You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત અને ચીન વચ્ચે થયું મહત્ત્વનું સમાધાન, પીએમ મોદીના રશિયા પ્રવાસ પહેલાં થઈ જાહેરાત
ભારત અને ચીન વચ્ચેની સરહદ એટલે કે લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર પેટ્રોલિંગને લઇને બંને દેશો એક સમજૂતિ કરાર સુધી પહોંચી ગયા છે.
પીએમ નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટમાં રશિયા જાય એ પહેલાં જ ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ સોમવારે વિશેષ પ્રેસ કૉન્ફરન્સનું આયોજન કર્યું હતું.
વિક્રમ મિસ્ત્રીએ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે, “છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી ભારત અને ચીન વચ્ચે રાજદ્વારી સ્તરે અને સૈન્ય સ્તરે પણ વાતચીત થઈ રહી હતી. તેનું જ પરિણામ છે કે બંને દેશો એલએસી પર સૈનિકોના પેટ્રોલિંગને લઇને એક સમાધાન સુધી પહોંચી ગયા છે.”
વિક્રમ મિસ્ત્રીને આશા છે કે આ સમાધાન પછી ભારત-ચીન સરહદેથી બંને દેશોના સૈનિકો પીછેહઠ કરશે અને એલએસી પર જે વિવાદ શરૂ થયો હતો તેનું સમાધાન મળી શકશે.
ડઝનેક રાઉન્ડમાં વાટાઘાટો
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22-23 ઑક્ટોબરે રશિયાના કઝાનમાં આયોજિત બ્રિક્સ સમિટમાં ભાગ લેવાના છે. આ સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ થઈ શકે છે.
જો કે વિક્રમ મિસ્ત્રીએ બંને રાજ્યોના વડાઓ વચ્ચેની દ્વિપક્ષીય બેઠકની પુષ્ટિ કરી નથી, પરંતુ તેમણે કહ્યું છે કે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદના ઉકેલ માટે ડઝનેક રાઉન્ડની વાટાઘાટો થઈ ચૂકી છે, પરંતુ બંને દેશો હજુ સુધી કોઈ અંતિમ ઉકેલ પર પહોંચ્યા નહોતા.
2020માં પૂર્વ લદ્દાખમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેમાં ભારતના 20 સૈનિકો માર્યા ગયા હતા અને એક દાવા પ્રમાણે ચીનના સૈનિકો પણ માર્યા ગયા હતા.
ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. જોકે, તેનાથી બંને દેશોના વેપાર પર કોઈ અસર થઈ નથી.
બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર 2023 સુધીમાં 136 બિલિયન ડૉલર સુધી પહોંચી જશે. 2022માં બંને દેશો વચ્ચે 135.98 અબજ ડૉલરનો વેપાર થયો હતો.
છેલ્લા કેટલાક મહિનામાં ચીન અને ભારતના વિદેશ મંત્રીઓ સરહદ વિવાદ પર મળ્યા હતા પરંતુ કોઈ ઉકેલ સુધી પહોંચી શક્યા ન હતા.
જુલાઈમાં પીએમ મોદી રશિયા ગયા હતા
પીએમ મોદી મંગળવારે 16મી બ્રિક્સ સમિટ માટે રશિયાના કઝાન જઈ રહ્યા છે. મોદી એ પહેલાં 8 અને 9 જુલાઈએ રશિયા ગયા હતા. પરંતુ આ વર્ષે મોદીનો આ બીજો રશિયા પ્રવાસ છે.
એવું કહેવાય છે કે રશિયા અને ચીન વચ્ચેના સંબંધો ઘણા સારા હોવાથી રશિયાના રાષ્ટ્રપતિ પુતિન એ ચીન અને ભારત વચ્ચેના તણાવને ઘટાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
પરંતુ ભારત અને ચીન વચ્ચે તાજેતરમાં જ તણાવ પેદા થયો હોય તેવું નથી. બંને દેશો વચ્ચે સરહદ પર તણાવ અને યુદ્ધની પૃષ્ઠભૂમિ ઘણી જૂની છે.
ચીને 1950ના દાયકાના મધ્યમાં ભારતીય વિસ્તારોમાં અતિક્રમણ કરવાનું શરૂ કર્યું હતું. 1957માં ચીને અક્સાઈ ચીન થઈને પશ્ચિમમાં 179 કિલોમીટર લાંબો રસ્તો બનાવ્યો હતો.
સરહદ પર બંને દેશોના સૈનિકો વચ્ચે પ્રથમ અથડામણ 25 ઑગસ્ટ, 1959ના રોજ થઈ હતી. ચીની પેટ્રોલિંગે ટુકડીએ લોંગજુ ખાતે નેફા ફ્રન્ટિયર સરહદ પર હુમલો કર્યો. એ જ વર્ષે 21 ઑક્ટોબરે લદ્દાખના કોંગકામાં ફાયરિંગ થયું હતું. જેમાં 17 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા અને ચીને તેને સ્વરક્ષણમાં લેવાયેલી કાર્યવાહી ગણાવી હતી.
ત્યારે ભારતે કહ્યું હતું કે 'તેના સૈનિકો પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો.'
ચીન સામે પીએમ મોદીનું મૌન
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીન સામે બોલવાથી બચતા રહ્યા છે. મોદી સરકારનું મૌન એ ચીન સામેની રણનીતિનો ભાગ છે કે તેમની મજબૂરી છે?
નવી દિલ્હી સ્થિત જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના સેન્ટર ફૉર ઇન્ટરનેશનલ પૉલિટિક્સમાં ઍસોસિયેટ પ્રોફેસર હૅપીમોન જૅકબે અમેરિકી પત્રિકા ફૉરેન પોલિસીમાં ગત વર્ષે બે ઍપ્રિલે એક લેખ લખ્યો હતો.
આ લેખમાં જેકબ લખે છે, "ચીની આક્રમકતા પર ભારતનો જવાબ એ માત્ર લશ્કરી પ્રશ્ન નથી. રાજકીય અને વ્યાપારી હિતોને કારણે આ એકદમ જટિલ બની જાય છે. આવી સ્થિતિમાં ભારત માટે એ વિચારવું ખૂબ જ જરૂરી બની જાય છે કે જો ભારત ચીનને જવાબ આપવાનું નક્કી કરે છે તો તે ક્યારે અને કેવી રીતે જવાબ આપશે.”
2022માં ચીનની જીડીપી આશરે 18 ટ્રિલિયન ડૉલર હતી અને ભારતની જીડીપી 3.5 ટ્રિલિયન ડૉલરથી ઓછી હતી.
ગયા વર્ષે ચીનનું સંરક્ષણ બજેટ $230 બિલિયન હતું, જે ભારતના સંરક્ષણ બજેટ કરતાં ત્રણ ગણું વધુ હતું. ચીન અને ભારત વચ્ચેનો આ તફાવત છે જે ચીનને ભારતથી આગળ કરે છે.
હેપ્પીમોન જેકબે ફૉરેન પોલિસીમાં લખ્યું છે કે, “અમેરિકા અથવા અન્ય મોટી શક્તિઓ સાથે ભારતની વ્યૂહાત્મક ભાગીદારી એટલી હદે છે કે ચીન સાથે સંઘર્ષની સ્થિતિમાં તે ખુલ્લેઆમ ભારતને સમર્થન કરશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. ભારતને એવી કોઈ ખાતરી મળી નથી કે ચીન સાથેના તણાવના કિસ્સામાં તેના સાથીદારો ખુલ્લેઆમ આગળ આવશે કે નહીં.”
"ભારત એ ચીન પર વેપાર નિર્ભરતા ધરાવે છે અને ભારતનો વિશ્વના કોઈપણ દેશ સાથે પારસ્પરિક સંરક્ષણ કરાર નથી. લશ્કરી કટોકટી દરમિયાન, ભારત, જાપાન, ઑસ્ટ્રેલિયા અને યુએસનો સમાવેશ કરતું જૂથ- ક્વાડ તરફથી લશ્કરી મદદની કલ્પના કરવી અકાળ ગણાશે. ચીન સાથે સંઘર્ષના કિસ્સામાં, કોઈપણ બહારના દેશ પાસેથી લશ્કરી મદદની અપેક્ષા રાખવી મુશ્કેલ છે.”
હેપ્પીમોન જેકબે લખ્યું છે કે, "ભારત પાસે કોઈ સ્પષ્ટ યોજના નથી કે જો તે ચીન સાથે સંઘર્ષની સ્થિતિમાં પાછળ રહી જશે તો તે શું કરશે. ચીન પાસે ભારત કરતાં વધુ શક્તિ છે અને તે ભારત માટે સંઘર્ષનો માહોલ સર્જી રહ્યું છે. ભારત જીતની ખાતરી સાથે યુદ્ધમાં ઉતરી શકે નહીં અને હાર વિના યુદ્ધનો ડર ઓછો થઈ શકે નહીં. ભારત છ દાયકા પહેલાં ચીન સામે મોટી હાર જોઈ ચૂક્યું છે.”
જેકબ કહે છે કે ચીન ભારતને આર્થિક રીતે ઘણી ગંભીર ઈજા પહોંચાડી શકે છે.
તેમણે લખ્યું છે કે, "ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. ચીનના સસ્તાં ઉત્પાદનો પણ આમાં ફાળો આપે છે. આ ઉત્પાદનો ખાતરોથી લઈને ડેટા પ્રોસેસિંગ એકમો સુધીની છે. સરહદ પર તેની આક્રમકતાને કારણે ચીન પર વેપાર નિયંત્રણો લાદવા ભારત માટે મોંઘુ સાબિત થઈ શકે છે. તાજેતરમાં અરવિંદ પનગરિયાએ પણ આ વાતને રેખાંકિત કરી હતી.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન