આઈપીએલ: ગુજરાત ટાઇટન્સ ઋષભ પંતની ટીમ સામે 100 રન પણ કેમ ન કરી શકી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સંજય કિશોર
- પદ, ખેલ પત્રકાર, બીબીસી માટે
આઈપીએલ 2024માં બુધવારે રાતે કંઈક એવું થઈ ગયું, જેના વિશે શુભમન ગિલ બહુ લાંબા સમય સુધી વાત કરવાનું ટાળશે.
ઋષભ પંતની દિલ્હી કૅપિટલ્સ ટીમે ગુજરાતના તેના લઘુતમ સ્કોર 89 રન પર સમેટીને છ વિકેટ જીત મેળવી છે.
આ ધમાકેદાર જીત બાદ દિલ્હી કૅપિટલ્સની ટીમ છઠા નંબરે પહોંચી છે, જ્યારે ગુજરાત સાતમા નંબરે.
અગાઉ ગુજરાત ટાઇટન્સનો લઘુતમ સ્કોર 125 હતો. મજાની વાત એ છે કે આ પીચ પર ગત વર્ષે દિલ્હી કૅપિટલ્સે જ તેને 125 રન પર ઑલઆઉટ કરી હતી.
દિલ્હીના કૅપ્ટન ઋષભ પંતે ટૉસ જીતીને બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
હોમ ગ્રાઉન્ડ પર શુભમન ગિલની ટીમે ધીમી પીચ અપાઈ હતી. આ સિઝનમાં અત્યાર સુધીમાં આ પીચ પર કોઈ મૅચ રમાઈ નહોતી.
આ મેદાનમાં બે રીતની માટીથી બનેલી પીચો છે. જો મૅચ લાલ માટીથી બનેલી પીચ પર રમાઈ હોત તો રનનો ઢગલો થઈ શક્યો હતો. પરંતુ મૅચ કાળી માટીવાળી પીચ પર રમાઈ હતી.
બીજી જ ઓવરમાં ખબર પડી ગઈ હતી કે અમદાવાદની પીચ ધીમી હતી અને બૉલ નીચે રહેતો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઝડપથી બદલાયાં સમીકરણ

ઇમેજ સ્રોત, ANI
ચોથી ઓવરની શરૂઆતમાં ગુજરાત ટાઇટન્સનો સ્કોર 169 પર પહોંચવાનું અનુમાન લગાવાયું હતું. છઠી ઓવરની શરૂઆતમાં આ આંકડો 120 સુધી નીચે આવી ગયો. અંતમાં ગુજરાત ટાઇટન્સ બે અંકોમાં સમેટાઈ ગઈ.
શુભમન ગિલની ટીમ 17.3 ઓવરમાં 89 રન પર ઑલઆઉટ થઈ ગઈ, જે તેનો સૌથી ઓછો સ્કોર છે.
આ પીચનો દિલ્હીના બૉલરોએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો.
કપ્તાન શુભમન ગિલે આક્રમક થવાની કોશિશ કરી હતી. શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહાને એ વાતની ખબર પડી ગઈ હતી કે આ પીચ પર બાદમાં રન કરવા વધુ મુશ્કેલ થઈ જશે.
બંનેએ ઝડપથી રન કરવાની કોશિશ કરી હતી.
ગિલ પહેલા પાંચ બૉલમાં બે ચોગ્ગા મારવામાં સફળ રહ્યા, પણ પૃથ્વી શૉએ ઈશાંત શર્માની બૉલિંગમાં કવરમાં તેમનો કૅચ પકડી લીધો.
ઈશાંત શર્માએ બીજી જ ઓવરમાં શુભમન ગિલને આઉટ કર્યા. ગિલ આઠ રન, તો સાહા માત્ર બે રન કરી શક્યા.
આઠ બૅટ્સમૅન બે આંકડા પર પહોંચી ન શક્યા

ઇમેજ સ્રોત, ANI
પાવરપ્લેમાં ખરાબ શરૂઆતમાં બાદ મિડલ ઑર્ડન બૅટ્સમૅન વિકેટ જાળવી રાખાવમાં નિષ્ફળ રહ્યા.
ટીમની વચ્ચેની ઓવરોમાં પણ સતત વિકેટો પડતી હતી. રાશિદ ખાનના 31 રન સિવાય ટાઇટન્સની બેટિંગ બહુ નિરાશાજનક રહી.
ટીમના આઠ બૅટ્સમૅન બે આંકડા સુધી પણ પહોંચી ન શક્યા.
શાહરુખ ખાનને બેટિંગ કરવા વહેલા મોકલાયા પણ તેઓ ખાતું ન ખોલાવી શક્યા.
વિકેટકીપર ઋષભ પંતે બૉલને સરખી રીતે પકડ્યો ન હોવા છતાં તેમને સ્ટમ્પ આઉટ કરી દીધા. પંતે બે કૅચ લીધા અને બે ખેલાડીને સ્ટમ્પ આઉટ કર્યા.
ટી-20 વર્લ્ડકપમાં ઋષભ પંતને નજરઅંદાજ ન કરી શકાય. વિકેટની આગળ હોય કે પાછળ, પંત ગેમ ચેન્જરની ભૂમિકા નિભાવવાની કાબેલિયત રાખે છે.
તેઓ મૅચનો ભરપૂર આનંદ લે છે અને દર્શકોને પણ આનંદ માણવા માટે પ્રોત્સાહિત કરતા રહે છે.
પંતની શાનદાર કપ્તાની

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પંતે કપ્તાન તરીકે પણ સારું પ્રદર્શન કર્યું હતું. પાવરપ્લેમાં ત્રીજી ઓવર ખલીલ અહમદને આપી, આ જોવા માટે કે શું તેઓ ટાઇટન્સની પાંચમી વિકેટ લઈ શકે છે કે કેમ.
જોકે એવું તો ન થયું પણ ખલીલ મેડન ઓવરમાં નાખવામાં સફળ રહ્યા. ટ્રિસ્ટન સ્ટબ્સને અક્ષર પટેલની પહેલાં બૉલિંગ આપી. સ્ટબ્સે નિરાશ ન કર્યા અને પોતાની ઑફ બ્રૅકથી બે વિકેટ લીધી.
દિલ્હી કૅપિટલ્સે છ બૉલરોનો ઉપયોગ કર્યો. ઇકૉનૉમી રેટ 4.5થી વધુ નહોતી. કુલદીપ યાદવ દિલ્હી કૅપિટલ્સના એકમાત્ર એવા બૉલર હતા, જેમને વિકેટ નહોતી મળી. મુકેશકુમારે 14 રન આપીને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.
દિલ્હીના બૅટ્સમૅનોએ 53 બૉલમાં લક્ષ્ય મેળવી લીધું. આ દરમિયાન ચાર વિકેટ ગુમાવી હતી.
દિલ્હીના ઓપનર બૅટ્સમૅન જેક ફ્રેજર-મૅકગર્કે (10 બૉલમાં 20, બે ચોગ્ગા, બે છગ્ગા) પોતાની ટીમને સારી શરૂઆત અપાવી હતી.
તેમણે પૃથ્વી શૉ (7)ની સાથે પહેલી વિકેટ માટે 25 રનની ભાગીદારી કરી હતી. અભિષેક પોરેલ (7 બૉલમાં 15) અને શાઈ હોપ (10 બૉલમાં 19)એ ત્રીજી વિકેટ માટે 34 રનની ભાગીદારી કરી હતી.
કપ્તાન ઋષભ પંતે 11 બૉલમાં 16 અને સુમિતકુમારે 9 બૉલમાં 9 રન કરીને અણનમ રહ્યા હતા.
પોતાની પહેલી મૅચમાં કેરળના સંદીપ વૉરિવરને બધાને પ્રભાવિત કર્યા હતા. વૉરિયરે ગુજરાત માટે બે વિકેટ લીધી હતી.
પંત પ્લેયર ઑફ ધ મૅચ

ઇમેજ સ્રોત, ANI
ગુજરાતની ઇનિંગમાં વિકેટની પાછળ બે કૅચ અને બે સ્ટમ્પિંગ સિવાય દિલ્હીના રનચેઝમાં 16 રને અણનમ કરનાર ઋષભ પંતને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કર્યા હતા.
વર્ષ 2022માં ગુજરાતની ટીમ ચર્ચામાં આવી હતી. હાર્દિક પંડ્યાને મુંબઈની ઇન્ડિયન્સથી ગુજરાતની ટીમનું સુકાન સોંપાયું હતું. વર્ષ 2022માં આઈપીએલમાં સામેલ ટીમે પહેલા જ વર્ષમાં ચૅમ્પિયન બનીને ધમાલ મચાવી હતી ગત વર્ષે તે ઉપવિજેતા રહી હતી.
પણ હાર્દિક પંડ્યા મુંબઈમાં ટીમ ગયા હોવાથી મુંબઈ અને ગુજરાત બંને ટીમનાં સમીકરણ ખોરવાઈ ગયાં છે.
મૅચ બાદ પંતની પ્રતિક્રિયા કંઈક આવી હતી, "ખુશ થવા માટે ઘણું છે. અમે ચૅમ્પિયન માનસિકતા અંગે વાત કરી. ટુર્નામેન્ટની હજુ શરૂઆત છે અને અમે અહીંથી હજુ સુધારો કરી શકીએ છીએ. મેદાનમાં આવતા પહેલાં મેં વિચાર્યું હતું કે હું ઉત્તમ રીતે વાપસી કરવા માગું છું."
ગુજરાત ટાઇટન્સના કપ્તાન શુભમન ગિલે કહ્યું, "અમારી બેટિંગ સરેરાશ રહી. અમારે રમતમાં આગળ વધવા અને આગામી મૅચ પહેલાં એ જ માનસિકતા સાથે પાછા ફરવાની જરૂર છે. પીચ સારી હતી. અમે કેવી રીતે આઉટ થયા તે જુઓ તો- હું, સાહા અને સાઈ, તેની પીચ સાથે કોઈ લેવાદેવા નહોતી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












