વહાલનો વડલો ધીરુબહેન : તેજસ્વી સિતારો ખરે છે ત્યારે પણ આકાશને ઝળહળ કરે છે

ઇમેજ સ્રોત, VARSHA ADALAJA
- લેેખક, વર્ષા અડાલજા
- પદ, નવલકથાકાર, વાર્તાકાર, બીબીસી ગુજરાતી માટે
53-54 વર્ષના દીર્ઘ સમયપટ પર પથરાયેલો એક સ્નેહસંબંધ. એના પટારામાં કેવાં મધુર સંભારણાંનો ખજાનો અંતરે ભર્યો હોય! મૃત્યુ અંતિમ સત્ય ભલે હોય પણ સ્મૃતિઓની ફિંગરપ્રિન્ટ્સ કદી ભૂંસાતી નથી. તમારા હૃદયમાં એ સ્મૃતિઓની અમીટ છાપ એ તમારા જીવનની સંચિત મૂડી.
ધીરુબહેન એવી વિરલ વ્યક્તિ હતાં, જેમની પાછળ હંમેશાં એક અદૃશ્ય આભા રહેતી. સાચા અર્થમાં ગાંધીજીના ખોળામાં રમેલાં અને માતા ગંગાબહેને ફ્રીડમ મૂવમેન્ટમાં જેલવાસ ભોગવ્યો છે અને કસ્તૂરબાની નિકટ પણ રહ્યાં છે. એ લોહીગત વારસો એમણે આજના કલુષિત વાતાવરણમાં પણ સાચવ્યો. જીદ્દી લાગે પણ પોતાની કેડી પોતે જ કંડારીને એ રસ્તે ચાલવું, જીવનભર. બાંધછોડ કર્યા વિના, એ બહુ મોટી વાત છે.
મેં સમય પસાર કરવા ફૅશન વિશેની કૉલમ લખવાનું શરૂ કર્યું હતું. થોડી સામાન્ય નવલિકાઓ. એથીય સામાન્ય એકાદ નવલકથા. મારી આટલી પૂંજી. જન્મભૂમિ ગ્રૂપે ‘સુધા’ મહિલા સાપ્તાહિક શરૂ કર્યું. વેણીભાઈ પુરોહિત તંત્રી. વેણીભાઈએ મારી પાસે ‘દીદીની ડાયરી’ કૉલમ મારા સોશિયોલૉજીના વિષયને ધ્યાનમાં રાખીને લખાવી હતી.
પછી ધીરુબહેન તંત્રીપદે આવ્યાં અને બહેનોને લખવા-વાંચવાનો એક યજ્ઞ આરંભ્યો. જાણીતી-અજાણી હાઉસવાઈવ્ઝ બધીને બોલાવે. લખવાનો આગ્રહ કરે, દોરવણી આપે, કોઈ લખે, કોઈ ફસકી જાય. પથ્થરોમાંથી મૂર્તિ ઘડવાનું અઘરું કામ અને એ કામની હું પળેપળની સાક્ષી છું. હું નાનકડી દીકરીઓને સૂવડાવીને બપોરે હોંશભેર દોડી જાઉં અને “બોલો મેરે આક્કા”ની અદામાં સામે ઊભી રહું. (જન્મભૂમિ ભવન મારા ઘરેથી સાવ નજીક)
મને રીતસરનો આદેશ આપે, જા ફલાણાનો ઇન્ટરવ્યૂ લઈ આવ. હવે ઇન્ટરવ્યૂ કઈ બલા છે તેની કોને ખબર, પણ હું તો ઊપડું (જીવ ચપટીમાં ઘરે દીકરીઓ પાસે), આમતેમ પૂછું, માંડ લખું અને બે દિવસમાં ઑફિસમાં એમની સામે. એક દિવસ અઘરું એસાઇનમેન્ટ આપ્યું: માહિમની ખાડીમાં જૈમિની સરકસની અંગકસરત કરતી મહિલાઓને મળી લાંબો લેખ કરી આપ.
હું તો ઊપડી. ઉનાળાનો ધખધખતો તાપ, મેં પહેરેલી સાડી અને ખાડીનો કિચડ. ટેક્સીવાળાએ મને અડધે છોડી દીધેલી. છોકરીઓએ પ્રેમથી જમવા બેસાડી અને મારા કોળિયામાં ફિશ કરી છે એ સાંભળતાં જે ઊલટી થઈ! કાદવ, ઊલટીથી ત્રસ્ત ઘરે પહોંચી અને અડધી રાત્રે લેખ લખીને ઊંઘી ગઈ. ફિશકરી અને તકલીફોની વાત કરી ત્યારે ખૂબ હસ્યાં. મને કહે કે એ બધું ભૂલી જવાનું. લેખ સરસ છે એ જ મહત્ત્વનું. કશા ઉપદેશ વિના સર્જનના, જીવન ઘડતરના પણ પાઠ હું શીખી. મનની મસૃણ માટીમાં એ અમીટ છાપ છોડી ગયાં છે.

‘લેખિની’ની સફર

ઇમેજ સ્રોત, VARSHA ADALAJA
કોઈ વાર મિલિટરી જેવો આદેશઃ હાસ્યલેખ લખ. ન કેમ લખાય? ‘સુધા’માં જાતજાતની સ્પર્ધા રાખે. નવલિકા સ્પર્ધામાં મેં નવલિકાના નામે લેખ જ લખી નાખ્યો હતો. એમણે સામેથી બોલાવીને નવલિકા એટલે શું તેનું રીતસર ભાષણ આપેલું. ત્યારે મને સાહિત્ય વિશે કશી ખબર નહી! સિત્તેરના દાયકામાં સાહિત્યનાં સ્વરૂપોનાં વર્કશૉપ, પરિસંવાદો, જાતજાતનાં લેખન-પત્રકારત્વના કોર્સ, બધાને નામે મીંડુ. એટલે ‘સુધા’ મારી-અન્યોની પાઠશાળા બની રહ્યું.
ફરી વાર આદેશ છૂટ્યોઃ એક સાત-આઠ પ્રકરણની નવલકથા લાઘવથી લખેલી. પૂરી કથા લખી લાવ. એકદમ અઘરું એસાઈનમેન્ટ. આ તો પડકાર જ, અને પડકાર મને પસંદ છે. તરત જ ઘરે પહોંચી. અલગ વિષયવસ્તુ, કશું ચીલાચાલુ નહીં, એવો ગર્ભિત ઈશારો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કદાચ એ પડકાર જ મારા સર્જનની દિશાનું પ્રથમ પગલું હશે. હું તરત લખવા બેસી ગઈ અને આઠ દિવસમાં આઠ પ્રકરણની નવલકથા લખી. નામ પાડતાં ન આવડે. એમણે એક પાનું મેટરનું ફેરવ્યું અને શીર્ષક લખ્યું: ‘મારે પણ એક ઘર હોય’. જાણે કૃતિની કિસ્મત લખતાં હોય એમ એ નવલકથા ખૂબ પોંખાઈ. એના અનેકાનેક અવતારો થયા. પરિષદનું (જીવનનું પહેલું) ઈનામ મળ્યું અને ઉમાશંકર જોશીએ ખાસ આશીર્વાદ આપ્યા. રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ સહુ સાથે નિકટનો સંબંધ બંધાયો. પરિષદમાં ઈનામ લેવા જતાં સંલગ્ન થઈ, પરિષદ સાથે અને પ્રમુખપદ સુધી પહોંચી.
મારા જીવનની સફરનું એ પ્રથમ સોપાન - ‘મારે પણ એક ઘર હોય’. નિર્જીવ વસ્તુઓની પણ એક કુંડળી હોય છે. ધીરુબહેન અને કુંદનિકાબહેને મારા કહ્યા વિના, પોતાની મેળે જ પુસ્તકની ભાવનાસભર પ્રસ્તાવના લખી હતી. પુસ્તકની કુંડળીમાં ગ્રહોની એ શુભદૃષ્ટિ જ ને!
એ દરમિયાન એમના મનમાં વિચાર ઘોળાતો રહ્યો હતો. બહેનો લેખનમાં રસ લે. કાચુંપાકું, લખતાં ઘડાતી જાય, લખતી થાય એવું એક ખાસ પ્લૅટફૉર્મ હોવું જોઈએ. ઉષાબહેન મહેતા મુંબઈ યુનિવર્સિટીમાં ફ્લેટમાં રહેતાં હતાં. ઉષાબહેનને ત્યાં ધીરુબહેન, હું, ઈલા અને બીજી બે-ત્રણ બહેનો અવારનવાર મળતાં. ચાય પે ચર્ચા કરતાં ‘લેખિની’ સંસ્થા સ્થાપવાનો નિર્ણય લેવાયો. બહેનોની સંસ્થા બહેનો જ ચલાવે. દર મહિને મિટિંગમાં કંઈ ને કંઈ વિષય આપે એમ લખીને આવવાનું.
“બીજમાં વૃક્ષ તું”ની જેમ આજે લેખિની સંસ્થાએ કાઠું કાઢ્યું છે. બહેનો લખતી થઈ, આપમેળે ઘડાતી ગઈ. હવે તો અનેક સાહિત્ય સ્પર્ધાઓમાં પારિતોષિકો પણ અંકે કરતી થઈ છે. નાટક લખતી-ભજવતી થઈ છે. એનાથી આ બહેનોમાં ગજબનું બૉન્ડિંગ થયું. એમના વૉટ્સઍપ ગ્રૂપ પર સાહિત્યના સમાચારો, પુસ્તકોની માહિતી મૂકે. નવું-નવું વાંચે. બહેનો કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી.
લેખિની પાછળનો ધીરુબહેનનો મૂળભૂત આશય એવો કે બધા જ લખી શકે એ જરૂરી નથી, પણ રોજના જીવનથી ઉપર ઊઠીને બહેનો આત્મવિશ્વાસ કેળવે, નવું-નવું વાંચે, એકમેકને મદદરૂપ થાય. આજે વર્ષઓની મહેનત અને નિષ્ઠાથી આ સંસ્થાએ કાઠું કાઢ્યું છે. એના મૂળમાં આ એક નાનકડું બીજ.

સાગરપેટા ધીરુબહેન

ઇમેજ સ્રોત, VARSHA ADALAJA
મુંબઈથી અમદાવાદ ગયાં તો ત્યાંય વિશ્વકોષ સંસ્થામાં કાર્યરત. ત્યાં પણ બહેનોની સંસ્થા બનાવી. જુદા-જુદા લોકોને કામની સોંપણી કરી પ્રોજેક્ટમાં કરી છે. ખર્ચ તો એ જ કરે. લેખિનીની બહેનોને લોનાવાલા મોકલે. ખેવના (દેસાઈ)ને કામ સોંપે. બધાએ લખવાનું, ચર્ચા કરવાની. ત્યાં ઘરમાં બેસીને કેટકેટલી સ્પર્ધાઓ કરાવે. ઈનામ એમના ખિસ્સામાંથી.
