IPL: છેલ્લી ઓવરની એ રોમાંચક કહાણી જેમાં 26 રન ફટકારીને પણ પંજાબ હારી ગયું

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, વિધાંશુ કુમાર
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર
આઇપીએલમાં મંગળવારે રમાયેલી રોમાંચક મૅચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે જીતવા માટે છેલ્લી ઓવરમાં પંજાબ કિંગ્સને 29 રનની જરૂર હતી.
પંજાબ કિંગ્સ તરફથી ક્રિઝ પર ગુજરાત ટાઇટન્સ સામે ટીમને જીત અપાવનાર શશાંકસિંહ અને આશુતોષ શર્મા રમી રહ્યા હતા. આ કારણે પંજાબ કિંગ્સની મૅચ જીતવાની આશા થોડાક અંશે જીવંત હતી.
હૈદરાબાદ તરફથી અંતિમ ઓવરની જવાબદારી જયદેવ ઉનડકટને સોંપવામા આવી હતી.
આશુતોષે ઓવરના પહેલા જ બૉલ પર છગ્ગો ફટકાર્યો. પંજબ કિંગ્સને હવે પાંચ બૉલમાં 23 રનની જરૂર હતી.
ઉનડકટે આશુતોષને કોઈ મોટો શૉટ ફટકારતાં અટકાવવા માટે ઑફ સ્ટંપથી એકદમ દૂર બૉલ ફેંકવાના પ્રયત્ન કર્યા પરંતુ અમ્પાયરે તે બન્ને બૉલને વાઇડ જાહેર કર્યા. હવે, પંજાબ કિંગ્સને મૅચ જીતવા માટે પાંચ બૉલમાં 21 રનની જરૂર હતી.
ઉનડકટે ત્યારપછી સ્ટંપની લાઇન પર બૉલ ફેંક્યો અને આશુતોષે તેના પર વધુ એક છગ્ગો લૉન્ગ ઑફ બાઉન્ડ્રી પર ફટકાર્યો. અને એ બાદ પંજાબને મૅચ જીતવા માટે ચાર બૉલમાં 15 રનની જરૂર હતી.
જોકે, ઉનડકટે પોતાના પ્લાનમાં ફેરફાર કરીને બૉલની ગતિ ધીમી રાખી અન એનો તેમને ફાયદો મળ્યો. આશુતોષ શર્મા બન્ને ત્રીજા અને ચોથા બૉલ પર કોઈ બાઉન્ડ્રી ન ફટકારી શક્યા અને બન્ને બૉલ પર બે-બે રન કર્યા. જે બાદ પંજાબ કિંગ્સને છેલ્લા બે બૉલમાં 11 રનની જરૂર હતી. એટલે કે મૅચ જીતવા માટે બન્ને બૉલ પર છગ્ગા ફટકારવા જરૂરી હતા અને જો એક ચોગ્ગો અને છગ્ગો ફટકારે તો મૅચ સુપર ઓવર તરફ જાય એવું હતું.
ઉનડકટે ફરીથી ઑફ સ્ટંપથી ઘણો દૂર બૉલ ફેંક્યો, જેને અમ્પાયરે વાઇડ જાહેર કર્યો. પંજાબ કિંગ્સને હવે બે બૉલમાં જીતવા માટે 10 રન બનાવવા પડે એમ હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આશુતોષે છગ્ગો ફટકારવાનો પ્રયત્ન કર્યો અને હવામાં શૉટ માર્યો પરંતુ બૉલ ડીપ મિડ વિકેટના ફિલ્ડરની પાસે ગયો. જોકે, આશુતોષનો કૅચ છુટી ગયો અને પંજાબ કિંગ્સને મહત્ત્વપૂર્ણ બાઉન્ડ્રી ન મળી.
પંજાબ કિંગ્સની હવે અંતિમ બૉલ પર મૅચ જીતવા માટે આઠ રનની જરૂર હતી. જે અશક્ય હતું. જોકે, પંજાબ તરફથી છેલ્લા મૅચમાં પ્લેયર ઑફ ધી મૅચ બનેલા શશાંકસિંહે અંતિમ બૉલ પર છગ્ગો ફટકાર્યો.
આમ, બન્ને ખેલાડીઓના શાનદાર પ્રદર્શન છતા પંજાબ કિંગ્સના ટોપ ઑર્ડર બૅટ્સમૅનોના ખરાબ પ્રદર્શનને કારણે પંજાબ કિંગ્સનો બે રનથી પરાજય થયો.
નીતીશકુમાર રેડ્ડીનો આક્રમક અંદાજ
પંજાબ કિંગ્સના કૅપ્ટન શિખર ધવને ટૉસ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદને પહેલા બેટિંગ માટે આમંત્રિત કર્યા હતા.
હૈદરાબાદે પોતાની શરૂઆતની ત્રણ વિકેટો માત્ર 29 રનના સ્કૉર પર ગુમાવી દીધી હતી. પહેલી 10 ઓવરના અંતે સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કૉર ચાર વિકેટના નુકસાન પર 64 રન હતો.
જોકે, હૈદરાબાદ તરફથી 20 વર્ષીય નીતીશકુમાર રેડ્ડીએ આ મૅચની એક માત્ર અડધી સદી ફટકારી. તેમણે 37 બૉલમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી લગભગ 173ની સ્ટ્રાઇક રેટ સાથે 67 રન ફટકાર્યા હતા. અંતિમ ઓવરોમાં રેડ્ડીનો સાથ આપતા અબ્દુલ સામદે 12 બૉલમાં 25 અને શાહબાઝ અહેમદે સાત બૉલમાં 14 રન ફટકાર્યા. જેને પગલે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 20 ઓવરના અંતે નવ વિકેટ ગુમાવીને 182 રન બનાવી શકી હતી.
આ મૅચમાં રેડ્ડીને પોતાની આક્રમક ઇનિંગ માટે ‘પ્લેયર ઑફ ધી મૅચ’નો એવૉર્ડ એનાયત કરવામા આવ્યો હતો.
પંજાબ કિંગ્સની ખરાબ શરૂઆત

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સનરાઇઝર્સ હૈદરાબાદે આપેલા 182 રનના ટારગેટનો પીછો કરવા ઊતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત અત્યંત ખરાબ હતી.
પંજાબ કિંગ્સ પાવરપ્લેની છ ઓવરમાં માત્ર 27 રન જ બનાવી શકી હતી. જે આઈપીએલ 2024માં કોઈ પણ ટીમ દ્વારા પાવરપ્લેમાં સૌથી ઓછો સ્કૉર છે.
પંજાબ કિંગ્સે માત્ર 20 રનના સ્કૉર પર ત્રણ વિકેટો ગુમાવી દીધી હતી. ટીમ દસ ઓવરના અંતે ચાર વિકેટના નુકસાને માત્ર 58 રન જ હતો. છેલ્લી દસ ઓવરમાં મૅચ જીતવા માટે પંજાબ કિંગ્સને 125 રનની જરૂર હતી.
ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ રમાયેલી મૅચમાં પંજબ કિંગ્સને પોતાના આક્રમક બેટિંગ પ્રદર્શન થકી મૅચ જીતાડનાર શશાંકસિંહ અને આશુતોષ શર્માએ ફરીથી તેવું જ જબરદસ્ત પ્રદર્શન દેખાડવાનો પ્રયત્ન કર્યો.
શશાંકસિંહ માત્ર 25 બૉલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 184ની સ્ટ્રાઇક રેટ સાથે 46 રન બનાવીને નૉટાઉટ રહ્યા. જ્યારે આશુતોષ શર્માએ 15 બૉલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 220ની સ્ટ્રાઇક રેટ સાથે 33 રન ફટકાર્યા. પરંતુ પંજાબ કિંગ્સની ખરાબ શરૂઆત અને પહેલી 10 ઓવરમા રન બનાવાની અત્યંત ધીમી ગતિને કારણે ટીમ માત્ર બે રનથી મૅચ હારી ગઈ. સનરાઇઝર્સ હૈદરાબાદના 182 રનના જવાબમાં પંજાબ કિંગ્સ 20 ઓવરના અંતે છ વિકેટ ગુમાવીને 180 રન જ કરી શકી.
નીતીશને મળી શકે છે ટીમ ઇન્ડિયા તરફથી રમવાનો મોકો

ઇમેજ સ્રોત, ANI
ઘણા ક્રિકેટપ્રેમીઓ હૈદરાબાદના આ ખેલાડીની પ્રતિભાથી અજાણ હશે.
જોકે વિરાટ કોહલીને પોતાનો આદર્શ માનતા આ ખેલાડીમા એ કાબિલિયત છે, જેને કારણે તે ભવિષ્યમાં એક અમુલ્ય ખેલાડી પુરવાર થઈ શકે છે.
હાલનાં સમયમાં નીતીશકુમાર રેડ્ડી હાર્દિક પાંડ્યાની જેમ એવા ગણ્યાગાઠ્યા ખેલાડીઓ પૈકી એક છે, જેને ફાસ્ટ બૉલિંગ ઑલરાઉન્ડરની શ્રેણીમા ઉમેરી શકાય.
નીતીશ રેડ્ડીએ ગયા વર્ષે બ્રાયન લારા અને ડેલ સ્ટેન જેવા દિગ્ગજો સાથે ઘણો સમય વિતાવ્યો હતો.
હૈદરાબાદના હનુમા વિહારીએ કહ્યું કે આ માત્ર એક ઝલક હતી અને ભારતીય ક્રિકેટે તેમના પર રોકાણ કરવાની જરૂર છે કારણ કે તેઓ એક પ્રતિભાવાન ખેલાડી છે.
આ વર્ષે જાન્યુઆરીમાં મુંબઈ વિરુદ્ધ રણજી ટ્રૉફીની એક મૅચમાં તેમણે જબરદસ્ત બૉલિંગ કરીને પાંચ વિકેટ ઝડપી હતી, જેમાં અજિંક્ય રહાણે અને શ્રેયસ અય્યરની વિકેટો પણ સામેલ હતી.
આશા રાખી શકાય કે બીસીસીઆઈના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરને પણ આ યુવાન ઑલરાઉન્ડર વિશે જાણકારી ચોક્કસથી મળી હશે!
નીતીશે ડૉમેસ્ટિક ક્રિકેટના સૌથી મોટા પ્લેટફૉર્મ પર પોતાની બેટિંગ દ્વારા માત્ર અગરકર જ નહીં પરંતુ અન્ય ભારતીય પસંદગીકારોનું પણ ધ્યાન દોર્યું હશે!
થોડા દિવસો પહેલાં પોતાના બૅટ પર પોતાના હીરો વિરાટ કોહલીનો ઑટોગ્રાફ લેનાર આ ખેલાડીને કદાચ જલદી જ કોહલી સાથે ટીમ ઇન્ડિયા માટે બેટિંગ કરવાનો મોકો મળે તો ચોંકી ન જતા!
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












