રવીન્દ્ર જાડેજાએ એવો કયો રેકૉર્ડ બનાવ્યો કે જેને બનાવતાં બીજા ક્રિકેટરોને વર્ષો લાગશે?

રવીન્દ્ર જાડેજા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, વિધાંશુ કુમાર
    • પદ, ખેલ પત્રકાર, બીબીસી હિન્દી માટે

ચેન્નઈ સુપર કિંગ્સે (સીએસકે) ગઈકાલે કલકત્તા નાઇટ રાઇડર્સને (કેકેઆર) સાત વિકેટે હરાવીને આ સિઝનમાં પોતાની ત્રીજી જીત મેળવી. આમ, ચેન્નઈસ્થિત એમ. એ. ચિદમ્બરમ એટલે કે ચેપૉક સ્ટેડિયમમાં સીએસકે આ સિઝનમાં રમાયેલા ત્રણેય મૅચ જીતી ચૂકી છે.

કેકેઆરના 137 રનનો પીછો કરતાં ચેન્નઈએ 18માં ઑવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ટારગેટને હાંસલ કર્યો.

સીએસકેના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે 58 બૉલમાં નૉટાઉટ 67 રન બનાવ્યા. જ્યારે શિવમ દુબેએ 18 બૉલમાં ત્રણ છગ્ગાની મદદથી 28 રન ફટકારીને સીએસકેનું કામ સરળ કરી દીધું.

જોકે, સીએસકેની જીતના મુખ્ય હીરો રવીન્દ્ર જાડેજા રહ્યા જેમણે પોતાની ચાર ઓવરમાં માત્ર 18 રન આપીને ત્રણ વિકેટો લીધી અને કેકેઆરની બેટિંગને નબળી પાડી દીધી.

રવીન્દ્ર જાડેજાએ આ જીત સાથે આઈપીએલનો એક નવો રેકૉર્ડ પણ બનાવ્યો છે. જાડેજાનું પ્રદર્શન આ સિઝનમાં હાલ સુધી સામાન્ય રહ્યું હતું. જોકે, તેમણે કેકેઆર સામે કરેલા સારા પ્રદર્શનને કારણે થોડી રાહત થઈ હશે.

મૅચ પહેલાં રવીન્દ્ર જાડેજાના આ સિઝનમાં પ્રદર્શનને લઈને મોટા ભાગે નકારાત્મક રિપોર્ટ મળી રહ્યા હતા.

ક્રિકેટપ્રેમીઓને તેમની રન કરવાની ધીમી ગતિ હોય કે પછી રન આઉટ થવાથી બચવા માટે સ્ટંપ તરફ કરેલા થ્રોની વચ્ચે આવી જવાનું હોય, એ પસંદ ન આવ્યું.

જોકે, જાડેજાએ પોતાનું મહત્ત્વ ગઈકાલે મૅચમાં કરેલા પ્રદર્શન થકી ફરીથી પુરવાર કર્યું છે.

જાડેજાની બૅટિંગમાં નબળાઈ

રવીન્દ્ર જાડેજા

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કેટલાક નિષ્ણાતોનુ માનવું છે કે સીએસકેના સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થયેલા પરાજયનું એક કારણ જાડેજાની ધીમી બેટિંગને પણ ગણાવી શકાય.

પહેલા બેટિંગ કરતા સીએસકે 20 ઑવરના અંતે માત્ર 165 રન જ કરી શકી. સીએસકેને મળેલી સારી શરૂઆત છતાં પણ ટીમ રનની ગતિને વધારી ન શકી. જાડેજા 23 બૉલમાં માત્ર 31 રન જ કરી શક્યા. હૈદરાબાદે આ લક્ષ્યને 11 બૉલ રહેતાં જ હાંસલ કરી લીધો.

જાડેજા છઠ્ઠા કે સાતમાં ક્રમે બેટિંગ કરવા માટે આવે છે. બૅટ્સમૅનો આ ક્રમ પર લગભગ 180થી 200ની સ્ટ્રાઇક રેટ સાથે રન કરવાના પ્રયત્નો કરે છે. જોકે, આ સિઝનમાં જાડેજાની સ્ટ્રાઇક રેટ લગભગ 125ની આસપાસ છે.

