રાજસ્થાન સામે સદી ફટકાર્યા છતાં વિરાટ કોહલી પર સવાલ કેમ થઈ રહ્યા છે?

વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, સંજય કિશોર
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી હિન્દી માટે

શનિવારે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ પર બે વખત “વાવાઝોડું” આવ્યું પરંતુ પહેલા વાવાઝોડાની ગતિ એટલી ન હતી કે ગુલાબી શહેર ઊડી જાય.

વિરાટ કોહલીએ 67 બૉલમાં સદી ફટકારી તો જોસ બટલરે 58 બૉલમાં જ સદી ફટકારી, જે હાર અને જીતનું કારણ બની. બન્ને નૉટઆઉટ રહ્યા પણ જોસ બટલરે છક્કો ફટકારીને રાજસ્થાન રૉયલ્સને જીત અપાવી.

રાજસ્થાન રૉયલ્સે પાંચ બૉલ બાકી હતા અને છ વિકેટે મૅચ જીતી લીધી.

સંજુ સેમસનની ટીમ અત્યાર સુધી રમેલા ચારેય મૅચો જીતીને પૉઇન્ટસ ટેબલમાં પ્રથમ સ્થાન પર છે જ્યારે રૉયલ ચેલેન્જર્સની ટીમે હારની હેટ્રિક લગાવી છે.

શું વિશ્વના સર્વશ્રેષ્ઠ બૅટ્સમૅનોમાંથી એક વિરાટ કોહલી ટી-20 ક્રિકેટમાં હવે એટલા અસરકારક નથી રહ્યા?

છેલ્લા કેટલાક સમયથી કોહલીની સ્ટ્રાઇક રેટ પર સવાલો ઊઠી રહ્યા છે. બીસીસીઆઈના સચિવ જય શાહે આઈસીસી ટી-20 વર્લ્ડકપ માટે કૅપ્ટન તરીકે રોહિત શર્માના નામનું તો એલાન કરી દીધું પરંતુ વિરાટ કોહલીના નામ પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

વિરાટ કોહલી અને કેએલ રાહુલ ટી-20 વર્લ્ડકપમાં રમી શકશે કે નહીં તે આઈપીએલની શરૂઆતી મૅચોમાં તેમના પ્રદર્શન પર આધાર રાખે છે.

કોહલીએ ફટકારી આઠમી સદી

વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, ANI

રાજસ્થાન રૉયલ્સની વિરુદ્ધ કોહલીએ સદી ફટકારી હતી. આમ કોહલી આઈપીએલ 2024માં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યા હતા. આઈપીએલમાં આ તેમની આઠમી સદી હતી.

આઈપીએલમાં સૌથી વધારે સદીનો રેકૉર્ડ કોહલીના નામે છે. આ દરમિયાન તેમણે 7500 રનનો આંકડો પણ પાર કર્યો.

કોહલીની રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધ આ પહેલી સદી હતી.

કોહલીની સૌથી ધીમી સદી

કોહલીએ નાંદ્રે બર્ગરના બૉલ પર એક રન લઈને 67 બૉલમાં સદી ફટકારી. કોહલીએ અડધી સદી 39 બૉલમાં ફટકારી હતી જ્યારે બીજા 50 રન તેમણે 28 બૉલમાં ફટકાર્યા. આઈપીએલમાં આ તેમની સૌથી ધીમી સદી હતી.

મનીષ પાંડેએ વર્ષ 2009માં 67 બૉલમાં આઈપીએલની સૌથી ધીમી સદી ફટકારી હતી. હવે કોહલીનું નામ પણ આ અનિચ્છનીય રેકૉર્ડ સાથે જોડાઈ ગયું છે.

19મી ઓવરમાં કોહલી 98 રન પર હતા. તે ઓવરમાં રૉયલ ચેલેન્જર્સના બૅટ્સમૅન એક પણ બાઉન્ડરી ફટકારી ન શક્યા અને માત્ર ચાર જ રન ઉમેરી શક્યા.

સોશિયલ મીડિયા પર કોહલી થયા ટ્રોલ

વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, ANI

સોશિયલ મીડિયા પર લોકો કોહલીને ‘સ્વાર્થી’ કહીને ટ્રોલ કરવા લાગ્યા.

કોહલી ઇનિંગના અંત સુધી નૉટઆઉટ રહ્યા અને તેમણે 72 બૉલમાં 113 રન ફટકાર્યા. કોહલીએ પોતાની ઇનિંગમાં 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા.

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 20 ઓવરના અંતે ત્રણ વિકેટે 183 રન કરી શકી. કોહલીના ક્રીઝ પર હોવા છતાં ટીમ 200 રન ન કરી શકી. ટીમના કૅપ્ટન ફાફ ડૂ પ્લેસીએ 33 બૉલમાં 44 રન બનાવ્યા.

અશ્વિન અને ચહલની સામે નબળું પ્રદર્શન

યુજવેન્દ્ર ચહલે

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રવિચંદ્રન અશ્વિન અને યુજવેન્દ્ર ચહલે ખૂબ જ સારી બૉલિંગ કરી હતી. અશ્વિને પોતાની ચાર ઓવરમાં માત્ર 28 રન આપ્યા, જ્યારે ચહલે પોતાની ચાર ઓવરમાં 34 રન આપીને બે વિકેટો ઝડપી. સ્પિનરની સામે કોહલી સંઘર્ષ કરતા નજરે ચડ્યા હતા.

કોહલીએ પોતાની ઇનિંગ પછી કહ્યું, “બૉલ બેટ પર બરોબર રીતે નહોતો આવતો. ચહલ વિરુદ્ધ કેટલાક શૉટ્સ રમવાની મેં કોશિશ કરી પરંતુ હું માત્ર સ્લૉગ જ કરી શક્યો. બેટની નીચેથી બૉલ પસાર થઈ રહ્યો હતો. અશ્વિનના કેરમ બૉલને નીચેથી મિડ વિકેટ પર ફટકારવો મુશ્કેલ હતો. બેટિંગ કરવી ઘણી મુશ્કેલ હતી.”

કોહલી અને ફાફે સારી શરૂઆત કરી અને પાવરપ્લેમાં 53 રન ફટકાર્યા. જોકે તેમને લાગ્યું કે પીચ ધીમી છે અને બૉલ નીચે રહે છે.

ત્યાર પછી તેમણે વિકેટ સંભાળીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. કોહલી અને કૅપ્ટન ફાફ ડૂ પ્લેસીએ પહેલી વિકેટ માટે 125 રનની ભાગીદારી કરી હતી.

ઇનિંગ બ્રેક દરમિયાન કોહલીએ પોતાના બચાવમાં કહ્યું કે આ પીચ પર બેટિંગ કરવી સરળ નથી.

તેમણે કહ્યું, “પીચ જોઈને તે પ્રમાણે બેટિંગ કરવાની હોય છે. હું એકદમ આક્રમક ન થઈ શકું. હું એવું ન કરી શકું કે હરીફ ટીમને મારા પ્લાનની ખબર પડી જાય. હું બૉલને સારી રીતે ફટકારી રહ્યો હતો અને મને ખબર હતી કે હું બૉલને આગળ વધીને ફટકારી શકું છું. જોકે, હું બૉલરોને ભ્રમમાં રાખવા માગતો હતો.”

“તેઓ ઇચ્છતા હતા કે હું શૉટ્સ મારું જેથી તેમને મારી વિકેટ જલદી મળી શકે. જોકે, મને લાગ્યું કે જો હું સેટ થઈને અને છ ઓવરથી વધુ બેટિંગ કરું તો અમે મોટો સ્કોર કરી શકીએ.”

આ વર્ષે ટુર્નામેન્ટની પાંચ મૅચમાં કોહલીએ 146ની સ્ટ્રાઇક રેટ સાથે 316 રન બનાવ્યા છે અને ઑરેન્જ કૅપ હાલમાં તેમના કબજામાં છે. ફાસ્ટ બૉલરો સામે તેમની સ્ટ્રાઇક રેટ લગભગ 172ની છે જ્યારે સ્પિનર સામે 139ની છે.

બટલરની સદી ભારે પડી

જોસ બટલર

ઇમેજ સ્રોત, ANI

રાજસ્થાન રૉયલ્સની ટીમ જ્યારે 184 રનનો પીછો કરવા માટે ઊતરી ત્યારે જોસ બટલર અને કૅપ્ટન સંજુ સેમસને કોહલીના દાવાને પોકળ સાબિત કર્યો.

જોકે, યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ શૂન્યના સ્કોર પર આઉટ થયા. જયસ્વાલ માટે આ સિઝન અત્યાર સુધી સારી નથી રહી.

જોકે, જોસ બટલરે આ મૅચમાં શાનદાર વાપસી કરી હતી. બટલરે છેલ્લી ત્રણ મૅચમાં 11, 11, અને 13 રન જ કર્યા હતા. કોહલીએ શરૂઆતમાં બટલરનો એક કૅચ પણ છોડ્યો હતો.

ત્યાર પછી બટલર અને સેમસને મળીને રૉયલ ચેલેન્જર્સના બૉલરોને ખૂબ ફટકાર્યા.

જે પીચ પર કોહલી સહિત આરસીબીના અન્ય બૅટ્સમૅનો મુશ્કેલી અનુભવતા હતા ત્યાં બટલર અને સેમસને સરળતાથી રન ફટકાર્યા. બટલરે 30 અને સેમસને 33 બૉલમાં પોતાની અડધી સદી ફટકારી.

સ્પષ્ટ છે કે બન્ને ટીમની બૉલિંગમાં પણ ઘણું અંતર છે. જોકે, આરસીબીની ફિલ્ડિંગે પણ વધારે નિરાશ કર્યા.

ઓવર-થ્રોથી માંડીને કૅચ છોડવા સુધી આરસીબીની ફિલ્ડિંગે રાજસ્થાન રૉયલ્સનું કામ સરળ કરી દીધું.

બટલર અને સેમસને માત્ર 86 બૉલમાં 148 રનની ભાગીદારી કરી હતી. સંજુ સેમસન 42 બૉલમાં 69 રન કરીને આઉટ થયા. રિયાન પરાગે ચાર અને ધ્રુવ જુરેલે બે રન કર્યા.

જોસ બટલરે 58 બૉલમાં નવ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 100 રન બનાવીને નૉટઆઉટ રહ્યા, જ્યારે હેટમાયરે 10 રન કર્યા.

જોસ બટલર મૅન ઑફ ધ મૅચ બન્યા. મૅચ પછી આરસીબીના કૅપ્ટન ફાફ ડૂ પ્લેસીએ ટૉસ પર હારનું ઠીકરું ફોડ્યું.

તેમણે કહ્યું, “વિરાટ સાથે બેટિંગ કરતી વખતે મને પીચ હકીકતમાં મુશ્કેલ લાગી હતી. અમને લાગ્યું કે 190 રન સારો સ્કોર રહેશે. મને લાગ્યું કે ઇનિંગના અંતે અમે 10 કે 15 રન વધારે કરી શકતા હતા. ટૉસ જીતવો સારો હતો.”

“તમે જોયું કે ઝાકળ પડવાથી પીચ કેટલી બદલાઈ ગઈ. વિરાટ હકીકતમાં સારું રમી રહ્યા હતા. વિરાટ હોય કે ડીકે હોય કે ગ્રીન- અમે થોડાક વધારે રન કરી શકતા હતા પણ એવું ન થયું. શૉટ્સ મારવા અત્યંત મુશ્કેલ હતા.”

તો સંજુ સેમસને કહ્યું, “મને લાગ્યું કે 190થી નીચેના સ્કોર પર કંઈ પણ થઈ શકે છે. થોડીક ઝાકળ પડી રહી હતી અને અમારી પાસે જે બૅટ્સમૅનો છે એ જોતા મને લાગ્યું કે આ સ્કોર પીછો કરવા માટે સારો છે. હજુ કેટલીક મૅચો બાકી છે. અમે સારી બૉલિંગ કરી રહ્યા છીએ અને અમને થોડોક આરામ પણ મળ્યો છે જે અમને ફરીથી ચાર્જ રહેવા માટે મદદ કરશે.”

આ સિઝનમાં રૉયલ્સ જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. તે ચારેય મૅચ જીતી છે પણ તેને ખબર છે કે માત્ર એક સારી શરૂઆત જ આઈપીએલમાં આગળ વધવાની ગૅરંટી નથી.

જ્યારે આરસીબીનો સવાલ છે તો ટીમ મૅનેજમૅન્ટે ઘણી સમસ્યાઓ પર કામ કરવાની જરૂર છે.