પીએફમાંથી હવે 72 કલાકમાં પાંચ લાખ રૂપિયા ઉપાડી શકાશે, શું છે નવા ફેરફાર?

બીબીસી ગુજરાતી પ્રોવિડન્ટ ફંડ ઈપીએફઓ રૂપિયા ક્લેમ સેટલમેન્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઍમ્પ્લૉઇઝ પ્રોવિડન્ટ ફંડ ઑર્ગેનાઇઝેશન (EPFO)એ જાહેરાત કરી છે કે હવેથી ઑટો-સેટલમેન્ટ હેઠળ ખાતેદારો પાંચ લાખ રૂપિયા ઉપાડી શકશે અને તેની પ્રોસેસ માત્ર 72 કલાકમાં પૂરી થશે. અગાઉ આ મર્યાદા એક લાખ રૂપિયાની હતી.

શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું છે કે ઈપીએફઓએ ઍડવાન્સ ક્લૅમ માટે ઑટો-સેટલમેન્ટની લિમીટ એક લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરી છે.

તેમણે લખ્યું છે કે હવે 72 કલાકની અંદર પીએફની રકમ મળી જશે.

બીબીસી ગુજરાતી પ્રોવિડન્ટ ફંડ ઈપીએફઓ રૂપિયા ક્લેમ સેટલમેન્ટ

એટલે કે ઑટો મૉડમાં જેમણે ઍડવાન્સ ક્લૅમ ફાઇલ કર્યું હોય તેમનો ક્લૅમ ત્રણ દિવસની અંદર સેટલ કરવામાં આવશે.

મનસુખ માંડવિયાની પોસ્ટ પ્રમાણે નાણાકીય વર્ષ 2023-24માં 89.52 લાખ ઑટો-ક્લેમ સેટલ થયા હતા, જ્યારે 2024-25માં 2.32 કરોડ ઑટો ક્લૅમ સેટલ કરવામાં આવ્યા હતા. એટલે કે એક વર્ષમાં ઑટો ક્લૅમ સેટલમેન્ટમાં 161 ટકાનો વધારો થયો છે.

બીબીસી ગુજરાતી પ્રોવિડન્ટ ફંડ ઈપીએફઓ રૂપિયા ક્લેમ સેટલમેન્ટ
બીબીસી ગુજરાતી પ્રોવિડન્ટ ફંડ ઈપીએફઓ રૂપિયા ક્લેમ સેટલમેન્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હવે 72 કલાકની અંદર ક્લેમ સેટલ કરવામાં આવશે

ઑટો-સેટલમેન્ટ એ ઈપીએફઓની એક એવી સિસ્ટમ છે જેમાં પ્રોવિડન્ટ ફંડના ક્લૅમ બહુ ઝડપથી ક્લિયર થાય છે. તેમાં કોઈ માનવીય હસ્તક્ષેપની જરૂર પડતી નથી. માત્ર ડિજિટલ વેરિફિકેશન અને અલ્ગોરિધમ દ્વારા ક્લૅમને ઑટોમેટિક મંજૂર કરવામાં આવે છે.

EPFOએ સૌપ્રથમ કોરોના રોગચાળા દરમિયાન ખાતેદારોને ઝડપી નાણાકીય સહાય પૂરી પાડવા માટે ઍડવાન્સ દાવાઓનું ઑટો-સેટલમેન્ટ શરૂ કર્યું હતું.

તેમાં બીમારી, સંતાનોનાં શિક્ષણ, લગ્ન કે રહેઠાણ માટે ઍડવાન્સ ક્લૅમ કરીને પીએફ ઉપાડી શકાય છે.

2024-25માં તમામ ઍડવાન્સ દાવાઓમાંથી 59% ઑટો મૉડ દ્વારા સેટલ કરવામાં આવ્યા હતા.

ઈપીએફઓમાં તમારા યુએએન (યુનિવર્સલ એકાઉન્ટ નંબર), આધાર નંબર અને પાન નંબર બૅન્ક એકાઉન્ટ સાથે જોડાયેલા હોય તથા કેવાયસીની પ્રક્રિયા અપડેટ થયેલી હોય તો તમારા ક્લૅમ ઝડપથી સેટલ થાય છે.

ઑટો-સેટલમેન્ટની સુવિધા ચોક્કસ ક્લૅમ માટે જ છે. જેમાં તબીબી કારણસર, સંતાનોનાં શિક્ષણ, લગ્ન અથવા મકાન માટે મૂડીની જરૂર હોય ત્યારે આ સગવડ મળે છે. સામાન્ય રીતે મેન્યુઅલ ક્લૅમમાં રૂપિયા મળવામાં બેથી ચાર અઠવાડિયાંનો સમય લાગી જાય છે જ્યારે ઑટો-સેટલમેન્ટમાં માત્ર 72 કલાક લાગે છે.

બીબીસી ગુજરાતી પ્રોવિડન્ટ ફંડ ઈપીએફઓ રૂપિયા ક્લેમ સેટલમેન્ટ
બીબીસી ગુજરાતી પ્રોવિડન્ટ ફંડ ઈપીએફઓ રૂપિયા ક્લેમ સેટલમેન્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં લગભગ નવ કરોડ ઈપીએફઓ ખાતેદાર છે

EPFOની વેબસાઇટની મદદથી પ્રોવિડન્ટ ફંડની રકમ ઑનલાઇન ઉપાડી શકાય છે. તેમાં તમારે યુએએન નંબર ઍક્ટિવેટ કરીને કરવાનો હોય છે. ત્યાર પછી યુએએન નંબરને આધાર, પાન નંબર અને બૅન્ક ખાતા સાથે લિંક કરવાનો હોય છે.

યુએએન ઍક્ટિવેટ થાય ત્યાર પછી ઈપીએફઓ મેમ્બર વેબસાઇટ પર જઈને ઑનલાઇન સર્વિસ પર જવાનું હોય છે. ત્યાંથી ક્લૅમ (ફૉર્મ-31, 19 અને 10-સી) સિલેક્ટ કરીને બૅન્કની વિગતો વેરિફાઇ કરવાની હોય છે. ત્યાર બાદ તમે ક્લૅમને સબમિટ કરી શકો છો.

બીબીસી ગુજરાતી પ્રોવિડન્ટ ફંડ ઈપીએફઓ રૂપિયા ક્લેમ સેટલમેન્ટ

ઍમ્પ્લૉઇઝ પ્રોવિડન્ટ ફંડની સ્કીમ પ્રમાણે કર્મચારીના બેઝિક પગારના 12 ટકા રકમ ઈપીએફ એકાઉન્ટમાં જમા થાય છે. ઍમ્પ્લૉયરે પણ એટલી જ રકમનું યોગદાન આપવાનું હોય છે. જોકે, ઍમ્પ્લૉયરની બધી રકમ તમારા ઈપીએફ એકાઉન્ટમાં નહીં જાય. ઍમ્પ્લૉયરના હિસ્સામાંથી 8.67 ટકા રકમ ઍમ્પ્લૉઇઝ પેન્શન સ્કીમ (ઈપીએસ)માં જમા થાય છે જેની લિમીટ 1250 રૂપિયા હોય છે, જ્યારે બાકીની રકમ ઈપીએફ ખાતામાં જમા થાય છે.

EPF માટે આપેલા યોગદાનને આવકવેરા ધારાના સેક્શન 80-સી હેઠળ આવકવેરામાંથી મુક્તિ મળે છે. જોકે, તેની મહત્તમ મર્યાદા વાર્ષિક 1.50 લાખ રૂપિયાની છે.

EPFO માટે દર વર્ષે વ્યાજની રકમ અલગ-અલગ હોઈ શકે છે. દર વર્ષે EPFOની ભલામણને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજનો દર નક્કી થાય છે. વર્ષ 2024-25 માટે (પહેલી એપ્રિલ 2024થી 31 માર્ચ 2025) કેન્દ્ર સરકારે 8.25 ટકા વ્યાજનો દર નક્કી કર્યો છે.

બીબીસી ગુજરાતી પ્રોવિડન્ટ ફંડ ઈપીએફઓ રૂપિયા ક્લેમ સેટલમેન્ટ

ઈપીએફઓ ટૂંક સમયમાં ખાતેદારોને એટીએમ કાર્ડ અથવા યુપીઆઈની મદદથી પ્રોવિડન્ટ ફંડ ઉપાડવાની સુવિધા આપવાનું વિચારે છે.

બૅન્ક ખાતાને ઈપીએફ એકાઉન્ટ સાથે જોડ્યા પછી આ સુવિધા મળી શકશે.

પીટીઆઈના અહેવાલ મુજબ શ્રમ મંત્રાલય એવી સિસ્ટમ વિકસાવશે જેમાં પીએફની ચોક્કસ રકમ લોક થયેલી રહેશે અને બાકીની રકમ યુપીઆઈ અથવા એટીએમ ડેબિટ કાર્ડથી ઉપાડી શકાશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન