ઓડિશા ટ્રેન દુર્ઘટના : આ પહેલાં પણ રેલ દુર્ઘટનાની તપાસ થઈ હતી, પરંતુ એ બાદ શું થયું?

    • લેેખક, ચંદનકુમાર જજવાડે
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતીય રેલમાં થનારા અકસ્માતો ઇશારો કરે છે કે રેલવે ઇતિહાસમાંથી શીખ લેતું નથી. તેથી રેલવે દુર્ઘટનાનો પોતાનો જ ઇતિહાસ દોહરાવે છે.

રેલવેમાં દરેક દુર્ઘટના બાદ મંત્રાલય તરફથી કમિશનર અથવા ચીફ કમિશનર ઑફ રેલવેને સેફ્ટીની તપાસનો આદેશ આવે છે. રેલવેમાં જાન અથવા માલ અથવા બંનેના નુકસાનનો જે મામલો સીઆરએસની તપાસને લાયક મળી આવે છે, તેની તપાસ કરાવવામાં આવે છે.

તેનો ઉદ્દેશ રેલ દુર્ઘટનાઓમાંથી શીખ લેવાનો અને કાર્યવાહી કરવાનો હોય છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને ટાળી શકાય.

જો સીઆરએસની તપાસ શક્ય ન હોય તો રેલવેમાં ઘણી વાર દુર્ઘટનાઓ અથવા કોઈ ગંભીર ઘટનાની તપાસ રેલવેના ઉચ્ચ અધિકારીઓની સમિતિ પાસે પણ કરાવવામાં આવે છે.

તપાસ રિપોર્ટની તસવીર

સીઆરએલ રેલવેના જ અધિકારી હોય છે અને તેમને ડેપ્યુટેશન પર નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં પોસ્ટિંગ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આવું સીઆરએસની તપાસને પક્ષપાતથી બચાવવા માટે કરવામાં આવે છે.

સીઆરએસ પોતાની તપાસમાં ઘટનાસ્થળની મુલાકાત લે છે અને સ્થાનિકો સાથે વાત પણ કરે છે. તપાસ પ્રક્રિયામાં પ્રત્યક્ષદર્શી, રેલવે કર્મચારી અને મીડિયા કવરેજને પણ જરૂર મુજબ સામેલ કરવામાં આવે છે.

જોકે તમામ દુર્ઘટના બાદ ઘટનાસ્થળ પર તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરવું જરૂરી હોય છે. આવામાં ઘણી વાર ક્ષતિગ્રસ્ત ડબ્બા, પાટા અને અન્ય ચીજોને ઘટનાસ્થળેથી હઠાવવી પડે છે.

આ પ્રકારે ઘટનાસ્થળની તસવીર ઘણી બદલાઈ જાય છે અને સમગ્ર માહિતી ભેગી કરવી સરળ હોતી નથી.

જોકે કોઈ દુર્ઘટનાના તપાસ રિપોર્ટ અને તેની પર થયેલી કાર્યવાહી વિશે જાણવાના પ્રયાસ કરવામાં આવે ત્યારે તેની ખૂબ ધૂંધળી માહિતી આપણી સામે હોય છે.

અમે તેની માટે સીઆરએસની વેબસાઇટ પરથી કેટલીક માહિતી એકઠી કરવાના પ્રયાસ કર્યા, ત્યારે તેના મોટા ભાગના કૉલમો ખાલી જોવા મળ્યા હતા.

આ વેબસાઇટ પરથી જાણવા મળે છે કે ઘણાં વર્ષો જૂના મામલા પર હજુ પણ રેલ મંત્રાલયે કોઈ કાર્યવાહી કરી નથી, અથવા આવી કાર્યવાહીની માહિતી સામાન્ય લોકો અથવા મુસાફરો સાથે શેર કરવામાં આવી નથી.

અમે તાજેતરનાં વર્ષોમાં ભારતમાં થયેલા કેટલાક મોટા રેલ અકસ્માતો અને ત્યારબાદ રેલવેના ઍક્શન વિશે જાણવાના પ્રયાસ કર્યા છે.

દુર્ઘટના પર કાર્યવાહી

19 ઑગસ્ટ 2017: આ દિવસે ઉત્તર પ્રદેશ રાજ્યના ખતૌલીમાં એક મોટી રેલ દુર્ઘટના થઈ હતી. અહીં પુરીથી હરિદ્વાર જઈ રહેલી ઉત્કલ ઍક્સપ્રેસ ટ્રેનના 14 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા.

ખતૌલીમાં પાટા પર સમારકામ ચાલી રહ્યું હતું અને તે દરમિયાન ટ્રેનને જવા માટે સિગ્નલ આપવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં લગભગ 23 લોકોનાં મોત થયાં હતાં અને ઘણા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.

આ દુર્ઘટના બાદ રેલવેના કેટલાક મોટા અધિકારીઓને જબરદસ્તી રજા પર મોકલવામાં આવ્યા હતા. પાટાનું સમારકામ કરી રહેલા રેલવેના ટ્રેકમૅન, લુહાર અને જૂનિયર ઍન્જિનિયર સહિત 14 લોકોને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

ઑલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના મહામંત્રી શિવ ગોપાલ મિશ્રા અનુસાર, ત્યારબાદ કમિશનર રેલવે સેફ્ટીની તપાસમાં જાણવા મળ્યું હતું કે દુર્ઘટના માટે માત્ર રેલવેના જૂનિયર ઍન્જિનિયર જવાબદાર છે, તેથી અન્ય લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.

આ દુર્ઘટના બાદ તત્કાલીન રેલમંત્રી સુરેશ પ્રભુએ તેમના પદેથી રાજીનામું આપી દીધું હતું. આ સિવાય રેલવેના ઉચ્ચ અધિકારી થોડા દિવસમાં જ કામ પર પાછા આવી ગયા હતા.

22 જાન્યુઆરી 2017: આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લામાં હીરાખંડ ઍક્સપ્રેસ ટ્રેનના આઠ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. આ દુર્ઘટનામાં લગભગ 40 લોકોનાં મોત થયાં હતાં. શરૂમાં આ દુર્ઘટનાને એક કાવતરું ગણાવવામાં આવ્યું હતું અને તેની તપાસમાં એનઆઈએને સામેલ કરવામાં આવ્યા હતા.

અહેવાલ અનુસાર, સીઆરએસને ત્રણ વર્ષ બાદ તેની તપાસમાં જાણવા મળ્યું કે આ દુર્ઘટના રેલ ફ્રૅક્ચર એટલે કે તૂટેલા પાટાને કારણે ઘટી હતી. તેની માટે ઈસ્ટ કોસ્ટ રેલવેના સિવિલ ઍન્જિનિયરિંગ વિભાગને જવાબદાર ગણવામાં આવ્યું હતું.

20 નવેમ્બર 2016: કાનપુર પાસે પુખરાયાંમાં પટના-ઇન્દોર ઍક્સપ્રેસના 14 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. આ દુર્ઘટનામાં 150 લોકોનાં મોત થયાં હતાં.

મોદી સરકારના સમયે થયેલી આ પહેલી મોટી રેલ દુર્ઘટના હતી. આ દુર્ઘટના પાછળ પણ પહેલાં કોઈ પણ પ્રકારનું કાવતરું ગણવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર તેના આધારે જ એનઆઈએ એ તેની તપાસ શરૂ કરી હતી.

શિવ ગોપાલ મિશ્રા જણાવે છે કે, ત્યારબાદ તેમાં કોઈ કાવતરું જણાયું ન હતું. રેલવેની તપાસમાં પાંચ રેલ કર્મીઓને તેના માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા અને તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમાં બે સિનિયર સેક્શન ઍન્જિનિયર, બે ટ્રૅકમૅન અને એક સીઈટી સામેલ હતા.

20 માર્ચ 2015: દહેરાદૂન-વારાણસી જનતા ઍક્સપ્રેસ પાટા પરથી ઊતરી જવાના કારણે 35 લોકો માર્યા ગયા હતા. આ દુર્ઘટના ઉત્તરપ્રદેશના રાયબરેલી જિલ્લામાં થઈ હતી.

સીઆરએલની તપાસમાં આ દુર્ઘટના માટે રેલવેના એક સિગ્નલ મેઇન્ટેનરને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા અને તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

10 જુલાઈ 2011: કાનપુર પાસે મલવામાં હાવડાથી દિલ્હી તરફ આવી રહેલી કાલતા મેલ ટ્રેન પાટા પરથી ઊતરી જવાના કારણે 70 લોકોનાં મોત થયાં હતાં.

આ દુર્ઘટના પર એક પીઆઈએલની સુનાવણી કરતી વખતે અલાહાબાદ હાઈકોર્ટે રેલવેને આદેશ આપ્યો હતો કે તેઓ સીસીઆરએસ રિપોર્ટ પર થયેલી કાર્યવાહીની વિગતો રજૂ કરે.

જુલાઈ 2011માં કોર્ટે કહ્યું હતું કે 2010 પછી રેલવેએ આવા તમામ મામલા પર શું કાર્યવાહી કરી છે, તેની માહિતી કોર્ટને આપવામાં આવે. એટલે કે આવી કાર્યવાહી વિશેની માહિતી માટે અરજીકર્તાને કોર્ટનો સહારો લેવો પડ્યો હતો.

નાના કર્મચારીઓ પર ઍક્શન

શિવ ગોપાલ મિશ્રા દુર્ઘટના માટે નાના કર્મચારીઓ પર થયેલી કાર્યવાહી અંગે કહે છે કે રેલવેમાં અઢી લાખ પોસ્ટ ખાલી પડી છે અને તેમાંથી બે લાખ સેફ્ટી સાથે જોડાયેલા પદ છે, જ્યારે સ્ટેશનના રંગરોગાનનું કામ થઈ રહ્યું છે.

તેમના મુજબ, "રેલવેના નાના કર્મચારીઓ વિરુદ્ધ ઍક્શન લેવાથી આજસુધી કંઈજ બદલાયું નથી. માત્ર મોટી વાતો કરવાથી કંઈ જ થતું નથી."

"રેલવેમાં સિગ્નલિંગ અને સેફ્ટીને મજબૂત કરવા માટે એક લાખ કરોડ રૂપિયાની જરૂર છે, જ્યારે છેલ્લા બે બજેટમાં બસો કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે."

રેલવે બોર્ડના પૂર્વ મેમ્બર શ્રીપ્રકાશ કહે છે કે, "રેલવેમાં તપાસ બાદ હંમેશાં કાર્યવાહી કરવામાં આવે છે. નીચા સ્તરે કામ કરનારા કર્મચારીઓ પર થયેલા એક્શન પાછળનું કારણ એ છે કે જમીન સ્તર પર ટ્રેનનું સંચાલન એજ કરે છે અને તેમની પર ટ્રેનને સમયસર ચલાવવાનું દબાણ પણ ઘણું હોય છે. એવામાં તેમનાથી ભૂલ પણ થઈ જાય છે."

શ્રીપ્રકાશ અનુસાર, જો કોઈ સિગ્નલમાં ખરાબી આવી જાય તો મેઇન્ટેનન્સ રૂમમાં જવાનું હોય છે અને મેઇન્ટેનન્સ રૂમમાં સુરક્ષા માટે બે તાળાં હોય છે, જેની ચાવી બે લોકો પાસે હોય છે.

"આ તાળું ક્યારે ખોલવામાં આવ્યું અને ક્યારે બંધ કરવામાં આવ્યું. આ તમામ બાબતો લેખિતમાં નોંધાવવાની હોય છે. તેમાં લાંબો સમય લાગી શકે છે અને એ દરમિયાન કોઈ ટ્રેન ચાલતી નથી. આ દબાણમાં ઘણી વાર શૉર્ટ-કટ અપનાવવામાં આવે છે, જેમાં ભૂલની શક્યતા હોય છે."

ભારતમાં વારંવાર થતા રેલ અકસ્માતો માટે નીચલા સ્તરના રેલકર્મીઓ જવાબદાર છે કે પછી તેની પાછળ અન્ય કોઈ કારણ છે. આનો જવાબ ભારતના કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ એટલે કે સીએજીના એક રિપોર્ટમાં મળે છે.

દુર્ઘટનાઓનું સૌથી મોટું કારણ

સીએજીએ વર્ષ 2017-18થી વર્ષ 2021-22 વચ્ચે રેલવેમાં સેફ્ટી સાથે જોડાયેલા ઘણા મુદ્દા પર નજર કરીને ગયા વર્ષે એક રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો.

સીએજીએને તેમાં જાણવા મળ્યું હતું કે ટ્રેક રેકૉર્ડિંગ કારથી પાટાની કંડિશન વિશે માહિતી ભેગી કરવાના મામલામાં 30થી 100 ટકા સુધીની કમી રહી છે.

પાટાના સમારકામ માટે બ્લૉક (જેથી એ સમયે કોઈ ટ્રેન ન જાય) ન આપવા માટે 32 ટકા મામલા સામે આવ્યા હતા, જ્યારે 30 ટકા મામલામાં સંબંધિત ડિવિઝને બ્લૉક લેવા અને પાટાના સમારકામનો પ્લાન જ તૈયાર કર્યો ન હતો.

સીએજીએ 1129 તપાસ રિપોર્ટના અભ્યાસ બાદ રેલ દુર્ઘટનાના 24 મુખ્ય કારણો મેળવ્યા છે.

ટ્રેનના પાટા પરથી ઊતરવાના 422 મામલામાં રેલવેના એન્જિનિયર વિભાગની ભૂલ બતાવવામાં આવી હતી, તેમાં 171 મામલા માત્ર ટ્રેકની જાળવણીના અભાવે થયા હતા.

આવી દુર્ઘટના પાછળ બીજી મોટી ભૂલ રેલવેના મિકેનિકલ વિભાગની મળી આવી છે. સીએજીએ તેમાં સૌથી મોટું કારણ ખરાબ પૈડાં અને કોચનો ઉપયોગ કરવાનું ગણાવ્યું છે.

આવામાં 154 દુર્ઘટના ટ્રેનના લોકોપાયલટની ભૂલના કારણે ઘટી છે. તેમાં ખરાબ ડ્રાઇવિંગ કે નક્કી કરેલી ઝડપ કરતાં વધુ ઝડપે ટ્રેન ચલાવવાના કારણે દુર્ઘટના ઘટી છે.

ટ્રેન દુર્ઘટનાના 275 મામલામાં રેલવેના ઓપરેટિંગ વિભાગની ખામી પણ જોવા મળી હતી. તેમાં પૉઇન્ટ્સ એટલે કે સામાન્ય ભાષામાં પાટાનું ખોટું સેટિંગ મુખ્ય કારણ હતું. એટલે કે ટ્રેન બીજા ટ્રૅક પર જવાની હતી, પરંતુ તેને અન્ય ટ્રૅક પર મોકલવામાં આવી હતી.

સીએજીને જાણવા મળ્યું હતું કે રેલવે દુર્ઘટના સાથે જોડાયેલા 63 ટકા તપાસ રિપોર્ટને નિશ્ચિત સમયમાં સંબંધિત અધિકારીને સોંપવામાં આવ્યા નહતા, જ્યારે 49 ટકા મામલામાં સંબંધિત અધિકારીએ તપાસ રિપોર્ટ લેવામાં મોડું કર્યું હતું.