You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડોદરા હરણી દુર્ઘટના મામલે SITની રચના, કોની-કોની ધરપકડ કરાઈ?
ગુરુવારે સાંજે વડોદરાના હરણી તળાવમાં શાળાના શિક્ષકો સાથે પ્રવાસે ગયેલાં બાળકોની બોટ પલટાતાં 12 બાળકો સહિત બે શિક્ષિકાનાં મૃત્યુનો હૃદયદ્રાવક બનાવ બન્યો હતો.
મામલો સામે આવતાં જ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે સમાચારોમાં છવાઈ ગયો.
આરોપો અનુસાર ’14ની ક્ષમતાવાળી બોટમાં 26 બાળકો સહિત 34 જણને બેસાડી દેવાયા’ અને ‘મોટા ભાગનાં બાળકો સહિત અન્યોને લાઇફ જેકેટ નહોતાં અપાયાં.’ રાઇડ દરમિયાન ‘બોટનું બૅલેન્સ બગડતાં ઊંધી વળવાને’ કારણે ઘટના બની હતી.
પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર વડોદરાના વાઘોડિયાસ્થિત ખાનગી સ્કૂલ ન્યૂ સનરાઇઝ સ્કૂલનાં ભૂલકાં શાળા દ્વારા આયોજિત પ્રવાસે ગયાં હતાં, જે દરમિયાન આ ઘટના બની.
જોકે, ઘટનાસ્થળે પહોંચેલા અધિકારી અને શાસકપક્ષના આગેવાનોએ ‘શક્ય તમામ મદદ’ અને ‘કડક કાર્યવાહી’ થવાની વાત કરી હતી.
નોંધનીય છે કે ‘જવાબદારો સામે કડક કાર્યવાહી’ની સરકારની વાતને ફગાવતાં સ્થાનિકો સહિત વિપક્ષના નેતાઓએ સંપૂર્ણ ઘટનાને ‘તંત્ર-સરકારની ગંભીર બેદરકારી’ અને ‘હત્યાનું કૃત્ય’ ગણાવી વખોડી કાઢી હતી.
બાળકો સહિતના મૃતદેહોને અને ઈજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં ખસેડાતાં ઘટનાસ્થળની માફક હૉસ્પિટલ બહાર પણ પોતાના વહાલસોયાં સંતાનોને ગુમાવનાર પરિવારજનોના ‘હૈયાફાટ રુદનનાં દૃશ્યો’ જોવા મળ્યાં હતાં.
ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મામલા અંગે સ્થાનિક પોલીસ દ્વારા એફઆઈઆર નોંધી બેની ધરપકડ કર્યાની માહિતી આપી હતી. આ સિવાય વધુ આરોપીઓની ધરપકડ માટે નવ ટીમોની રચના કરાઈ હોવાનું જણાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના જણાવ્યાનુસાર સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરને દસ દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ કરાયો છે.
વડોદરા પોલીસ દ્વારા મામલામાં કરાયેલી પોલીસ કાર્યવાહી અંગેની વિગતો જાહેર કરી હતી.
સમગ્ર મામલામાં પોલીસે 18 આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 304, 308, 337, 338 અને 114 અંતર્ગત ગુનો દાખલ કર્યો હતો.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે શું કહ્યું?
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટાઈ જતાં 12 બાળકો સહિત બે શિક્ષિકાનાં મૃત્યુની તપાસ માટે પોલીસે એસ.આઈ.ટીની રચના કરી છે.
વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્રકારપરિષદમાં આ અંગે જાહેરાત કરી છે.
પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર આ મામલે અત્યાર સુધી છ લોકોની ધરપકડ પણ કરાઈ છે.
કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું, "મેસર્સ કોટિયા પ્રોજેક્ટ્સ નામની કંપનીએ તળાવના વિકાસ ઉપરાંત નૌકાવિહાર અને અન્ય પ્રવૃત્તિઓ માટે વડોદરા મહાનગરપાલિકા પાસેથી કૉન્ટ્રેક્ટ મેળવ્યો હતો. આ કંપનીમાં 15 ભાગીદારો છે અને તેમાંથી ત્રણની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત લૅક ઝોનના મૅનેજર, બોટ ચલાવનાર અને સુરક્ષાની જવાબદારી નિભાવનારા અન્ય ત્રણ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે."
દુર્ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની (એસ.આઈ.ટી) રચાના કરાઈ હોવાનું પણ ગેહલોતે જણાવ્યું છે.
એડિશનલ કમિશનરના નેતૃત્વમાં રચાયેલી આ એસએઆઈટીમાં બે ડિસીપી અને ક્રાઇમ બ્રાન્ચના એસીપી ઉપરાંત ઇન્સ્પેક્ટર, સબ-ઇન્સ્પેક્ટરો અને કર્મચારીઓનો સમાવેશ કરાયો છે.
વડોદરા દુર્ઘટનામાં અત્યાર સુધીમાં શું થયું?
પોલીસે ઘટના અંગે જાહેર કરેલી પ્રેસ રિલીઝમાં જણાવાયું છે :
"લેકઝોનમાં બોટ રાઇડમાં મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો તથા કર્મચારીઓએ ત્યાં આવેલ બોટમાં વધુ સંખ્યામાં બાળકો અને શિક્ષિકાઓને બેસાડ્યાં હતાં. તથા રાઇડમાં યોગ્ય સમારકામ, મેન્ટનન્સ, લાઇફ જેકેટ, સેફ્ટીનાં સાધનો તેમજ સૂચના-જાહેરાત બોર્ડ લગાડ્યાં નહોતાં."
હરણી લેકમાં બોટિંગ પ્રવૃત્તિના કૉન્ટ્રેક્ટર મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો અને કર્મચારીઓ વિરુદ્ધ આરોપ કરાતાં લખાયું છે કે, "બોટિંગ કરાવતા પહેલાં જરૂરી સૂચનાઓ નહોતી અપાઈ અને ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડાયાં હતાં. આ સિવાય અમુક બાળકોને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બેસાડી ગુનાહિત બેદરકારી અને નિષ્કાળજી દાખવતાં માનવજિંદગી જોખમાય તેની સંભાવના અને જાણકારીનો અહેસાસ હોવા છતાં બાળકો-શિક્ષકોનાં મૃત્યુ નિપજાવવા અને ઈજા પહોંચાડવાનો ગુનો કર્યો હતો."
"આ ઘટનાને અનુસંધાને મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો બિનિત કોટિયા, હરણી લેકઝોનના મૅનેજર શાંતિલાલ સોલંકી અને બોટ ઑપરેટરો સહિત 18 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે."
વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનના વિપક્ષનાં નેતા અમી રાવતે શુક્રવારે સવારે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં સમગ્ર ઘટના મામલે આરોપ કરતાં કહ્યું હતું કે, "વર્ષ 2016માં જ્યારે આ પ્રોજેક્ટ આ કૉન્ટ્રેક્ટરને અપાયો, ત્યારે અમે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો."
"અમે આ ઘટનાને હત્યાનું કૃત્ય ગણી રહ્યા છીએ. આ ઘટનામાં દેખીતી રીતે નિયમ ભંગ થયા છે. સાવચેતીના ભાગરૂપે લાઇફ ગાર્ડ પણ નહોતા. અમારી માગ છે કે પ્રોજેક્ટની શરૂઆત થઈ ત્યારથી આ અંગે તપાસ થવી જોઈએ."
તેમણે કૉન્ટ્રેક્ટ આપવામાં પક્ષપાત કરાયાનો આક્ષેપ કરતાં કહ્યું હતું કે, "અમારી માગ હતી કે આ પ્રોજેક્ટ કૉર્પોરેશન દ્વારા જાતે ચલાવાય. જો આવું થયું હોત તો કમાણીની લાયમાં વડોદરાએ આવું ભારે નુકસાન ન ભોગવવું પડ્યું હોત."
"જ્યારે આ પ્રોજેક્ટ શરૂઆતના તબક્કામાં હતો ત્યારે કૉન્ટ્રેક્ટર પાસે માત્ર ફૂડ પ્રોડક્ટનો અનુભવ જ હતો. તેઓ આવા પ્રોજેક્ટના અનુભવી નહોતા. એ સમયે અમે આ નિર્ણયનો લેખિત વિરોધ કર્યો હતો, કૉર્પોરેશનમાં કાયદાકીય નોટિસ પણ અપાઈ હતી."
"આ સમગ્ર જગ્યા ખૂબ જ પ્રાઇમ લોકેશનમાં આવેલી છે. અહીં ઘણા લગ્નસમારોહ પણ યોજાય છે, આ જમીન પણ કૉન્ટ્રેક્ટરને નિયમો દરકનાર કરીને અપાઈ હતી."
તેમણે વધુ આક્ષેપ કરતાં કહ્યું હતું કે, "વર્ષ 2019માં જ્યારે પ્રોજેક્ટમાં નહોતી એવી પ્રવૃત્તિઓ શરૂ કરવાની મંજૂરી અપાઈ ત્યારે પણ અમે વિરોધ કર્યો હતો. ત્યારે પણ અમે કૉર્પોરેશનને રિમાઇન્ડર મોકલ્યાં હતાં. પરંતુ કૉન્ટ્રેક્ટરના લાભ માટે જ આ બધું કરાયું હતું."
અમી રાવતે સમગ્ર મામલાની તપાસ સિટિંગ જજ મારફતે કરાવી જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરી હતી.
હર્ષ સંઘવીએ કહ્યું, ‘બોટ રાઇડ સંચાલક-કૉન્ટ્રેક્ટરનો દોષ’
ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું હતું કે, "ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ, એનડીઆરએફ અને સ્થાનિક તંત્રની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને 18 બાળકો સહિત બે શિક્ષકોને બચાવી સારવાર હેઠળ ખસેડાયાં હતાં. આ હેતુસર સરકારે ખાનગી ડૉક્ટરોને પણ તૈયાર રાખ્યા હતા."
ઘટનાની તપાસ અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "તપાસ અધિકારીઓ ગુનાહિત મામલાની તપાસમાં લાગેલા છે. સંપૂર્ણ ઘટનાની તપાસ જિલ્લા કલેક્ટરને સોંપાઈ છે. જેઓ દસ દિવસમાં પોતાનો અહેવાલ સોંપશે."
બોટ સંચાલક અને કૉન્ટ્રેક્ટરની જવાબદારી નક્કી કરતાં તેમણે કહ્યું હતું કે, "પ્રાથમિક દૃષ્ટિએ આ સમગ્ર મામલામાં બોટ ચલાવનાર અને તેને મૅનેજ કરનાર લોકોનો દોષ છે, હું આ ઘટનાને ભૂલ નહીં કહું. આ સિવાય સુરક્ષા માટેની પૂરતી કાળજી પણ નહોતી લેવાઈ. ક્ષમતા કરતાં વધુ લોકોને બોટમાં બેસાડાયા. ઉપરાંત માત્ર દસ લોકોને જ લાઇફ જેકેટ પહેરાવાયાં હતાં."
કેવી રીતે બની ઘટના?
ઘટના બાદ સ્થળે પહોંચેલા સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન શીતલ મિસ્ત્રીએ ઘટનાનાં કારણો અને તંત્ર દ્વારા લેવાયેલાં પગલાંની માહિતી આપી હતી.
સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન શીતલ મિસ્ત્રીએ ઘટના અંગે જાણકારી આપતાં કહ્યું હતું કે, "ઘટના બાદ છ જણની બૉડી રેસ્ક્યુ કરી છે, અલગ અલગ અંદાજ સામે આવી રહ્યા છે. છ બૉડી કઢાઈ છે. અમે મુખ્ય કૉન્ટ્રેક્ટર સાથે વાત કરી તો તેમણે કહ્યું કે બોટમાં 15 બાળકો હતાં.”
"આ સાડા ચાર વાગ્યાનો બનાવ છે. બોટનું બૅલેન્સ બગડતાં તે પલટી મારી ગઈ. આ ખૂબ ચિંતાજનક મામલો બન્યો છે. કૉન્ટ્રેક્ટર પણ લાપતા થઈ ગયા છે. તેમને કેટલાં બાળકો હતાં એનો બરાબર અંદાજ નહોતો. તેમની વાત પરથી લાગી રહ્યું છે કે બોટમાં વધુ બાળકો બેઠાં હશે."
જ્યારે તેમને લાઇફ જેકેટ વગર બોટિંગ મામલે સવાલ કરાયો ત્યારે તેમણે કહ્યું કે, "આ તપાસનો વિષય છે. મેં એકેય બૉડી જોઈ નથી, પરંતુ કૉન્ટ્રેક્ટરનું કહેવું છે કે લાઇફ જેકેટ આપ્યાં હતાં."
પીએમ, સીએમએ દુ:ખ વ્યક્ત કરી સહાય જાહેર કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું, "હરણી તળાવની ઘટનાથી વ્યથિત છું. આ દુ:ખની ઘડીમાં મારી લાગણીઓ અસરગ્રસ્ત કુટુંબો સાથે છે. ઈજાગ્રસ્તો જલદી સાજા થાય તેવી કામના. સ્થાનિક તંત્ર શક્ય તમામ મદદ કરી રહ્યું છે. મૃતકોનાં સગાંને વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત કોષમાંથી બબ્બે લાખ રૂ. અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂ.ની સહાય કરાશે."
ઘટનાને પગલે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ 'એક્સ' પર લખ્યું કે , "ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું."
રાજ્ય સરકાર દ્વારા તમામ મૃતકોના પરિવારજનોને ચાર-ચાર લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય જાહેર કરાઈ હતી.
સમગ્ર ઘટના અંગે માહિતી આપતાં રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, "બાળકો નિર્દોષ હતાં. આવી ઘટના નહોતી બનવી જોઈતી. તેમને તરતાં ન આવડતું હોય. જવાબદાર વ્યક્તિએ પૂરતી વ્યવસ્થા કરીને બાળકોને બેસાડવાનાં હોય છે. આ શરતચૂક થઈ છે. અત્યારે સ્થાનિક લોકો, સ્થાનિક તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે હાજર છે."