મગજની જે બીમારીથી સલમાન ખાન પીડાઈ રહ્યા છે તે કેટલી ખતરનાક છે?

ઇમેજ સ્રોત, Getty Images
કૉમેડિયન કપિલ શર્માના શો 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'ની ત્રીજી સીઝન શરૂ થઈ ગઈ છે. આ શોના પહેલા મહેમાન અભિનેતા સલમાન ખાન હતા.
સલમાન ખાન શોમાં તેની ફિલ્મ સિકંદરના પ્રમોશન માટે આવ્યા હતા. આ દરમિયાન કપિલ અને બાકીની ટીમે તેને ફિલ્મો અને અંગત જીવન સંબંધિત પ્રશ્નો પૂછ્યા.
એક પ્રશ્ન દરમિયાન સલમાન ખાને જણાવ્યું કે તે 'બ્રેઇન એન્યુરિઝમ' નામની બીમારીથી પીડાઈ રહ્યા છે.
પોતાના સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે વાત કરતા, સલમાને ખુલાસો કર્યો કે સિકંદરના શૂટિંગ દરમિયાન તેમને પાંસળીમાં ઈજા થઈ હતી.
તેમણે કહ્યું, "અમે દરરોજ હાડકાં તોડી રહ્યા છીએ, પાંસળીઓ તૂટી રહી છે, ટ્રાઇજેમિનલ ન્યૂરલજીયાથી પીડાઈ રહ્યા છીએ. મગજમાં એન્યુરિઝમ છે, હજુ પણ કામ કરી રહ્યો છું. AV મૉલફૉર્મેશન છે છતાં હજુ પણ ચાલી રહ્યો છું. હું એકશન કરું છું, હું ચાલી શકતો નથી પણ ડાન્સ કરું છું. મારા જીવનમાં આવું બધું ચાલી રહ્યું છે."
સલમાનના નિવેદન પછી, લોકો ઇન્ટરનેટ પર બ્રેઇન એન્યુરિઝમ સંબંધિત માહિતી અંગે સર્ચ કરી રહ્યા છે. બ્રેઇન એન્યુરિઝમ ખરેખર શું છે અને આ રોગ કેટલો ખતરનાક છે?
બ્રેઇન એન્યુરિઝમ શું છે?

રક્ત વાહિનીમાં ફૂલેલા ભાગને એન્યુરિઝમ કહેવામાં આવે છે. નસ નબળી પડવાને કારણે આ ભાગ ફૂલે છે. ખાસ કરીને જ્યાં નસ બે ભાગમાં વિભાજિત થાય છે.
જ્યારે લોહી આ નબળા સ્થાનમાંથી પસાર થાય છે, ત્યારે તેના દબાણને કારણે તે ભાગ ફુગ્ગાની જેમ બહારની તરફ ફૂલી જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એન્યુરિઝમ શરીરની કોઈપણ નસમાં થઈ શકે છે, પરંતુ તે મોટાભાગે બે જગ્યાએ થાય છે:
- હૃદયથી શરીરમાં લોહી વહન કરતી ધમની
- મગજ
જો એન્યુરિઝમ મગજમાં હોય તો તેને બ્રેઇન એન્યુરિઝમ કહેવામાં આવે છે.
બ્રેઇન એન્યુરિઝમના પ્રકારો
મગજના એન્યુરિઝમને મુખ્યત્વે ત્રણ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે :
- સેક્યુલર એન્યુરિઝમ: તેને બેરી એન્યુરિઝમ પણ કહેવામાં આવે છે. આ એન્યુરિઝમ વેલા પર લટકતી દ્રાક્ષ જેવો દેખાય છે. તે મુખ્ય ધમની અથવા તેની એક શાખામાંથી નીકળતી લોહીથી ભરેલી ગોળ કોથળી છે. તે મોટે ભાગે મગજના પાયા (તળિયે) પર ધમનીઓ પર બને છે. બેરી એન્યુરિઝમ એ એન્યુરિઝમનો સૌથી સામાન્ય પ્રકાર છે.
- ફ્યુસિફોર્મ એન્યુરિઝમ: આ પ્રકારના એન્યુરિઝમમાં ધમનીની આસપાસ સોજો આવે છે, એટલે કે ધમનીના બધા ભાગોમાં સોજો આવી જાય.
- માયકોટિક એન્યુરિઝમ: આ એન્યુરિઝમ ચેપને કારણે થાય છે. જ્યારે ચેપ મગજની ધમનીઓને અસર કરે છે, ત્યારે તે તેમની દીવાલોને નબળી પાડે છે. આનાથી એન્યુરિઝમની રચના થઈ શકે છે.
બ્રેઇન એન્યુરિઝમનાં લક્ષણો

મગજનો એન્યુરિઝમ ફાટે નહીં ત્યાં સુધી કોઈ ખતરો નથી. જો તે ફાટે છે, તો આ સ્થિતિ ખૂબ જ ખતરનાક છે, જેને સબરાક્નોઇડ હેમરેજ કહેવામાં આવે છે. આનાથી મગજમાં લોહી ફેલાય છે અને મગજને મોટું નુકસાન થઈ શકે છે.
મગજનો એન્યુરિઝમ ફાટી ગયા પછી તેનાં લક્ષણો નીચે મુજબ છે:
- અચાનક તીવ્ર અને અસહ્ય માથાનો દુખાવો (જાણે કોઈએ તમારા માથા પર જોરથી પ્રહાર કર્યો હોય)
- ઊબકા અને ઊલટી
- પ્રકાશ તરફ જોતી વખતે દુખાવો
- મગજનો ન ફાટેલો એન્યુરિઝમ જો નાનો હોય તો સામાન્ય રીતે કોઈ લક્ષણો બતાવતો નથી પણ જો તે મોટો હોય, તો તે નજીકની ચેતાઓ પર દબાણ લાવી શકે છે, જેના કારણે માથાનો દુખાવો, દૃષ્ટિમાં ફેરફાર અથવા ચહેરા પર નિષ્ક્રિયતા જેવાં લક્ષણો જોવા મળે છે.
બ્રેઇન એન્યુરિઝમ શું છે?
રક્તવાહિનીઓ કેમ નબળી પડે છે તે સંશોધકો સંપૂર્ણપણે સમજી શક્યા નથી, પરંતુ આનાં કેટલાંક મુખ્ય કારણો છે.
- ધૂમ્રપાન
- હાઈ બ્લડ પ્રેશર
- આનુવંશિક કારણો
- ક્યારેક જન્મથી જ રક્તવાહિનીઓ નબળી હોય છે.
- માથામાં ઈજા
- દારૂ અને ડ્રગ્સનું સેવન
મગજની એન્યુરિઝમ કોઈપણ ઉંમરે થઈ શકે છે, પરંતુ 40 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં તે વધુ સામાન્ય છે. પુરુષો કરતાં મહિલાઓમાં તે થવાની શક્યતા વધુ હોય છે.
બ્રિટનની રાષ્ટ્રીય આરોગ્ય સેવા અનુસાર , ઇંગ્લૅન્ડમાં દર વર્ષે, 15 હજાર લોકોમાંથી એક વ્યક્તિને મગજની એન્યુરિઝમ ફાટવાનો અનુભવ થાય છે.
અમેરિકા સ્થિત બ્રેઇન એન્યુરિઝમ ફાઉન્ડેશન અનુસાર, અમેરિકામાં દર વર્ષે એક લાખ લોકોમાં આના આઠથી દસ કેસ નોંધાય છે.
બ્રેઇન એન્યુરિઝમનો ઇલાજ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
માયો ક્લિનિક અમેરિકામાં એક ખાનગી સંસ્થા છે જે આરોગ્ય સંબંધિત સંશોધન કરે છે. આ સંસ્થાએ મગજની એન્યુરિઝમ વિશે વિગતવાર માહિતી પ્રદાન કરી છે.
ફાટેલા મગજના એન્યુરિઝમને સુધારવા માટે બે સામાન્ય સારવાર છે- સર્જિકલ ક્લિપિંગ અને એન્ડોવૅસ્કુલર ટ્રીટમેન્ટ
કેટલાક કિસ્સાઓમાં, આ સારવારોનો ઉપયોગ ફાટેલા ન હોય એવા એન્યુરિઝમ માટે થઈ શકે છે, પરંતુ સારવારના ફાયદાઓ કરતાં જોખમ વધી શકે છે.
સર્જિકલ ક્લિપિંગ:
આ પ્રક્રિયામાં, એન્યુરિઝમ બંધ થઈ જાય છે. ન્યૂરોસર્જન માથામાં એક હાડકું કાઢીને એન્યુરિઝમ સુધી પહોંચે છે. પછી તે એન્યુરિઝમને લોહી પહોંચાડતી રક્તવાહિની શોધી કાઢે છે. ત્યાં એક નાની ધાતુની ક્લિપ મૂકવામાં આવે છે જેથી રક્ત પ્રવાહ એન્યુરિઝમમાં ન જઈ શકે.
સર્જિકલ ક્લિપિંગ ખૂબ અસરકારક માનવામાં આવે છે. ક્લિપિંગ માટે એન્યુરિઝમ્સ ફરીથી બનતા નથી. મગજમાં રક્તસ્ત્રાવ અથવા લોહી ગંઠાઈ જવાનું જોખમ રહે છે.
સર્જિકલ ક્લિપિંગમાંથી સાજા થવામાં લગભગ 4 થી 6 અઠવાડિયાં લાગે છે. જો એન્યુરિઝમ ફાટ્યું ન હોય, તો લોકો એક કે બે દિવસમાં હૉસ્પિટલમાંથી ઘરે જઈ શકે છે. ફાટેલા એન્યુરિઝમના કિસ્સામાં, હૉસ્પિટલમાં રહેવાનો સમય લાંબો હોય છે.
એન્ડોવૅસ્ક્યુલર સારવાર:
આ સર્જિકલ ક્લિપિંગ કરતાં વધુ સુરક્ષિત હોઈ શકે છે. એક પાતળી નળી (કૅથેટર) રક્ત વાહિનીમાંથી એન્યુરિઝમ સુધી પહોંચાડવામાં આવે છે અને તેમાં ખાસ ધાતુના કોઇલ નાખવામાં આવે છે.
સર્જિકલ ક્લિપિંગની જેમ, આ પ્રક્રિયામાં મગજમાં રક્તસ્ત્રાવ અથવા રક્ત પ્રવાહ અવરોધિત થવાનું થોડું જોખમ પણ રહેલું છે. ઉપરાંત, એન્યુરિઝમ ફરીથી દેખાઈ શકે છે. તેથી, સમયાંતરે ઇમેજિંગ પરીક્ષણો કરાવવા મહત્વપૂર્ણ છે.
ફ્લો ડાયવર્ઝન:
આ એક એન્ડોવૅસ્ક્યુલર સારવાર પણ છે. આમાં, નસોમાં સ્ટેન્ટ મૂકવામાં આવે છે જેથી રક્ત પ્રવાહને એન્યુરિઝમથી દૂર વાળવામાં આવે. આ એન્યુરિઝમ ફાટવાનું જોખમ ઘટાડે છે અને શરીરને તેને સાજા કરવામાં મદદ કરે છે.
આ અભિગમ મોટા એન્યુરિઝમ્સ અથવા એન્યુરિઝમ્સ માટે ઉપયોગી છે જેની સારવાર શસ્ત્રક્રિયા અથવા કોઇલિંગ દ્વારા કરવી મુશ્કેલ છે.
બ્રેઇન એન્યુરિઝમથી કેવી રીતે બચવું?
એન્યુરિઝમ થવાથી બચવા અથવા તેના મોટા થવા અને ફાટી જવાના જોખમને ઘટાડવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે એવી આદતો ટાળવી જે તમારી રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડી શકે છે.
આ વસ્તુઓ ટાળો:
- ધૂમ્રપાન
- વધુ તળેલું ભોજન ખાવું
- હાઈ બ્લડ પ્રેશર નિયંત્રિત ન થવું
- વધારે વજન અથવા સ્થૂળતા
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












