IPL : પાંચ વિકેટ લેનારો એ બૉલર જેણે ગુજરાતની ધરખમ બેટિંગ લાઇનઅપને ધરાશાયી કરી દીધી

યશ ઠાકુર આઇપીએલ 2024 બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

આઇપીએલ 2024ની 21મી મૅચમાં લખનૌ સુપર જાયન્ટ્સે ગુજરાત ટાઇટન્સને 33 રને હરાવી દીધું છે. આ સાથે જ લખનૌ પૉઇન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.

તો બીજી તરફ શુભમન ગિલની કૅપ્ટન્સીમાં રમી રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમને પાંચ મૅચમાં સિઝનની ત્રીજી હાર મળી છે.

આ મૅચમાં ગુજરાતની ટીમનું બેટિંગ પ્રદર્શન અતિશય નબળું રહ્યું હતું અને ટીમ 164 રનના પડકારનો પીછો કરતાં માત્ર 130 રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી.

તો બીજી તરફ લખનૌ તરફથી ટીમના તમામ બૅટ્સમૅનોએ સાતત્યપૂર્ણ પ્રદર્શન કર્યું હતું અને જીત સાથે પોતાની ટીમને પૉઇન્ટ ટેબલમાં ઉપરના ક્રમે પહોંચાડવામાં મદદ કરી હતી.

પૂરણ અને સ્ટૉઇનિસની ધમાલ

યશ ઠાકુર આઇપીએલ 2024 બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

લખનૌના સ્ટેડિયમમાં રમાયેલી આ મૅચમાં લખનૌ સુપર જાયન્ટ્સના કૅપ્ટન કે. એલ. રાહુલે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી.

ટીમની શરૂઆત સારી રહી ન હતી અને વિકેટકીપર બૅટ્સમૅન ડીકોક માત્ર છ રન બનાવીને બીજી જ ઓવરમાં આઉટ થઈ ગયા હતા.

ત્યારબાદ બેટિંગ કરવા આવેલ દેવદત્ત પડ્ડીકલ પણ માત્ર સાત રન બનાવીને આઉટ થઈ જતા લખનૌની ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. પરંતુ કૅપ્ટન કેએલ રાહુલે 33 રન અને સ્ટૉઇનિસે 43 બૉલમાં 58 રન ફટકાર્યા હતા. નિકોલસ પૂરણે ત્રણ છગ્ગા સાથે 22 બૉલમાં 32 રન ફટકાર્યા હતા.

લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ નિર્ધારિત 20 ઑવરોમાં 163 રન બનાવવામાં સફળ રહી હતી. ગુજરાત ટાઇટન્સ તરફથી ઉમેશ યાદવ અને દર્શન નાલકંડેએ બે-બે વિકેટ ઝડપી હતી.

યશ ઠાકુર સામે ગુજરાતના બૅટ્સમેનો ટકી ન શક્યા

યશ ઠાકુર આઇપીએલ 2024 બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત ટાઇટન્સની ટીમની બેટિંગ લાઇનઅપ જોતાં 164 રનનો આ ટાર્ગેટ સામાન્ય ગણાતો હતો. ગુજરાતને સાઈ સુદર્શન અને શુભમન ગિલે સારી શરૂઆત અપાવી હતી અને પ્રથમ વિકેટ માટે 54 રનની ભાગીદારી કરી હતી.

જોકે, ત્યારબાદ ગુજરાત ટાઇટન્સનો સ્કોર ચાર વિકેટે 61 રન થઈ ગયો હતો અને તેમણે શુભમન ગિલ, કૅન વિલિયમસન, સાઈ સુદર્શન, શરથ બીઆરની વિકેટ ગુમાવી દીધી હતી.

ગુજરાતની એક પછી એક વિકેટો પડતી રહી હતી અને સમગ્ર ટીમ માત્ર 130 રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી.

લખનૌના બૉલર યશ ઠાકુરે 3.5 ઑવરમાં 30 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. કૃણાલ પંડ્યાએ પણ માત્ર 11 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. યશ ઠાકુરને પ્લૅયર ઑફ ધી મૅચ જાહેર કરવામાં આવ્યા હતા.

ગુજરાત ટાઇટન્સ તરફથી સૌથી વધુ સાઈ સુદર્શને 31 અને રાહુલ તેવટિયાએ 30 રન બનાવ્યા હતા.

યશ ઠાકુર કોણ છે?

યશ ઠાકુર આઇપીએલ 2024 બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એનડીટીવીના એક અહેવાલ પ્રમાણે 25 વર્ષીય યુવા બૉલર યશ ઠાકુર પ્રાદેશિક સ્તરે વિદર્ભની ટીમમાંથી ક્રિકેટ રમે છે. તેઓ ઉમેશ યાદવને પોતાના આદર્શ માનીને બૉલિંગ કરે છે.

તેમની ક્રિકેટ કારકિર્દીની શરૂઆતમાં તેઓ વિકેટકીપર બનવા ઇચ્છતા હતા. પરંતુ વિદર્ભના ભૂતપૂર્વ કૅપ્ટન અને કૉચ પ્રવીણ હિંગાણીકરે તેમને બૉલિંગ કરતા જોયા હતા અને પછી તેમને ફાસ્ટ બૉલિંગ કરવાની સલાહ આપી હતી.

તેમણે વિદર્ભ તરફથી 22 ફર્સ્ટ-ક્લાસ મૅચમાં 67 વિકેટો ઝડપી છે અને તેમણે લિસ્ટ-એ ક્રિકેટમાં 37 મૅચમાં 54 વિકેટો ઝડપી છે.

લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે તેમને 2023ની આઇપીએલ પહેલાં 45 લાખમાં કરારબદ્ધ કર્યા હતા.

2023ની આઇપીએલમાં તેમણે 9 મૅચમાં 9.08 ની ઇકોનૉમી સાથે 13 વિકેટ ઝડપી હતી. જ્યારે આ આઇપીએલમાં તેમણે ત્રણ મૅચમાં છ વિકેટો ઝડપી હતી.

હાલમાં રાજસ્થાન રોયલ્સની ટીમ પોતાની ચારેય મૅચ જીતીને ટોચના ક્રમે છે. આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કૉલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે.