You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુપર ટાયફૂન રગાસા : દરિયામાં સર્જાયું ખતરનાક વાવાઝોડું, 230 કિમીની ઝડપે ફૂંકાશે પવન, પાંચ દેશોમાં હાઇઍલર્ટ
- લેેખક, કેલી એનજી
- પદ, સિંગાપુર
ફિલિપીન્ઝમાં એક સુપર ટાયફૂન ત્રાટક્યું છે, જેને સ્થાનિક અધિકારીઓ દ્વારા સંભવિત 'વિનાશક' ગણાવવામાં આવ્યું છે.
આ ટાયફૂન દેશના ઉત્તરીય ક્ષેત્રમાં ત્રાટક્યું છે, જેના કારણે હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
દેશના હવામાન વિભાગે જણાવ્યું હતું કે, સોમવારે સ્થાનિક સમય મુજબ બપોરે ત્રણ વાગ્યે ઉત્તરી કાગયાન પ્રાંતમાં પાનુઇટન ટાપુ પર 230 કિમી/કલાક (143 માઇલ પ્રતિ કલાક) ની ઝડપે ત્રાટક્યું છે. હવે તે દક્ષિણ ચીન તરફ પશ્ચિમ દિશામાં આગળ વધવાની ધારણા છે.
ફિલિપીન્ઝના હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ટાયફૂન રાગાસા 3 મીટર (10 ફૂટ)થી વધુ ઊંચાઈનાં મોજાં સાથે 'જીવલેણ તોફાનનું મોટું જોખમ' લઈને આવ્યું છે.
અધિકારીઓએ વ્યાપક પ્રમાણમાં પૂર જેવી સ્થિતિ અને ભૂસ્ખલન, તથા ઘરો અને માળખાગત સુવિધાઓને નુકસાન થવાની ચેતવણી આપી છે.
તાઇવાન સહિત પાંચ દેશોમાં અસર
રાજધાની મનીલા સહિત દેશના મોટા ભાગોમાં શાળાઓ અને સરકારી કચેરીઓ બંધ કરી દેવામાં આવી છે.
અંતરિયાળ વિસ્તારો જેવા કે બાટાનેસ અથવા બાબુયાન ટાપુઓ પર જ્યાં આ ટાયફૂને 'લૅન્ડફૉલ' કર્યું હતું ત્યાં લગભગ 20 હજાર લોકો રહે છે. તેમાંથી ઘણા લોકો ગરીબીમાં જીવે છે.
આ ટાપુઓ તાઇવાનથી લગભગ 740 કિમી (460 માઇલ) દૂર આવેલા છે. તાઇવાનમાં પૂર્વમાં આવેલા હુઆલિયન કાઉન્ટીમાંથી લગભગ 300 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાગાસા વાવાઝોડું તાઇવાન પર સીધું અથડાશે તેવી અપેક્ષા નથી, પરંતુ તેના કારણે ભારે વરસાદ સાથે ટાપુના પૂર્વ કિનારામાં નુકસાન થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.
સોમવાર સવારથી દક્ષિણ અને પૂર્વ તાઇવાનમાં જંગલ વિસ્તારો તથા ટ્રૅકિંગ પૉઇન્ટ્સ બંધ કરી દેવામાં આવ્યા છે, જ્યારે કેટલીક ફેરી સેવાઓ પણ સ્થગિત કરવામાં આવી છે.
કેટલું વિનાશક છે આ વાવાઝોડું રગાસા?
આ સુપર ટાયફૂન A કૅટેગરી-5ના વાવાઝોડા જેટલું તીવ્ર છે.
ચીનના ગુઆંગડોંગ પ્રાંતના અધિકારીઓએ રહેવાસીઓને આ 'વિનાશક' અને 'ભયાનક આપત્તિ" માટે તૈયાર રહેવાની સલાહ આપી છે.
વાવાઝોડાના જમીન પર ટકરાવાની આગાહીના બે દિવસ પહેલાં, અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવાર સુધીમાં ભારે વરસાદ અને જોરદાર પવન ફૂંકાશે.
ચીનના શેનઝેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે વાવાઝોડા પહેલાં 4 લાખ લોકોને સ્થળાંતર કરવાની યોજના છે.
હૉંગકૉંગમાં, અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે હવામાન 'ઝડપથી ખરાબ થશે.' જ્યારે શિક્ષણ વિભાગે કહ્યું હતું કે તેઓ શાળાની વ્યવસ્થા અંગે વિચારણા કરી રહ્યા છે.
હૉંગકૉંગની ફ્લૅગ કૅરિયર કૅથે પેસિફિકએ જણાવ્યું હતું કે, તેઓ આવતીકાલે સ્થાનિક સમય મુજબ સાંજે છ વાગ્યાથી શહેરમાંથી ઉપડતી 500 ફ્લાઇટ્સ રદ કરશે, જ્યારે હૉંગકૉંગ ઍરલાઇન્સે કહ્યું હતું કે તે શહેરમાંથી ઉપડતી બધી ફ્લાઇટ્સ રદ કરશે.
ફિલિપીન્ઝમાં સ્થાનિક ભાષામાં રાગાસાને નાંડો તરીકે ઓળખવામાં આવે છે. આ વાવાઝોડું ત્યારે આવ્યું છે જ્યારે આ દેશ ભીષણ ચોમાસાને કારણે છેલ્લા એક અઠવાડિયાથી પૂરથી પીડાઈ રહ્યો છે.
રવિવારે દેશભરમાં હજારો લોકોએ ભ્રષ્ટાચાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું, લોકોએ સરકારને માળખાગત સુવિધાઓના ગંભીર અભાવ માટે જવાબદાર ઠેરવી હતી.
(હૉંગકૉંગથી માર્ટિન યીપ દ્વારા વધારાનું રિપોર્ટિંગ)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન