You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લદ્દાખમાં હિંસા : કેન્દ્ર સરકારે સોનમ વાંગચુકને જવાબદાર ઠેરવ્યા, 'જેન ઝી'નો ઉલ્લેખ કરીને ભડકાવ્યા?
બુધવારે લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગ સાથે ચાલી રહેલું વિરોધપ્રદર્શન હિંસક બન્યું હતું. પ્રદર્શનકારીઓનાં ટોળાંએ લેહમાં ભાજપ કાર્યાલયને આગ ચાંપી દીધી હતી.
આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચેના ઘર્ષણમાં ચાર લોકોનાં મોત થયાં છે અને કમસે કમ 59 લોકો ઘાયલ થયા છે, તેમાં 30 પોલીસકર્મી પણ સામેલ છે.
પર્યાવરણવિદ્ અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક છેલ્લા 15 દિવસથી ભૂખ હડતાળ પર હતા અને આ વિરોધ પણ આ જ મુદ્દા સાથે સંબંધિત હતો.
તેમણે બીબીસી હિન્દીને જણાવ્યું હતું કે લેહમાં થયેલી હિંસા બાદ તેમણે પોતાનો ઉપવાસ સમાપ્ત કર્યા છે. તેમણે જનતાને શાંતિની અપીલ કરી હતી.
લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર કવીન્દર ગુપ્તાએ જણાવ્યું હતું કે લેહ જિલ્લામાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે.
પ્રદર્શનકારીઓ લદ્દાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવવા ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગ કરી રહ્યા છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઇ અનુસાર, પોલીસે ભીડને વિખેરવા માટે ટીયરગૅસ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો.
કેટલાક વીડિયોમાં વાહનો સળગતાં જોઈ શકાય છે અને કેટલીક અથડામણો પણ જોવા મળી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બુધવારે મોડી રાતે એક નિવેદનમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હિંસા માટે સોનમ વાંગચુકને જવાબદાર ઠેરવ્યા છે. ગૃહ મંત્રાલયના આરોપ પર સોનમ વાંગચુકે હાલ કોઈ પ્રતિક્રિયા આપી નથી.
કેન્દ્ર સરકારે નિવેદનમાં કહ્યું કે કેટલાક લોકો પૂર્ણ રાજ્ય અને છઠી અનુસૂચિના વિસ્તાર પર લદ્દાખના લોકો સાથે થઈ રહેલી વાતચીતથી ખુશ નથી અને તેમાં અડચણો પેદા કરી રહ્યા છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ તાશી ગ્યાલસન ખાચુએ બીબીસી સંવાદદાતા માજિદ જહાંગીરને ફોન પર જણાવ્યું હતું કે તેમના પક્ષના કાર્યાલયમાં આગ લગાવવામાં આવી છે અને લેહમાં પરિસ્થિતિ તંગ છે.
એએનઆઈ અનુસાર , લેહ જિલ્લામાં બીએનએસની કલમ 163 લાગુ કરવામાં આવી છે. જિલ્લામાં પાંચ કે તેથી વધુ લોકોના મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જિલ્લા મૅજિસ્ટ્રેટના આદેશ મુજબ, પૂર્વ લેખિત પરવાનગી વિના લેહમાં કોઈ પણ સરઘસ, રેલી કે કૂચ કાઢી શકાશે નહીં.
દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના રાજકીય પક્ષોએ આ હિંસા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી છે.
'આ જેન-ઝી ક્રાંતિ હતી'
હિંસા પછી તરત જ સોનમ વાંગચુકે ઍક્સ પર એક વીડિયો સંદેશ બહાર પાડ્યો જેમાં એમણે શાંતિની અપીલ કરી હતી.
તેમણે કહ્યું, "આજે, અમારી ભૂખ હડતાળના 15મા દિવસે, લેહ શહેરમાં વ્યાપક હિંસા અને તોડફોડથી હું દુઃખી છું. અનેક ઑફિસો અને પોલીસ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી."
"અહીં કેટલાક લોકો 35 દિવસથી ભૂખ હડતાળ પર હતા. ગઈ કાલે, તેમાંથી બે લોકો બીમાર પડ્યા અને ખૂબ જ ગંભીર હાલતમાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આનાથી લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને આજે સમગ્ર લેહમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હજારો યુવાનો રસ્તા પર ઊતરી આવ્યા. એક રીતે, આ 'જેન ઝી' ક્રાંતિ હતી."
"તેઓ (યુવાનો) પાંચ વર્ષથી બેરોજગાર છે. એક પછી એક બહાનાંનો ઉપયોગ કરીને તેમને નોકરીથી દૂર રાખવામાં આવી રહ્યા છે અને લદ્દાખને પણ સુરક્ષિત રાખવામાં આવી રહ્યું નથી. આજે અહીં કોઈ લોકતાંત્રિક મંચ નથી."
સાંજે પાંચ વાગ્યે એક પત્રકારપરિષદને સંબોધતા સોનમ વાંગચૂકે કહ્યું, "આ હિંસામાં ત્રણથી પાંચ યુવાનોએ જીવ ગુમાવ્યા તે દુઃખદ છે અને અમે તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ."
જોકે, પોલીસ પ્રશાસને હજુ સુધી વિરોધપ્રદર્શન દરમિયાન લોકોના મોત અંગે કોઈ નિવેદન આપ્યું નથી.
સોનમ વાંગચુકે યુવાનોને કોઈ પણ સંજોગોમાં હિંસાનો આશરો ન લેવાની અપીલ કરી છે.
કેન્દ્ર અને લદ્દાખના પ્રતિનિધિઓ વચ્ચે 6 ઑક્ટોબરે વાટાઘાટનો નવો રાઉન્ડ નક્કી કરવામાં આવ્યો છે, જેમાં લેહ એપેક્સ બોડી (એલએબી) અને કારગિલ ડેમૉક્રેટિક એલાયન્સ (કેડીએ)ના સભ્યો સામેલ હશે, પરંતુ વાંગચૂકે વાટાઘાટ માટે અગાઉથી તારીખની માગ કરી છે.
મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાએ શું કહ્યું?
પીડીપી નેતા મહેબૂબા મુફ્તીએ કેન્દ્ર સરકારને લેહમાં થયેલાં વિરોધપ્રદર્શનો પર આત્મનિરીક્ષણ કરવા જણાવ્યું છે.
તેમણે ઍક્સ પર લખ્યું, "ભારત સરકારે હવે પ્રામાણિકપણે અને ઊંડાણપૂર્વક મૂલ્યાંકન કરવું જોઈએ કે 2019થી ખરેખર શું બદલાયું છે. આ વીડિયો કાશ્મીર ખીણનો નથી, જેને અશાંતિનું કેન્દ્ર માનવામાં આવે છે, પરંતુ લદ્દાખનો છે, જ્યાં ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ પોલીસ વાહનો અને ભાજપ કાર્યાલયમાં આગ લગાવી હતી."
"લાંબા સમયથી શાંતિપૂર્ણ અને સંયમિત વિરોધપ્રદર્શનો માટે જાણીતું લેહ હવે હિંસક પ્રદર્શનો તરફ ખતરનાક પરિવર્તન જોઈ રહ્યું છે. લોકો ધીરજ ગુમાવી ચૂક્યા છે, વિશ્વાસઘાત અનુભવી રહ્યા છે, અસુરક્ષિત અને અધૂરા વચનોથી નિરાશ થયા છે."
નૅશનલ કૉન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું, "લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાનું વચન પણ આપવામાં આવ્યું ન હતું, તેમણે 2019માં કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળવાની ઉજવણી કરી હતી અને તેઓ છેતરાયા અને ગુસ્સે થઈ રહ્યા છે."
"હવે કલ્પના કરો કે જમ્મુ અને કાશ્મીરમાં અમે કેટલા છેતરાયા અને નિરાશ થયા છીએ. જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાનું વચન અધૂરું રહે છે, ભલે અમે લોકશાહી, શાંતિપૂર્ણ અને જવાબદારીપૂર્વક તેની માગણી કરી રહ્યા છીએ."
રામબન (જમ્મુ અને કાશ્મીર)ના નૅશનલ કૉન્ફરન્સના ધારાસભ્ય અર્જુનસિંહ રાજુએ કહ્યું, "આ એક ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે, જે ચીનની સરહદે છે. આજે અહીં પરિસ્થિતિ એવી બની ગઈ છે કે ત્યાં તોડફોડ અને આગચંપી થઈ છે."
તેમણે કહ્યું, "હિંસા ટાળવી જોઈએ, પરંતુ લેહ આપણા માટે અને કેન્દ્ર સરકાર માટે પણ એક પાઠ છે. ત્યાંના લોકો ઘણાં વર્ષોથી જમીન સુરક્ષા, છઠ્ઠી અનુસૂચિ અને પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવવાની માગ કરી રહ્યા છે. તેમણે બળજબરીથી તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યો."
"કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીર અને લેહ બંનેમાં કાયદો અને વ્યવસ્થા માટે જવાબદાર છે. તેથી તેમણે આ શું કામ બન્યું તેની જવાબદારી લેવી જોઈએ."
લદ્દાખના લોકોની ફરિયાદ શું છે?
ગયા વર્ષે માર્ચમાં પ્રકાશિત થયેલા બીબીસી સંવાદદાતા માજિદ જહાંગીરના અહેવાલ મુજબ ,
કેન્દ્રશાસિત પ્રદેશ બનતા પહેલાં લદ્દાખના લોકો જમ્મુ અને કાશ્મીર પબ્લિક સર્વિસ કમિશનમાં ગૅઝેટેડ પોસ્ટ્સ માટે અરજી કરી શકતા હતા, પરંતુ હવે આ પ્રથા બંધ થઈ ગઈ છે.
2019 પહેલાં જમ્મુ અને કાશ્મીર સર્વિસ સિલેકશન બોર્ડ બિન-ગૅઝેટેડ નોકરીઓ માટે ભરતી કરતું હતું અને તેમાં લદ્દાખના ઉમેદવારોનો પણ સમાવેશ થતો હતો. જોકે, આ નિમણૂકો હવે સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા કરવામાં આવી રહી છે.
આ કમિશન એક બંધારણીય સંસ્થા છે જે કેન્દ્ર સરકાર માટે ભરતી કરે છે. કેન્દ્રશાસિત પ્રદેશની રચના થઈ ત્યારથી લદ્દાખમાં નોકરીઓ માટે મોટા પાયે નૉન-ગૅઝેટેડ ભરતી ઝુંબેશ ચાલી નથી, જેના કારણે લદ્દાખના યુવાનોમાં રોષ ફેલાયો છે.
લદ્દાખ વહીવટીતંત્રે ઑક્ટોબર 2023માં તેના સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.
લદ્દાખના લોકો અપેક્ષા રાખતા હતા કે કેન્દ્રશાસિત પ્રદેશ બનવાની સાથે, લદ્દાખને છઠ્ઠી અનુસૂચિ હેઠળ વિધાનસભા અને સુરક્ષા પણ આપવામાં આવશે.
ભાજપે 2019ના ચૂંટણીઢંઢેરામાં અને ગયા વર્ષે લદ્દાખ હિલ કાઉન્સિલની ચૂંટણીમાં પણ લદ્દાખને રાજ્યનો દરજ્જો અને છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવાનું વચન આપ્યું હતું.
લોકોનો આરોપ છે કે ભાજપ આ વચનોથી ફરી રહ્યો છે અને આ અસંતોષે વિરોધનું સ્વરૂપ લીધું છે.
ભારતીય બંધારણની કલમ 244 હેઠળ છઠ્ઠી અનુસૂચિ રાજ્યની અંદર ચોક્કસ કાયદાકીય, ન્યાયિક અને વહીવટી સ્વતંત્રતા ધરાવતા સ્વાયત્ત વહીવટી વિભાગોમાં સ્વાયત્ત જિલ્લા પરિષદોની રચનાની જોગવાઈ કરે છે.
જિલ્લા પરિષદોમાં કુલ 30 સભ્યો હોય છે, જેમાંથી ચારની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે.
છઠ્ઠી અનુસૂચિ મુજબ, જિલ્લા પરિષદની મંજૂરીથી જ આ વિસ્તારમાં ઉદ્યોગો સ્થાપી શકાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન.