પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં મેડિકલ વિદ્યાર્થિની સાથે ગૅંગરેપનો આરોપ, મમતા બેનરજીએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી, બીબીસી, પશ્ચિમ બંગાળ, ગૅંગ રેપ, મમતા બેનરજી, મહિલાઓ પર અત્યાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગયા વર્ષે કોલકાતાની આરજી કર હૉસ્પિટલનાં એક ટ્રેની ડૉક્ટર સાથે રેપ અને હત્યા બાદ ઘણા દિવસો સુધી રાજ્યના ડૉક્ટરોએ હડતાળ અને વિરોધ પ્રદર્શન કર્યાં હતાં

પશ્ચિમ બંગાળના પશ્ચિમ વર્ધમાન જિલ્લાના દુર્ગાપુરમાં એક ખાનગી મેડિકલ કૉલેજનાં વિદ્યાર્થિની સાથે ગૅંગરેપના આરોપની પોલીસ તપાસ કરી રહી છે. વિદ્યાર્થિની મેડિકલ કૉર્સના બીજા વર્ષમાં ભણે છે અને તેઓ ઓડિશાનાં રહેવાસી છે.

જોકે, અત્યાર સુધી આ મામલામાં કોઈની ધરપકડ નથી કરાઈ, પરંતુ પોલીસે વિદ્યાર્થિનીના જ એક સાથીની પૂછપરછ કરી રહી છે.

આ દરમિયાન પશ્ચિમ બંગાળના સ્વાસ્થ્ય વિભાગે મેડિકલ કૉલેજ પાસેથી આ મામલાનો રિપોર્ટ માગ્યો છે.

આસનસોલ-દુર્ગાપુર પોલીસ કમિશનરેટના પોલીસ ઉપાયુક્ત અભિષેક ગુપ્તાએ પત્રકારોને જણાવ્યું, "આ મામલાની તપાસ ચાલી રહી છે. દોષિતોને શોધખોળ ચાલુ છે. આ મામલો અત્યંત સંવેદનશીલ હોવાને કારણે પોલીસ તમામ પાસાંને ધ્યાને લઈને આગળ વધી રહી છે."

મામલો સામે આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળના સત્તાધારી પક્ષ તૃણમૂલ કૉંગ્રેસને ઘેરવાનું શરૂ કરી દીધું છે. ઓડિશાના મુખ્ય મંત્રી મોહન ચરણ માઝીએ આ ઘટનાને પીડાદાયક ગણાવીને પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીને ઉદાહરણરૂપ કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો છે.

તેમજ, પશ્ચિમ બંગાળ સરકારમાં મહિલા અને બાળવિકાસકલ્યાણમંત્રી શશિ પાંજાએ કહ્યું છે કે મામલાની તપાસ ચાલુ છે અને વિદ્યાર્થિનીનાં માતાપિતાને તપાસ પર સંપૂર્ણ ભરોસો છે.

પોલીસે જણાવ્યું કે મેડિકલ વિદ્યાર્થિનીનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને એફએસએલ ટીમે ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા છે.

પોલીસે શું જણાવ્યું?

બીબીસી ગુજરાતી, બીબીસી, પશ્ચિમ બંગાળ, ગૅંગ રેપ, મમતા બેનરજી, મહિલાઓ પર અત્યાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પશ્ચિમ બંગાળમાં વિરોધ પક્ષના નેતા શુભેંદું અધિકારીએ કહ્યું છે કે મમતા સરકારમાં કોઈ પણ મહિલા સુરક્ષિત નથી

વિદ્યાર્થિનીનાં માતાપિતાએ પોલીસમાં જે ફરિયાદ દાખલ કરી છે, એ પ્રમાણે 23 વર્ષીય વિદ્યાર્થિની બીજા વર્ષમાં ભણી રહ્યાં છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ફરિયાદમાં કહેવાયું છે કે, "10 ઑક્ટોબરની રાત્રે લગભગ આઠ વાગ્યે વિદ્યાર્થિનીને તેમની જ કૉલેજના એક વિદ્યાર્થી પોતાના મિત્રો સાથે ભોળવીને એક સૂમસામ જગ્યાએ લઈ ગયા. અને બાદમાં માતાપિતાને જાણકારી મળી કે તેમની દીકરી સાથે ગૅંગરેપની ઘટના બની છે."

તેમજ, પોલીસે સ્થાનિક પત્રકારોને જણાવ્યું કે વિદ્યાર્થિની શુક્રવારે રાત્રે લગભગ આઠ વાગ્યે પોતાના એક પરિચિત સાથે કશુંક ખાવા માટે કૉલેજ પરિસરમાંથી બહાર નીકળ્યાં હતાં, જ્યાં કેટલાક યુવકોએ વિદ્યાર્થિની પર ટિપ્પણી કરી અને તેમની સાથે ખેંચતાણ કરી, તેમણે વિદ્યાર્થિનીનો મોબાઇલ અને પૈસા ઝૂંટવી લીધા.

પોલીસ પ્રમાણે, આ ઘટના બાદ પુરુષ સાથીને ધમકી આપીને ત્યાંથી ભગાડી દેવાયા અને નજીકના જંગલમાં લઈ જઈને વિદ્યાર્થિની સાથે કથિતપણે ગૅંગરેપ કરાયો.

જોકે, માતાપિતા તરફથી અપાયેલી ફરિયાદમાં એવું કહેવાયું છે કે ગૅંગરેપ બાદ આરોપીઓ વિદ્યાર્થિનીના પૈસા અને ફોન લઈને નાસી છૂટ્યા. ફરિયાદમાં પણ એવું કહેવાયું છે કે વિદ્યાર્થિનીને દુર્ગાપુરની એક હૉસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં દાખલ કરાયાં અને ડૉક્ટરોએ કહ્યું છે કે તેમની હાલ હજુ પણ ગંભીર છે.

વિદ્યાર્થિનીનાં માતાપિતાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, "અમારી દીકરી અહીં સુરક્ષિત નથી. દોષિતોને કઠોર સજા મળવી જોઈએ."

બીબીસી ગુજરાતી, બીબીસી, પશ્ચિમ બંગાળ, ગૅંગ રેપ, મમતા બેનરજી, મહિલાઓ પર અત્યાચાર

ઇમેજ સ્રોત, X

વિદ્યાર્થિનીનાં માએ તેમની સાથે ગૅંગરેપ થયાનો દાવો કર્યો છે. પરંતુ પોલીસના એક અધિકારીએ નામ છુપાવવાની શરતે કહ્યું છે કે મેડિકલ તપાસનો રિપોર્ટ આવ્યા પહેલાં આ અંગે નિશ્ચિતપણે કશું કહી ન શકાય.

શનિવારે મોડી સાંજે આસનસોલ-દુર્ગાપુર પોલીસે સોશિયલ મીડિયા સાઇટ ઍક્સ પર એક પોસ્ટ કરીને લોકોને અફવાથી બચવાની અપીલ કરી છે.

પોલીસે લખ્યું છે, "(શુક્રવાર) મોડી રાત્રે દુર્ગાપુરની એક મેડિકલ ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થિની સાથે કૅમ્પસની બહાર જંગલમાં યૌનશોષણની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને અંજામ અપાયો. તેની તપાસ ચાલી રહી છે અને દોષિતોને જલદી પકડવાની તમામ કોશિશો કરાઈ રહી છે. સોશિયલ મીડિયા પરની અફવાઓ પર ધ્યાન આપવાથી બચવા વિનંતી. અમે મહિલા વિરુદ્ધ કોઈ પણ પ્રકારના ગુના અંગે પોતાની ઝીરો ટૉલરેન્સની નીતિ પર પ્રતિબદ્ધ છીએ."

આ પોસ્ટને ક્વૉટ કરીને પશ્ચિમ બંગાળ પોલીસે લખ્યું છે, "પીડિતાનું દુ:ખ ઓડિશા જેટલું જ અમારું પણ છે અને અમે ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં કોઈ કસર બાકી નહીં છોડીએ. પીડિતા હજુ પણ રિકવર થઈ રહ્યાં છે અને તેમના પરિવારને દરેક પ્રકારની મદદ કરાઈ રહી છે. અમે બધાને કોઈ પણ પુષ્ટિ ન કરાઈ હોય એવા સમાચાર શૅર ન કરવાની અપીલ કરીએ છીએ."

વિપક્ષે શું કહ્યું?

બીબીસી ગુજરાતી, બીબીસી, પશ્ચિમ બંગાળ, ગૅંગ રેપ, મમતા બેનરજી, મહિલાઓ પર અત્યાચાર

ઓડિશાના સીએમ મોહન ચરણ માઝીએ સોશિયલ મીડિયા વેબસાઇટ ઍક્સ પર આ ઘટનાની નિંદા કરી.

તેમણે લખ્યું, "ઓડિશાની વિદ્યાર્થિની સાથે પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં ગૅંગરેપની દુર્ભાગ્યપૂર્ણ ઘટના અત્યંત નિંદનીય અને પીડાદાયક છે. આ સમાચાર સાંભળીને હું ઊંડા આઘાતમાં છું. આ સંવેદનશીલ મામલામાં હું પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી પાસેથી એવી માગ કરું છું કે તેઓ આરોપી વિરુદ્ધ કાયદા અંતર્ગત ઉદાહરણરૂપ કાર્યવાહી કરે."

તેમણે કહ્યું, "હું પીડતા જલદી સ્વસ્થ થાય એવી કામના કરું છું. સાથે જ, મેં વરિષ્ઠ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ પશ્ચિમ બંગાળ સરકારનો સંપર્ક સાધે અને જરૂરી પગલાં લે. પીડિતાના પરિવારને ઓડિશા સરકાર તરફથી દરેક સંભવ મદદ પૂરી પાડવામાં આવશે."

પશ્ચિમ બંગાળના વિપક્ષના નેતા અને ભાજપના નેતા શુભેંદુ અધિકારીએ આ ઘટના અંગે કહ્યું, "મમતા બેનરજીની સરકારમાં કોઈ મહિલા સુરક્ષિત નથી. પોલીસ સંપૂર્ણપણે રાજકીય પક્ષપાત સાથે કામ કરે છે. પોલીસનો એજન્ડા માત્ર મમતા બેનરજી અને તેમના ભ્રષ્ટ ભત્રીજાની સુરક્ષા કરવાનો છે."

બીજી તરફ, સમાજવાદી પાર્ટીનાં સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું, "પશ્ચિમ બંગાળમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે, માત્ર પશ્ચિમ બંગાળમાં જ નહીં, પરંતુ આખા દેશમાં મહિલા વિરુદ્ધ આ પ્રકારની ઘટનાઓ વધતી જઈ રહી છે."

તેમજ ઝારખંડના વિપક્ષના નેતા અને ભાજપના નેતા બાબુલાલ મરાંડીએ કહ્યું, "બંગાળમાં સરકાર જે પ્રકારે ગુંડાગીરી કરે છે. સરકારના વિરોધમાં કોઈ અવાજ નથી ઉઠાવવા માગતું. ઘટનાઓ થતી હતી, પરંતુ તેઓ ઘટનાઓ દબાવી દેતા. ત્યાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પહેલાંથી જ ખરાબ છે."

રાજ્ય સરકારે શું કહ્યું?

બીબીસી ગુજરાતી, બીબીસી, પશ્ચિમ બંગાળ, ગૅંગ રેપ, મમતા બેનરજી, મહિલાઓ પર અત્યાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કહ્યું કે ઘટના "ચિંતાજનક અને આઘાતજનક" છે, કોઈને પણ બક્ષવામાં નહીં આવે.

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કહ્યું કે ઘટના "ચિંતાજનક અને આઘાતજનક" છે, પરંતુ કૉલેજ વહીવટીતંત્રે વિદ્યાર્થીઓની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવી જોઈએ.

મમતા બેનરજીએ કહ્યું, "આ એક ખાનગી કૉલેજ છે. ત્રણ અઠવાડિયાં પહેલાં ઓડિશાના એક બીચ પર ત્રણ છોકરીઓ પર બળાત્કાર થયો હતો. ઓડિશા સરકાર શું કાર્યવાહી કરી રહી છે? આ છોકરી એક ખાનગી મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરતી હતી. તે રાત્રે 12:30 વાગ્યે કેવી રીતે બહાર નીકળી ગઈ? જ્યાં સુધી મને ખબર છે કે આ ઘટના જંગલ વિસ્તારમાં બની. મને ખબર નથી કે ત્યાં શું થયું, તપાસ ચાલુ છે."

મમતા બેનરજીએ કહ્યું, "કૉલેજે છોકરીઓની સલામતી અંગે સતર્ક રહેવું જોઈએ અને તેઓએ રાત્રે બહાર ન જવું જોઈએ."

તેમણે ઉમેર્યું કે, "આ વિસ્તાર જંગલની નજીક છે. પોલીસ દરેકની પૂછપરછ કરી રહી છે. કોઈને પણ બક્ષવામાં નહીં આવે. ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ગુનેગારોને કડક સજા કરવામાં આવશે."

મુખ્ય મંત્રીએ કહ્યું કે આવી ઘટનાઓ "કોઈ પણ રાજ્યમાં નિંદનીય" છે.

પશ્ચિમ બંગાળ સરકારમાં મંત્રી શશી પાંજાએ આ ઘટના અંગે એક વીડિયો જાહેર કર્યો છે.

તેમણે કહ્યું, "દુર્ગાપુરની એક ખાનગી મેડિકલ કૉલેજમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની. ગૅંગરેપનો આરોપ છે. પોલીસ તપાસ કરી રહી છે. તપાસ ચાલી રહી છે. પીડિતાનાં માતાપિતા ઓડિશાથી આવ્યાં છે અને તેમણે તપાસ પર ભરોસો વ્યક્ત કર્યો છે. પીડિતાની દેખરેખ ચાલી રહી છે. મેડિકલ અને સાઇકૉલૉજિકલ કાઉન્સેલિંગ, ચેકઅપ થઈ રહ્યાં છે. તેમનું નિવેદન પણ ઘણું મહત્ત્વપૂર્ણ છે."

શશિ પાંજાએ કહ્યું, "ભાજપ એક રાજકીય પક્ષ છે અને મહિલાઓ વિરુદ્ધ આ પ્રકારના ગુનાઓનું રાજકીયકરણ ન થવું જોઈએ. દુર્ભાગ્યે, ભાજપ હંમેશાં રાજકારણનાં ચશ્માં વડે જ જુએ છે, જે બિનજરૂરી છે. અમારે ફરી વાર એ કહેવાની જરૂર નથી કે કોલકાતા ભારતનાં સુરક્ષિત મેટ્રોપૉલિટન શહેરો પૈકી એક છે. અમારે ફરી વાર એ પણ કહેવાની જરૂર નથી કે પશ્ચિમ બંગાળ મહિલાઓ અને બાળકીઓના સશક્તીકરણ માટે કામ કરે છે."

"અમે ફરી વાર એવું નથી કહેવા માગતા, કારણ કે બધા જાણે છે કે મુખ્ય મંત્રી મહિલાઓ વિરુદ્ધ કોઈ પણ પ્રકારના અન્યાય સાથે સમાધાન નથી કરતાં. આપણે તપાસ પૂરી થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. અને ભાજપને રાજકારણ કરવાનો કે આનો રાજકીય લાભ ઉઠાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ."

બીબીસી ગુજરાતી, બીબીસી, પશ્ચિમ બંગાળ, ગૅંગ રેપ, મમતા બેનરજી, મહિલાઓ પર અત્યાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પશ્ચિમ બંગાળનાં મહિલા અને બાળકલ્યાણમંત્રી શશી પાંજાએ કહ્યું છે કે મામલાની તપાસ ચાલી રહી છે અને ભાજપે આને રાજકીય રંગ ન આપવો જોઈએ

પશ્ચિમ બંગાળની તૃણમૂલ કૉંગ્રેસ સરકાર મહિલા સુરક્ષા મુદ્દે પાછલા કેટલાક સમયતી ઘેરાતી દેખાઈ રહી છે.

ખાસ કરીને કોલકાતાના એક કૉલેજ પરિસરમાં થયેલા બળાત્કારના બે મામલા સામે આવ્યા બાદ.

આ વર્ષે જુલાઈ માસમાં કોલકાતાની એક લૉ કૉલેજનાં વિદ્યાર્થિની સાતે ગૅંગરેપનો મામલો સામે આવ્યો હતો. આ મામલામાં આરોપ કૉલેજના જ પૂર્વ વિદ્યાર્થી પર લાગ્યો, જેની સાથે બે વર્તમાન વિદ્યાર્થી અને એક સિક્યૉરિટી ગાર્ડની ધરપકડ કરાઈ હતી.

તેમજ ગત વર્ષે ઑગસ્ટમાં કોલકાતાની આરજી કર મેડિકલ કૉલેજમાં એક મહિલા ટ્રેની ડૉક્ટર સાથે બળાત્કાર અને એ બાદ તેમની હત્યાના વિરોધમાં ઘણા દિવસો સુધી વિરોધપ્રદર્શન થયાં હતાં.

આ મામલે કૉલેજમાં જ કામ કરનારા સંજય રૉયની ધરપકડ કરાઈ હતી અને આજીવન કેદની સજા થઈ હતી.

(કોલકાતાથી સ્થાનિક પત્રકાર પ્રભાકર મણિ તિવારીના ઇનપુટ સાથે)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન