કિડની વેપાર: મ્યાનમારના લોકો પોતાનાં અંગોને ગેરકાયદેસર વેચવા ભારત કેમ આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બીબીસી બર્મીઝ સેવા
- પદ, મ્યાનમારથી
મ્યાનમારમાં ખેતમજૂર તરીકે કામ કરતા ઝેયા (ઓળખ છુપાવવા નામ બદલ્યું છે) જણાવે છે, "મારે બસ ઘર ખરીદવું હતું અને દેવું ચૂકવવા માગતો હતો, આથી મેં મારી કિડની વેચી દેવાનું નક્કી કર્યું."
2021માં સૈન્યના બળવાને કારણે મોંઘવારીએ માઝા મૂકી હતી. ઝેયા જેમ-તેમ કરીને કુટુંબના બે છેડા ભેગા કરતો હતો. વળી, તેના માથે સારું એવું દેવું પણ ચઢી ગયું હતું.
મ્યાનમારના સૌથી મોટા શહેર યેન્ગોનથી અમુક કલાકોના અંતરે કાચા રસ્તાની કિનારે આવેલા ગામમાં ઝેયાનું આખું કુટુંબ તેમની સાસુના ઘરમાં રહેતું હતું.
ઝેયા કેટલાક એવા સ્થાનિકોને જાણતા હતા, જેમણે તેમની એક કિડની વેચી દીધી હતી. ઝેયાએ કહ્યું, "એ લોકો સ્વસ્થ જણાતા હતા. આથી, મેં થોડી તપાસ શરૂ કરી."
ઝેયા સહિત આ પ્રદેશની આઠ વ્યક્તિઓએ બીબીસી બર્મિઝ સમક્ષ કબૂલ્યું હતું કે તેમણે ભારત આવીને તેમની કિડની વેચી દીધી હતી.
ગેરકાયદે અંગ વ્યાપાર સમગ્ર એશિયામાં પ્રવર્તતું દૂષણ છે અને ઝેયાએ કરેલું વર્ણન આવો વેપાર કેવી રીતે થાય છે તેનો ચિતાર આપે છે.
કિડનીના દાતા અને કિડની મેળવનારે ભારત જવાનું હોય છે

મ્યાનમાર અને ભારત, બંને દેશોમાં માનવઅંગોનું ખરીદ-વેચાણ ગેરકાયદે છે, પણ ઝેયા કહે છે કે ટૂંક સમયમાં તેને એક વ્યક્તિ મળી હતી, જેણે સ્વયંની ઓળખ "દલાલ" તરીકે આપી હતી.
ઝેયાના જણાવ્યા પ્રમાણે, એ વ્યક્તિએ ઝેયાની મેડિકલ તપાસની વ્યવસ્થા કરી અને થોડાં સપ્તાહો બાદ તેણે ઝેયાને જણાવ્યું કે, એક સંભવિત રિસિપિયન્ટ (મેળવનાર) બર્મીઝ મહિલા મળી ગઈ છે અને તે બંનેએ સારવાર માટે ભારત જવાનું થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતમાં, જો ડોનર (દાતા) અને રિસિપિયન્ટ, બંને નિકટના સબંધી ન હોય, તો તેમણે તેમની વચ્ચેના સબંધની સ્પષ્ટતા કરવી પડે છે અને સાથે જ એ પણ દર્શાવવાનું રહે છે કે, તેમનો આશય પરોપકારથી પ્રેરિત છે.
ઝેયાના જણાવ્યા પ્રમાણે, બ્રોકરે મ્યાનમારના દરેક ઘર માટે અનિવાર્ય એવો નકલી દસ્તાવેજ તૈયાર કર્યો. તેમાં પરિવારના સભ્યોની વિગતો આપવમાં આવી હતી.
બ્રોકરે પ્રાપ્તકર્તાના ફૅમિલી ટ્રીમાં (વંશવૃક્ષ) ઝેયાનું નામ સામેલ કરી દીધું.
ઝેયાના જણાવ્યા પ્રમાણે, બ્રોકરે એવું ચિત્ર ઉપસાવ્યું કે, ઝેયા એવી વ્યક્તિને કિડનીનું દાન કરી રહ્યા છે, જે લગ્ન થકી તેમના સબંધી થાય છે. એવું રજૂ કરવામાં આવ્યું કે પ્રાપ્તકર્તા તેઓ ઝેયા તેમની સાથે લોહીનો સબંધ નહોતા ધરાવતા, પરંતુ તેઓ રિસિપિયન્ટના દૂરના સબંધી છે.
પછી ઝેયાએ કહ્યું કે, "બ્રોકર તેમને યેન્ગોનમાં રિસિપિયન્ટને મળવા માટે લઈ ગયો. ત્યાં ડૉક્ટર તરીકેની ઓળખ આપનારી વ્યક્તિએ પેપરવર્ક પૂરૂં કર્યું અને ઝેયાને ચેતવણી આપી કે, જો તેઓ તેમના નિર્ણયથી ફરી જશે, તો તેમણે ધરખમ ફી ચૂકવવી પડશે."
એ પછી બીબીસીએ આ વ્યક્તિનો સંપર્ક કર્યો, "જેમણે કહ્યું કે, તેનું કામ દર્દી પ્રક્રિયામાંથી પસાર થવા માટે પૂરતી તંદુરસ્ત છે કે કેમ એ તપાસવા પૂરતું હતું, નહીં કે દર્દી અને રિસિપિયન્ટ વચ્ચેનો સબંધ તપાસવાનું.
ઝેયાને જણાવવામાં આવ્યું કે તેમને 7.5 મિલિયન મ્યાનમાર ક્યાત (તાજેતરનાં વર્ષોમાં તેનું મૂલ્ય 1,700થી 2,700 ડૉલરની વચ્ચે થાય છે) મળશે. તખતાપલટા બાદથી બિનસત્તાવાર ઍક્સ્ચેન્જ રેટમાં સતત વધઘટ થયા રાખે છે.
ઝેયાએ જણાવ્યું કે, તેઓ ઑપરેશન માટે ઉત્તર ભારતમાં આવ્યા હતા અને એક મોટી હૉસ્પિટલમાં આ ઑપરેશન કરવામાં આવ્યું.
ભારતમાં વિદેશી નાગરિકોને લગતાં તમામ ટ્રાન્સપ્લાન્ટ્સને કાં તો સ્થાનિક સરકાર અથવા તો હૉસ્પિટલ દ્વારા રચવામાં આવેલી સમિતિનું ઑથૉરાઇઝેશન મળવું જરૂરી છે.
ઝેયાએ જણાવ્યા મુજબ, આશરે ચાર વ્યક્તિઓએ એક દુભાષિયા મારફતે તેમની પૂછપરછ કરી હતી.
ઝેયા કહે છે, "તેમણે મને પૂછ્યું કે, શું હું તે મહિલાને સ્વેચ્છાપૂર્વક કિડનીનું દાન કરી રહ્યો છું કે કેમ. મેં તેમને કહ્યું કે, રિસિપિયન્ટ મારી સબંધી હતી અને આખરે ટ્રાન્સપ્લાન્ટને મંજૂરી મળી ગઈ. મને યાદ છે કે, ડૉક્ટરોએ એનેસ્થેશિયા આપતાં હું બેભાન થઈ ગયો હતો. સર્જરી પછી એવી કોઈ મોટી સમસ્યા સર્જાઈ નહોતી, પણ હા, હલનચલન વખતે મને દર્દ થતું હતું. એ પછી એક સપ્તાહ સુધી મને હૉસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો."
ભારતમાં કિડની ટ્રાન્સપ્લાસન્ટ માટે મંજૂરી મેળવવા કેવી યુક્તિઓ કામે લગાડાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
અન્ય એક ડોનર મ્યો વિન (નામ બદલ્યું છે)એ બીબીસીને જણાવ્યું કે, તેમણે પણ એક અજાણી વ્યક્તિની સબંધી હોવાનો ડોળ કર્યો હતો.
મ્યો વિન જણાવે છે, "દલાલે મને કાગળનો ટુકડો આપ્યો અને તેના પરનું લખાણ મારે યાદ રાખવાનું હતું. મારે જણાવવાનું હતું કે રિસિપિયન્ટનાં મારા એક સબંધી સાથે લગ્ન થયાં હતાં."
તેઓ આગળ કહે છે, "મારા કેસની ખરાઈ કરી રહેલી વ્યક્તિએ મારી માતાને પણ ફોન કર્યો, પણ બ્રોકરે કૉલ માટે નકલી માની ગોઠવણ કરી રાખી હતી. મારી માના સ્વાંગમાં કૉલનો જવાબ આપનારી વ્યક્તિએ પુષ્ટિ કરી કે હું માતાની પરવાનગીથી એક સબંધીને કિડની આપી રહ્યો છું."
મ્યો વિને જણાવ્યા પ્રમાણે, તેમને ઝેયા જેટલી જ રકમ ઑફર કરવામાં આવી હતી, પણ તેને "ધર્માદાની રકમ" ગણાવવામાં આવી હતી અને તેમણે દલાલને કુલ રકમમાંથી દસ ટકા રકમ આપવી પડી હતી.
ઝેયા અને મ્યો વિને કહ્યું હતું કે, તેમને એક તૃતિયાંશ રકમ પહેલાં જ આપી દેવાઈ હતી. મ્યો વિન સર્જરી સમયની તેમની મનઃસ્થિતિ જણાવતાં કહે છે, "ઑપરેશન થિયેટરમાં પ્રવેશ કરતી વખતે મેં મારા દિમાગમાં ઠસાવી દીધું હતું કે મારે આ કરવું જ પડશે, કારણ કે હું પૈસા લઈ ચૂક્યો છું. મેં આ ભયાનક માર્ગ પસંદ કર્યો, કારણ કે મારા માથે દેવું થઈ ગયું હતું અને મારે પત્નીની સારવારનાં બિલો પણ ચૂકવવાનાં હતાં."
ઉલ્લેખનીય છે કે, તખતાપલટ બાદ મ્યાનમારમાં બેકારી દર ઘણો વધી ગયો છે. યુદ્ધને કારણે અર્થતંત્ર પડી ભાંગ્યું છે અને વિદેશી રોકાણકારોએ મોં ફેરવી લીધું છે. યુએનની વિકાસ એજન્સી યુએનડીપીના જણાવ્યા પ્રમાણે, 2017માં એક ચતુર્થાંશ વસ્તી ગરીબ હતી, પરંતુ 2023 સુધીમાં દેશની ગરીબીમાં રહેતી વસ્તીની સંખ્યા વધીને અડધોઅડધ થઈ ગઈ છે.
મ્યો વિન કહે છે, "દલાલે મને જણાવ્યું નહોતું કે કિડની વેચવી ગેરકાયદેસર છે. જો તેણે કહ્યું હોત, તો મેં કિડની ન વેચી હોત. મને બીક છે કે મારે ક્યાંક જેલમાં ન જવું પડે."
મુલાકાત આપનારા લોકોની ગોપનીયતા અને સુરક્ષા ખાતર બીબીસીએ તેમાં સામેલ કોઈ પણ વ્યક્તિ કે સંગઠનનું નામ પ્રકાશિત કર્યું નથી.
મ્યાનમારની અન્ય એક વ્યક્તિએ પણ નામ ન જણાવવાની શરતે બીબીસીને કહ્યું કે, તેમણે ભારતમાં સર્જરી દ્વારા આશરે દસ લોકોને કિડની ખરીદવા-વેચવામાં મદદ કરી છે.
આ વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેમણે તે લોકોને મધ્ય મ્યાનમારના માંડલેમાં એક એજન્સી પાસે મોકલ્યા હતા અને એજન્સીએ તમામ ગોઠવણ કરી આપી હતી.
તેમણે જણાવ્યા અનુસાર, "પણ દાતાઓની ચિંતા ન કરો. અમારી પાસે એવા દાતાઓની યાદી છે, જેઓ કિડની દાન કરવા માટે લાઇન લગાવીને ઊભા છે."
તેમણે પણ કહ્યું કે, અજાણ્યા લોકોને લગ્ન થકી સબંધી હોવાનું દર્શાવતા નકલી દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા. આ કામ બદલ તેમને પૈસા મળતા હતા કે કેમ, તેવો સવાલ પુછાતાં તેમણે મૌન સેવી લીધું હતું.
ભારતમાં કિડની રૅકેટમાં સંડોવાયેલા સાતની ધરપકડ

ઇમેજ સ્રોત, Getty Images
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબલ્યૂએચઓ) પ્રમાણે, વિશ્વભરમાં 2010 પછી અંગ પ્રત્યારોપણ (ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ)માં 50 ટકા વધારો જોવા મળ્યો છે અને દર વર્ષે આશરે 1,50,000 ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થાય છે. પરંતુ એજન્સી મુજબ, અંગોની સપ્લાય માત્ર દસ ટકા વૈશ્વિક આવશ્યકતાને સંતોષે છે.
માનવઅંગોનો વેપાર લગભગ તમામ દેશોમાં ગેરકાયદે છે અને તેના કદનું અનુમાન કરવું મુશ્કેલ છે. 2007માં ડબ્લ્યૂએચઓના અંદાજ પ્રમાણે, ટ્રાન્સપ્લાન્ટ કરાયેલાં પાંચથી દસ ટકા અંગો કાળા બજારમાંથી આવે છે, પરંતુ આ આંકડો ઊંચો પણ હોઈ શકે છે.
તાજેતરનાં વર્ષોમાં નેપાળ, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, અફઘાનિસ્તાન, ભારત અને બાંગ્લાદેશ સહિત સમગ્ર એશિયામાં ગરીબીના કારણે કિડનીનું ગેરકાયદે વેચાણ થતું હોવાના કિસ્સા સામે આવ્યા છે.
ભારત લાંબા સમયથી મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર રહ્યું છે અને મીડીયા રિપોર્ટ્સ અને તાજેતરની પોલીસ તપાસને પગલે અહીં કિડનીના વેચાણ મામલે ચિંતા વધી રહી છે.
ગત જુલાઈમાં ભારતીય પોલીસે કિડની રૅકેટમાં સંડોવાયેલા સાત લોકોની ધરપકડ કરી હતી, જેમાં એક ભારતીય ડૉક્ટર અને તેમનાં આસિસ્ટન્ટનો પણ સમાવેશ થતો હતો.
પોલીસે આરોપ લગાવ્યો હતો કે, આ ટુકડીએ ગરીબ બાંગ્લાદેશી નાગરિકોને તેમની કિડની વેચવા માટે તૈયાર કર્યા હતા અને ટ્રાન્સપ્લાન્ટ માટે મંજૂરી મેળવવા બનાવટી દસ્તાવેજો તૈયાર કરાવ્યા હતા.
દિલ્હીની પ્રસિદ્ધ ઇન્દ્રપ્રસ્થ અપોલો હૉસ્પિટલમાં કામ કરી ચૂકેલાં ડૉક્ટર વિજયા રાજકુમારી પર થોડે દૂર આવેલી યથાર્થ નામની હૉસ્પિટલમાં વિઝિટિંગ કન્સલ્ટન્ટ તરીકે આ ઑપરેશનો કર્યાં હોવાનો આરોપ છે.
તેમના વકીલે ડૉક્ટર વિજયા સામેના આરોપોને પાયાવિહોણા અને પુરાવા વિનાના ગણાવતાં બીબીસીને જણાવ્યું હતું કે, "ડૉક્ટરે માત્ર ઑથૉરાઇઝેશન કમિટિ દ્વારા મંજૂરીપ્રાપ્ત ઑપરેશનો જ કર્યાં હતાં અને હંમેશાં કાયદાનું પાલન કર્યું હતું. ડૉક્ટર વિજયાના જામીન આદેશ પ્રમાણે, તેમના પર ખોટા દસ્તાવેજો તૈયાર કરવાનો આરોપ નથી."
યથાર્થ હૉસ્પિટલે બીબીસીને જણાવ્યું હતું કે, "વિઝિટિંગ કન્સલ્ટન્ટ્સ દ્વારા સંભાળવામાં આવ્યા હોય, તે સહિતના તેના તમામ કેસો કાયદેસર અને નૈતિક માપદંડોનું અનુપાલન સુનિશ્ચિત કરવા માટે તેમના મજબૂત પ્રોટોકોલ્સને આધીન છે."
હૉસ્પિટલે જણાવ્યું હતું, "ભવિષ્યમાં આવી ઘટના ન બને, તે માટે અમે અમારી પ્રક્રિયાઓને વધુ ચુસ્ત બનાવી દીધી છે."
ડૉક્ટર વિજયાની ધરપકડ બાદ અપોલો હોસ્પિટલ્સે જણાવ્યું હતું કે, ડૉક્ટર વિજયા રાજકુમારી ફ્રીલાન્સ કન્સલ્ટન્ટ હતાં અને તે ફી-ફૉર-સર્વિસના ધોરણે કામ કરતાં હતાં અને કંપનીએ તેમની સાથેની તમામ કામગીરી બંધ કરી દીધી છે.
કોર્ટમાં ડૉક્ટર રાજકુમારી સામે આરોપ ઘડવામાં આવ્યો નથી.
ભારતીય કાયદા હેઠળ અંગદાન કરનાર કે રિસિપિયન્ટ વિદેશી નાગરિક પાસે તેમના દસ્તાવેજો હોવા જરૂરી
ગત એપ્રિલમાં આરોગ્ય મંત્રાલયના એક ટોચના અધિકારીએ દેશનાં રાજ્યોને પત્ર પાઠવીને વિદેશી નાગરિકોને સાંકળતાં પ્રત્યારોપણોના પ્રમાણમાં આવેલા ઉછાળા અંગે ચેતવ્યાં હતાં અને બહેતર દેખરેખની હાકલ કરી હતી.
ભારતીય કાયદા હેઠળ અંગનું દાન કરનાર કે રિસિપિયન્ટ વિદેશી નાગરિકો પાસે તેમના દસ્તાવેજો હોવા જરૂરી છે અને આ દસ્તાવેજોમાં ડોનર કે રિસિપિયન્ટ સાથેનો તેમનો સબંધ દર્શાવતા દસ્તાવેજનો સમાવેશ થાય છે, જેની ખરાઈ ભારતમાં તેમના પોતાના દેશના દૂતાવાસ દ્વારા થઈ હોવી જોઈએ.
બીબીસીએ દેશના આરોગ્ય મંત્રાલય તથા નૅશનલ ઓર્ગન ઍન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન અને મ્યાનમારની સૈન્ય સરકારનો સંપર્ક સાધ્યો હતો, પરંતુ કોઈ પ્રત્યુત્તર મળ્યો ન હતો.
મ્યાનમારમાં પબ્લિક હેલ્થ કૅમ્પેનર ડૉક્ટર થુરીન હ્લાંગ વિને જણાવ્યું હતું, "કાયદાનો અમલ અસરકારક નથી."
તેમણે ઉમેર્યું હતું કે, સંભવિત દાતાઓને સર્જરી દરમિયાન થતા રક્તસ્રાવ અને અન્ય અંગોને થનારા નુકસાન સહિતનાં જોખમોની જાણ હોવી જોઈએ. આ સ્થિતિમાં યોગ્ય કાળજી જરૂરી બની રહે છે.
બીબીસીની ઝેયા સાથે છેલ્લી વાતચીત તેમની સર્જરીના ઘણા મહિના પછી થઈ હતી.
ઝેયાએ કહ્યું હતું, "મારું દેવું ચૂકવાઈ ગયું અને મેં જમીનનો ટુકડો ખરીદી લીધો. પણ, હું ઘર બનાવવાનો ખર્ચ ઉઠાવી શકું તેમ નથી અને સર્જરીમાંથી સાજા થવા દરમિયાન ઘર બનાવવા અસમર્થ હતો. હું પીઠના દુખાવાથી પીડાઉં છું."
તેઓ આગળ જણાવે છે, "મારે ઝડપથી કામ શરૂ કરવું પડશે. તેમાં જો આડઅસર પાછી દેખા દે, તો મારે તેનો પણ સામનો કરવો પડશે. મને કોઈ પસ્તાવો નથી."
તેમણે આગળ જણાવ્યું હતું કે, તેઓ થોડા સમય સુધી રિસિપિન્ટના સંપર્કમાં રહ્યા અને રિસિપિયન્ટે ઝેયાને જણાવ્યું હતું કે તેમની તબિયત હવે સારી રહે છે.
રિસિપિયન્ટ મહિલાએ પોતાનું નામ ન જણાવવાની શરતે બીબીસીને કહ્યું હતું કે, તેમણે કુલ 100 મિલિયન ક્યાત (આશરે 22,000થી 35,000 ડૉલરની વચ્ચે) ચૂકવ્યા હતા. જોકે, તેમણે દસ્તાવેજો નકલી હોવાનો નનૈયો ભણીને ઝેયા તેમના સબંધી હોવાનું રટણ કર્યું હતું.
આ તરફ, મ્યો વિને તેમની સર્જરીના છ મહિના પછી બીબીસીને જણાવ્યું હતું કે, તેમણે તેમનું મોટા ભાગનું દેવું ચૂકવી દીધું છે, પણ હજી અમુક દેવું ચૂકવવાનું બાકી છે.
મ્યો વિન કહે છે, "મારી પાસે નોકરી નથી અને એક પૈસો પણ બચ્યો નથી. સર્જરી પછી મને પેટમાં થોડી તકલીફ રહે છે."
તેમણે કહ્યું હતું કે, સર્જરી કરાવવા બદલ તેમને કોઈ અફસોસ થતો નથી, પણ પછી તેમણે ઉમેર્યું હતું, "હું બીજા લોકોને આવું ન કરવાની સલાહ આપું છું. આ સારું નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












