ઈરાનની યુનિવર્સિટીમાં એક યુવતીએ કપડાં કેમ ઉતાર્યાં, શું છે વિવાદ?

ઈરાનની યુનિવર્સિટીમાં એક યુવતીએ કપડાં કેમ ઉતાર્યા, શું છે વિવાદ?

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, બીબીસી પર્શિયને આ વાતની પુષ્ટિ કરી છે કે આ તસવીર તહેરાન આઝાદ યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ રિસર્ચના બ્લૉક 1ની છે
    • લેેખક, રોજા અસદી
    • પદ, બીબીસી પર્શિયન

તહેરાનની યુનિવર્સિટીમાં માત્ર અંડરવિયર પહેરીને આંટા મારતી યુવતીના વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયો છે. આ સિવાયની તસવીરોમાં યુવતી યુનિવર્સિટી પરિસરમાં બિન્દાસ આંટા મારતી જોવા મળે છે.

આ વીડિયો અને તસવીરો વિશે સોશિયલ મીડિયા ઉપર ચર્ચા થઈ રહી છે. તેના ઉપર લોકોની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે.

દરમિયાન બીબીસી પર્શિયનની ડિજિટલ ટીમે સમગ્ર ઘટનાક્રમની પુષ્ટિ કરી છે. જે સ્થળે યુવતી કપડાં કાઢીને આંટા મારી રહી છે તે તહેરાનની યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ રિસર્ચનો બ્લૉક-1 હોવાનું જાણવા મળે છે.

આ ઘટના તા. બીજી નવેમ્બર, શનિવારના રોજ ઘટી હોવાનું જાણવા મળે છે.

એ પછી યુવતીની ધરપકડ કરવામાં આવી હતી, જેના વીડિયો વિશે પણ લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.

વાઇરલ વીડિયોમાં શું છે ?

વાઇરલ વીડિયોમાં એક યુવતીને યુનિવર્સિટી કૅમ્પસમાં એક પ્લૅટફૉર્મ ઉપર બેઠેલી જોઈ શકાય છે. આ સાથે જ યુનિવર્સિટીનાં પુરુષ અને મહિલા સુરક્ષાઅધિકારીઓ તેની સાથે ચર્ચા કરતાં જોઈ શકાય છે. જોકે, વીડિયોમાં તેમની વચ્ચે શું વાતચીત થઈ, તે સાંભળી શકાય એમ નથી.

આ વીડિયો દૂરથી કોઈ ક્લાસમાં રહીને ઉતારવામાં આવ્યો હોય એમ લાગે છે. અન્ય એક વીડિયોમાં યુવતીને બ્લૉક-1ની આસપાસ આંટા મારતી જોઈ શકાય છે.

યુવતીની હલચલ પરથી સ્પષ્ટ છે કે તે પોતાનાં શૉર્ટ્સ ઉતારી રહી છે. ઘટનાસ્થળે હાજર રહેલા લોકોની પ્રતિક્રિયા પણ આ વાતની પુષ્ટિ કરે છે.

થોડા સમય પછી પોલીસ અધિકારીઓ એક કારમાં ઘટનાસ્થળે પહોંચતા નજરે પડે છે. એક સાથે અનેક અધિકારીઓ ગાડીમાંથી ઉતરે છે અને આક્રમક અંદાજમાં યુવતીને કારમાં બેસાડીને ત્યાંથી લઈ જતા નજરે પડે છે.

અંગવસ્ત્ર ઉતારીને આક્રોશની અભિવ્યક્તિ?

અંગવસ્ત્ર ઉતારીને આક્રોશની અભિવ્યક્તિ?

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, તહેરાનના રસ્તા પર આ યુવતી ફરતી દેખાઈ હતી

ઈરાનની બહારથી કાર્યરત અનેક મીડિયા પ્લૅટફૉર્મ તથા સોશિયલ મીડિયા નેટવર્ક ઉપર પ્રકાશિત અહેવાલોમાં સમગ્ર ઘટનાક્રમ છોકરી દ્વારા વિરોધની અભિવ્યક્તિ કરવામાં આવી હોવાનું જણાવાય રહ્યું છે.

યુનિવર્સિટી કૅમ્પસમાં હિજાબ પહેરવો જરૂરી કરી દેવાયો છે, જેને લાગુ કરવા માટે યુનિવર્સિટીના સુરક્ષાકર્મીઓ દ્વારા જે આચરણ કરવામાં આવે છે, તેના વિરોધસ્વરૂપે યુવતીએ આ પ્રકારનું આચરણ કર્યું હોવાનું કહેવાય છે.

આ ઘટના વિશેના અનેક રિપૉર્ટ્સ 'અમીર કબીર ન્યૂઝલેટર' નામની ટૅલિગ્રામ ચૅનલ ઉપર પ્રકાશિત કરવામાં આવ્યા છે.

આ ન્યૂઝલેટરમાં જણાવ્યા પ્રમાણે, 'માસ્ક ન પહેરવાને કારણે યુવતીની કનડગત કરવામાં આવી હતી અને સુરક્ષાકર્મીઓએ તેનાં કપડાં ફાડી નાખ્યાં. એ પછી વિરોધસ્વરૂપે તેણે પોતાંનાં બધાં કપડાં ઉતારી દીધાં.'

બીબીસી પર્શિયન સાથે વાત કરતા અમીર કબીર ન્યૂઝલેટરના જણાવ્યા પ્રમાણે, એક જાણકાર પાસેથી મળેલી મહિતીના આધારે તેમણે આ અહેવાલ તૈયાર કર્યો હતો.

પ્રત્યક્ષદર્શીઓએ શું જોયું?

પ્રત્યક્ષદર્શીઓએ શું જોયું?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સમગ્ર ઘટનાક્રમના બે પ્રત્યક્ષદર્શીઓએ બીબીસી પર્શિયન સાથે વાતચીત કરીને સમગ્ર ઘટનાક્રમ વિશે વિગતો આપી હતી.

તેમણે જણાવ્યું, "એ છોકરી હાથમાં મોબાઇલ લઈને ક્લાસરૂમમાં પ્રવેશી હતી અને એવું લાગતું હતું કે તે વિદ્યાર્થીઓનો વીડિયો ઉતારી રહી છે."

તેમના જણાવ્યા પ્રમાણે, યુવતીએ મંજૂરી વગર ક્લાસરૂમમાં પ્રવેશ કરતા પ્રાધ્યાપકો નારાજ થયા હતા. તેમાંથી એક પ્રોફેસરે વર્ગખંડમાં હાજર વિદ્યાર્થીઓ પૈકી એકને તેની પાછળ મોકલીને તેણી શું કરી રહી છે એના વિશે માહિતી મેળવવા કહ્યું હતું.

એક પ્રત્યક્ષદર્શીના કહેવા પ્રમાણે, એ પછી છોકરી ઊંચા અવાજે બોલવા લાગી અને બૂમબરાડા પાડવા લાગી હતી.

એક પ્રત્યક્ષદર્શીએ બીબીસી પર્શિયનને કહ્યું કે તેઓ જ્યારે પ્રાંગણમાં પહોંચ્યા, ત્યારે એ છોકરીએ કપડાં ઉતારવાનું શરૂ કરી દીધું હતું.

પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે, એ યુવતી અને ગાર્ડની વચ્ચે "કોઈ ઝગડો નહોતો થયો."

આ પ્રત્યક્ષદર્શીઓ છોકરીના ક્લાસમાં અચાનક પ્રવેશ તથા એ પછી શું થયું તેના વિશે જ જાણતા હતા, એ પહેલાં શું બન્યું, એ બાબતે તેઓ વાકેફ ન હતા.

આ છોકરી ઇમારતમાંથી બહાર નીકળી અને કપડાં ઉતારવા લાગી, એ પહેલાં શું બન્યું, એ પ્રત્યદર્શીઓએ જોયું ન હતું.

નજરે જોનારાઓના કહેવા પ્રમાણે, આ યુવતીએ બિલ્ડિંગની અંદર રહેલી વિદ્યાર્થિનીઓને કહ્યું હતું, "હું તમને બચાવવા આવી છું."

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર એક યૂઝરે તેની પોસ્ટમાં લખ્યું કે છોકરીએ કહ્યું, "હું તમને બચાવવા આવી છું." પ્રૉફાઇલનાં આધારે આ યૂઝર યુનિવર્સિટીની વિદ્યાર્થિની હોય એમ જણાય છે.

યુનિવર્સિટી અને મીડિયાની પ્રતિક્રિયા

યુનિવર્સિટી અને મીડિયાની પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ યુવતી વિશે પર સોશિયલ મીડિયામાં અલગ-અલગ દાવાઓ થઈ રહ્યા છે

ઇસ્લામિક આઝાદ યુનિવર્સિટીના જનસંપર્ક વિભાગના ડાયરેક્ટર અમીર મહઝોબે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપરની પોસ્ટમાં યુવતી યુનિવર્સિટીની વિદ્યાર્થિની હોવાનું જણાવ્યું છે, સાથે જ દાવો કર્યો છે કે સુરક્ષાકર્મીઓ સાથે કોઈપણ પ્રકારની બોલાચાલી નહોતી થઈ.

તેમના જણાવ્યા પ્રમાણે, "તપાસમાં માલૂમ પડ્યું છે કે છોકરીએ તેમની માનસિક અવસ્થાને કારણે પોતાનાં સહપાઠીઓ અને પ્રાધ્યાપકોનો વીડિયો ઉતારવાનું ચાલુ કર્યું હતું એટલે તેને ટોકવામાં આવી હતી."

"સહપાઠીઓ અને સુરક્ષાકર્મીઓની ચેતવણી પછી એ દોડતી-દોડતી પરિસરમાં પહોંચી ગઈ હતી અને આ બધું કર્યું હતું."

આઈએસએનએ સહિતના ઈરાની મીડિયાના રિપૉર્ટ પ્રમાણે, આ "છોકરી"એ સાથે ભણનારાંઓનો વીડિયો લેવાનું શરૂ કર્યું હતું. જે બદલ તેનો વિરોધ કરવામાં આવ્યો હતો તથા આ પ્રતિરોધના જવાબસ્વરૂપે તેણે પોતાનાં કપડાં ઉતારી નાખ્યાં હતાં.

યુનિવર્સિટીને ટાંકતા મીડિયામાં પ્રકાશિત રિપૉર્ટ્સ પ્રમાણે, "આ વિદ્યાર્થિની ગંભીર માનસિક દબાણ તથા માનસિક બીમારીથી ગ્રસ્ત છે તથા એને મેડિકલ સેન્ટરમાં મોકલી દેવામાં આવી છે."

વિદ્યાર્થિનીને તત્કાળ છોડી મૂકવા માંગ

ઈરાન, યુવતી, નગ્ન થઈને કર્યો વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થા ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલે આ છોકરીની ધરપકડ વિશે ઍક્સ પર પ્રતિક્રિયા આપતા લખ્યું, "તા. બીજી નવેમ્બરે વિદ્યાર્થિનીને હિંસક રીતે પકડી લેવામાં આવી હતી. ઈરાની અધિકારીઓએ તેને તત્કાળ અને વિના શરતે મુક્ત કરવી જોઈએ. ઇસ્લામિક આઝાદ યુનિવર્સિટીના સુરક્ષાકર્મીએ તેને બળજબરીપૂર્વક હિજાબ પહેરાવાનો પ્રયાસ કર્યો અને દુર્વ્યવહાર કર્યો હતો. જેના વિરોધમાં તેણે પોતાનાં કપડાં ઉતારી નાખ્યાં હતાં."

ઍમ્નેસ્ટી ઈરાને ઍક્સ ઉપર લખ્યું, "અધિકારીઓએ આ (બંધનવાસ) દરમિયાન યુવતી સાથે અત્યાચાર કે દુર્વ્યવહાર ન થાય તે જોવું જોઈએ. તેણી પરિવારજનો તથા વકીલને મળી શકે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ. અટકાયતના સમયગાળા દરમિયાન મારઝૂડ અને જાતીયહિંસા સંબંધિત આરોપોની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ."

માઈ સાતો ઈરાન માટેની સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદના દૂત છે. તેમણે એક ટ્વિટમાં લખ્યું, "હું આ ઘટના તથા તેના ઉપર અધિકારીઓની પ્રતિક્રિયા પર બારીક નજર રાખીશ."

હિજાબના વિરોધમાં વસ્ત્રત્યાગ?


હિજાબના વિરોધમાં વસ્ત્રત્યાગ?

ઇમેજ સ્રોત, Getty Images

આ યુવતીએ જે કંઈ કર્યું, તેના વિશે અલગ-અલગ વાતો બહાર આવી રહી છે. આ દાવાઓમાંથી સાચું શું છે એ સૌથી મોટા કારણ વિશે કોઈ નથી જાણતું.

જોકે, સોશિયલ મીડિયા યૂઝર્સે ઉપલબ્ધ માહિતીના આધારે આ યુવતી વિશે વાત કરવાનું શરૂ કરી દીધું છે.

અનેક યૂઝર્સના મતે હિજાબને અનિવાર્ય કરવાના નિર્ણયનો વિરોધ કરવા માટે છોકરીએ આ પગલું લીધું હતું. તેઓ હિજાબ માટે યુનિવર્સિટીના સુરક્ષાકર્મીઓના કડક વલણ સામે યુવતીએ આ પગલું લીધું હોવાનું માને છે.

આવો દાવો કરનારાઓમાં મરિયમ કિયાનાર્થી પણ સામેલ છે, જેઓ વકીલ છે. તેમણે લખ્યું, "હ્યુમાનિટીઝની વિદ્યાર્થિનીએ વિદ્રોહ કર્યો છે. જે હિજાબ પહેરવા માટે વિદ્યાર્થિનીઓ ઉપર કડક અને અયોગ્ય દબાણ થતું હોવાનું દ્યોતક છે."

કેટલાક યૂઝર્સનું માનવું છે કે હિજાબ પહેરવા માટેના દબાણ અને સુરક્ષાકર્મીઓના આચરણની સામે વિદ્યાર્થિનીએ કપડાં ઉતાર્યાં હતાં. તેઓ છોકરીનાં આ પગલાંને 'સાહસિક' ગણાવે છે.

કેટલાક લોકોનું કહેવું છે કે છોકરીએ માત્ર ગભરાટ અને દબાણ હેઠળ આમ કર્યું હતું, તે આયોજનપૂર્વક વિરોધનું પ્રદર્શન ન હતું.

ઈરાનની સરકારના અનેક સમર્થક તથા "મહિલા, જીવન સ્વતંત્રતા" આંદોલનના વિરોધીઓનું કહેવું છે કે સમગ્ર ઘટનાક્રમ તેમના દાવાની પુષ્ટિ કરે છે, જેમાં તેઓ કહેતા હતા કે "આ આંદોલનના પ્રદર્શનકારીઓ નગ્ન થવા માગતાં હતાં."

કેટલાક યૂઝર્સના કહેવા પ્રમાણે, તેઓ આ છોકરી વિશે માહિતી મેળવી રહ્યાં છે, જેથી કરીને તેના વિશે માહિતી આપીને સોશિયલ મીડિયા ઉપર તેનાં માટે સમર્થન ઊભું કરી શકાય.

આવા લોકોનું માનવું છે કે ગુમનામ હોવાને કારણે વિરોધ કરનાઓ વિશેના સમાચાર આવતા બંધ થઈ જાય છે, જે છેવટે હાનિકારક સાબિત થાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.