અમેરિકામાં ટ્રમ્પના વિરોધમાં અનેક શહેરોમાં પ્રદર્શનો શા માટે થઈ રહ્યાં છે?

    • લેેખક, ન્યૂ યૉર્કથી ગ્રેસ એલિઝા ગુડવિન અને વૉશિંગ્ટનથી કૅટલિન વિલ્સન
    • પદ, બીબીસી ન્યૂઝ

અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓના વિરોધમાં મોટા પાયે પ્રદર્શનો યોજાઈ રહ્યાં છે. ન્યૂ યૉર્ક, વૉશિંગ્ટન ડીસી, શિકાગો, માયામી અને લૉસ-એન્જલસ સહિતનાં શહેરોમાં ટ્રમ્પનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે.

ન્યૂ યૉર્ક શહેરમાં ટાઇમ્સ સ્કવેર નજીક યોજાયેલા વિરોધપ્રદર્શનમાં શનિવારે સવારથી લોકો એકત્રિત થયા હતા. ત્યાર પછી થોડી વારમાં હજારો લોકો આવી ગયા.

અહીની શેરીઓ અને સબ-વે પર ભારે ભીડ છે. લોકો 'ડેમૉક્રેસી નૉટ મોનાર્કી' અને 'ધ કૉન્સ્ટિટ્યૂશન ઇઝ નૉટ ઑપ્શનલ' લખેલા બોર્ડ સાથે ટ્રમ્પનો વિરોધ કરી રહ્યા છે.

આ વિરોધપ્રદર્શનો શરૂ થયાં તે અગાઉ ટ્રમ્પના સહયોગીઓએ તેને ઉગ્ર ડાબેરી સંગઠન ઍન્ટીફાના માણસો ગણાવ્યા હતા. તેમણે આ પ્રદર્શનોને 'હેટ અમેરિકા રેલી' કહીને તેની ટીકા કરી હતી.

પ્રદર્શનકારીઓ અને આયોજકોએ શનિવારે જણાવ્યું હતું કે પ્રદર્શન શાંતિપૂર્ણ રહ્યાં હતાં.

આયોજક જૂથે તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે "નો કિંગ્સ" પ્રદર્શનોનો મુખ્ય સિદ્ધાંત અહિંસા છે. તેમણે તમામ લોકોને કોઈપણ સંભવિત સંઘર્ષને ટાળવા અપીલ કરી હતી.

ન્યૂ યૉર્કમાં કેટલીક જગ્યાએ લોકોના ટોળાએ વારંવાર "લોકશાહી આવી દેખાય છે"ના નારા લગાવ્યા હતા. ઢોલ, ઘંટ અને અન્ય અવાજો સંભળાતા હતા.

ઉપર આકાશમાં હેલિકૉપ્ટર અને ડ્રોન ઉડતાં જોવા મળ્યાં અને પોલીસ પણ રસ્તાની એક બાજુએ ઊભી હતી.

ન્યૂ યૉર્ક પોલીસ વિભાગ (NYPD) અનુસાર, શહેરમાં પાંચ સ્થળોએ થયેલાં વિરોધપ્રદર્શનોમાં કુલ એક લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ પ્રદર્શનો શાંતિપૂર્ણ રહ્યાં હતાં અને કોઈ તેમાં ધરપકડ કરવામાં આવી ન હતી.

ટાઇમ્સ સ્ક્વેર પરના એક પોલીસ અધિકારીના અંદાજ પ્રમાણે લગભગ 20,000 લોકોએ સેવન્થ એવન્યૂ પર કૂચ કરી હતી.

ફ્રીલાન્સ લેખિકા બેથ ઝાસ્લૉફે કહ્યું કે તેમણે ન્યૂ યૉર્કમાં વિરોધપ્રદર્શનમાં હાજરી આપી, કારણ કે તેઓ ટ્રમ્પના શાસનમાં થઈ રહેલા ફેરફારોથી ગુસ્સે અને ચિંતિત છે.

ઝાસ્લોફે કહ્યું કે ટ્રમ્પના વહીવટીતંત્રના ફેરફારો "ફાસીવાદ અને સરમુખત્યારશાહી સરકાર તરફનું એક પગલું" છે.

તેમણે કહ્યું કે, "મને ન્યૂ યૉર્ક શહેરની ખૂબ ચિંતા છે. અહીં આટલા બધા લોકો સાથે હોવાથી મને આશા મળે છે."

ટ્રમ્પના કયા નિર્ણયોનો વિરોધ થઈ રહ્યો છે?

બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પે પોતાની સત્તાનો ઉપયોગ કરીને અનેક ઍક્ઝિક્યુટિવ ઑર્ડર જારી કર્યા છે. તેમણે કૉંગ્રેસ દ્વારા મંજૂર કરાયેલું ભંડોળ અટકાવી દીધું છે, ફેડરલ સરકારમાં છટણી કરી છે અને ઘણા દેશો પર જંગી ટેરિફ લગાવ્યાં છે. તાજેતરમાં તેમણે ગવર્નરોના વિરોધ છતાં ઘણાં શહેરોમાં નૅશનલ ગાર્ડ ગોઠવ્યા હતા.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ કહે છે કે સંકટગ્રસ્ત દેશનું પુનર્નિર્માણ કરવા માટે આ પગલાં જરૂરી છે. ટ્રમ્પે પોતાના પરના સરમુખત્યાર અથવા ફાસીવાદી હોવાના આરોપોને "પાગલપન" ગણાવીને ફગાવી દીધા છે.

પરંતુ ટીકાકારો કહે છે કે વહીવટીતંત્રના કેટલાક નિર્ણયો ગેરબંધારણીય છે અને અમેરિકન લોકશાહી માટે ખતરો છે.

ન્યૂ જર્સીમાં રહેતા નિવૃત્ત એન્જિનિયર, 68 વર્ષીય માસિમો માસ્કોલીનો ઉછેર ઇટાલીમાં થયો છે. તેઓ ટ્રમ્પનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે તેમને ચિંતા છે કે અમેરિકા પણ ગઈ સદીમાં ઇટાલીએ જે કર્યું હતું તેના માર્ગે ચાલી રહ્યા છે.

તેઓ કહે છે, "હું એક ઇટાલિયન નાયકનો ભત્રીજો છું જેણે મુસોલિનીની સેના છોડી દીધી અને તેનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. ફાસીવાદીઓએ તેમને ત્રાસ આપ્યો અને તેમને મારી નાખવામાં આવ્યા."

તેમણે કહ્યું કે "હવે 80 વર્ષ પછી મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે અમેરિકામાં મને ફાસીવાદ જોવા મળશે."

માસિમો મસ્કોલીને ખાસ કરીને ટ્રમ્પ સરકારની કડક ઇમિગ્રેશન નીતિઓ, ઊંચા ટેરિફ, અમેરિકન શહેરોમાં નૅશનલ ગાર્ડ્સની તહેનાતી અને લાખો અમેરિકનો માટે હેલ્થકૅરમાં કાપની ચિંતા છે.

તેઓ કહે છે, "આપણે સુપ્રીમ કોર્ટ પર ભરોસો કરી શકતા નથી, આપણે સરકાર પર પણ ભરોસો કરી શકતા નથી. આપણે કૉંગ્રેસ પર પણ ભરોસો કરી શકતા નથી. સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર -આ ત્રણેય હાલમાં અમેરિકન લોકોની વિરુદ્ધ છે. તેથી જ આપણે લડી રહ્યા છીએ."

સેનેટના લઘુમતી નેતા અને ન્યૂ યૉર્કના ડેમૉક્રેટ લીડર ચક શુમર પણ વિરોધપ્રદર્શનમાં જોડાયા હતા.

તેમણે ઍક્સ પર લખ્યું કે, "અમેરિકામાં કોઈ સરમુખત્યાર નથી. અમે ટ્રમ્પને આપણા લોકશાહીને નબળી પાડવા દઈશું નહીં."

આ સાથે તેમણે પોતાની તસવીરો શૅર કરી હતી, જેમાં તેઓ એક પ્લેકાર્ડ સાથે જોવા મળે છે. તેના પર લખ્યું હતું -"ફિક્સ ધ હેલ્થકૅર ક્રાઈસિસ".

યુરોપ અને અમેરિકાનાં અનેક શહેરોમાં ટ્રમ્પના વિરોધમાં દેખાવો

અમેરિકામાં ઘણી જગ્યાએ આ પ્રકારનાં વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે. વૉશિંગ્ટન ડીસીમાં વર્મોન્ટના સેનેટર બર્ની સેન્ડર્સે મુખ્ય ભાષણ આપ્યું હતું.

હજારો લોકોને સંબોધતા તેમણે કહ્યું કે, "અમે અહીં એટલા માટે નથી આવ્યા કારણ કે અમે અમેરિકાને નફરત કરીએ છીએ, પરંતુ એટલા માટે છીએ કારણ કે અમે અમેરિકાને પ્રેમ કરીએ છીએ."

બીબીસીએ વૉશિંગ્ટન ડીસીમાં એક કૂચ દરમિયાન ટ્રમ્પના સૂત્ર "મેક અમેરિકા ગ્રેટ અગેઇન" લખેલી ટોપી પહેરેલા એક માણસને જોયો. તેમણે કહ્યું કે તેઓ ફક્ત શહેરમાં ફરવા આવ્યા હતા અને આ પ્રદર્શન જોવાનું નક્કી કર્યું.

પોતાનું નામ ન આપવાની શરતે તે વ્યક્તિએ કહ્યું કે તેમને આ વાત "ખરેખર સમજમાં ન આવી", પરંતુ લોકોએ તેની સાથે સારો વ્યવહાર કર્યો હતો. જોકે, પાછળથી એક મહિલાએ તેમના વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી.

શનિવારે સવારે અમેરિકા અને સમગ્ર યુરોપમાં વિરોધપ્રદર્શનો ફાટી નીકળ્યાં હતાં. જર્મનીની રાજધાની બર્લિન, સ્પેનની રાજધાની મેડ્રિડ અને ઇટાલીના રોમમાં વિરોધીઓ તેમના સાથી અમેરિકનોના સમર્થનમાં રેલી કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા.

બ્રિટનમાં લંડનમાં પણ અમેરિકન દૂતાવાસની બહાર સેંકડો પ્રદર્શનકારી એકઠા થયા હતા.

કૅનેડાના ટોરોન્ટોમાં યુએસ કૉન્સ્યુલેટની બહાર પ્રદર્શનકારીઓએ "કૅનેડાથી દૂર રહો" જેવાં સૂત્રો લખેલાં પ્લેકાર્ડ લહેરાવ્યાં હતાં.

ફૉક્સ ન્યૂઝને આપેલી એક મુલાકાતમાં ટ્રમ્પે વિરોધપ્રદર્શનો વિશે જવાબ આપ્યો હતો, જે રવિવારે પ્રસારિત થશે. પરંતુ તેનો એક હિસ્સો શનિવારે દેખાડવામાં આવ્યો હતો.

ઇન્ટરવ્યૂની પ્રીવ્યૂ ક્લિપમાં ટ્રમ્પ કહે છે કે, "એક રાજા! આ કોઈ ઍક્ટિંગ નથી. તમે જાણો છો કે તેઓ મને રાજા કહી રહ્યા છે. હું કોઈ રાજા નથી."

નૅશનલ ગાર્ડને તૈયાર રહેવા આદેશ

સીએનએન અનુસાર કૅન્સાસના સેનેટર રોજર માર્શલે વિરોધપ્રદર્શનો પહેલાં કહ્યું હતું કે, "આપણે નૅશનલ ગાર્ડને બહાર કાઢવા પડશે. આશા છે કે બધું શાંતિપૂર્ણ રહેશે. પરંતુ મને શંકા છે."

અમેરિકાનાં અનેક રાજ્યોમાં રિપબ્લિકન ગવર્નરો દ્વારા નૅશનલ ગાર્ડ યુનિટ્સને તૈયાર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે, પરંતુ લશ્કરી હાજરી કેટલી મોટી હશે તે સ્પષ્ટ નથી.

ટૅક્સાસના ગવર્નર ગ્રેગ એબૉટે ગુરુવારે રાજધાની ઑસ્ટિનમાં વિરોધપ્રદર્શન અગાઉ રાજ્યના નૅશનલ ગાર્ડને સક્રિય કરી દીધા હતા. તેમણે કહ્યું હતું કે "ઍન્ટિફા સાથે સંકળાયેલાં આયોજિત પ્રદર્શનો" ને કારણે આ જરૂરી હતું.

ડેમૉક્રેટ્સે આ પગલાંની ટીકા કરી છે.

રાજ્યના અગ્રણી ડેમૉક્રેટ જીન વુએ જણાવ્યું કે, "શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શનોને રોકવા માટે ફક્ત રાજાઓ અને સરમુખત્યારો જ સશસ્ત્ર સૈનિકો મોકલતા હોય છે. ગ્રેગ એબૉટે સાબિત કર્યું છે કે તેઓ પણ એવા જ છે."

વર્જિનિયાના રિપબ્લિકન ગવર્નર ગ્લેન યંગકિને પણ રાજ્યના નૅશનલ ગાર્ડને સાબદા થવાનો આદેશ આપ્યો હતો. જોકે, સ્થાનિક અહેવાલો દર્શાવે છે કે વિરોધપ્રદર્શન દરમિયાન સૈનિકો હાજર નહોતા.

વૉશિંગ્ટન, ડીસીમાં વિરોધપ્રદર્શન દરમિયાન કોઈ સૈનિકો જોવા મળ્યા ન હતા. જોકે, સ્થાનિક પોલીસ હાજર હતી. ટ્રમ્પની વિનંતીના કારણે ઑગસ્ટથી વૉશિંગ્ટન ડીસીમાં નૅશનલ ગાર્ડ તહેનાત કરવામાં આવ્યા છે.

રાજધાની વૉશિંગ્ટનમાં એક રેલી દરમિયાન એક પ્રદર્શનકારીએ એક બોર્ડ પકડી રાખ્યું હતું, જેના પર લખ્યું હતું, "આઈ એમ ઍન્ટિફા."

76 વર્ષીય ચક એપ્સે કહ્યું કે આ એક "ભારે અર્થ ધરાવતો શબ્દ" છે અને તેનો અર્થ માત્ર એટલો છે કે તેઓ "શાંતિ, ડે-કૅર, વધુ સારા વેતન, હેલ્થકૅર" તેમજ ઇમિગ્રન્ટ્સ અને રંગભેદ સહન કરતા લોકોને સમર્થન આપે છે.

"તેઓ બધાને ગેરમાર્ગે દોરી રહ્યા છે, અથવા એવો પ્રયાસ કરે છે. પરંતુ હવે તે કામ નહીં કરે"

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વિશે લોકોમાં અલગ અલગ મત છે. તાજેતરના રૉયટર્સ/ઇપ્સોસ પોલમાં જાણવા મળ્યું છે કે, રાષ્ટ્રપતિ તરીકેના તેમના પ્રદર્શનને માત્ર 40 ટકા લોકોએ જ સમર્થન આપ્યું હતું, જ્યારે 58 ટકા લોકો તેમની સાથે અસંમત હતા.

ટ્રમ્પ પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન મળેલા સમર્થનના સ્તરે પાછા આવી ગયા છે. જોકે, આ વર્ષે જાન્યુઆરીમાં તેમનો બીજો કાર્યકાળ શરૂ થયો ત્યારે 47 ટકા લોકો તેમની તરફેણમાં હતા, જે તેમના વર્તમાન રેટિંગ કરતા વધારે હતું.

અમેરિકામાં ઘણીવાર એવું બને છે કે રાષ્ટ્રપતિનો કાર્યકાળ આગળ વધે તેમ તેમની લોકપ્રિયતા ઓછી થતી જાય છે.

રૉયટર્સ/ઇપ્સોસ અનુસાર જાન્યુઆરી 2021માં જો બાઇડનની લોકપ્રિયતાનો દર 55 ટકા હતો, જે તે જ વર્ષના ઑક્ટોબર સુધીમાં ઘટીને 46 ટકા થઈ ગયો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન