ગુજરાત હાઈકોર્ટે કેમ કહ્યું કે, “લોકોની સગવડ માટે અબોલ પશુઓ કમોતે મરે તે સ્વીકાર્ય નથી”

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
નડિયાદમાં ૩૦થી વધારે ગાયોના મૃતદેહની તસવીરો જોઈને હાઈકોર્ટે તેની ઝાટકણી કાઢીને મૃતક પશુઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરી હતી.
નડિયાદના વતની મૌલિક શ્રીમાળીએ કરેલી જાહેર હિતની અરજી પર દાખલ થયેલી કોર્ટની અવમાનના અરજીની સુનાવણી દરમ્યાન કોર્ટે આ મુદ્દે વેદના પ્રગટ કરી હતી.
મૌલિક શ્રીમાળીએ સોગંદનામામાં નડિયાદ મ્યુનિસિપાલિટીની ખુલ્લી જગ્યા પર ૩૦થી વધુ ગાયોના મૃતદેહની તસવીરો તેમજ એક અખબારી અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો હતો.
હાઈકોર્ટના જજ આશુતોષ શાસ્ત્રી અને હેમંત પ્રચ્છકની બેન્ચે તસવીરો જોઈને ખેદ પ્રગટ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, “જો આવું થઈ રહ્યું હોય તો ઇશ્વર પણ આપણને માફ નહીં કરે. આ ખૂબ દુઃખદ અને આઘાતજનક છે. પશુ અંગેની નીતિના નિયમન અને અમલ બજવણીની આડમાં અબોલ પશુ જીવ ગુમાવે તે યોગ્ય નથી. માણસોની સગવડ માટે અમે આ પ્રકારના કૃત્યને મંજૂરી આપી શકીએ નહીં.”
સરકારના ઍડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કોર્ટમાં કહ્યું હતું કે “પશુઓને કમોતે મારવાનું કામ કેટલાંક બદમાશોનું હોઈ શકે છે.”
કોર્ટે આ મામલે ખેડા જિલ્લા કલેક્ટરને તપાસ કરીને બુધવારે અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે.
સમગ્ર મામલો શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
જાહેર હિતની અરજી કરનાર મૌલિક શ્રીમાળીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે, “રસ્તે રખડતાં ઢોરને મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ પકડી જાય છે એની સામે કોઈ વાંધો જ નથી. પરંતુ ઢોરને પકડીને હાઈકોર્ટે જે સૂચના આપી છે તે પ્રમાણે પછી પાલન નથી થતું તેની સામે વાંધો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે વધુમાં કહ્યું, "પશુઓના ડૉક્ટર, ઘાસચારો, હવાડો વગેરે તમામ જરૂરી સુવિધા વ્યવસ્થાતંત્રએ કરવી જોઈએ. તે એક પશુ નથી પણ જીવ છે એ રીતે તેની દેખરેખ થાય એવા આદેશ પણ આપવામાં આવેલા છે. રખડતાં ઢોર લાવ્યા પછી ઢોરવાડામાં ગાયો બદતર હાલતમાં છે અને મૃત્યુ પામી રહી છે."
તેમણે ઉમેર્યું, "જાણે ઢોરવાડામાં જ કતલખાનું હોય એવી રીતે ગાયો મરી રહી છે. અમને ખબર પડી પછી તરત જ અમે મૃત પશુના નિકાલ માટેની જગ્યાએ ગયા હતા. અમે જે જોયું તેની તસવીરો કોર્ટમાં રજૂ કરી હતી.”
નડિયાદના ઢોરવાડાની બાજુમાં આવેલી કમળા ખાતેની ડમ્પિંગ સાઇટના અંદરના ભાગે ગાયોના મૃતદેહ અને કંકાલ મળી આવ્યાં હતાં.
દરમ્યાન નડિયાદમાં બીબીસી ગુજરાતીના સહયોગી નચિકેત મહેતા સાથે વાત કરતા નડિયાદ નગરપાલિકાના ચીફ ઑફિસર રુદ્રેશ હુદડે જણાવ્યું કે હાલ તો કોર્ટમાં કાર્યવાહી ચાલુ હોવાના કારણે તેઓ વધારે કંઈ માહિતી નહીં આપી શકે.
પણ તેમણે કહ્યું, "હાલ ગાયોને સાચવવા સંગ્રહ ક્ષમતા અગાઉ કરતાં વધારવામાં આવી છે. અગાઉ 50 થી 60 ગાયોને સાચવવાની વ્યવસ્થા હતી તેને વધારીને 300 ગાયોને સાચવી શકાય તેવી વ્યવસ્થા ગોઠવી છે."
ઇન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે છેલ્લે થયેલી સુનાવણીમાં સરકારી વકીલ મનિષા શાહે કોર્ટને જણાવ્યું હતું કે, "ત્રણ અધિકારીઓએ આ જગ્યાની મુલાકાત લીધી હતી. પહેલી દ્રષ્ટિએ આ કંકાલો અત્યારનાં હોય તેવું લાગતું નથી. એ ખૂબ જૂના છે, પરંતુ તેની તપાસ થવી જોઈએ. ખેડા જિલ્લાના એસપી આ કામગીરી પર નજર રાખી રહ્યા છે અને આ કંકાલ ક્યારનાં છે તેની તપાસ એફએસએલને સોંપવામાં આવી છે."
કોર્ટે અગાઉ શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
ગાયોનાં જે રીતે મરણ થયાં છે તેની સામે પગલાં લેવાય એવી સૂચના સાથે કોર્ટે એમ પણ કહ્યું હતું કે, રસ્તે રખડતાં પશુના ત્રાસ અટકાવવાની જે નીતિ છે તે યથાવત્ જ રહેવી જોઈએ, પરંતુ સાથે પશુઓની પણ યોગ્ય દેખરેખ થવી જોઈએ.
અહીં ઉલ્લેખનીય છે કે ‘પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ નીતિ – 2023’ અમદાવાદમાં અમલમાં આવ્યા પછી ખાસ્સો ઊહાપોહ છે. ઢોરવાડામાં પૂર્યા પછી પશુઓની કેવી હાલત છે એના વીડિયો પણ વાઇરલ થયા હતા. રસ્તે રખડતાં ઢોર પાલિકા પાંજરે પૂરી દે છે, પછી તેની સરખી માવજત નથી થતી એવા આક્ષેપો માલધારીઓ સતત કરતા રહે છે.
આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના નાયબ કમિશનર મિહિર પટેલે ગયા સપ્તાહે ઢોરવાડાની મુલાકાત લઈને મીડિયાને જણાવ્યું હતું કે, “ઢોરવાડામાં ઘાસ, પાણી અને સારવારની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદના ત્રણેય ઢોરવાડામાં ડૉક્ટર સહિત 21 સભ્યોનો વેટરનરી સ્ટાફ ચોવીસ કલાક કાર્યરત છે.”
રખડતાં ઢોરની સમસ્યાનો અંત આવશે?

ઇમેજ સ્રોત, YAWAR NAZIR
આંકડાઓ પર નજર ફેરવીએ તો સપ્ટેમ્બરથી અત્યાર સુધી અમદાવાદમાં રસ્તે રખડતાં 8,500થી વધુ ઢોર પકડાયા છે.
રખડતાં ઢોરને લીધે બનતાં અણબનાવોને પગલે હાઈકોર્ટે અવારનવાર અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને ઠપકો આપ્યો છે. ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઑથોરિટીએ એક રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત્ છે. તે પછી હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ઝાટકણી કાઢી હતી, સાથે સાથે રાજ્ય સરકાર અને પોલીસને પણ તાકીદ કરી હતી.
તેને પગલે 1 સપ્ટેમ્બરથી અમદાવાદ શહેરમાં ‘રખડતા પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ નીતિ – 2023’નો અમલ થઈ રહ્યો છે. 1 સપ્ટેમ્બરથી નીતિ લાગુ થયા પછી અત્યાર સુધી 8,700થી વધુ ઢોર પકડાયા છે. 211 પશુમાલિકો સામે પોલીસ ફરિયાદ થઈ છે.
10 ડિસેમ્બરે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે, હાલમાં 4,834 પશુઓ પશુવાડામાં છે. જેમાં સૌથી વધુ અમદાવાદના દાણીલીમડા ખાતેના પશુવાડામાં 2,544 છે. એ પછી બાકરોલ પશુવાડામાં 1,319 અને નરોડા પશુવાડામાં 971 પશુ છે.
‘પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ નીતિ – 2023’ અમલમાં મૂકવામાં આવી છે તે હાઈકોર્ટ દ્વારા થયેલ નિર્દેશને પગલે જ મૂકાઈ છે. જે અંતર્ગત પશુમાલિકો પોતાના પશુને પોતાની જગ્યામાં રાખે, ખુલ્લામાં ન છોડે, ન્યુસન્સ (અણબનાવ) કે ગંદકી ન થાય તેમજ નાગરિકોને અને ટ્રાફિકમાં તે અડચણ ન કરે, તેવું જણાવાયું છે.
આ સાથે જણાવાયું છે કે જેમની પાસે પશુ રાખવાની જગ્યા ન હોય તેમણે શહેરની બહાર પશુ મોકલી દેવાં. જેમની પાસે પશુ રાખવાના પરવાના- લાયસન્સ નથી તેમણે મેળવી લેવા અને પશુની નોંધણી કરાવીને આરએફઆઈડી (રેડીયોફ્રીક્વન્સી આઇડેન્ટિફીકેશન) ચિપ પણ લગાવવી.
કોર્ટે રાજ્ય સરકાર પાસેથી એ પણ રિપોર્ટ પણ માગ્યો છે કે વિવિધ પશુવાડામાં કેટલી ક્ષમતા છે અને ત્યાં આરોગ્ય સારવાર વગેરેની કેટલી સગવડ છે.












