IPLના ઇતિહાસના સૌથી મોટા સ્કોરવાળી મૅચ, રનોના ઢગલા છતાં કોહલીની ટીમ કેમ જીતી ન શકી?

દિનેશ કાર્તિક, બેંગલોર, આઈપીએલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલની 30મી મૅચમાં જાણે કે છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ વરસી રહ્યો હતો. ગઈકાલની મૅચમાં એક પછી એક અનેક રેકૉર્ડ સર્જાયા હતા.

સનરાઇઝર્સ હૈદરાબાદ અને રૉયલ ચૅલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાયેલી આ મૅચમાં નિર્ધારિત 20 ઓવરમાં 287 રન ખડક્યા બાદ હૈદરાબાદને આસાન જીત મળશે તેવું મનાઈ રહ્યું હતું.

જોકે જવાબમાં બેંગલોરે પણ ઝંઝાવાતી બેટિંગ કરી હતી અને આટલા વિશાળ લક્ષ્યનો પીછો કર્યો હતો. જોકે, તેઓ જીત મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા.

અંતે સનરાઇઝર્સ હૈદરાબાદે રૉયલ ચૅલેન્જર્સ બેંગલોરને 25 રનથી પરાજય આપ્યો હતો. બેંગલોરની ટીમ અંતે સિઝનની છઠ્ઠી હાર બાદ પૉઇન્ટ ટેબલના તળિયે ફેંકાઈ ગઈ છે.

હૈદરાબાદના હૅડની આતશબાજી

દિનેશ કાર્તિક, બેંગલોર, આઈપીએલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

પોતાના હોમગ્રાઉન્ડ પર રમાઈ રહેલી આ મૅચમાં બેંગલોરની ટીમે ટૉસ જીતીને બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તે નિર્ણય સદંતર ખોટો સાબિત થયો હતો.

હૈદરાબાદના ઓપનરો અભિષેક શર્મા અને ટ્રાવિસ હૅડે ટીમને ઝંઝાવાતી શરૂઆત અપાવી હતી અને પહેલી વિકેટ માટે 108 રનની ભાગીદારી કરી હતી.

ટ્રાવિસ હૅડે 41 બૉલમાં સદી ફટકારતાં 102 રન બનાવ્યા હતા. તેમની આ ઇનિંગમાં તેમણે નવ ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યા હતા.

અભિષેક શર્માની વિકેટ પડ્યા બાદ બેટિંગ કરવા ઊતરેલા વિકેટકીપર બૅટ્સમૅન ક્લાસેન પણ કંઈક આવા જ મૂડમાં હતા. તેમણે પણ ચારેકોર ફટકાબાજી શરૂ કરી હતી અને માત્ર 31 બૉલમાં જ 67 રન બનાવ્યા હતા. તેમણે બે ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા.

હૈદરાબાદની ટીમનો કોઈ પણ બૅટ્સમૅન આ મૅચમાં ડીફેન્સિવ બેટિંગ કરી રહ્યો ન હતો. જાણે કે તેઓ હાઇએસ્ટ સ્કોરના તમામ રેકૉર્ડ તોડવા માંગતા હતા.

ઇનિંગને સમાપ્ત કરતાં માર્કરામે 17 બૉલમાં 32 રન અને યુવા બૅટ્સમૅન અબ્દુલ સમદે 10 બૉલમાં 37 રન ફટકાર્યા હતા. સમદે પણ ત્રણ છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા.

હૈદરાબાદની ટીમે નિર્ધારિત 20 ઑવરમાં ત્રણ વિકેટે 287 રન બનાવ્યા હતા અને આઈપીએલના ઇતિહાસનો સૌથી વિશાળ સ્કોર બનાવ્યો હતો.

બેંગલોર તરફથી લૉકી ફર્ગ્યુસને સૌથી વધારે બે વિકેટ ઝડપી હતી. એ સિવાય બેંગલોરના તમામ બૉલરો અતિશય ખર્ચાળ સાબિત થયા હતા અને ટૉપલેએ ચાર ઑવરમાં 68 રન અને વિજયકુમારે 64 રન આપ્યા હતા.

દિનેશ કાર્તિકે ચાહકોના શ્વાસ થંભાવી દીધા

દિનેશ કાર્તિક, બેંગલોર, આઈપીએલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

288 રનનો વિશાળ પડકાર જોતાં હૈદરાબાદની જીત નિશ્ચિત મનાતી હતી પરંતુ બેંગલોરના વિકેટકીપર બૅટ્સમૅન દિનેશ કાર્તિક કંઇક અલગ જ મૂડમાં હતા.

દિનેશ કાર્તિકે છેક 19મી ઑવર સુધી લડત આપી હતી અને બેંગલોરની જીતની આશા જીવંત રાખી હતી.

દિનેશ કાર્તિકે 35 બૉલમાં 85 રન ફટકાર્યા હતા અને એક તબક્કે 5 વિકેટે 122 રનના બેંગલોરના સ્કોરને તેણે 244 રન સુધી પહોંચાડ્યો હતો.

તેમણે પણ પાંચ ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. 38 વર્ષીય દિનેશ કાર્તિકે તેમની બેટિંગનો શાનદાર પરચો આપ્યો હતો અને વર્લ્ડકપ માટે પોતાની દાવેદારી ફરીથી પ્રબળ રીતે રજૂ કરી હતી.

મૅચ દરમિયાન જ કૉમેન્ટેટર ડેની મોરિસને કહ્યું હતું કે ભારતીય સિલેક્ટરો સંજુ સેમસન, કેએલ રાહુલ, ઋષભ પંતની સાથેસાથે કાર્તિકના નામ પર પણ ચર્ચા કરશે.

કોહલી અને ડુ પ્લૅસિસની ઇનિંગ મૅચ ન જીતાડી શકી

દિનેશ કાર્તિક, બેંગલોર, આઈપીએલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

બેંગલોરને વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લૅસિસની ઓપનિંગ જોડીએ પણ જોરદાર શરૂઆત અપાવી હતી.

કોહલીએ માત્ર 20 બૉલમાં 42 રને અને ડુ પ્લૅસિસે માત્ર 28 બૉલમાં 62 રન બનાવ્યા હતા. જોકે, બેંગલોરની ટીમ નિર્ધારિત 20 ઑવરોમાં સાત વિકેટે 262 રન જ બનાવી શકી હતી.

હૈદરાબાદ તરફથી પેટ કમિન્સે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે ટ્રાવિસ હૅડને ઝંઝાવાતી સદી માટે પ્લૅયર ઑફ ધી મૅચ જાહેર કરવામાં આવ્યા હતા.

બેંગલોરના કૅપ્ટન ડુ પ્લૅસિસે કહ્યું હતું કે, “અમે ઘણું સારું બેટિંગ પ્રદર્શન કર્યું પરંતુ અમે બૉલિંગમાં 30-40 રન વધુ આપી દીધા હતા. આ પીચ પણ ટી-20 માટેની જ હતી. અમે ટાર્ગેટ ચેઝ કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો પરંતુ 280 રન એ ખૂબ મોટો પડકાર હોય છે.”

મૅચમાં તૂટ્યા અનેક રેકર્ડ

દિનેશ કાર્તિક, બેંગલોર, આઈપીએલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

આજ સુધી વિશ્વભરમાં ટી-20ના 13 હજારથી વધુ મુકાબલાઓ રમાઈ ચૂક્યા છે પરંતુ આવું પહેલીવાર બન્યું છે કે જેમાં એક જ ટી-20 મૅચમાં કુલ 549 રન બન્યા હતા.

ટ્રાવિસ હૅડે આઈપીએલમાં હૈદરાબાદની ટીમ તરફથી સૌથી ઝડપી સદી ફટકારી હતી.

આઈપીએલની એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો રેકૉર્ડ પણ આ જ મૅચમાં બન્યો છે.

આઈપીએલની એક મૅચમાં સૌથી વધુ 38 છગ્ગા તથા એક જ ઇનિંગમાં સૌથી વધુ 22 છગ્ગાનો રેકર્ડ પણ નોંધાયો છે. હૈદરાબાદની ટીમે 22 છગ્ગા ફટકાર્યા હતા.

આ મૅચના અંતે હૈદરાબાદ આઠ પોઇન્ટ સાથે ચોથા સ્થાને પહોંચી ગયું છે જ્યારે બેંગલોર હજુ પણ પૉઇન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે.