તેમને તેમની ઇન્સ્ટિસ્યૂટ દ્વારા ડિગ્રીનું સર્ટિફિકેટ આપી દેવાયું હોય તો તેઓ ફોરેન મેડિકલ ગ્રૅજ્યુએશન એક્ઝામિનેશન આપી શકશે…”

આ વિદ્યાર્થીઓનું શું તે વિશે બીબીસીએ ભારતના આરોગ્ય મંત્રાલય તથા NMC સાથે વાતચીત કરવા કોશિશ કરી હતી, પણ કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. વારંવાર તાકીદ છતાં કોઈ જવાબો મળ્યા નથી.

યુક્રેનમાં હાલમાં ભારતના કેટલા વિદ્યાર્થીઓ હશે તે જાણવા માટે ભારતના વિદેશ મંત્રાલય તથા કિએવ ખાતેની ઍમ્બૅસીને ઇમેઇલથી પૂછપરછ કરવામાં આવી હતી, પણ તે વિશે કોઈ માહિતી મળી નથી.

‘અમારા માટે ગંગા ઊલટી વહી રહી છે’

ભારતની જેમ જ મોરોક્કો, નાઈજીરિયા અને પાકિસ્તાન જેવા દેશોના પણ યુક્રેનમાં ભણતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા અને તેમની સ્થિતિ પણ બહુ સારી નથી. યુદ્ધની સ્થિતિ વિશે અનિશ્ચિતતા યથાવત્ છે તેના કારણે સ્થિતિનો કોઈ ઉકેલ દેખાતો નથી.

અમે વિદ્યાર્થીઓને પૂછ્યું હતું કે શું તમને હજીય ભારત સરકાર પાસે અપેક્ષાઓ છે.

શશાંક કહે છે, “યુદ્ધ કંઈ અમે તો કર્યું નથી. અમને બધાને ભારતમાં સમાવી ના શકે તો કંઈ નહીં, પણ અમને યુક્રેનનો ઓનલાઇન અભ્યાસ કરવાની મંજૂરી આપે અને ભારતમાં પ્રૅક્ટિકલ માટેની છૂટ આપે એવું કંઈક કરી શકાય. પણ તેમણે કશું જ કર્યું નથી. અમારા ભાગ્ય પર અમને છોડી દેવાયા છે.”

દીપક ભારત સરકારના પ્રતિસાદને ચૂંટણીની પ્રક્રિયા સાથે જોડે છે.

“યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે યુપીમાં ચૂંટણી આવવાની હતી. લોકોએ કહ્યું કે ચૂંટણી હતી એટલે તમને બધાને બચાવીને લઈ અવાયા. હું તે વાત માનતો નહોતો. પણ હવે અમારી હાલત શું છે તે જુઓ. મને લાગે છે કે જો લોકસભાની ચૂંટણી 2024ના બદલે 2023 કે 2022માં હોત તો સરકારે અમને અને અમારી ડિગ્રીઓને બચાવી લીધી હોત. તે લોકોએ કામગીરીને ઑપરેશન ગંગા એવું નામ આપ્યું હતું. પણ અમારી સ્થિતિ જોયા પછી હું કહી શકું કે ગંગા અમારા માટે ઊલટી વહી છે.”

ગયા વર્ષે યુદ્ધ શરૂ થયું તે પછી બૉમ્બમારામાં 22 વર્ષના ભારતીય વિદ્યાર્થી નવીન જ્ઞાનગોંડરનું મોત થયું હતું.

ઘરનો સામાન લેવા તો બહાર નીકળ્યા હતા અને મૃત્યુ પામ્યા હતા.

અત્યારે 1100 જેટલા વિદ્યાર્થીઓ ફરી પાછા યુક્રેન પહોંચ્યા છે ત્યારે શું તેમની સ્થિતિ પર કોઈ દુર્ઘટના પછી જ ધ્યાન જશે?

વધારાનું રિપોર્ટિંગ : ક્લેર પ્રેસ અને કેવિન મેકગ્રેગર