ધીરુબહેન સાગરપેટા. એમના અંગત મારા ઘણા અનુભવ છે. એમાથી બે કહું છું તમને. મીનળ દીક્ષિત વકીલ, રેડિયો સ્ટેશન ડિરેક્ટર. એ અને ધીરુબહેન નિકટનાં મિત્ર. નિકટનાં એટલે કહેવા ખાતર નહીં, એકમેકના અંતરંગ. ત્યારે નવી-નવી પૉપ્યુલર થયેલી ચોકલેટ એકમેકને માટે લઈ આવે. ધીરુબહેનનાં બા ગંગાબહેને સાંતાક્રુઝ સ્ત્રીમંડળની શરૂઆત કરેલી. ધીરુબહેન પણ એમાં કાર્યરત. એક વાર મંડળમાં કામ કરતી એક મહિલાનો પક્ષ લઈ મંડળ-ધીરુબહેન પર મીનળબહેને લીગલ નોટિસ ફટકારી દીધી. સામે બેસીને વાત નહીં, બધું સીધું જ ધીરુબહેન પર ભડકીને નોટિસ.
બધાં સ્તબ્ધ થઈ ગયાં. મીનળબહેન પર આક્રોશ ઠાલવે. એમાં ધીરુબહેનનો કોઈ વાંક નહીં, પણ ઝઘડો, મનદુખ તો શું, મીનળબહેનને એક શબ્દ પણ ન કહ્યો. ઊલટાનું બધું મનમાંથી ભૂંસીને મીનળબહેન માટે અભિનંદનનો સરસ કાર્યક્રમ ગોઠવ્યો હતો. મીનળબહેનની એક નવલકથા અખબારમાં પ્રગટ થવાની હતી. એ કઈ મોટી વાત હતી! પણ મને ફોન કર્યો, લેટ્સ સેલિબ્રેટ. એક હૉલનું ભાડું ભર્યું. મોબાઇલ તો હતા નહીં. સંદેશો ફેલાવી દીધો કે સહુ આવજો. નાસ્તાનો ઑર્ડર કર્યો. મને પ્લેટ-ચમચી લાવવાનું સોંપ્યું. થેલા ઊંચકી હું ટ્રેનમાં એ હૉલ પર પહોંચી. ધીરુબહેન આનંદમૂર્તિની જેમ વચ્ચે અને કેટલીય બહેનો એમને તથા મીનળબહેનને ઘેરી વળી, હેતવર્ષા કરતી હતી. મીનળબહેનને ધીરુબહેને બહુ પ્રેમથી અભિનંદન આપી વધાવ્યાં. હું બાજુમાં ઊભી હતી અને એ દૃશ્યથી મારી આંખ ભીની થઈ ગઈ હતી. એ આજે પણ મને યાદ છે.

શિસ્તપ્રિય અને આગ્રહી

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH
એક અંગત પ્રસંગ આજ સુધી કહ્યો નથી, લખ્યો નથી. મારી અને ધીરુબહેન વચ્ચેની જ એ ઘટના. (કનુભાઈ સૂચક એના એકમાત્ર સાક્ષી)
‘સુધા’ સાપ્તાહિકનાં એ તંત્રી. એમના હાથ નીચે હું ત્યાં ઘડાઈ. થોડાં વર્ષો પછી એ જ જગ્યાએ મારી તંત્રી તરીકે નિમણૂક થઈ. લાંબી વાત છે, જે હું ન કહી શકું, પણ પછી મને પસ્તાવો થાય, જીવ બળે. એમની જગ્યાએ હું! લેખિકા તરીકે હું જાણીતી થઈ હતી, પણ પ્રેસનો, તંત્રીપદાનો કે મૅનેજમૅન્ટ વગેરેનો મને કક્કોય અનુભવ નહીં. હું ખુરશીમાં હતી અને હા પાડી કામ સ્વીકારી લીધું હતું. હવે શું થાય!
પણ મહામના ધીરુબહેન. ‘સુધા’ની ઑફિસે આવ્યાં. મારી સામેની ખુરશીમાં બેઠાં. એવાં જ હસમુખ અને સ્વસ્થ. હું અત્યંત વિચલિત. નજર મેળવવાની મારી હિંમત નહીં. એમણે તરત જ કહ્યું, “કેમ રોજની જેન ફોન નથી કરતી? પોસ્ટકાર્ડમાં બે લીટીય લખી શકાય ને! તને અહીં બેઠેલી જોઈ મને કેટલો આનંદ થાય છે, શું કહું!”
મેં વર્ષો પછી કનુભાઈને કહેલું, એ પ્રસંગ ભૂલી શકી નથી. “મારી વર્ષા” કહેતાં મને. જાણે કે કંઈ બન્યું જ નથી એમ, એવો એમનો વર્તાવ અને મારા પ્રત્યે પ્રેમ, પણ કનુભાઈને એમણે કહેલું કે વર્ષાનો કોઈ વાંક નથી. સાવ નાની ઉંમરમાં આવું મહત્ત્વનું પદ મળે તો હોંશથી સ્વીકારે જ ને!
1985માં શિવકુમાર જોષીએ મને કલકત્તામાં લેખિકાઓની ભાષા પરિષદનું આયોજન સોંપેલું. મેં ધીરુબહેનને આગેવાની આપી અને અમે સાત બહેનો ગીતાંજલિમાં સફર કરતા, આનંદમંગળ કરતા કલકત્તા ગયા હતાં અને ત્રણ દિવસની બધી બેઠકો અમારી લેખિકાઓની. ખૂબ જ આનંદમય, અદભુત કાર્યક્રમ. એ જોવા ખાસ સુનીલ કોઠારી. ચંદ્રવદન ચી. મહેતા આવેલા.
અમે દક્ષિણેશ્વર પરમહંસધામમાં કાલીનાં દર્શને ગયાં. ત્યાં એકાંતમાં એમના ખોળામાં માથું મૂકી માફી માગતાં હું પડી પડી. કશું બોલ્યા વિના મારાં આસું લૂછી, “ગાંડી થઈ ગઈ તું,” એવું બોલતાં મને ગળે વળગાડી.
હા, એ શિસ્તપ્રિય હતાં, આગ્રહી હતાં, લેશમાત્ર કંટાળો કોઈ કામનો નહીં. ક્યારેક જીદ્દી લાગે. એમને કરવું હોય તે કરે, પણ એમનો મોટો ગુણ ક્ષમા, વિશાળ હૃદય, સામાજિક નિસ્બત. સહુને મદદ કરવાની માત્ર ભાવના નહીં, પણ એની સમસ્યા ઉકેલવાના બધા જ પ્રયત્નો નિષ્ઠાપૂર્વક કરે. મારા જીવનની એક સૌથી કપરી ક્ષણમાં મેં ફોન કર્યો અને એમણે તત્કાળ, ઑન ધ સ્પોટ મને એના ઉકેલની દિશા ચીંધી હતી અને આંધીની આરપાર હેમખેમ નીકળી ગઈ હતી. એ દરમિયાન ગમે તેટલાં વ્યસ્ત હોય, મને ફોન કરીને પૂછ્યા કરે, “બધું ઠીક છે? હવે શું?”
આવું બીજા અનેકોનાં જીવનમાં બન્યું છે એ હું જાણું છું. થોડાની હું સાક્ષી છું. એમનો સાંતાક્રુઝનો બંગલો અનેકનું આશ્રયસ્થાન. કેટલાયની અંગત વાતો એમને સાગરપેટા મનમાં સમાઈ જાય.
મનમોજી અને તોરીલા પણ ખરાં. એક વાર અચાનક કહે, “ચાલ, અમદાવાદ જઈએ. ટિકિટો લઈ આપ.” અમને દુરન્તોમાં ઊપડ્યાં અમદાવાદ. કોઈ કાર્યક્રમ નહીં, એજન્ડા નહીં. અમે પાંચ દિવસ માત્ર જલસા કર્યા અને આઈસક્રીમ ખાધો. હું પરિષદ સાથે જોડાયેલી હતી. એ પ્રમુખ થયાં ત્યારે અમે ટ્રેનમાં ઊપડીએ. સૂતાં-સૂતાં વાતો કરતાં, લહેરથી જઈએ. એમના સાથે હોવાનું કોઈ ભારણ નહીં.

અન્યાય સામે અવાજ

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH
મને તેમના તરફથી ભેટો પણ મળી છે. સાંતાક્રૂઝ સ્ત્રીમંડળની સામે રહેતાં. એ મંડળની સ્થાપનામાં ધીરુબહેનનાં બા ગંગાબહેન સહયોગી, પણ ધીરુબહેન આ મારું એવી પઝેશનની કોઈ ભાવના નહીં. કાર્યક્રમો, સ્પર્ધાઓનું આયોજન કરે. સંસ્થાઓ સ્થાપે પછી પોતે બૅકગ્રાઉન્ડમાં અને બધું બીજાને સોંપે.
હું લખતી થઈ, લેખિકાની ઓળખ મળી, પુરસ્કારો મળ્યા, એમની પાછળ-પાછળ હું. એમને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો, પછી મને પણ મળ્યો. બહુ ઓછાને ખબર હશે કે ગુજરાતનો નોબલ પુરસ્કાર ગણાતો રણજિતરામ સુવર્ણચંદ્ર 1928થી 2015 સુધીની તેની લાંબા સફરમાં માત્ર બે લેખિકાને જ મળ્યો હતોઃ એક હીરાબહેન પાઠક અને બીજાં ધીરુબહેન. એમણે ગ્લાસ સિલિંગ તોડી હતી. એ પછી મને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. એમને દર્શક ઍવૉર્ડ મળ્યો, પછી મને. એમના જ હાથે શાલ ઓઢાડીને. એ સાહિત્ય પરિષદનાં પ્રમુખ બન્યાં અને પછી હું.
એમને કદી, સહેજ પણ એવું ન થયું કે મારી સામે ‘સુધા’માં ફૅશનની કૉલમ લખતી છોકરીને મળ્યું એટલું જ નહીં, પણ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પહેલાં મને મળ્યો ત્યારે એમને આનંદ! ત્યારે મુંબઈમાં મારો અભિનંદન કાર્યક્રમ કોઈએ ન કર્યો એનો એમને ખૂબ અફસોસ અને મને મનોમન સંકોચ. ધીરુબહેને મારા માટે તત્કાળ સરસ કાર્યક્રમ કર્યો. જાતે મારું સન્માન પણ કર્યું. સરસ સાડી ભેટ આપી. એમને ‘આગંતુક’ માટે ઍકેડેમી ઍવૉર્ડ મળ્યો ત્યારે સુરેશ દલાલે સરસ, ઝાકઝમાળ કાર્યક્રમ કર્યો હતો, પણ એ તો એવાં જ શાંત, હસમુખ, ખાદીધારી, સ્ટેજ પર.
એમના જીવન અને લેખન માટે આખું પુસ્તક ભરાય. લેખમાં તો નાનકડી અંજલિ.
સાહિત્યનાં અનેક સ્વરૂપોમાં લખ્યું. ધુંઆધાર લખ્યું. મગજમાં લેખનનો પૂરો આલેખ ગોઠવાઈ જાય પછી લખવા બેસે. એકધારું, સતત, અટક્યા વિના લખે. એડિટિંગ બે-ત્રણ ડ્રાફ્ટ કશું જ નહીં. સીધું સડસડાટ લખાય તેનું જ પ્રકાશન થાય. ‘ભવની ભવાઈ’ એક બેઠકે લખેલી. કેતન મહેતાની અદભુત, નેશનલ ઍવૉર્ડ વિજેતા ફિલ્મ. આખી ફિલ્મ, ગીતો બધું જ ધીરુબહેનનું અને કેતન મહેતા, જેમનું કુટુંબ એમનું પોતીકું, તેણે ધીરુબહેનનું નામ જ ભૂંસી નાખ્યું અને ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ક્રેડિટ લીધી. ધીરુબહેને આ ઉઘાડા અન્યાય સામે અવાજ કર્યો. સભા બોલાવી. આખો હૉલ ધીરુબહેનની તરફેણમાં. ધિક્કાર. અમે બે બહેનો પણ એમાં સામેલ. ધીરુબહેને સંયત ભાષામાં એટલું સરસ વક્તવ્ય આપ્યું હતું. ત્યારે ડિજિટલ મીડિયા હોત તો એ ખુમારીભર્યું વક્તવ્ય વગેરે સચવાયું હોત. સામે પોતાના જ લોકો, પણ એમણે ટટ્ટાર ઊભાં રહીને વક્તવ્યમાં લેખકને થતા અન્યાય વિષે વાત કરી હતી. આંખો બંધ કરું છું અને એ દૃશ્ય મને દેખાય છે. મેં પણ મોટાં માથાં સામે, સહુની સલાહ અવગણીને, એકલે હાથે કૉપીરાઇટની લડાઈ લડી. અધિકાર માટે ઑપરેશન પછી કોર્ટના પિંજરામાં ઊભી રહી હતી ત્યારે એ દૃશ્ય મારા મનમાં તાજું થયું હતું.

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH
સમૃદ્ધ ઘરમાં જન્મ, પણ સ્ત્રીસ્વાતંત્ર્ય અને ફ્રીડમ મૂવમેન્ટમાં જોડાયેલાં માતા-પિતાનો વારસો એમણે સુપેરે સાચવ્યો, દીપાવ્યો, સવાયો કર્યો. નાની ઉંમરે રિવાજ મુજબ લગ્ન કરીને આવેલી પત્ની પત્ની ગંગાને પતિ ગોરધનભાઈએ ભણાવી પછી એ અનેક ભાષા શીખ્યા. ફ્રીડમ મૂવમેન્ટમાં જેલવાસ પણ કસ્તૂરબા સાથે ભોગવ્યો.
સાહિત્ય અને અન્યોને લેખનમાં પ્રોત્સાહન, સમૃદ્ધિ છતાં અત્યંત સાદગીપૂર્ણ જીવન, ગાંધીજીની સિદ્ધાંતનિષ્ઠા. રમણ મહર્ષિમાં અખૂટ શ્રદ્ધા. આવાં વિરલ કૉમ્બિનેશનથી ધીરુબહેનનું જીવન અભરે ભર્યું હતું. આમાંથી એકાદ સિદ્ધિ માટે અન્યોને એક આયખું ટૂંકું પડે, પણ ધીરુબહેન અષ્ટભૂજા મહિલા. તે પણ ટેક્નોલૉજીની સહાય વિના. પાસપૉર્ટ જ ન કઢાવ્યો કે પરદેશનાં આગ્રહભર્યાં આમંત્રણો માટે ના પાડવાની માથાકૂટ જ ન કરવી પડે. બાકી કુટુંબના કેટલાંય સંતાનો પરદેશ વસે. વર્ષો સુધી અંગ્રેજી સાહિત્યનું અધ્યાપન, કીચન પોએટ્રી જેવી નારીલક્ષી અદભુત અંગ્રેજી કવિતાઓ... એમણે શું-શું કર્યું એની યાદી પણ આપણે ન કરી શકીએ.
એક તેજસ્વી સિતારો ખરે છે, ત્યારે પણ તેજનો લાંબો લિસોટો ખેંચતો આકાશને ઝળહળ કરે છે. ધીરુબહેનની વિદાય પછી એમનું સર્જન એની શાખ પૂરે છે.
આપણે ત્યાં જતા લોકોને “આવજો” કહીએ છીએ, “ફરી મળીશું” એ અર્થમાં. અંગ્રેજીમાં “બાયબાય.” ધીરુબહેન, તમને અલવિદા નહીં, પણ “આવજો” કહું છું. વર્તુળાકાર જીવનમાં ક્યાંક તો ફરી મળીશું ને.














