ગુજરાત ટાઇટન્સને હારેલી મૅચ રાશિદ ખાને કેવી રીતે જીતાડી?

રાશિદ ખાન

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, મનોજ ચતુર્વેદી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી માટે

જયપુર ખાતે ગુરુવારે રાજસ્થાન રૉયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી રોમાંચક મૅચમાં ગુજરાત ટાઇટન્સે છેલ્લા બૉલ પર બાજી મારી.

રાશિદ ખાને ફરીથી પુરવાર કર્યું કે તેઓ માત્ર બૉલિંગ જ નહીં પરંતુ જરૂર પડ્યે બેટિંગમાં પણ કમાલ કરી શકે છે.

રાશિદ ખાને પોતાની બેટિંગના જોરે ગુજરાત ટાઇટન્સને ત્રણ વિકેટે જીત અપાવી.

રાજસ્થાન રૉયલ્સની આ પાંચ મૅચોમાં પહેલી હાર હતી.

રાજસ્થાન રૉયલ્સની આ મૅચ પર મજબૂત પકડ હતી. જોકે, છેલ્લી પાંચ ઓવરોમાં મૅચની બાજી પલટી ગઈ.

શુભમન ગિલે મૅચ પછી કહ્યું, “અમારી ટીમને છેલ્લી ત્રણ ઓવરમાં 45 રનની જરૂર હતી. હું એ બાબતે નિશ્ચિંત હતો કે અમે આ લક્ષ્ય પાર કરીશું. હું છેલ્લા બૉલે મળેલી જીતને કારણે ખુશ છું.”

રાશિદ ખાન રહ્યા જીતના હીરો

રાશિદ ખાન

ઇમેજ સ્રોત, ANI

રાશિદ ખાન અને રાહુલ તેવટિયાની જોડીએ પહેલા પણ ગુજરાત ટાઇટન્સ માટે “સંકટમોચક”ની ભૂમિકા નિભાવી હતી.

આ જોડીએ 14 બૉલમાં 38 રન ફટકારીને ટીમને જીતની નજીક લાવી દીધી. જોકે, તેવટિયા ત્રીજો રન લેવાની ઉતાવળમાં રન આઉટ થઈ ગયા.

સારી વાત એ હતી કે રાશિદ ખાન છેલ્લો બૉલ રમવા માટે સ્ટ્રાઇક પર હતા અને તેમણે ચોગ્ગો ફટકારીને જીત અપાવી હતી.

પૂર્વ ક્રિકેટર મહમદ કૈફે કહ્યું કે રાશિદ ખાને રાજસ્થાન તરફથી છેલ્લી ઓવર ફેંકી રહેલા અવેશ ખાનને પોતાની રણનીતિમાં ફેરફાર કરવા માટે લાચાર કર્યા.

આવેશ ખાનની તાકાત યૉર્કર ફેંકવાની છે પરંતુ રાશિદ ખાને તેમના યૉર્કર પર ચોગ્ગો ફટકાર્યો.

આ કારણે આવેશ ખાને છેલ્લો બૉલ ફેંકતી વખતે રણનીતિમાં ફેરફાર કરવો પડ્યો. આવેશ ખાને ફેંકેલા લેન્થ બૉલ પર રાશિદ ખાને ચોગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી.

રાહુલ તેવટિયાનું પણ મહત્ત્વપૂર્ણ યોગદાન

રાહુલ તેવતિયા

ઇમેજ સ્રોત, ANI

રાહુલ તેવટિયાએ રાશિદ ખાન સાથે જીત અપાવનારી ભાગેદારીમાં 11 બૉલમાં 22 રન ફટકાર્યા, જેમાં ત્રણ ચોગ્ગા પણ સામેલ હતા.

તેવટિયા અંતિમ ઓવરમાં છગ્ગા ફટકારવા માટે જાણીતા છે. જોકે, આ મૅચમાં છગ્ગા ફટકારવાની શક્યતા ઓછી હોવાને કારણે તેમણે ચોગ્ગાઓ મારવા પર ધ્યાન કેન્દ્રીત કર્યુ.

રાશિદ ખાને પ્લેયર ઑફ ધી મૅચ ઍવૉર્ડ મેળવતી વખતે કહ્યું, “હું આ પહેલાની ચાર મૅચોમાં સારી બૉલિંગ ન કરી શક્યો. હું આઈપીએલ પહેલાના ત્રણ-ચાર મહિના ક્રિકેટ નહોતો રમ્યો તે પણ એક કારણ હોઈ શકે. જોકે, મેં આ મૅચમાં સારી બૉલિંગ કરી અને તેની અસર મારી બેટિંગમાં પણ દેખાઈ.”

રાશિદ ખાને કહ્યું કે હું મારા પ્રદર્શનથી એટલે ખુશ છું કે તેને કારણે ટીમને જીત મળી.

રાશિદ ખાને 11 બૉલમાં ચાર ચોગ્ગાની મદદથી 24 રન ફટકાર્યા. આ ઉપરાંત તેમણે ચાર ઓવરમાં માત્ર 18 રન આપીને એક વિકેટ મેળવી. આ ઑલરાઉન્ડ પ્રદર્શનને કારણે તેમને પ્લેયર ઑફ ધી મૅચનો ઍવૉર્ડ આપવામા આવ્યો.

શુભમન ગિલની કપ્તાની ઇનિંગ

શુભમન ગિલ

ઇમેજ સ્રોત, ANI

શુભમન ગિલ અને સાઈ સુદર્શને ટીમને એક સારી શરૂઆત આપતા 64 રનની ભાગેદારી કરી હતી. ત્યાર પછી ટીમે ત્રણ વિકેટો ફટાફટ ગુમાવી એટલે શુભમન ગિલે ટીમની પરિસ્થિતિ સંભાળવા પર ધ્યાન આપ્યું.

ગુજરાત ટાઇન્ટસ સમયાંતરે વિકેટો ગુમાવતુ રહ્યું પરંતુ કૅપ્ટન ગિલ એક છેડે ટકી રહ્યાં.

જોકે, ગિલ રમતા હતા ત્યારે ટીમની રન ગતિ ધીમી થઈ હતી અને તેને કારણે ટીમ પર થોડુંક દબાણ વધ્યું. ગિલે આ દબાણને ઓછું કરવા માટે 16મી ઓવરમાં યુજવેન્દ્ર ચહલના પહેલા બે બૉલ પર ચોગ્ગા ફટકાર્યા. ત્યાર પછી ચહલે ગિલને સ્ટંપ આઉટ કર્યા.

શુભમન ગિલે 44 બૉલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 163.63ની સ્ટ્રાઇક રેટ સાથે 72 રન ફટકાર્યા.

ગિલના આઉટ થયા પછી ક્રિઝ પર આવેલા શાહરૂખ ખાને એક ચોગ્ગો અને છગ્ગો ફટકારીને રનની ગતિ જાળવી રાખી. જોકે, તેઓ માત્ર 16 રન કરીને આઉટ થયા હતા.

ત્યાર પછી રાહુલ તેવટિયા અને રાશિદ ખાને પોતાની આક્રમક બેટિંગ થકી ટીમને જીત અપાવી.

કુલદીપ સેને આપ્યા શરૂઆતી ઝટકાઓ

કુલદીપ સેન

ઇમેજ સ્રોત, ANI

કુલદીપ સેન ગયા વર્ષે લાંબા સમયથી પીઠની ઇજામાંથી રિકવર થઈ રહ્યાં હતા. તેઓ ગયા વર્ષે ડિસેમ્બરમાં જ પાછા ફર્યા હતા.

જોકે, તેમણે નેશનલ ક્રિકેટ એકેડમીમાં રહીને પોતાની બૉલિંગમાં ઘણો સુધારો કર્યો, જેની અસર તેમની બૉલિંગમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.

કુલદીપે પોતાની પહેલી બે ઓવરમાં જ ત્રણ વિકેટો ઝડપીને મૅચને રાજસ્થાનની તરફેણમાં કરી દીધો હતો. તેમણે 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી બૉલિંગ કરીને લોકોને પ્રભાવિત કર્યા.

તેમણે મૈથ્યૂ વેડ અને અભિનવ મનોહરને પોતાની સ્પીડથી ચકમો આપ્યો.

જોકે, કુલદીપ 19મી ઓવરમાં દબાણની પરિસ્થિતિમાં સારી બૉલિંગ ન કરી શક્યા.

તેમણે આ ઓવરમાં 19 રન આપ્યા અને ગુજરાત ટાઇટન્સ માટે સ્થિતિ થોડીક સરળ કરી દીધી.

રિયાન અને સંજૂ સેમસનની ભાગીદારી એળે ગઈ

સંજૂ સેમસન

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાજસ્થાન રૉયલ્સે જોસ બટલર અને યશસ્વી જયસ્વાલની વિકેટો જલદી ગુમાવી હતી. તેથી સંજૂ સેમસન અને રિયાન પરાગે સાથે મળીને ટીમની ઇનિંગ સંભાળવાનો પ્રયત્ન કર્યો. જોકે, બન્ને ખેલાડીઓ મહત્ત્વપૂર્ણ સમયે રનની ગતિ વધારી અને 130 રનની ભાગીદારી નોંધાવી.

બન્ને બૅટ્સમૅનોએ આ ભાગીદારીમાં 10ની રન રેટથી રન ફટકાર્યા અને એટલે જ રાજસ્થાન રૉયલ્સે 20 ઓવરમાં 196 રન ખડક્યા.

સંજૂ સેમસને મૅચ પછી કહ્યું કે આ સ્કૉર મૅચ જીતવા માટે આ વિકેટ પર પૂરતો હતો. ઝાકળ ન પડવાથી બૉલિંગ કરવામાં પણ કોઈ તકલીફ ન હતી.

તેમણે કહ્યું કે અમારું બૉલિંગ યુનિટ પણ સારું છે, તેમ છતાં અમારો પરાજય થયો.

રિયાન પરાગ આ સિઝનમાં જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યા છે અને તેઓ ચોથા ક્રમે બેટિંગ કરવાનો ભરપુર લાભ લઈ રહ્યા છે.

આઈપીએલની આ સિઝનમાં તેમણે ત્રણ અડધી સદી ફટકારી છે. રિયાન પરાગ છેલ્લા કેટલાક સમયથી પોતાની બેટિંગમાં સુધાર કરી રહ્યા હતા. તેમણે 48 બૉલમાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 76 રન કર્યા.

પૂર્વ ક્રિકેટર હરભજનસિંહે કહ્યું કે રિયાન સ્પીન અને ફાસ્ટ બૉલિંગ વિરુદ્ધ સારા શૉટ્સ મારે છે. તેઓ જે રીતે આ સિઝનમાં પ્રદર્શન કરી રહ્યા છે તેમને ટૂંક સમયમાં જ ભારતીય ટીમમાં પણ સ્થાન મળી શકે છે.

રિયાન હાલ ઑરેંજ કૅપની હોડમાં વિરાટ કોહલી પછી બીજા સ્થાન પર છે. તેમણે અત્યાર સુધી રમેલી પાંચ મૅચોમા ત્રણ અડધી સદીની મદદથી 261 રન ફટકાર્યા છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)