વિપક્ષને મુખ્ય મંત્રીઓની ધરપકડ એકજૂથ કરી શકશે, આગળ હજુ કેવા પડકારો?

બંધારણ બચાવો રેલી

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, ફૈસલ મોહમ્મદ અલી
    • પદ, બીબીસી સંવાદદાતા

'મોદી જ્યારે ડરી જાય ત્યારે ઇડી લગાડે'

કેન્દ્રીય એજન્સી ઇડી વિરુદ્ધ નારા પોકારાયા અને લગભગ અડધો ડઝન નેતાઓનાં ભાષણમાં એના કથિત દુરોપયોગનો ઉલ્લેખ પણ વારંવાર આવ્યો.

જોકે, રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી 'લોકતંત્ર બચાવો રેલી'માં તૃણમૂલ કૉંગ્રેસના નેતા ડેરક ઓ બ્રાયનના નિવેદનનો ઉલ્લેખ વિશેષ જરૂરી છે.

પોતાના સંક્ષિપત ભાષણમાં તૃણમૂલ કૉંગ્રેસે દાવો કર્યો કે "ટીએમસી ઇન્ડિયા ગઠબંધનનો ભાગ હતી, છે અને રહેશે."

ડેરક ઓ બ્રાયનનું નિવેદન શું અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ તૃણમૂલ કૉંગ્રેસના વલણમાં આવેલા ફેરફાર તરીકે જોવું જોઈએ કે આ એક નિવેદન માત્ર જ છે, એ વાતનો હાલ તો માત્ર અંદાજો જ લગાવી શકાય એમ છે.

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીનો પક્ષ પ્રારંભથી જ ઇન્ડિયા ગઠબંધનનો ભાગ હોવા છતાં રાજ્યની કુલ 42 લોકસભા બેઠકો એકલપંડે જ ચૂંટણી લડી રહ્યો છે.

મલ્લિકાર્જુન ખડેગની શિખામણ

મલ્લિકાર્જુન ખડગે

ઇમેજ સ્રોત, INCIndia

જોકે, આ નિવેદનને કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ભાષણ સાથે જોડવાથી કેટલાય અર્થ સરવા લાગે છે.

કૉંગ્રેસના આ વયોવૃદ્ધ નેતાએ પોતાના ભાષણના અંતમાં કહ્યું, "પહેલા એક થવાનું શીખો, એકબીજાને તોડવાનું ના શીખો..."

જોકે, 80 વર્ષથી વધારેની વય ધરાવનારા કૉંગ્રેસ નેતાએ એવું પણ કહ્યું કે ગઠબંધનમાં વિવિધતા છે પણ મોટા ઉદ્દેશો માટે વિપક્ષ દળો એકસાથે છે. ડાબેરી પક્ષોના નેતા ડી. રાજા અને સીતારામ યેચુરી તરફ ઇશારો કરતાં તેમણે કહ્યું કે કેરળમાં તેઓ લડે છે પણ મોટા ઉદ્દેશો માટે સાથે આવે છે.

આ જ વાત તેમણે પંજાબ અને આમ આદમી પાર્ટી તથા કૉંગ્રેસના સંબંધો અંગે પણ કરી. તમામ પ્રયાસો છતાં પંજાબમાં બન્ને દળો વચ્ચે લોકસભાની ચૂંટણી માટે કોઈ પણ પ્રકારનું સમાધાન નથી થઈ શક્યું.

રામલીલા મેદાનમાં પણ રવિવારે આપ અને કૉંગ્રેસના કાર્યકરો અલગ-અલગ સમૂહોમાં ઊભેલા જોવા મળ્યા. આપના કાર્યકરોની પીળી ટીશર્ટ અને ટોપીઓ મેદાનમાં મોટા પ્રમાણમાં જોવા મળી અને તેઓ પાણી વહેચવાથી લઈને લોકોને રસ્તો બતાવતાં પણ નજરે પડ્યા.

એવામાં પણ પંજાબથી આવેલા આપના કાર્યકરોની સંખ્યા વધારે જોવા મળી. કેટલાય તો બરનાલા જિલ્લાનાં અલગઅલગ ગામોમાંથી આવ્યા હતા. છત્તીસગઢ અને તામિલનાડુમાંથી એકલદોકલ કાર્યકરો સાથે અમારી મુલાકાત થઈ શકી.

ધરપકડથી વિપક્ષ દબાણમાં ના આવ્યો

લોકતંત્ર બચાવો રેલી

ઇમેજ સ્રોત, @INCIndia

નરેન્દ્ર મોદી સરકારને જો એવું લાગ્યું હોય કે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની કથિત શરાબ નીતિ કૌભાંડમાં કરાયેલી ધરપકડ વિપક્ષ પર દબાણ ઊભું કરી શકશે તો રવિવાર રામલીલા મેદાનમાં યોજાયેલી રેલીમાં એવું કંઈ ના દેખાયું.

'લોકતંત્ર બચાવો રેલી'ના નામે કરાયેલા આ આયોજનમાં તામિલનાડુથી લઈને કાશ્મીર અને મહારાષ્ટ્ર સુધીનાં રાજકીય દળો ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેન અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં એકજૂથ જોવાં મળ્યાં અને કાર્યક્રમ શરૂ થયો ત્યાં સુધીમાં તો રામલીલા મેદાન ખીચોખીચ ભરાઈ પણ ગયું.

દિલ્હીમાં વિપક્ષની એકજૂથતાનો કાર્યક્રમમાં એ જ દિવસે યોજાયો, જે દિવસે વડા પ્રધાને ઉત્તર પ્રદેશના મેરઠમાં ભાજપનો ચૂંટણી માટે શંખનાદ ફૂંક્યો.

મલ્લિકાર્જુન ખડગેએ પોતાના ભાષણમાં ભાજપ અને આરએસએસને ઝેર સમાન ગણાવ્યા અને લોકોને કહ્યું કે એને ચાટીને ટેસ્ટ કરવાનો પ્રયાસ પણ ના કરે, કેમ કે એ જીવલેણ સાબિત થઈ શકે છે.

રાહુલ ગાંધી બાદ તેઓ એ થોડા નેતાઓમાં હશે જેમણે સ્પષ્ટ રીતે આરએસએસનું નામ આ રૂપે લીધું છે.

ફારુક અબ્દુલ્લાહે ચૂંટણી બૉન્ડ તરફ ઇશારો કર્યો

ફારુક અબ્દુુલ્લા

ઇમેજ સ્રોત, @INCIndia

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ફારુક અબ્દુલ્લાહ અને રાહુલ ગાંધીએ પોતપોતાની રીતે બંધારણ પર જોખમ તોળાઈ રહ્યું હોવાની વાત કરી.

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ચૂંટણીપંચ અને બીજી સંસ્થાઓ સાથે મળીને મોદી સરકાર આ સમગ્ર ચૂંટણીને ફિક્સ મૅચની રીતે યોજવાનો પ્રયાય કરી રહી છે. તેમણે કહ્યું કે તેમનો ઉદ્દેશ બંધારણને સંપૂર્ણ રીતે બદલવાનો છે.

જોકે, તેમણે એ સ્પષ્ટ પણ કર્યું કે આવા પ્રયાસો સફળ નહીં થાય કેમ કે એનાથી દેશ તૂટવાનું જોખમ ઊભું થઈ જશે.

તો ફારુક અબ્દુલ્લાહે પોતાના ભાષણમાં એ વાતનો ઉલ્લેખ કર્યો, જેમાં 600થી વધારે વકીલોએ મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને ન્યાયપાલિકા પર દાગ લગાડવાનો આરોપ લગાડ્યો છે.

આ પત્ર વકીલોએ દેશની સર્વોચ્ચ અદાલતના એ નિર્ણય બાદ લખ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી બૉન્ડને ગેરકાયદે ગણાવ્યા હતા અને બૉન્ડ જાહેર કરનારી કંપની સ્ટેટ બૅન્કને આદેશ આપ્યો હતો કે તે બૉન્ડ અને એના સંબંધિત તમામ જાણકારીઓ જાહેર કરે.

એના બાદ એ પ્રકારના અહેવાલો આવ્યા હતા કે કેટલીય કંપનીઓએ દરોડા અને ધરપકડ બાદ ભાજપને ભંડોળ આપ્યું હતું. વિપક્ષનો આરોપ છે કે આવું દબાણ ઊભું કરવાના લીધે થયું છે.

કેજરીવાલ તરફથી સુનિતા કેજરીવાલનાં વચનો

કેજરીવાલ

ઇમેજ સ્રોત, @yadavakhilesh

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે હેમંત સોરેન અને અરવિંદ કેજરીવાલની ધરપકડ પર જર્મની, અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રની પ્રતિક્રિયા અંગે વાત કરતાં કહ્યું કે આનાથી વિશ્વભરમાં ભારતની બદનામી થઈ છે.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી અને ક્યારેક ભાજપની સહયોગી રહેલી શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરીએ ગઠબંધનવાળી સરકારની વાત કરી.

જોકે, સુનિતા કેજરીવાલના ભાષણની વાત છેલ્લા સમયે આવી. તેમણે અરવિંદ કેજરીવાલના એક પત્ર થકી ગરીબોને મફત વીજળી આપવાથી લઈને આપની સરકાર બનવા પર દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવાનું વચન આપ્યું.

સુનિતા કેજરીવાલે અરવિંદ કેજરીવાલ તરફથી એ પણ કહ્યું કે તેમને આશા છે કે બીજાં સહયોગી દળો તેમની સાથે વિચારવિમર્શ માટે કરાયેલાં આ વચનોનું ખોટું નહીં લગાડે.

સુનિતા કેજરીવાલનું એવું પણ કહેવું હતું કે અરવિંદ કેજરીવાલે આ વચનો પર થનારા ખર્ચના પૈસા ક્યાંથી આવશે એને લઈને સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરી લીધી છે.

રવિવારે રામલીલા મેદાનમાં પોતાની વાત કરતાં સુનિતા કેજરીવાલમાં પહેલાંથી વધારે આત્મવિશ્વાસ દેખાયો. ગત સપ્તાહમાં જનતા સાથેનો આ તેમનો ત્રીજો સંવાદ હતો.

સપાના કાર્યકરો જ ના આવ્યા અને કૉંગ્રેસના ભીડ પૂરતાં જ સિમિત

આમ આદમી પાર્ટી

ઇમેજ સ્રોત, @AAPDelhi

આ જ રામલીલા મેદાનમાં 2010-2011માં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અરવિંદ કેજરીવાલ અને સામાજિક કાર્યકર અન્ના હજારે તથા અન્ય લોકોએ ધરણાપ્રદર્શન અને ઉપવાસ કર્યાં હતાં. એ વખતે કૉંગ્રેસની મનમોહન સરકાર હતી.

કૉંગ્રેસના કાર્યકરો જણાવે છે કે ચૂંટણી પહેલાં સમગ્ર મામલે જે રીતે કાર્યવાહી કરાઈ રહી છે, તે અંગે તેમને ફરિયાદો છે.

જોકે, કૉંગ્રેસી કાર્યકરોનું જોર ભીડ પૂરતું જ સમિત હતું. પાણી પીવડાવવા સુધીનું કામ આપના કાર્યકરો કરી રહ્યા હતા. એવામાં દિલ્હીથી અડીને આવેલા ઉત્તર પ્રદેશમાંથી સપાનો કોઈ પણ સ્વયંસેવક ના દેખાયો.

એટલું જ નહીં, તમામ વચનો છતાં વિપક્ષી એકજૂથતા અને એના ચહેરા અંગે સ્થિતિ સ્પષ્ટ નથી દેખાઈ રહી. ચૂંટણીના મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આ જ વિપક્ષી ગઠબંધન માટે મોટો પડકાર છે.