સિઝનની પહેલી મૅચમાં તેમણે 17 બૉલમાં માત્ર 25 રન કર્યા, જ્યારે ગુજરાત ટાઇટન્સ સામે બીજી મૅચમાં ત્રણ બૉલ પર સાત રન કર્યાં. સીએસકેને દિલ્હી કેપિટલ્સ સામે મૅચ જીતવા માટે 38 બૉલમાં 90 રનની જરૂર હતી પરંતુ જાડેજા 17 બૉલમાં માત્ર 21 રન જ ઉમેરી શક્યા.

હૈદરાબાદ સામેની મૅચમાં એક એવી ઘટના ઘટી જેને લઈને જાડેજાની ટીકા થઈ રહી છે. 19મી ઓવરમાં એક રન માટે તેઓ ભુવનેશ્વર કુમારે સ્ટંપ તરફ કરેલા થ્રોની વચ્ચે આવી ગયા.

બૉલને રોકવાને કારણે તેમને રન આઉટ આપી શકાય તેમ હતા. બધા થર્ડ અમ્પાયરના નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા ત્યારે સનરાઈઝર્સ હૈદરાબાદનાં કૅપ્ટન કમિન્સે અપીલ પાછી ખેંચી લીધી.

લોકોએ કમિન્સની ખેલભાવનાની પ્રસંશા કરી હતી. જોકે, પૂર્વ ક્રિકેટર મહમદ કૈફ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર પોસ્ટ કરીને સવાલ કર્યો કે શું કમિન્સે પોતાની અપીલ પાછી એટલા માટે ખેંચી કારણ કે જાડેજા ધીમે રમી રહ્યા હતા અને હૈદરાબાદની ટીમ ધોનીને ક્રિઝ પર લાવવા નહોતી માગતી?

આ પ્રકારના સવાલો પણ જાડેજા પરના ભરોસાને નબળો પાડે છે.

આઈપીએલમાં જાડેજાની બૅટિંગ વિશે ધ્યાન દોરનારી વાત એ છે કે હૈદરાબાદ વિરુદ્ધ 31 રનનો સ્કૉર આઈપીએલ 2021 પછી તેમનો પહેલાો 30+નો સ્કૉર હતો. કલકત્તા વિરુદ્ધ રમાયેલા મૅચમાં તેમને બેટિંગ કરવાનો મોકો ન મળ્યો.

જાડેજાની જબરદસ્ત બૉલિંગ

રવીન્દ્ર જાડેજા

ઇમેજ સ્રોત, ANI

જાડેજાની બેટિંગ વિશે લોકોની ફરિયાદ છે પરંતુ પોતાની બૉલિંગ થકી તેમને બધાનાં દિલ જીતી લીધાં. રવીન્દ્ર જાડેજાએ જબરદસ્ત બૉલિંગ કરી હતી.

કેકેઆરે પહેલા બૅટિંગ કરતાં પહેલી પાંચ ઑવરમાં એક વિકેટ ગુમાવીને 50 રન ફટકાર્યા હતા. નિષ્ણાતો કહેતા હતા કે કેકેઆર 200 આસપાસ સ્કૉર કરી શકે છે. જોકે, જાડેજા કેકેઆરની ઇનિંગ પર બ્રેક લગાડી દીધી. પાંચ ઑવરમાં 50 રન પર એક વિકેટથી દસ ઓવરનાં અંતે કેકેઆરનો સ્કૉર ચાર વિકેટે 70 રન હતો.

જાડેજાએ ત્રણ વિકેટો લઈને કેકેઆરની બેટિંગને નબળી પાડી દીધી. તેમણે ક્રિઝ પર ટકી ગયેલા અંગક્રિશ રધુવંશી અને સુનિલ નારાયણની વિકેટો ઝડપી.

રધુવંશી રિવર્સ સ્વીપ કરવાની કોશિશ કરતા આઉટ થયા જ્યારે નારાયણે લૉન્ગ ઑફ પર કૅચ આપી દીધો. ત્યાર પછી જાડેજાએ વેંકટેશ અય્યરને પણ પોતાનો શિકાર બનાવ્યો. તેમણે ચાર ઓવરમાં માત્ર 18 રન આપીને ત્રણ વિકેટો ઝડપીને કેકેઆરની ઇનિંગ 137 રન પર સમેટી દીધી.

ચેપૉક સ્ટેડિયમને સીએસકેનો અભેદ કિલ્લો માનવામા આવે છે. આ મેદાન પર સીએસકેએ 66 આઈપીએલ મૅચમાંથી 47માં જીત મેળવી છે જ્યારે માત્ર 18 વખત પરાજય થયો છે.

આ જબરદસ્ત રેકૉર્ડ માટે ચેપૉકની પીચ પણ એક મુખ્ય કારણ છે. ચેન્નઈની વિકેટ સામાન્ય રીતે એક ધીમી અને સ્પિનરને મદદરૂપ વિકેટ છે. જોકે, આ સિઝનમાં રમાયેલી પહેલી બન્ને મૅચોમાં આ વિકેટ પર ફાસ્ટ બૉલરોને 18 વિકેટો મળી જ્યારે સ્પિનર્સને ચાર જ સફળતાઓ મળી હતી.

કેકેઆર વિરુદ્ધ રમાયેલા મૅચ પહેલાં આ વિકેટ પર 200 રનની આસપાસનો સ્કૉર બનશે તેવી અટકળો લાગી રહી હતી. જોકે, રવીન્દ્ર જાડેજાએ વિકેટની સારી રીતે પરખીને સામાન્ય કરતાં ધીમી ગતિ સાથે બૉલિંગ કરી અને બૉલને થોડી હવા આપીને બૅટ્સમૅનોને ચકમો આપ્યો.

જાડેજાએ પોતાના સ્પેલથી જાણે ચેપૉકની નિરસ વિકેટને રસપ્રદ બનાવી દીધી છે જે આવનારી મૅચોમાં પણ ટીમની મદદ કરશે.

સીએસકેના બૉલિંગ કોચે જાડેજા વિશે શું કહ્યું?

રવીન્દ્ર જાડેજા

ઇમેજ સ્રોત, ANI

જાડેજાની બૉલિંગ વિશે સીએસકેના બૉલિંગ કોચ ડ્વેન બ્રાવોએ કહ્યું કે આ વિકેટને જાડેજાથી વધારે કોઈ નથી જાણતું. તેમણે મૅચ દરમિયાન એક ઇન્ટરવ્યુમાં કહ્યું, “આજનો દિવસ જાડેજાના ખાસ પ્રદર્શનનો દિવસ હતો. વિકેટ થોડી ધીમી હતી અને જાડેજાએ તેનો ભરપુર ફાયદો ઉઠાવ્યો. તેમણે પરિસ્થિતિઓને પરખી અને બૅટ્સમૅનોને એક પણ મોકો ન આપ્યો.”

એક શો દરમિયાન પૂર્વ ક્રિકેટર રૉબિન ઉથ્પ્પાએ કહ્યું કે જાડેજાની બૉલિંગને કારણે જ સીએસકેને મૅચમાં વાપસીનો મોકો મળ્યો.

જાડેજાની પોતાના બૉલિંગ પ્રદર્શન માટે પ્લેયર ઑફ ધી મૅચનો એવૉર્ડ પણ મળ્યો. જોકે, જાડેજા માટે સૌથી મોટો એવૉર્ડ હતો સીએસકેના સમર્થકોનો ભરોસો ફરી પાછો મેળવવો.

આ મૅચમાં બે કૅચ પકડીને તેમને આઈપીએલમાં કૂલ 100 કૅચ પણ કર્યાં. આમ જાડેજા આઈપીએલમાં 1000 રન, 100 વિકેટ અને 100 કૅચ કરનાર પ્રથમ ખેલાડી બન્યા. કોઈ અન્ય ખેલાડીને આ રેકૉર્ડ તોડવા માટે લાંબી રાહ જોવી પડશે.