સંસદમાં રાષ્ટ્રપતિનું અભિભાષણ: દ્રૌપદી મૂર્મુ પેપરલીક વિશે શું બોલ્યાં?

દ્રૌપદી મૂર્મુ, રાષ્ટ્રપતિનું અભિભાષણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, YOUTUBE/SANSAD TV

અઢારમી લોકસભાના ગઠન બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું હતું.

રાષ્ટ્રપતિએ તમામ સાંસદોને જીતની શુભેચ્છા આપતાં કહ્યું હતું કે, “તમે લોકો પ્રજાનો વિશ્વાસ જીતીને આવ્યા છો અને 140 કરોડ લોકોની આકાંક્ષાઓને પૂરા કરવા માટે તમે માધ્યમ છો.”

રાષ્ટ્રપતિએ જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, “આ ચૂંટણીમાં કાશ્મીર ખીણમાં મતદાનના અનેક રેકૉર્ડ તૂટ્યા છે. આપણે કાશ્મીરમાં મતદાન સમયે બંધના એલાન અને હડતાળ વચ્ચે કાયમ ઓછું મતદાન જોયું છે.”

તેમણે કહ્યું હતું કે, “સરકારનો એ નિરંતર પ્રયાસ રહ્યો છે કે દેશના યુવાનોને તેમની પ્રતિભા દેખાડવાનો યોગ્ય અવસર મળે. સરકારી ભરતી હોય કે પરીક્ષાઓ, ગમે તે કારણે જો તેમાં અવરોધ આવે તો એ યોગ્ય નથી.”

તેમના મત પ્રમાણે, “પરીક્ષામાં પારદર્શિતા ખૂબ જરૂરી છે.”

રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, “હાલમાં જ કેટલીક પરીક્ષાઓમાં થયેલી પેપરલીકની ઘટનાઓની નિષ્પક્ષ તપાસ અને દોષીઓને કડકમાં કડક સજા અપાવવા માટે મારી સરકાર પ્રતિબદ્ધ છે. આ પહેલાં પણ આપણે જોયું છે કે અનેક રાજ્યોમાં પેપરલીકની ઘટનાઓ બનતી રહી છે. આ વખતે પક્ષો કે રાજકારણથી ઉપર ઉઠીને દેશવ્યાપી ઉપાય કરવાની જરૂર છે.”

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી એઇમ્સમાં દાખલ

લાલકૃષ્ણ અડવાણી

ઇમેજ સ્રોત, Getty Images

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર ડૉક્ટરોએ દાવો કર્યો છે કે તેમની તબિયત સ્થિર છે અને તેઓ ઑબ્ઝર્વેશનમાં છે.

જોકે, આ અંગે કોઈ વધુ વિગત હૉસ્પિટલ તરફથી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

તાજેતરમાં જ માર્ચ મહિનામાં અડવાણીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ભારતરત્ન આપીને સન્માનિત કર્યા હતા.

સંસદીય રાજકારણમાં ત્રણ દાયકા કરતાં પણ વધુ લાંબી સફર ખેડનારા અડવાણી એ અટલ બિહારી વાજપેયીની સરકારમાં ઉપ-વડાપ્રધાન તથા ગૃહમંત્રી રહી ચૂક્યા છે.

ભાજપની સ્થાપના પછી સૌથી લાંબો સમય તેના પ્રમુખ પદે રહેવાનો રેકર્ડ તેમના નામે છે.

હાલ, તેમની ઉંમર 96 વર્ષની છે અને તેઓ રાજકારણમાં સક્રિય નથી.

વોટ્સ એપ

અફઘાનિસ્તાનને આસાનીથી નવ વિકેટે હરાવીને દક્ષિણ આફ્રિકા ફાઈનલમાં

ટી20 વર્લ્ડકપ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આઈસીસી ટી20 વર્લ્ડકપ 2024઼ના પહેલા સેમીફાઈનલ મુકાબલામાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને નવ વિકેટે હરાવી દીધું છે.

જીત માટે મળેલા માત્ર 57 રનના પડકારને દક્ષિણ આફ્રિકાની ટીમે માત્ર 8.5 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો.

આફ્રિકા તરફથી રેઝા હૅનરિક્સે 29 અને માર્કરામે 23 રન બનાવ્યા હતા.

ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ 56 રનો પર જ સમેટાઈ ગઈ હતી.

અફઘાનિસ્તાનની ટીમ માત્ર 11.5 ઓવર જ રમી શકી અને સૌથી વધુ અજમતુલ્લાહ ઉમરઝઈએ 10 રન બનાવ્યા હતા. બાકી કોઈપણ ખેલાડી ડબલ ફિગર સુધી પણ પહોંચી ન શક્યો.

પહેલા પાવરપ્લેની વાત કરીએ તો અફઘાનિસ્તાને પાંચ વિકેટ ગુમાવી દીધી હતી અને છ ઓવરમાં માત્ર 28 રન બનાવ્યા હતા. જ્યારે 10 ઓવર પછી અફઘાનિસ્તાન 8 વિકેટ ગુમાવીને માત્ર 50 રન બનાવી શક્યું હતું.

દક્ષિણ આફ્રિકા તરફથી માર્કો યાનસેન અને તબરેઝ શમ્સીએ સૌથી વધુ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. યાનસેને ત્રણ ઓવરમાં 16 રન આપીને ત્રણ બૅટ્સમેનોને આઉટ કર્યા હતા જ્યારે શમ્સીએ માત્ર 1.5 ઓવરમાં છ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. કાગિસો રબાડા અને એનરિક નોર્ખિયાએ પણ બે-બે વિકેટ લીધી હતી.

અફઘાનિસ્તાનના કુલ 56 રનમાંથી 13 રન તો માત્ર ઍક્સ્ટ્રામાંથી આવ્યા હતા.

માર્કો યાનસેનને પ્લૅયર ઑફ ધી મૅચ જાહેર કરવામાં આવ્યા હતા.