બુમરાહ અને સૂર્યાનો RCB સામે તરખાટ : મુંબઈ ઇન્ડિયન્સ IPLની ખતરનાક ટીમ કેમ છે?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, વિધાંશુ કુમાર
- પદ, બીબીસી હિન્દી માટે
મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ગુરુવારે રમાયેલી મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઈ) અને રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) વચ્ચેની મૅચ એમઆઈ એ સાત વિકેટે વિજય મેળવ્યો.
મુંબઈએ બેંગલુરુના 196 રનના ટાર્ગેટને 16મી ઓવરમાં જ હાંસલ કરી લીધો. એમઆઈની બેટિંગ એટલી હદે આક્રમક હતી કે કદાચ 250 રનનો ટાર્ગેટ હોત તો પણ ટીમે પાર કરી લીધો હોત
એમઆઈની ઇનિંગમાં 15 છગ્ગા અને 18 ચોગ્ગા લાગ્યા. એટલે કે 162 રન તો માત્ર છગ્ગા અને છગ્ગા થકી માત્ર 33 બૉલમાં બન્યા.
એમઆઈ માટે આ એક પરફેક્ટ જીત હતી કારણ કે બેટિંગ અને બૉલિંગ બન્ને વિભાગોમાં ટીમે પોતાની છાપ છોડી.
બેટિંગમાં ઇશાન કિશન, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાએ ઓછા બૉલ ખર્ચીને રનનો ઢગલો ખડક્યો. સૂર્યકુમાર યાદવે આઈપીએલની સૌથી ઝડપી અડધી સદી ફટકારી.
બૉલિંગમાં જસપ્રીત બુમરાહે આઈપીએલના સૌથી જબરદસ્ત સ્પેલ પૈકીનો એક સ્પેલ નાખ્યો અને પાંચ વિકેટો ઝડપી. એક સમયે લાગી રહ્યું હતું કે આરસીબી મોટો સ્કોર કરી શકે છે, પરંતુ બુમરાહે તેને અટકાવ્યો.
ડુપ્લેસી, પાટીદાર અને કાર્તિકની અડધી સદી

ઇમેજ સ્રોત, ANI
પહેલા બેટિંગ કરવા માટે ઊતરેલી આરસીબી એક મોટો સ્કૉર કરવા માંગતી હતી. કારણ કે એમઆઈએ વાનખેડેની આ જ પીચ પર થોડાક દિવસો પહેલાં 230થી પણ વધારે રન ફટકાર્યા હતા.
વિરાટ કોહલીએ આરસીબીની પાછલી મૅચોમાં રન તો ફટકાર્યા હતા. જોકે, તેમને અન્ય કોઈ બૅટ્સમૅનનો સાથ નહોતો મળ્યો. એમઆઈ સામે આરસીબીની આ સ્ક્રિપ્ટ ઊંધી થઈ ગઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આરસીબીની ઇનિંગ શરૂઆત કરવા આવેલા કોહલી પહેલાથી મુશ્કેલીમાં લાગતા હતા અને નવ બૉલમાં માત્ર ત્રણ રન કરીને બુમરાહનો શિકાર થયા.
આરસીબીએ આ મૅચ માટે પોતાની ટીમમાં ચાર ફેરફારો કર્યા હતા, જેમાં આઈપીએલમાં પોતાના પહેલી મૅચ રમી રહેલા વિલ જૅક્સને ત્રણ નંબર પર બેટિંગ માટે મોકલ્યા. જોકે, તેઓ કોઈ ખાસ પ્રદર્શન ન કરી શક્યા અને આઠ રન કરીને આઉટ થયા હતા.
આરસીબી માત્ર 23 રન પર બે વિકેટો ગુમાવી ચૂકી હતી. જોકે, કૅપ્ટન ફાફ ડુપ્લેસીએ રજત પાટીદાર સાથે ભાગીદારી કરીને ટીમની ઇનિંગને સંભાળી. આરસીબીનો સ્કૉર પાવરપ્લેના અંતે 44 રન હતો અને ટીમે સાતમી ઓવરમાં 50નો આંકડો પાર કર્યો.
આરસીબીએ 10 ઓવરના અંતે બે વિકેટો ગુમાવીને 89 રન કર્યા હતા.
ડુપ્લેસી અને પાટીદારે 50 રનની ભાગીદારી કરી લીધી હતી અને પાટીદાર પોતાની અડધી સદીની નજીક પહોંચ્યા હતા. રજત પાટીદારે 12મી ઓવરમાં બે છગ્ગા ફટકારીને અડધી સદી ફટકારી હતી. જોકે, પાટીદારે તે જ ઓવરમાં પોતાની વિકેટ પણ ગુમાવી.
તેમણે ડુપ્લેસી સાથે મળીને ત્રીજી વિકેટ માટે 82 રનની ભાગેદારી કરી હતી. પાટીદારે 26 બૉલમાં ચાર છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 50 રન ફટકાર્યા.
આરસીબીના કૅપ્ટન ડુપ્લેસીએ એક છેડો સંભાળી રાખ્યો અને આઈપીએલમાં પોતાની 34મી અડધી સદી ફટકારી.
ડુપ્લેસી અંતિમ ઓવરોમાં રનની ગતિ વધારવા માંગતા હતા. જોકે, તેઓ 17મી ઓવરમાં 61 રન કરીને આઉટ થયા.
ડુપ્લેસી અને પાટીદારે અડધી સદી તો ફટકારી, પરંતુ વાનખેડેની પીચ પર સૅટ થઈ ગયેલા બૅટ્સમૅનો પાસેથી વધારે ઝડપથી રન બનાવવાની આશા રાખવામાં આવે છે.
મૅચની છેલ્લી ઓવરોમાં આરસીબીની ધીમી રન ગતિ ત્યારે મુશ્કેલી બની ગઈ જ્યારે એમઆઈનાં બૅટ્સમૅનોએ દેખાડ્યું કે આ પીચ પર આક્રમક બેટિંગ કેવી રીતે કરી શકાય.
જોકે, 38 વર્ષીય દિનેશ કાર્તિકે આરસીબીની રન ગતિને આગળ વધારવાનો ભરપુર પ્રયત્નો કર્યા.
તેમણે માત્ર 21 બૉલમાં અડધી સદી ફટકારી. આઈપીએલમાં આ તેમની 21મી અડધી સદી હતી. કાર્તિકે પોતાની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 230ની સ્ટ્રાઈક રેટ સાથે રન ફટકાર્યા.
બુમરાહનો જાદુ

ઇમેજ સ્રોત, ANI
આરસીબી 200 રનના સ્કોર સુધી ન પહોંચી શકી તેના માટે જસપ્રીત બુમરાહ જવાબદાર હતા.
બુમરાહે જબરદસ્ત ફૉર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીની વિકેટ શરૂઆતમાં જ ઝડપી લીધી. તેમણે સારી બેટિંગ કરી રહેલા ડુપ્લેસીને પણ પોતાનો શિકાર બનાવ્યા.
ગ્લેન મૅક્સવેલ બુમરાહના બૉલ પર પોતાનું ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયનમાં પાછા ફર્યા. બુમરાહે પોતાની છેલ્લી ઓવરમાં સૌરવ ચૌહાણ અને વિજયકુમારને પણ આઉટ કર્યા. તેમણે પોતાની ચાર ઓવરમાં માત્ર 21 રન આપીને પાંચ વિકેટો ઝડપી હતી.
વાનખેડેની પીચ બૅટ્સમૅનો માટે મદદગાર હોય છે અને આ પીચ પર વિકેટ લેવા માટે બૉલરે જબરદસ્ત કન્ટ્રોલ અને વિવિધતા સાથે બૉલિંગ કરવી પડે છે. બુમરાહનાં આ સ્પેલમાં બન્ને ખાસિયતો હતી.
મૅચ પછી આરસીબીના કૅપ્ટન ડુપ્લેસીએ કહ્યું, “બન્ને ટીમ વચ્ચે મુખ્ય ફર્ક માત્ર બુમરાહનો હતો. તેમણે જ્યારે-જ્યારે બૉલિંગ મળી ત્યારે વિકેટો ઝડપી હતી. તેમની પાસે શાનદાર બાઉન્સર, જબરદસ્ત ગતિ પરિવર્તન અને સરપ્રાઇઝ બૉલ પણ છે. તેઓ વિશ્વના સર્વોતમ ટી-20 બૉલર છે. અમે પહેલાં જે રીતે લસિથ મલિંગાને સર્વશ્રેષ્ઠ ટી-20 બૉલર ગણતા હતાં. બુમરાહે હવે તેમનું સ્થાન લીધુ છે.”
બુમરાહના સાથી સૂર્યકુમાર યાદવે પણ તેમના ભરપુર વખાણ કર્યા. તેમણે મૅચ પછી કહ્યું કે હું નેટ્સમાં તેમનો સામનો ક્યારેય પણ નથી કરવા માંગતો કારણ કે તેઓ મારું બૅટ કે પગ તોડી નાખશે.
સૂર્યકુમાર યાદવની આક્રમક વાપસી

ઇમેજ સ્રોત, ANI
એમઆઈએ આરસીબીના 196 રનનો પીછો કરતા એકદમ આક્રમક અંદાજ અપનાવ્યો હતો. રોહિત શર્મા અને ઇશાન કિશનની જોડીએ માત્ર આઠ ઓવરમાં જ 100 રન ફટકારી દીધા.
આ દરમિયાન બન્નેએ એમઆઈ માટે સૌથી વધારે રન ફટકારનાર ઑપનિંગ જોડીનો રેકૉર્ડ પણ પોતાને નામ કર્યો. કિશને 34 બૉલમાં 69 તો રોહિતે 24 બૉલમાં 38 રન કર્યા
હાર્દિક પંડ્યાએ માત્ર છ બૉલમાં 21 રન ફટકાર્યા. જોકે, સૂર્યકુમાર યાદવની ચર્ચા આ મૅચ પછી ચારેતરફ થઈ રહી હતી.
ઈજા પછી આઈપીએલમાં પોતાની બીજી મૅચ રમી રહેલા સૂર્યકુમાર યાદવે આરસીબીના બૉલરોને મેદાનની ચારેય તરફ ફટકાર્યા. તેમણે નીચા રહેલા ફુલ-ટૉસ બૉલને સ્ક્વૅર બાઉન્ડરી ઉપર છગ્ગો લાગ્યો તો ઑફ-સ્ટંપથી બહાર જતા બૉલને ફાઇન લેગ પર છગ્ગો ફટકાર્યો.
સૂર્યાએ માત્ર 17 બૉલમાં 50 રન પૂરા કર્યા અને તેઓ 19 બૉલમાં 52 રન કરીને આઉટ થયા. તેમણે પોતાની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા.
કૉમેન્ટરી કરી રહેલા રવિ શાસ્ત્રી, બ્રાયન લારા અને સંજય માંજરેકરે સૂર્યાના ભરપુર વખાણ કર્યા.
રવિ શાસ્ત્રીએ કહ્યું કે તેઓ બૉલર્સ અને ફિલ્ડર્સની સાથે બાળકોની જેમ રમી રહ્યાં હતાં, જ્યાં ફિલ્ડર્સ ઊભા રાખે તેની વિરુદ્ધ દિશામાં જ તેમણે શોટ્સ ફટકાર્યા.
મહાન બૅટ્સમૅન બ્રાયન લારાએ પણ ભરપુર વખાણ કર્યા.
તેમણે કહ્યું, “અવિશ્વનિય! જે પ્રકારના શૉટ્સ તેઓ સરળતાથી મારી રહ્યા છે, તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. દરેક બૉલ પર જે રીતે તેઓ ચોગ્ગા-છગ્ગા ફટકારી રહ્યા છે તેને લીધે કૉમેન્ટરી બૉક્સમાં પણ કોઈને રાહત નથી મળતી.”
જ્યારે માંજરેકરે કહ્યું, “ઈજામાંથી મુક્ત થઈને જાદૂગર પાછો ફર્યો છે. સૂર્યકુમાર ઇઝ બૅક.”
મુંબઈની બેટિંગથી ચેતીને રહેજો
એમઆઈના બૅટ્સમૅનોની સ્ટ્રાઈક રેટ પર નજર કરો. ઈશાન કિશન – 202, રોહિત - 158, સૂર્યકુમાર – 273, હાર્દિક – 350 અને તિલક -160.
એમઆઈની બેટિંગ લાઇનઅપમાં ટિમ ડેવિડ અને રોમારિયો શેફર્ડ જેવા બૅટ્સમૅનોને મોકો ન મળ્યો. આ બન્ને ખેલાડીઓએ દિલ્હી કૅપિટલ્સના બૉલરોની જબરદસ્ત ધોલાઈ કરી હતી.
એમઆઈએ છેલ્લી બે ઇનિંગમાં કુલ 35.3 ઓવરોમાં 433 રન ફટકાર્યા અને તેમની બેટિંગ આ ટૂર્નામેન્ટમાં સૌથી ખતરનાક લાગી રહી છે.
જાહીર ખાને એમઆઈના પડકારને સમજાવતા કહ્યું, “એમઆઈની બેટિંગ જેટલી મજબુત છે અને જે રીતે તેઓ આક્રમક બેટિંગ કરી રહ્યા છે, અન્ય ટીમોએ તેમનાથી બચીને રહેવું પડશે.”
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












