ગુજરાત વિધાનસભાનું સત્ર, માનવબલિ અને કાળા જાદુવિરોધી બિલોની જોગવાઈ શું છે?

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 21મી ઑગસ્ટથી શરૂ થશે

ઇમેજ સ્રોત, GUJARATASSEMBLY.GOV.IN

ગુજરાતમાં 21મી ઑગસ્ટથી વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસું-સત્ર શરૂ થઈ રહ્યું છે.

ગુજરાત વિધાનસભા સચિવાલયે જાહેર કરેલી સૂચના પ્રમાણે, રાજ્યની 15મી વિધાનસભાનું પાંચમું સત્ર ટૂંકી મુદતથી બોલવવામાં આવેલું છે. આ કારણે તારાંકિત પ્રશ્નોતરી રાખવામાં આવી નથી. જોકે, ટૂંકી મુદ્દતના પ્રશ્નો સ્વીકારવામાં આવશે.

આ ટૂંકા સત્ર દરમિયાન ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ઠ અને અઘોરી પ્રથા તથા કાળા જાદુને અટકાવવા માટે એક નવું વિધેયક રજૂ કરશે.

વિધાનસભાના ત્રણ દિવસીય સત્રમાં આ ઉપરાંત કેટલાંક સુધારા વિધેયક જેવાં કે ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) વિધેયક, ગુજરાત નશાબંધી (સુધારા) વિધેયક, ગુજરાત કાયદા (જોગવાઈઓના સુધારા) વિધેયક રજૂ કરવામાં આવશે.

ગુજરાત માનવ બલિદાન બિલમાં શું છે જોગવાઈઓ?

ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને નિર્મૂલન કરવા બાબત વિધેયક, 2024

ઇમેજ સ્રોત, gujarat.neva.gov.in

ઇમેજ કૅપ્શન, ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને નિર્મૂલન કરવા બાબત વિધેયક, 2024

ગુજરાત સરકારના બિલમાં આપેલી માહિતી પ્રમાણે, માનવ બલિદાન, અનિષ્ટ અને અઘોરી પ્રથા ઉપરાંત કાળા જાદુ જેવી પ્રવૃત્તિઓ અને આ પ્રકારની પ્રવૃત્તિઓને મળતા પ્રોત્સાહનને એક ગુનો ગણવામાં આવશે.

આ ગુનામાં દોષિત વ્યક્તિને ઓછામાં ઓછા છ મહિના અને વધુમાં વધુ સાત વર્ષ સુધી કેદની સજા થઈ શકે છે. આ ઉપરાંત દોષિત વ્યક્તિને ઓછામાં ઓછા પાંચ હજારથી વધારેમાં વધારે 50 હજાર સુધીનો દંડ ફટાકરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

સરકારે બિલમાં આપેલી માહિતી પ્રમાણે, આ પ્રકારનો ગુનો બિન-જામીનપાત્ર ગણાવામાં આવશે.

સરકારે બિલ લાવવા પાછળનાં ઉદ્દેશો અને કારણો શું જણાવ્યાં?

ગુજરાતમાં અઘોરી પ્રથાઓ, કાળા જાદુની પ્રથા અને પ્રેતાત્માને ભગાડવાની પ્રથા જેવી ઘટનાઓ રાજ્યના વિવિધ જિલ્લામાં સતત ઘટતી રહે છે.

ગુજરાત સરકારે પોતાના બિલમાં જણાવ્યું છે, “કાળા જાદુ અને બીજી અમાનુષી, અનિષ્ઠ અને અઘોરી પ્રથાઓને કારણે મૂળ સામાજિક માળખાને અને પ્રમાણભૂત તથા વૈજ્ઞાનિક તબીબી ઉપચાર અને ઇલાજોમાં સામાન્ય લોકોની શ્રદ્ધાને ગંભીર નુકસાન થઈ રહ્યું છે.”

“આ હાનિકારક અને અમાનુષી પ્રથાઓ, કાળા જાદુ જેવી અન્ય અમાનુષી અને અઘોરી પ્રથાઓની ખરાબ અસર અને પ્રસારને અસરકારક રીતે અટકાવવા અને નિર્મૂલન કરવા માટે તદ્દઉપરાંત સામાન્ય લોકો આવી ઘટનાઓનો ભોગ ન બને તે માટે આ વિધેયક આવશ્યક છે.” (બિલના પેજ નં.11 પર માહિતી આપેલી છે.)

આ બિલ કયા કિસ્સામાં લાગુ નહીં પડે?

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત સરકારે બિલમાં આપેલી વિગતો પ્રમાણે નીચે જણાવેલી બાબતોમાં આ અધિનિયમો લાગુ નહીં પડે :

હરિપથ, પ્રવચન, ભજન, કિર્તન, પ્રાચીન અને પરંપરાગત જ્ઞાન અને કળાના શિક્ષણ અને તેના પ્રચાર અને પ્રસાર. ઘર, મંદિર, દરગાહ, ગુરુદ્વારા, પેગોડા, ચર્ચ અને બીજાં ધાર્મિક સ્થળો પર શારીરિક ઇજા અથવા નાણાકીય નુકસાન ન થાય તેવી પ્રાર્થના, ઉપાસના અને બીજી તમામ ધાર્મિક વિધિઓ કરવી.

મૃત સંતોના ચમત્કાર વિશે જણાવવું, તેનો પ્રચાર, પ્રસિદ્ધિ અને પ્રસાર કરવો. આ ઉપરાંત ધાર્મિક ઉપદેશકોના શારીરિક ઇજા અને નાણાકીય નુકસાન ન કરતા હોય તેવા ચમત્કારો અંગેના સાહિત્યનો પ્રચાર, પ્રસાર અને વહેંચણી.

ધાર્મિક વિધિઓ પ્રમાણે બાળકોનાં કાન અને નાક વિંધાવવા, જૈન સમાજમાં કેશલોચન જેવી ધાર્મિક વિધિ કરવી.

વાસ્તુશાસ્ત્રના સંદર્ભે સલાહ, જોષી-જ્યોતિષીઓની સલાહ અને ભૂગર્ભજળના સ્ત્રોતના સંદર્ભમાં સલાહ.

કોઈ ધાર્મિક અથવા આધ્યાતમિક સ્થળોએ કરવામાં આવતી પ્રદક્ષિણા, યાત્રા અને પરિક્રમા જેવી પૂજાનાં સ્વરૂપને.

કાયદાથી આવી ઘટનાઓ કેટલી રોકી શકાશે?

કાયદો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

હાઈકોર્ટમાં પિટિશન કરનારા વકીલ હર્ષ રાવલે કહ્યું હતું, “અંધશ્રદ્ધા નિર્મૂલન અંગેનો કાયદો અટકાયતી પગલાં લેવા માટે ખૂબ જ જરૂરી છે. અગાઉની ભારતીય દંડ સંહિતા અને હાલની ભારતીય ન્યાય સંહિતામાં આ અંગે કોઈ જોગવાઈ નથી. દા.ત., કોઈ બાળકને ડામ દેવાયા હોય તો ડામ અંગેની ફરિયાદ કરી શકાય. પરંતુ તે ઘટનાને પહેલાં રોકી શકાય નહીં.”

તેમણે વધુમાં જણાવ્યું હતું, “અંધશ્રદ્ધા નિર્મૂલનનો કાયદો બને તો કાયદા દ્વારા વિજિલન્સ ઑફિસરની નિમણૂક થઈ શકે, જે આ પ્રકારની પ્રવૃત્તિઓ પર નજર રાખશે. તેમજ ક્યાંક આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળે તો લોકોને તેમનો ભોગ બનતાં અટકાવવા માટેનાં પગલાં લઈ શકશે.”

સરકારે નશાબંધી બિલમાં કેવા સુધારાઓની જોગવાઈ કરી છે?

નસાબંધી વિધેયક (સુધારા), 2024

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતમાં કોઈ વ્યક્તિ કોઈ કેફી પદાર્થ, ભાંગ-ગાંજા, મહુડાનાં ફૂલો વગેરે લઈ જતા પશુઓ, ગાડાં અથવા વાહનમાં પકડાય તો કોર્ટના આખરી ચુકાદા સુધી સરકારે જપ્ત કરેલાં વાહનો માલિકોને પરત કરી શકાતાં નથી અને કેસના છેલ્લા ચુકાદા સુધી પોલીસ સ્ટેશન અથવા કોર્ટના ફળિયામાં વણવપરાયેલાં પડી રહે છે.

જોકે, આ સમસ્યાનો ઉકેલ લાવવાં માટે સરકારે હરાજી મારફતે આવાં વાહનોનો નિકાલ કરવા માટે એક વટહુકમ જાહેર કર્યો હતો.

રાજ્ય સરકાર હવે આ બાબતે ગુજરાત નશાબંધી (સુધારા) વિધેયક, 2024 વિધાનસભામાં રજુ કરશે જેથી કરીને નશાબંધી ભંગ કરવા બદલ પકડાતાં વાહનોની હરાજી કરી શકાય.

કૉંગ્રેસે કહ્યું હતું કે સરકારે ખૂબ શૉર્ટ નોટિસ પર વિધાનસભાનું આ સત્ર બોલાવ્યું છે. તેનું કહેવું છે કે સરકારે 21 ઑગસ્ટના સત્રની જાણ 6 ઑગસ્ટે જ કરી હતી.

કૉંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે, “તેના કારણે તારાંકિત પ્રશ્નોના કોઈ જવાબ આપવામાં આવશે નહીં. અમે પ્રશ્નો મોકલી રહ્યા છીએ પરંતુ ટૂંકાગાળાની નોટિસને કારણે નિયમ હેઠળ અમારા પ્રશ્નોને રદ કરી દેવામાં આવશે. આ બાબતથી એ સ્પષ્ટ થાય છે કે સરકાર એકપણ બાબતે કોઈ ચર્ચા ઇચ્છતી જ નથી.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.