You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેથ્રોન ટાઇફૂન: દરિયામાં સર્જાયું મહાશક્તિશાળી વાવાઝોડું, 290 કિમી પ્રતિકલાકની ગતિથી ફૂંકાઈ શકે છે પવન
હાલ પ્રશાંત મહાસાગર અને ઍટલાન્ટિક મહાસાગરમાં વાવાઝોડાંની સિઝન ચાલી રહી છે, તાજેતરમાં જ અમેરિકા પર ત્રાટકેલા શક્તિશાળી વાવાઝોડા હૅલેને ભારે વિનાશ વેર્યો છે અને અમેરિકાનાં પાંચ રાજ્યોમાં તેની અસર થઈ છે.
હૅલેન વાવાઝોડું એટલું મજબૂત બન્યું હતું કે તેના પવનની ગતિ એક સમયે 200 કિલોમીટર પ્રતિકલાક કરતાં વધારે થઈ ગઈ હતી. હવે ફરીથી આવું જ એક નવું શક્તિશાળી વાવાઝોડું પ્રશાંત મહાસાગરમાં સર્જાયું છે.
ચીનની પાસે આવેલા સમુદ્રમાં ફરીથી વાવાઝોડું સર્જાયું છે અને તેની અસર ત્રણ દેશોને થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. આ ત્રણ દેશોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે અહીં ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે.
ભારતથી હજારો કિલોમીટર દૂર ફિલિપીન્ઝ નામના દેશ પાસે સર્જાયેલા આ શક્તિશાળી વાવાઝોડાનું નામ એક ‘ક્રેથોન’ (Krathon) આપવામાં આવ્યું છે અને તે હવે 'સુપર ટાઇફૂન' બની ગયું છે. જે વાવાઝોડાના પવનની ગતિ 252 કિલોમીટર પ્રતિકલાક કરતાં વધારે થાય તેને 'સુપર ટાઇફૂન' કહેવામાં આવે છે.
ઉત્તર ફિલિપીન્ઝને અસર કર્યા બાદ વાવાઝોડું મંગળવારે તાઇવાનની પાસે પહોંચ્યું હતું. ક્રેથોન નામનું વાવાઝોડું ખૂબ શક્તિશાળી છે અને તેના કારણે તાઇવાનના દક્ષિણ-પશ્ચિમ કાંઠા વિસ્તારમાં ભારે વરસાદ અને પવન ફૂંકાઈ રહ્યો છે.
હાલમાં સમગ્ર તાઇવાનમાં ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને જરૂર ન હોય તો ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. વાવાઝોડાના કારણે દરિયો તોફાની બન્યો છે, જેના કારણે દરિયાનું પાણી શહેરી વિસ્તારોમાં પ્રવેશ કરવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
તાઇવાન ઉપરાંત ચીનનાં સાતથી આઠ શહેરોમાં પણ વાવાઝોડાની અસર જોવા મળશે અને તે બાદ હાલ એવી શક્યતા દેખાઈ રહી છે કે ક્રેથોન વાવાઝોડું જાપાનમાં પણ ભારે વરસાદ લાવે તેવી શક્યતા છે.
ભારતથી સેંકડો કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગર, ફિલિપીન્ઝ સાગર અને દક્ષિણ ચીન સાગરમાં આ મહિનાઓ દરમિયાન ખતરનાક વાવાઝોડાં સર્જાતાં હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતના દરિયામાં સર્જાતાં વાવાઝોડાંને અંગ્રેજીમાં 'સાયક્લૉન' કહેવામાં આવે છે. જ્યારે જાપાન, ચીન, ફિલિપીન્ઝ પર ત્રાટકતાં વાવાઝોડાં અને પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં સર્જાતાં વાવાઝોડાંને અંગ્રેજીમાં 'ટાયફૂન' કહેવામાં આવે છે. અમેરિકાની આસપાસ સર્જાતાં વાવાઝોડાંને અંગ્રેજીમાં 'હરિકેન' કહેવામાં આવે છે.
જૉઇન્ટ ટાયફૂન વૉર્નિંગ સેન્ટરની (JTWC) પ્રમાણે ક્રેથોન વાવાઝોડાની પવનની ગતિ 250 કિલોમીટરથી લઈને 295 કિલોમીટર સુધી રહેશે, જેના કારણે તેના રૂટમાં આવતાં વિસ્તારોમાં મોટાપાયે નુકસાન થઈ શકે છે.
ત્રણ દેશોમાં અસર
સુપર ટાયફૂન ક્રેથોનના કારણે ફિલિપીન્ઝ, તાઇવાન અને ચીનને અસર થશે પરંતુ સૌથી વધુ અસર તાઇવાનમાં જોવા મળશે.
ક્રેથોન તાઇવાનના પશ્ચિમ વિસ્તારમાં લૅન્ડફોલ કરે તેવી શક્યતા છે. તાઇવાનમાં સામાન્ય રીતે વાવાઝોડું દેશના પૂર્વ વિસ્તારમાં લૅન્ડફોલ કરતું હોય છે પરંતુ આ વખતે પશ્ચિમ વિસ્તાર કે જ્યાં મેદાનો આવેલાં છે ત્યાં લૅન્ડફોલ કરશે. તાઇવાન ચીનની પાસે આવેલો દેશ છે જેની ચારે તરફ દરિયો છે.
વાવાઝોડાની સૌથી વધુ અસર તાઇવાનના કાઉશિયાંગ (Kaohsiung) શહેરમાં થવાની સંભાવના છે. અહીં સરકારે 40 હજાર સેનિકોને ગોઠવ્યા છે, જેથી વાવાઝોડા બાદ તરત બચાવ અને રાહત કામગીરી શરૂ કરી શકાય. સમગ્ર શહેરમાં લોકોને સાવધ રહેવા માટે અને બિનજરૂરી પ્રવાસ ન કરવા માટે કહેવામાં આવ્યું છે.
તાઇવાનની સેન્ટ્રલ વેધર ઍડમિનિસ્ટ્રેશન (સીડબલ્યુએ) અનુસાર ક્રેથોન વાવાઝોડું કાઉશિયાંગમાં પ્રવેશ કર્યા બાદ મધ્ય તાઇવાન તરફ આગળ વધશે. ઉત્તર પૂર્વ તાઇવાન સુધી પહોંચ્યા બાદ તે પૂર્વ ચીન સમુદ્રમાં જશે. વાવાઝોડાના કારણે ભારે વરસાદ, ઝડપી પવન અને પૂરનું જોખમ રહેલું છે.
તાઇવાનમાં પ્રવેશ કરતાં પહેલાં ક્રેથોન વાવાઝોડાએ ફિલિપીન્ઝમાં કેર મચાવ્યો છે. ભારે વરસાદ અને ઝડપી પવનને કારણે ઉત્તર ફિલિપીન્ઝમાં હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેવડવાની ફરજ પડી છે. વરસાદના કારણે ઘણા વિસ્તારો બૅટમાં ફેરવાઈ ગયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે. ઘણી જગ્યાએ હજુ પણ લોકો ફસાયેલા છે અને તેમને બચાવવાની કામગીરી ચાલી રહી છે. દેશના કેટલાક વિસ્તારોમાં બોટ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે.
ચીનમાં પણ ક્વાંગઝૂ, વૅનઝુ સહિત સાત શહેરોમાં પણ તેની અસર જોવાં મળી શકે છે. ક્રેથોન વાવાઝોડું જાપાનમાં લૅન્ડફોલ કરી શકે એવી શક્યતા છે.
યાગી વાવાઝોડાથી ભારે નુકસાન થયું હતું
સપ્ટેમ્બર મહિનામાં ચીન અને દક્ષિણ એશિયામાં યાગી વાવાઝોડું ત્રાટક્યું હતું જેના કારણે દક્ષિણ ચીન, વિયેતનામ, થાઈલૅન્ડ, મ્યાનમાર અને લાઓસમાં ભારે તારાજી સર્જાઈ હતી.
આ યાગી નામનું વાવાઝોડું ત્રણ દેશો પર ત્રાટક્યું હતું અને લગભગ 6 જેટલા દેશોમાં તેની અસર થઈ હતી. આ વાવાઝોડાના કારણે ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં ભારે તારાજી સર્જાઈ હતી.
ફિલિપીન્ઝના પૂર્વમાંથી શરૂ થયેલું આ વાવાઝોડું સેંકડો કિલોમીટર સુધી આગળ વધ્યું હતું અને તેના કારણે એશિયાના દેશોમાં ભારે નુકસાન થયું હતું.
240 કિલોમીટરની ઝડપે વાવાઝોડું ત્રાટક્તાં પાંચ દેશોમાં હજારો લોકો બેઘર થઈ ગયા હતા, ખેતરો બરબાદ થઈ ગયાં હતાં અને પૂર આવવાનાં કારણે જાન-માલનું નુકસાન થયું હતું. અનેક લોકોએ વાવાઝોડાના કારણે જીવ ગુમાવ્યો હતો.
ભારે વરસાદ અને પૂરને કારણે ઘણા વિસ્તારોમાં દિવસો સુધી જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. વાવાઝોડાને કારણે પૂર તથા ભૂસ્ખલનથી પણ અનેક લોકોનાં મોત થયાં હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન