IPL 2024 : મુંબઈની ત્રીજી હાર, હાર્દિકનો સ્ટેડિયમમાં હુરિયો કેમ બોલાવાયો?

ઇમેજ સ્રોત, Getty Images
હાર્દિક પંડ્યાની કૅપ્ટનશિપ હેઠળ મુંબઈ ઇન્ડિયન્સ ફરી એક વખત હારી ગયું છે અને તેનો સતત ત્રીજો પરાજય થયો છે. આઇપીએલમાં સોમવારે રમાયેલી મૅચમાં રાજસ્થાન રૉયલ્સે મુંબઈ ઇન્ડિયન્સને 6 વિકેટે હરાવી દીધું છે.
રાજસ્થાન રૉયલ્સ આ વિજય મેળવીને પૉઇન્ટ ટેબલમાં છ અંકો સાથે પ્રથમ સ્થાને પહોંચી ગયું છે.
મુંબઈ આ ટુર્નામેન્ટમાં હજુ સુધી એક પણ જીત હાંસલ કરી શક્યું નથી અને તે 10માં સ્થાને છે. પોતાના હોમ ગ્રાઉન્ડ પર મુંબઈ ઇન્ડિયન્સનો આ પ્રથમ પરાજય છે.
આ પહેલાં રાજસ્થાને ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને હોમ ગ્રાઉન્ડ પર બેટિંગ કરવા ઊતરેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમનું પ્રદર્શન અપેક્ષા અનુસાર નહોતું રહ્યું.
મુંબઈએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીની 125 રન કર્યા હતા. બીજી તરફ 126 રનનો લક્ષ્યાંક સંજુ સૅમસનની ટીમે છ વિકેટો રહેતાં જ હાંસલ કરી લીધો હતો.
મુંબઈની રમત કેવી રહી?

ઇમેજ સ્રોત, ANI
સોમવારે પોતાના હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમે પોતાનાથી પ્રદર્શનથી દર્શકોને ફરી નિરાશ કર્યા હતા.મુંબઈના આ નબળા પ્રદર્શનનું કારણ રાજસ્થાન રૉયલ્સના ફાસ્ટ બૉલર ટ્રેંટ બૉલ્ટ અને સ્પિનર યુજવેન્દ્ર ચહલનું જબરદસ્ત પરફોર્મન્સ હતું.
બૉલ્ટે રોહિત શર્મા, નમન ધીર અને ડેવાલ્ડ બ્રેવિસને ખાતું ના ખોલવા દીધું અને એ રીતે મુંબઈ ઇન્ડિયની બેટિંગને ધરાશાયી કરી દીધી.
એ બાદ ચહલે દમદાર બૉલિંગ કરી અને ત્રણ વિકેટ હાંસલ કરી. તેમણે હાર્દિક પંડ્યા અને તીલક વર્માને આઉટ કરીને મુંબઈ ઇન્ડિયન્સને ફરીથી બેઠા થવાની તક જ ના આપી. મુંબઈ તરફથી સૌથી વધારે રન પંડ્યાએ (34 રન) કર્યા. જ્યારે તીલક વર્માએ 32 રનનું યોગદાન આપ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજસ્થાને હાંસલ કરી લીધો લક્ષ્યાંક

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજસ્થાને 14 ઓવરની રમત પૂર્ણ કર્યા બાદ ચાર વિકેટ ગુમાવીને 101 રન બનાવી લીધા હતા. એ સમયે ક્રિઝ પર રિયાન પરાગ 30 રન અને શુભમ દુબે 7 રન બનાવીની રમી રહ્યા હતા તથા ટીમને વિજય માટે 35 બૉલમાં 24 રનની જ જરૂર હતી, જે બન્નેએ મળીને સરળતાથી કરી લીધા હતા.
મુંબઈ ઇન્ડિયન્સે 15.3 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 126 રન બનાવી લીધા હતા.
આ મૅચ રમાઈ એ પહેલાં સુધી આઈપીએલમાં રાજસ્થાન સામે મુંબઈનું પલ્લું હંમેશાં ભારે રહ્યું હતું. સોમવાર સુધી બન્ને ટીમો વચ્ચે 29 મૅચ રમાઈ હતી અને એમાંથી મુંબઈએ 15 તથા રાજસ્થાને 13 મૅચો જીતી હતી. જોકે, સોમવારની મૅચ બાદ રાજસ્થાને 14મો વિજય હાંસલ કરી લીધો હતો.
અલબત્ત, 126 રનનો સરળ દેખાતો લક્ષ્યાંક રાજસ્થાન માટે એટલો સરળ નહોતો રહ્યો. 48 રનની અંદર તેણે પોતાના ત્રણ જબરદસ્ત બૅટ્સમૅનની વિકેટો ગુમાવી દીધી હતી. જોકે, રિયાન પરાગે ફરી એક વખત સાબિત કરી દીધું કે યશસ્વી જયસ્વાલ, સંજુ સૅમસન અને જોશ બટલરના વહેલા આઉટ થઈ જવા પર માત્ર ઇનિંગ સંભાળી જ નથી શકતા, વિજય પણ અપાવી શકે છે.
પરાગે નોટ આઉટ 54 રન કર્યા અને એમની ઇનિંગનું મહત્તવ એ વાત પરથી જ સમજી શકાય એમ છે કે તેમની ટીમમાં બીજો સર્વોચ્ચ સ્કૉર રવિચંદ્રન અશ્વીને (16 રન) નોંધાવ્યો હતો. પરાગે ઑરેન્જ કૅપ હાંસલ કરી છે અને તેઓ હવે એને વિરાટ કોહલી જેવા દિગ્ગજ સાથે શૅર કરી રહ્યા છે. બન્ને બૅટ્સમૅનોના ત્રણ મૅચો બાદ 181 રન છે.
હાર્દિક પંડ્યાનો હુરિયો કેમ બોલાવાયો?

ઇમેજ સ્રોત, ANI
મુંબઈ ઇન્ડિયનની આ સતત ત્રીજી અને પોતાના હોમ ગ્રાઉન્ડ પરની પ્રથમ હાર બાદ દર્શકો માટે હાર્દિક પંડ્યા 'વિલન' બની ગયા છે.
વરિષ્ઠ ખેલ પત્રકાર વિમલ કુમારે બીબીસી માટે એક લેખમાં લખ્યું, 'સોશિયલ મીડિયા પર કેટલાય લોકોએ લખ્યું કે વાનખેડ સ્ટેડિયમની બહાર મૅચ પહેલાં ટી-શર્ટ અને ટીમની જર્સી વેચનારાઓને એ સવાલ કરાયા હતા તેમની પાસે માત્ર રોહિતની જ જર્સી કેમ છે અને પંડ્યાની જર્સી કેમ ગાયબ છે?'
એવી આશા હતી કે સ્થિતિ સુધરી જશે પણ હાર્દિક પંડ્યા જેવા જ સ્ટેડિયમ પર ટૉસ લઈને પહોંચ્યા કે સ્ટેડિયમ આખું 'રોહિત...રોહિત.. ' તથા 'મુંબઈ કા રાજા કોન?' જેવા સૂત્રોચ્ચારથી ગુંજી ઊઠ્યું.
આ વિરોધ એટલો વધી ગયો કે હૉસ્ટ સંજય માંજરેકર અને એક હદે બ્રૉડકાસ્ટર સુધીના લોકોએ હસ્તક્ષેપ કરવો પડ્યો.
હાર્દિકના હૂટિંગનો આ સિલસિલો અમદાવાદમાં પ્રથમ મૅચથી શરૂ થયો હતો. જ્યાં સ્થાનિક દર્શકોએ એમની ભારે હૂટિંગ કરી હતી.
વિમલ કુમારના જણાવ્યા અનુસાર ગુજરાતના પ્રશંસકોને બિલકુલ પસંદ નહોતું આવ્યું કે બે સફળ સિઝન બાદ તેઓ ગુજરાત છોડીને મુંબઈ જતા રહ્યા. બીજી તરફ, મુંબઈના ફેન્સ એટલે ગુસ્સે ભરાયેલા છે કે તેમના હીરોને કૅપ્ટનશિપમાંથી કેમ હઠાવી દેવાયા.












