You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ધ કેરલા સ્ટોરી : 32 હજાર મહિલાઓને 'ઇસ્લામિક ઉગ્રવાદીઓ' બનાવવાની ફિલ્મના વિરોધનો વિવાદ શું છે?
કેરળથી કથિતપણે ગાયબ થયેલ અને ઇસ્લામ ધર્મ અંગીકાર કરનાર છોકરીઓની કહાણી પર બનેલી ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ પર વિવાદ વધતો જઈ રહ્યો છે, આ ફિલ્મ 5 મેના રોજ રિલીઝ થવાની છે.
ફિલ્મનું ટ્રેલર ચાર દિવસ પહેલાં રિલીઝ થયું છે અને અત્યાર સુધી 1.4 કરોડ લોકો આ ટ્રેલર જોઈ ચૂક્યા છે.
કેરળથી 32 હજાર છોકરીઓ ગુમ થયાનો દાવો કરનારી આ ફિલ્મે રાજકારણ અને સમાજને પણ બે વર્ગમાં વિભાજિત કરી દીધાં છે.
એક વર્ગ ફિલ્મને પ્રૉપેગૅન્ડા માને છે તો બીજો વર્ગ આને કેરળની પાયાની એવી હકીકત ગણાવી રહ્યો છે જે અંગે અત્યાર સુધી ક્યારે ખૂલીને વાત નથી થઈ.
રવિવારે કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયને ‘ધ કેરલા સ્ટોરી’ના નિર્માતાઓની ટીકા કરી છે.
સમાચાર એજન્સી પીટીઆઇ પ્રમાણે તેમણે કહ્યું કે ફિલ્મનિર્માતાઓ આ ફિલ્મમાં ‘લવ જેહાદ’નો મુદ્દો લઈને સંઘ પરિવારના પ્રૉપેગૅન્ડાને આગળ વધારી રહ્યા છે.
તેમનું કહેવું છે કે ‘લવ જેહાદ’ એક એવો શબ્દ છે જેને અદાલતો, તપાસ એજન્સીઓ અને ગૃહમંત્રાલય પણ ફગાવી ચૂક્યાં છે.
‘સંઘનો એજન્ડા’
મુખ્ય મંત્રી વિજયને કહ્યું કે પહેલી નજરમાં ફિલ્મનું ટ્રેલર જોઈને આભાસ થાય છે કે તેનો હેતુ રાજ્ય વિરુદ્ધ પ્રૉપેગૅન્ડા કરવાનો અને સાંપ્રદાયિક ધ્રુવીકરણનો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "લવ જેહાદ એ એક એવો મુદ્દો છે જેને તપાસ એજન્સીઓ, અદાલતો અને કેન્દ્રીય ગૃહમંત્રાલય પણ ફગાવી ચૂક્યાં છે."
"હવે આ મુદ્દો કેરળને લઈને ઉઠાવાઈ રહ્યો છે અને લાગી રહ્યું છે કે તેનો હેતુ વિશ્વની નજરમાં રાજ્યને બદનામ કરવાનો છે.”
મુખ્ય મંત્રીએ ફેસબુક પર પોસ્ટ કરેલા એક નિવેદનમાં કહ્યું, "આ પ્રકારની પ્રૉપેગૅન્ડા ફિલ્મો અને તેમાં મુસ્લિમોને જે રીતે રજૂ કરાયા છે, તેને રાજ્યમાં સંઘ પરિવારના રાજકીય લાભ લેવાના પ્રયાસો સાથે સાંકળીને જોવું જોઈએ."
તેમણે સંઘ પરિવાર પર રાજ્યના સાંપ્રદાયિક સૌહાર્દની સ્થિતિ બગાડવાના પ્રયાસનો આરોપ કર્યો હતો.
અમુક દિવસ પહેલાં જ સત્તાધારી પક્ષ માકપા અને વિપક્ષ કૉંગ્રેસે આ વિવાદિત ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ની ટીકા કરી હતી.
તેમનું કહેવું હતું કે અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો અર્થ સમાજમાં ઝેર ઓકવું એવો નથી.
કેરળની વિધાનસભામાં વિપક્ષના નેતા વી. ડી. સતીશને કહ્યું કે ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ને સ્ક્રીન કરવાની પરવાનગી ન અપાવી જોઈએ.
‘કેરળને બદનામ કરવાનો એક પ્રયાસ’
એક ફેસબુક પોસ્ટમાં સતીશને કહ્યું કે, "ધ કેરલા સ્ટોરી ફિલ્મમાં દાવો કરાયો છે કે કેરળની 32 હજાર છોકરીઓનું ધર્મ પરિવર્તન કરાયું અને તેઓ ઇસ્લામિક સ્ટેટની સભ્ય બની ગઈ."
"આ ફિલ્મને સ્ક્રીનિંગની પરવાનગી ન મળવી જોઈએ. આ ફિલ્મના ટ્રેલર પરથી સ્પષ્ટ છે કે ફિલ્મ શું બતાવવા માગે છે."
સતીશને કહ્યું છે કે ફિલ્મ સંઘ પરિવારના સંઘ પરિવારના સમાજમાં લઘુમતીઓને એકલા પાડી દેવાના એજન્ડાથી પ્રભાવિત છે.
સતીશને કહ્યું કે આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તરે કેરળને બદનામ કરવાનો એક પ્રયાસ છે.
સત્તાધારી સીપીઆઈ (એમ)ના યુવા એકમ ‘ધ ડેમૉક્રેટિક યૂથ ફેડરેશન ઑફ ઇન્ડિયા’એ પણ ફિલ્મની ટીકા કરતાં કહ્યું છે કે ફિલ્મનું ટ્રેલર ભાવનાઓને ઠેસ પહોંચાડનારું છે.
સીપીઆઈ (એમ)ના રાજ્યસભા સાંસદ એ. એ. રહીમે કહ્યું કે, "જૂઠાણાથી ઢંકાયેલી આ ફિલ્મ આરએસએસ અને સંઘ પરિવારનો એજન્ડા છે જે રાજકીય લાભ મેળવવા માટે તલપાપડ છે."
તેમજ ભારતીય જનતા પાર્ટીએ ફિલ્મનું સમર્થન કર્યું છે.
ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે ટ્વીટમાં કહ્યું છે કે, “ધ કેરલા સ્ટોરી વાસ્તવિક જીવનની કહાણીઓ પર આધારિત છે. આ આશ્ચર્યચકિત અને પરેશાન કરી દેનારી ફિલ્મ છે.”
માલવીય લખે છે કે, "આ ફિલ્મ કેરળના ઝડપથી થઈ રહેલા ઇસ્લામીકરણ અને માસૂમ છોકરીઓને ઇસ્લામિક સ્ટેટનો ચારો બનાવવા માટે કેવી રીતે ફસાવાઈ રહી છે, એ વાત દર્શાવે છે."
"લવ જેહાદ વાસ્તવિકતા છે અને ખતરનાક પણ છે. આ ખતરાને ઓળખવાની જરૂર છે."
ફિલ્મમાં કેરળની 32 હજાર મહિલાઓને 'ઇસ્લામિક ઉગ્રવાદીઓ' બનાવવાની કહાણી શું છે?
'ધ કેરલા સ્ટોરી' નામની ફિલ્મના ટીઝરમાં ઍક્ટ્રેસનો દાવો છે કે તેઓ રાજ્યની 32 હજાર મહિલાઓમાંની એક છે, જેમને 'ઇસ્લામિક ઉગ્રવાદીઓ' બનાવી દેવાયાં છે.
ટીઝરમાં બુરખો પહેરેલ એક મહિલા કહે છે કે તેમનું નામ શાલિની ઉન્નીક્રિશ્નન છે, તેઓ નર્સ બનવા માગતાં હતાં. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો.
નિર્માતાઓએ કર્યો બચાવ
વિવાદ વચ્ચે ફિલ્મના કલાકારો અને નિર્માતાએ તેનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે તમામે પહેલાં ફિલ્મ જોવી જોઈએ અને પછી એ અંગે મત બાંધવો જોઈએ.
તેમજ ફિલ્મનાં અભિનેત્રી અદા શર્માએ સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું છે કે, "આ એક બિહામણી કહાણી છે અને લોકો તેને પ્રૉપેગૅન્ડા કહે એ વાત અને છોકરીઓ ગુમ થાય એ પહેલાં તેમની સંખ્યા અંગે વાત કરવી એ વધુ ગભરાવનારું છે."
"થવું આનાથી ઊલટું જોઈતું હતું. પહેલાં છોકરીઓના ગુમ થવા અંગે વાત કરવાની જરૂર હતી અને પછી તેમની સંખ્યા વિશે વિચારવાની જરૂર હતી."
અદા શર્માએ એવો પણ દાવો કર્યો કે તેઓ આવી છોકરીઓને મળ્યાં છે.
અદા શર્માએ કહ્યું કે, "હું આવી અમુક છોકરીઓને મળી છું અને હું આ વાતને શબ્દોમાં નહીં સમજાવી શકું."
"એક કે બે લાઇનના મારા કથનથી તેમના દર્દ સાથે ન્યાય ન કરી શકાય."
અદા શર્માએ કહ્યું છે કે એક વખત જ્યારે તમે આ ફિલ્મ જોશો તો છોકરીઓની સંખ્યા અંગે વાત નહીં કરો.
તેમજ નિર્દેશક સુદિપ્તો સેનનો દાવો છે કે તેમણે સાત વર્ષ સુધી આ ફિલ્મની કહાણી પર કામ કર્યું અને આ દરમિયાન પીડિત છોકરીઓ સાથે મુલાકાતો કરી અને તેમનાં ઇન્ટરવ્યૂ કર્યાં.
નિર્દેશકનો દાવો છે કે તેમણે વાસ્તવિક સંખ્યા જાણવા માટે કોર્ટમાં માહિતીના અધિકાર અંતર્ગત અરજી કરી છે પરંતુ હજુ સુધી તેમને રિપોર્ટ નથી મળ્યો.