You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદમાં કૉંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારો કેમ થયો?
સોમવારે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીના હિંસક હિંદુ મામલે કરેલી ટિપ્પણી બાદ અમદાવાદમાં બબાલ મચી ગઈ હતી.
મંગળવારે વહેલી સવારે કથિત બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા અમદાવાદના પાલડી ખાતે આવેલા કૉંગ્રેસ પ્રદેશ કાર્યાલયમાં તોડફોડ કરી હોવાનો આરોપ કૉંગ્રેસના નેતાઓએ લગાવ્યો હતો.
આ મામલે ફરી સાંજે ભાજપ અને કૉંગ્રેસના કાર્યકર્તાઓ આમને-સામને આવી ગયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે બંને જૂથોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં બે પોલીસકર્મી સહિત પાંચ લોકો ઘાયલ હોવાનું બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખે જણાવ્યું છે.
કેવી રીતે થઈ શરુઆત?
પહેલી જુલાઈના રોજ લોકસભામાં રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચામાં હિંદુ મામલે જે ટિપ્પણી કરી હતી તેનો ભાજપના નેતાઓએ જોરદાર વિરોધ કર્યો હતો.
બીબીસી સહયોગી ભાર્ગવ પરીખના જણાવ્યા પ્રમાણે આ મામલે અમદાવાદ ખાતે આવેલા કૉંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ અને બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા વહેલી સવારે તોડફોડ કરી હોવાનો આરોપ કૉંગ્રેસના નેતાઓએ લગાવ્યો હતો. કૉંગ્રેસના નેતાઓનો આરોપ હતો કે તોફાની ટોળાએ રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળી શાહી પણ ઢોળી હતી.
સાંજે ભાજપના કાર્યકર્તાઓ કૉંગ્રેસના કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગુજરાતના અન્ય શહેરોમાં પણ આ પ્રકારનો વિરોધ થયો પરંતુ અમદાવાદમાં બંને પક્ષના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા. પેહેલા બંને જૂથોએ એકબીજા સામે નારેબાજી કરી પછી તેમણે એકબીજાને પથ્થર ફેંકવાનું શરૂ કરી દીધું.
ભાજપ અને કૉંગ્રેસનું શું કહેવું છે?
ગુજરાત કૉંગ્રેસના વિધાનસભાના નેતા અમિત ચાવડાએ બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં કહ્યું હતું, “રાહુલ ગાંધીએ લોકસભામાં આપેલા નિવેદનને તોડીમરોડીને ભાજપે ગુજરાતમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. રાતના અંધારામાં ભાજપના કાર્યકરો અમારા નેતાની(રાહુલ ગાંધી) તસવીરની તોડફોડ કરી હતી. આ અંગે અમે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ ફરિયાદ નોંધાવા ગયા હતા ત્યારે એ જ સમયે ભાજપના કાર્યકર્તાઓએ અચાનક આવીને પ્રદેશ કાર્યાલય પર પોલીસની મંજૂરી વગર હુમલો કર્યો હતો.”
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું, “ભાજપની આ દાદાગીરી સામે કૉંગ્રેસના કાર્યકર્તાઓ ડરવાના નથી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપે કૉંગ્રેસના આરોપોને ફગાવી દીધા છે. ભાજપના ધારાસભ્ય અમિત શાહે બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં કહ્યું, “ભાજપના યુવા કાર્યકર્તાઓ જ્યારે રાહુલ ગાંધીના હિંદુ વિરોધી નિવેદન સામે દેખાવો કરી રહ્યા હતા ત્યારે સામેથી કૉંગ્રેસના કાર્યકર્તાઓએ લાકડી વડે હુમલો કર્યો હતો. તેમણે પથ્થરમારો કરીને ભાજપના કાર્યકર્તાઓને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં અમારા બે કાર્યકર્તાઓ ઘાયલ થયા છે. કૉંગ્રેસના કાર્યકર્તાઓએ જ હુમલો કર્યો. જો તેઓ અમારા પર હુમલો કરશે તો અમે ઇંટનો જવાબ પથ્થરથી આપીશું.”
ભાજપે પણ આ મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરી છે.
પોલીસે શું કહ્યું?
અમદાવાદ શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર નીરજ બડગુજરે ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. પોલીસે કૉંગ્રેસના કાર્યાલય પર બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસ શાંતિ જળવાઈ રહે તે માટે તમામ પ્રયાસ કરી રહી છે.
નીરજ બડગુજરે સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું, “અમે બંને જૂથોને કાબૂમાં કર્યા છે. હાલ શાંતિ છે.”
પોલીસ તરફથી નરમ વલણ અપનાવવામાં આવ્યું હોવાના આરોપનો જવાબ આપતા નિરજ બડગુજરે કહ્યું, “પોલીસનો બંદોબસ્ત પૂરતો હતો. કોઈ ઢીલ આપવામાં આવી નહોતી. અમે બધું નિયંત્રણમાં કરી લીધું છે.”
તેમણે એમ પણ કહ્યું કે જ્યારે દેખાવો થવાના હતા તે પહેલાં તેમણે એસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ સાથેનો બંદોબસ્ત અહીં ગોઠવ્યો હતો.
તેમણે વધુમાં કહ્યું, “આટલી માત્રામાં પથ્થરો ક્યાંથી આવ્યા તે અંગે અમે સીસીટીવીનો અભ્યાસ શરૂ કર્યો છે. આ મામલે પૂરી તપાસ થશે અને કાર્યવાહી થશે.”