You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બોટ દુર્ઘટના: 'સવારથી દીકરીને મળ્યો નહોતો, સાંજે એના મોતની ખબર આવી'
“કાલે એ વહેલા ઊઠીને પિકનિક માટે નીકળી ગઈ. તેથી હું તેને મળી ન શક્યો. બપોરે એ પરત ફરે એની રાહ જોતાં હું ઘરે જ બેઠો હતો. સાડા ચારે તેની બસ પાછી આવવાની હતી. તેથી મેં તેને મળીને કામે જવાનું વિચાર્યું. પરંતુ ઘણો સમય થયા છતાં બસ ન આવી. ઘણા ફોન કર્યા પણ કંઈ જવાબ ન મળ્યો. અંતે દીકરી તો ન આવી પણ તેના મૃત્યુના સમાચાર મળ્યા.”
ગુરુવારે વડોદરાના હરણી તળાવમાં થયેલી હૃદયવિદારક દુર્ઘટનામાં પોતાની આઠ વર્ષીય બાળકી આયતબાનો મનસૂરીને ગુમાવનાર પિતા અલતાફ હુસૈનની દીકરીને મળવાની આ ઝંખના અનંત પ્રતીક્ષામાં તબદીલ થઈ ગઈ હતી.
ખાણીપીણીની લારી ચલાવતા પિતા દુર્ઘટનાના દિવસે બનેલી ઘટનાઓને યાદ કરતાં શાળા સંચાલકો, સરકાર અને તંત્ર સામે સવાલ ઉઠાવી રહ્યા છે.
તેઓ સમગ્ર ઘટનામાં ‘બેદરકારી’નો આરોપ કરી, બાળકોની દેખરેખ અને સુરક્ષા મુદ્દે થયેલી ગંભીર ચૂકો તરફ ધ્યાન દોરે છે.
હરણી તળાવ ખાતે સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં આયત જેવાં અન્ય 11 બાળકો અને બે શિક્ષિકાનાં અકાળ મૃત્યુ થયાં હતાં. આ તમામ વાતમાં મન દુ:ખથી ભારે કરી દે તેવી હકીકત એ છે કે મૃત્યુ પામેલાં તમામ બાળકોની ઉંમર આઠ-13 વર્ષ વચ્ચેની હતી.
અલતાફ હુસૈનના પરિવારની જેમ અસરગ્રસ્ત પરિવારો અને અન્ય લોકોના આરોપ છે કે, ‘સ્થાનિક તંત્ર, સરકાર, કૉન્ટ્રેક્ટર અને સ્કૂલ સંચાલકોની ગુનાહિત બેદરકારી’ને કારણે બાળકો જીવનના તમામ રંગ જોયા વિના જ મૃત્યુ પામ્યાં.
જોકે, સમગ્ર ઘટનામાં સરકાર અને તંત્ર પોતે ‘રેસ્ક્યુ અને સારવારના તમામ પ્રયાસો’ કર્યા હોવાની અને ‘જવાબદારો સામે કડક કાર્યવાહી’ કર્યાની વાત કરી હતી.
જ્યારે સ્કૂલના સંચાલકો હરણી તળાવના મૅનેજમૅન્ટ પર ‘દોષનો ટોપલો ઢોળી રહ્યા’ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્થાનિક પોલીસ દ્વારા ઘટના અંગે થયેલી પોલીસ ફરિયાદમાં 18 લોકો સામે આઇપીસીની યોગ્ય કલમો હેઠળ ગુનો નોંધાયો છે. તેમજ સરકારે કરેલી જાહેરાત પ્રમાણે આ મામલે જિલ્લા મૅજિસ્ટ્રેટને દસ દિવસમાં અહેવાલ સોંપવા કહેવાયું છે.
વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આપેલી માહિતી અનુસાર પોલીસે અત્યાર સુધી છ આરોપીઓની ધરપકડ કરી હતી.
સ્થાનિક અહેવાલો અનુસાર સમગ્ર ઘટનાની તપાસ માટે વડોદરા પોલીસ કમિશનર દ્વારા અધિક પોલીસ કમિશનર અશોક નિનામાના અધ્યક્ષપદે સાત સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરાઈ છે.
‘દીકરીનો મૃતદેહ જોઈને જાણે મારા પર તો આભ જ તૂટી પડ્યું’
દુર્ઘટનાના સમાચાર સાંભળી હાંફળાફાંફળા બની ગયેલ પિતા અલતાફ જ્યારે પોતે ઘટનાસ્થળ પાસેની હૉસ્પિટલે પહોંચ્યા ત્યારે એ સમયે જોયેલાં દૃશ્યો વર્ણવતાં કહે છે :
“ત્યાં પહોંચ્યો તો ત્યાં જામેલી ઍમ્બુલન્સ વગેરે વાહનોની ભીડ અને ભારે જનમેદની જોઈ વધુ વ્યાકુળ થઈ ગયો. મારા તો હાથપગ સાવ ઢીલા પડી ગયેલા. મારા મનમાં આવી રહેલા નકારાત્મક વિચારોને કાબૂમાં રાખી હું આગળ વધતો જઈ રહ્યો હતો.”
“મને બહારથી જ ખબર પડી ગયેલી કે અહીં બાળકો સહિત નવના મૃતદેહ છે. પછી મેં જ્યારે અંદર જઈને લાઇનબદ્ધ મુકાયેલા મૃતદેહોને જોયા તો તેમાં ત્રીજા ક્રમે જ મારી દીકરીનો મૃતદેહ દેખાઈ ગયો. મારા પર તો જાણે આભ જ તૂટી પડ્યું. બધાં બાળકોની લાશ લાવારિસની માફક પડી હતી.”
તેઓ શાળાના સંચાલકોને વેધક સવાલ કરતાં કહે છે કે, “બાળકોને પિકનિક લઈ જવાયાં ત્યારે કહેવાયેલું કે તેમને વૉટરપાર્કમાં લઈ જવાશે. અમને બોટિંગ કરાવવા અંગે કોઈ જાણ કરાઈ નહોતી. વાલીઓને જાણ કર્યા વગર કેમ બાળકોને બોટિંગ માટે લઈ જવાયાં?”
શાળા સંચાલકો અને હરણી લેકના તંત્ર સામે સવાલ કરતાં તેઓ કહે છે કે, “15 માણસની ક્ષમતાવાળી બોટમાં 30 કરતાં વધુ લોકોને કઈ રીતે બેસાડાયા એ પણ સવાલ છે. આટલું તો ઠીક પરંતુ બધાં બાળકોને લાઇફ જેકેટ પણ નહોતાં અપાયાં.”
“મારે જવાબદારો અને સરકારને કહેવું છે કે તમારું તો કંઈ નહીં જાય, પરંતુ મારી તો બેબી જતી રહી. હવે તમે પાંચ-દસ લાખનું મારે શું કરવું? મારે આવા પૈસા શું કરવા?”
તેમણે ન્યાયની માગ કરતાં કહ્યું હતું કે, “મારી સરકારને એક જ વિનંતી છે કે આ ઘટનાના જવાબદારો સામે કડક પગલાં લેવાય. આ સમગ્ર મામલાની તપાસ થવી જોઈએ.”
કેવી રીતે ઘટી સમગ્ર ઘટના?
આ મામલાની ફરિયાદમાં હરણી લેકમાં બોટિંગ પ્રવૃત્તિના કૉન્ટ્રેક્ટર મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો અને કર્મચારીઓ વિરુદ્ધ આરોપ કરાતાં લખાયું છે કે, "બોટિંગ કરાવતા પહેલાં જરૂરી સૂચનાઓ નહોતી અપાઈ અને ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડાયાં હતાં. આ સિવાય અમુક બાળકોને લાઇફ જૅકેટ પહેરાવ્યાં વગર બેસાડી ગુનાહિત બેદરકારી અને નિષ્કાળજી દાખવતાં માનવજિંદગી જોખમાય તેની સંભાવના અને જાણકારીનો અહેસાસ હોવા છતાં બાળકો-શિક્ષકોનાં મૃત્યુ નિપજાવવા અને ઈજા પહોંચાડવાનો ગુનો કર્યો હતો."
ઘટના બાદ સ્થળે પહોંચેલા સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન શીતલ મિસ્ત્રીએ ઘટનાનાં કારણો અને તંત્ર દ્વારા લેવાયેલાં પગલાંની માહિતી આપી હતી.
સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન શીતલ મિસ્ત્રીએ ઘટના અંગે જાણકારી આપતાં કહ્યું હતું કે, "ઘટના બાદ છ જણની બૉડી રેસ્ક્યુ કરી છે, અલગઅલગ અંદાજ સામે આવી રહ્યા છે. છ બૉડી કઢાઈ છે. અમે મુખ્ય કૉન્ટ્રેક્ટર સાથે વાત કરી તો તેમણે કહ્યું કે બોટમાં 15 બાળકો હતાં.”
"આ સાડા ચાર વાગ્યાનો બનાવ છે. બોટનું બૅલેન્સ બગડતાં તે પલટી મારી ગઈ. આ ખૂબ ચિંતાજનક મામલો બન્યો છે. કૉન્ટ્રેક્ટર પણ લાપતા થઈ ગયા છે. તેમને કેટલાં બાળકો હતાં, એનો બરાબર અંદાજ નહોતો. તેમની વાત પરથી લાગી રહ્યું છે કે બોટમાં વધુ બાળકો બેઠાં હશે."
જ્યારે તેમને લાઇફ જેકેટ વગર બોટિંગ મામલે સવાલ કરાયો ત્યારે તેમણે કહ્યું કે, "આ તપાસનો વિષય છે. મેં એકેય બૉડી જોઈ નથી, પરંતુ કૉન્ટ્રેક્ટરનું કહેવું છે કે લાઇફ જૅકેટ આપ્યાં હતાં."
કેન્દ્ર-રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી
ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમાચાર સંસ્થા એએનઆઇને જણાવ્યું હતું કે, "ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ, એનડીઆરએફ અને સ્થાનિક તંત્રની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને 18 બાળકો સહિત બે શિક્ષકોને બચાવી સારવાર હેઠળ ખસેડાયાં હતાં. આ હેતુસર સરકારે ખાનગી ડૉક્ટરોને પણ તૈયાર રાખ્યા હતા."
ઘટનાની તપાસ અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "તપાસ અધિકારીઓ ગુનાહિત મામલાની તપાસમાં લાગેલા છે."
બોટ સંચાલક અને કૉન્ટ્રેક્ટરની જવાબદારી નક્કી કરતાં તેમણે કહ્યું હતું કે, "પ્રાથમિક દૃષ્ટિએ આ સમગ્ર મામલામાં બોટ ચલાવનાર અને તેને મૅનેજ કરનાર લોકોનો દોષ છે, હું આ ઘટનાને ભૂલ નહીં કહું. આ સિવાય સુરક્ષા માટેની પૂરતી કાળજી પણ નહોતી લેવાઈ. ક્ષમતા કરતાં વધુ લોકોને બોટમાં બેસાડાયા. ઉપરાંત માત્ર દસ લોકોને જ લાઇફ જૅકેટ પહેરાવાયાં હતાં."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના અંગે ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું, "હરણી તળાવની ઘટનાથી વ્યથિત છું. આ દુ:ખની ઘડીમાં મારી લાગણીઓ અસરગ્રસ્ત કુટુંબો સાથે છે. ઈજાગ્રસ્તો જલદી સાજા થાય તેવી કામના. સ્થાનિક તંત્ર શક્ય તમામ મદદ કરી રહ્યું છે. મૃતકોનાં સગાંને વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત કોષમાંથી બબ્બે લાખ રૂ. અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂ.ની સહાય કરાશે."
ઘટનાને પગલે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ 'એક્સ' પર લખ્યું કે , "ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું."
રાજ્ય સરકાર દ્વારા તમામ મૃતકોના પરિવારજનોને ચાર-ચાર લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય જાહેર કરાઈ હતી.
સમગ્ર ઘટના અંગે માહિતી આપતાં રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, "બાળકો નિર્દોષ હતાં. આવી ઘટના નહોતી બનવી જોઈતી. તેમને તરતાં ન આવડતું હોય. જવાબદાર વ્યક્તિએ પૂરતી વ્યવસ્થા કરીને બાળકોને બેસાડવાનાં હોય છે. આ શરતચૂક થઈ છે. અત્યારે સ્થાનિક લોકો, સ્થાનિક તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે હાજર છે."