પ્રથમ વખત અવકાશમાં એકસાથે ગયેલી છ મહિલાઓ કોણ છે અને કેવી રીતે પરત ફરી?

ઇમેજ સ્રોત, Blue Origin
- લેેખક, કે શુભગુણમ
- પદ, બીબીસી સંવાદદાતા
પૉપ ગાયિકા કેટી પૅરી સહિતનાં છ મહિલાઓ અંતરિક્ષ યાત્રા કરીને ધરતી પર પરત ફર્યાં છે. તેમની આ યાત્રા લગભગ 11 મિનિટની હતી.
જણાવવામાં આવે છે કે જ્યારે આ છ મહિલાઓ અંતરિક્ષમાં પહોંચ્યાં ત્યારે કેટી પૅરી ગાયનો ગાતી હતી. તેમના વિમાનની મહત્તમ સ્પીડ 2300 માઇલ પ્રતિ કલાક હતી. આ ધ્વનિની ગતિથી ત્રણ ગણી વધારે છે. આ ટીમમાં પૉપ ગાયિકા, પત્રકાર, વૈજ્ઞાનિક અને ફિલ્મનિર્માત્રી સહિત વિવિધ ક્ષેત્રોની મહિલાઓ સામેલ હતી.
જેફ બેઝોસની સ્પેસ કંપની બ્લૂ ઑરિજિન 'ન્યૂ શેપર્ડ રૉકેટ' દ્વારા છ મહિલાઓની આ આખી ટીમને અવકાશમાં મોકલવામાં આવી હતી.
મહિલાઓની એક આખી ટીમ અંતરિક્ષયાત્રા કરી હોય એવું આ પ્રથમ વખત બન્યું હતું. અગાઉ રશિયન અંતરીક્ષયાત્રી વૅલેન્ટિના તેરેશ્કોવે 1963માં એકલાં અંતરીક્ષયાત્રા કરી હતી.
બ્લૂ ઑરિજિન દ્વારા આયોજિત સફરમાં પૉપ ગાયિકા કેટી પૅરી, પત્રકાર ગેલ કિંગ, નાગરિક અધિકાર વકીલ અમેન્ડા ઈંગુએન, નાસાનાં ભૂતપૂર્વ રૉકેટ વૈજ્ઞાનિક આઇશા બૉવે અને ફિલ્મનિર્માત્રી કેરિયન ફ્લિન સામેલ હતાં.
તેમની સાથે છઠ્ઠા મહિલા લૉરોન સાન્ચેઝ પણ હતાં જેમણે જૂથનું નેતૃત્વ કર્યું. તેઓ જેફ બેઝોસનાં મિત્ર છે.
આ તમામ મહિલાઓ કાર્મન રેખા પાર કરી જે પૃથ્વી અને અંતરીક્ષ વચ્ચે એક કાલ્પનિક સરહદ છે અને પૃથ્વીના વાયુમંડળથી દૂર આવેલ છે.
મહિલાઓની અંતરિક્ષયાત્રા

ઇમેજ સ્રોત, Blue Origin
આ છ મહિલાઓએ ન્યૂ શેપર્ડ-31 નામના આ મિશન પર બ્લૂ ઑરિજિનના ન્યૂ શેપર્ડ રૉકેટ મારફત પ્રવાસ કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમાં આવેલ અંતરિક્ષયાન સંપૂર્ણપણે ઑટોમેટિક હતું. તેનો અર્થ એવો થયો કે અંતરિક્ષયાનની અંદર તેને સંચાલન કરવાવાળું કોઈ નહીં હતું.
આ સફર લગભગ 11 મિનિટ ચાલી. તેમણે કાર્મન રેખા પર કેટલીક મિનિટો સુધી ગુરુત્વાકર્ષણબળ વગર ભારહીનતાનો અનુભવ કર્યો.
આ તમામ મહિલાઓએ અંતરિક્ષમાંથી પૃથ્વીનો શાનદાર નજારો માણ્યો અને પછી પૃથ્વી તરફ પાછા ફર્યાં.
ન્યૂ શેપર્ડ રૉકેટ 14 એપ્રિલે અમેરિકાના વેસ્ટ ટૅક્સાસ સ્થિત કંપનીના પ્રક્ષેપણ કેન્દ્ર પરથી અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું હતું.
લૉરોન સાન્ચેઝે વર્ષ 2023માં વૉગ મેગેઝિનને આપેલી મુલાકાતમાં આ તમામ મહિલાઓની અંતરિક્ષ ઉડાન વિશે પોતાના સપનાનો ઉલ્લેખ કર્યો હતો.
અગાઉ બ્લૂ ઑરિજિને એક નિવેદનમાં જણાવ્યું કે "આ માત્ર એક અંતરિક્ષ મિશન નથી. તે લોકોની માનસિકતા બદલવા અને ભવિષ્યની પેઢીઓને પ્રેરિત કરવાના હેતુ સાથેનું મિશન છે."
કાર્મન લાઇન શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કાર્મન રેખા એક કાલ્પનિક સરહદની લાઇન છે. તે સમુદ્રની સપાટીથી 100 કિમીની ઊંચાઈએ આવેલ હોવાનું વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે.
તેને વ્યાપકપણે એવું બિંદુ માનવામાં આવે છે જ્યાં પૃથ્વીથી દૂર થઈને અવકાશમાં મુસાફરી કરી શકાય છે. એટલે કે આ બિંદુને પૃથ્વીના વાતાવરણનો અંત અને અવકાશની શરૂઆત માનવામાં આવે છે.
કાર્મન રેખા ફૅડરેશન ઍરોનોટિક ઇન્ટરનૅશનલ દ્વારા નક્કી કરવામાં આવી હતી અને આ ઊંચાઈ સુધી પહોંચવું એ અવકાશ સંશોધનમાં એક મહત્ત્વપૂર્ણ સફળતા માનવામાં આવે છે.
મોહાલી સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચના પ્રોફેસર અને ભૂતપૂર્વ વૈજ્ઞાનિક ડૉ. ટી.વી. વેંકટેશ્વરન કહે છે, "આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત નિયમો પ્રમાણે અવકાશની આ જ વ્યાખ્યા છે. તેને કર્મન રેખા કહેવામાં આવે છે."
તેમના મતે વાતાવરણનો 99.9 ટકા હિસ્સો 100 કિમીની ઊંચાઈથી નીચે આવેલ છે, જેને કાર્મન રેખા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. તેથી એવું નક્કી કરવામાં આવ્યું કે તેની ઉપરનો પ્રદેશ અવકાશ ગણવામાં આવશે.
આ લાઇનની પેલે પાર જનારાઓને "અંતરિક્ષયાત્રી"નો દરજ્જો આપવામાં આવે છે. તેથી જ બ્લૂ ઑરિજિનનું અવકાશ મિશન પણ આ મર્યાદાથી આગળ વધશે અને તેના મુસાફરોને અંતરિક્ષનો વાસ્તવિક અનુભવ આપશે.
'સફરનો હેતુ અંતરીક્ષ પર્યટનને વેગ આપવાનો છે'

ઇમેજ સ્રોત, Getty Images
ડૉક્ટર વેંકટેશ્વરન કહે છે કે આ મિશનનો હેતુ સ્પેસમાં પર્યટનને ઉત્તેજન આપવાનો છે.
તેઓ કહે છે, "આ કંપનીએ ઘણી વખત અંતરિક્ષ પર્યટનનું કામ કર્યું છે. પરંતુ જ્યારે તમે આ યાત્રા વિશે સાંભળો છો, ત્યારે એવું ન માની બેસતા કે આ સુનીતા વિલિયમ્સ જેવી જ યાત્રા છે."
સુનીતા વિલિયમ્સ અંતરિક્ષના એવા ભાગમાં ગયાં હતાં જે લગભગ 400 કિમીની ઊંચાઈએ આવેલ છે.
આ યાત્રા પહેલાં આ મહિલાઓની અંતરિક્ષયાત્રા વિશે તેમણે કહ્યું કે, "તેઓ કાર્મન રેખાથી ઉપર જશે જ્યાંથી અંતરિક્ષ શરૂ થાય છે. ત્યાર પછી તેઓ થોડી જ મિનિટોમાં પાછા આવી જશે."
વેંકટેશ્વરને જણાવ્યું કે, "આ સફરનો કુલ સમયગાળો 11 મિનિટનો હશે. તેઓ સાત મિનિટ સુધી રૉકેટમાં સફર કરશે. તેમાં લગભગ 48 કિમીની સફર કર્યા પછી પ્રવાસીઓ સાથેના અંતરિક્ષયાનને રૉકેટ દ્વારા સ્પેસમાં એવી રીતે ઉછાળવામાં આવશે, જે રીતે પથ્થરને ઉપર ફેંકવામાં આવ્યો હોય."
તેમણે જણાવ્યું કે, "રૉકેટથી છોડવામાં આવેલું અંતરિક્ષયાન કાર્મન રેખાની બરાબર ઉપરથી પસાર થશે અને પછી પૃથ્વી પર પરત આવશે."
તેમનું કહેવું છે કે આ પ્રૉજેક્ટનો હેતુ લોકોને અંતરિક્ષ પર્યટન તરફ આકર્ષિત કરવાનો અને તેના દ્વારા એક નવો ઉદ્યોગ વિકસાવવાનો છે. તેમણે એમ પણ કહ્યું કે આ પ્રયાસ "મહિલાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરશે અને ભવિષ્યની પેઢીઓ માટે પ્રેરણા બનશે."
અંતરિક્ષમાં જઈ રહેલાં મહિલાઓ કોણ છે?
લૉરેન સાન્ચેઝ

ઇમેજ સ્રોત, Lauren Sánchez/IG
લૉરેન સાન્ચેઝ એક લાઇસન્સ ધરાવતાં હેલિકૉપ્ટર પાઇલટ છે. સાન્ચેઝે 2016માં બ્લૅક ઑપ્સ ઍવિયેશનની સ્થાપના કરી હતી. તેઓ અને બેઝોસ અર્થફંડના ઉપાધ્યક્ષ છે. તેઓ ત્રણ બાળકોનાં માતા છે.
આઇશા બૉવે

ઇમેજ સ્રોત, Aisha Bowe/IG
આઇશા બૉવે બહામાસના મૂળનિવાસી છે. તેઓ નાસાનાં ભૂતપૂર્વ રૉકેટ વૈજ્ઞાનિક અને ઉદ્યોગસાહસિક, ટૅક્નૉલૉજી, એન્જિનિયરિંગ અને ગણિતના વિષય સાથે સંકળાયેલાં છે.
આઇશા સ્ટેમ બોર્ડનાં સીઈઓ પણ છે જે એક એન્જિનિયરિંગ કંપની છે. અમેરિકામાં સૌથી ઝડપથી વૃદ્ધિ કરતી ખાનગી કંપનીઓની યાદી આઈએનસી 5000માં તેને બે વખત સ્થાન મળ્યું છે.
તેમણે 'લિંગો' નામે એક કંપની સ્થાપી છે જેનો હેતુ દશ લાખ વિદ્યાર્થીઓને જરૂરી ટૅકનિકલ કૌશલ્ય શીખવવાનો છે.
અમેન્ડા ઇગુએન

ઇમેજ સ્રોત, Amanda Nguyen/IG
અમેન્ડા ઇગુએન એક બાયૉસ્પેસ રિસર્ચ વૈજ્ઞાનિક છે. તેમણે હાર્વર્ડમાંથી ગ્રૅજ્યુએશન કર્યું છે. તેમણએ હાર્વડ સેન્ટર ફૉર ઍસ્ટ્રોફિઝિક્સ, એમઆઈટી અને નાસામાં પણ સંશોધન કર્યું છે.
અમેન્ડાએ વર્ષ 1981થી 2011 સુધી નાસાના એક અંતરીક્ષ મિશનમાં કામ કર્યું હતું.
તેમણે જાતીય હિંસાના પીડીતો માટે ઘણું કામ કર્યું છે જેના કારણે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે પણ નામાંકિત કરવામાં આવ્યાં હતાં. તેમને વર્ષ 2022માં ટાઇમ મેગેઝિનનો 'વુમન ઑફ ધ યર'નો ઍવૉર્ડ પણ મળ્યો છે.
કેટી પૅરી

ઇમેજ સ્રોત, Getty Images
પૉપ ગાયિકા કેટી પૅરી એવા વિખ્યાત પરફૉર્મરમાં સ્થાન પામે છે જેના મ્યૂઝિક આલ્બમ મોટી સંખ્યામાં વેચાય છે. તેમનાં ગીતોને 115 અબજ વખત જોવામાં આવ્યાં છે.
વૈશ્વિક પૉપ સુપરસ્ટાર તરીકે ઓળખાતાં કેટીએ કેટલાક માનવીય મુદ્દે પણ અવાજ ઉઠાવ્યો છે. યુનિસેફ ગુડવિલ ઍમ્બેસૅડર તરીકે તેઓ દરેક બાળકને આરોગ્ય, શિક્ષણ, સમાનતા અને સુરક્ષાનો અધિકાર મળે તે માટે પોતાનો અવાજ ઉઠાવતાં રહ્યાં છે.
ગેલ કિંગ

ઇમેજ સ્રોત, Gayle King/IG
ગેલ કિંગ એક ઍવૉર્ડ વિજેતા પત્રકાર છે. તેઓ સીબીએસ મૉર્નિંગ્સના કૉ-હોસ્ટ અને ઑપરા ડેઇલીનાં સંપાદક છે.
પત્રકારત્વના ક્ષેત્રમાં પોતાના લાંબા અનુભવના આધારે ગેલને ઇન્ટરવ્યૂ અને વાતચીત કરવામાં કુશળ ગણવામાં આવે છે.
કેરિયન ફ્લિન

ઇમેજ સ્રોત, Kerianne Flynn/IG
ફૅશન અને માનવ સંસાધનમાં બૅચલર્સ ડિગ્રી મેળવ્યાં પછી કેરિયન ફ્લિને છેલ્લાં દસ વર્ષથી ઍલન-સ્ટીવેન્સન સ્કૂલ, ધ હાઈ લાઇન અને હડસન રિવર પાર્ક સહિત અનેક બિનનફાલક્ષી સંગઠનો સાથે સ્વયંસેવક તરીકે કામ કરેલું છે.
સ્ટોરી ટેલિંગની ક્ષમતાને લઈને ઉત્સાહિત કેરિયને વિચારો જગાડે તેવી ફિલ્મો બનાવી છે. તેમાં હૉલીવૂડમાં મહિલાઓના ઇતિહાસની છણાવટ કરતી ફિલ્મ ચેન્જિસ ઍવરીથિંગ (2018) તથા વકીલ લીલી લેડબેટર વિશેની ફિલ્મ લીલી (2024) સામેલ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












