ઉત્તરકાશી ટનલ : એ 'બહાદુર રૅટ-હોલ માઇનર' જેમણે દિવસો સુધી ફસાયેલા મજૂરોનું રૅસ્ક્યૂ ઑપરેશન પાર પાડ્યું

ઇમેજ સ્રોત, ANI
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન સુરંગનો ભાગ પડતાં ફસાયેલા 41 મજૂરોને અંતે 17 દિવસની મહામહેનત બાદ સુરક્ષિત કાઢી લેવાયા છે.
દિવાળી બાદથી જ સમગ્ર દેશની નજર સિલક્યારાની આ ટનલ પર ટકેલી હતી. સ્થાનિકથી માંડીને આંતરરાષ્ટ્રીય માધ્યમો પણ આ મામલાની કવરેજ કરી રહ્યાં હતાં.
આ બચાવ અભિયાનનો સૌથી મુશ્કેલ તબક્કો હતો અંતિમ દસથી 12 મીટર સુધીનું ખોદકામ કરીને રસ્તો બનાવવાનો, જેમાં ‘રૅટ-હોલ માઇનરો’એ અગત્યની ભૂમિકા ભજવી હતી.
હિંદુસ્તાન ટાઇમ્સ અનુસાર દિલ્હીની કંપનીમાં કામ કરતાં ‘રૅટ-હોલ માઇનર’ મુન્ના કુરેશીએ પ્રથમ શખ્સ હતા, જેઓ મંગળવારે સાંજે સાત વાગ્યાને પાંચ મિનિટે સુંરગની અંદર ફસાયેલા લોકો સુધી પહોંચ્યા અને તેમનું અભિવાદન કર્યું.
મુન્ના એ ખાણકર્મીઓ પૈકી એક હતા, જે ટ્રેંચલેસ ઇજનેરી સર્વિસ કંપની માટે દિલ્હીની ગટરલાઇન અને પાણીની પાઇપને સાફ કરવાનું કામ કરે છે. બાકી રહેલા 12 મીટરનો કાટમાળ હઠાવવા માટે તેમને સોમવારે સિલક્યારા લવાયા હતા.
તેમનું કહેવું હતું તેમણે સોમવારે સાંજે સાત વાગ્યાથી કાટમાળ હઠાવવાની શરૂઆત કરી અને 24 કલાક કરતાં પણ ઓછા સમયમાં કામ પૂરું કરી લીધું.
હિંદુસ્તાન ટાઇમ્સના સમાચાર અનુસાર મુન્ના કુરેશીએ સુરંગમાંથી બહાર નીકળ્યા બાદ જણાવ્યું કે, “મેં અંતિમ પથ્થર હઠાવ્યો અને તેમને જોયા. તે બાદ હું બીજી તરફ ગયો. તેઓ મને ભેટી પડ્યા, તાળીઓ પડવા લાગી અને તેઓ મને ધન્યવાદ કરી રહ્યા હતા.”
સમાચાર એજન્સી એએનઆઇ સાથે એનડીઆરએફ (નૅશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ)ના કર્મી મનમોહનસિંહ રાવતે ટનલની અંદર પહોંચવાનો પોતાનો અનુભવ શૅર કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મનમોહનસિંહ રાવતે કહ્યું, “જ્યારે હું ટનલની અંદર પહોંચ્યો તો શ્રમિક ભાઈઓ ખુશીથી ઊછળી પડ્યા. તેઓ ખૂબ ખુશ હતા. મેં કહ્યું કે એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ છે અને હવે તમને લોકોને બહાર કઢાશે. અમારા માટે આ ખૂબ જ પડકારજનક હતું, પરંતુ બધું પ્લાન પ્રમાણે બન્યું. ટનલની અંદર શ્રમિકોનું માનસિક સંતુલન જળવાઈ રહે એ માટે અમે તેમને હિંમત આપતા રહેતા હતા.”

ઇમેજ સ્રોત, GETTY IMAGES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રૅટ-હોલ માઇનિંગ ખાણમાં સાંકડા રસ્તાથી કોલસો કાઢવાની એક ખૂબ પુરાણી તકનીક છે અને મેઘાલયમાં તેનું વ્યાપક ચલણ છે.
રૅટ-હોલનો અર્થ છે – જમીનમાં સાંકડો રસ્તો ખોદવો, જેમાં એક વ્યક્તિ જઈને કોલસો કાઢી શકે. આનું નામ ઉંદરો દ્વારા સાંકડા હોલ બનાવવાની વાતથી મળતા આવતા હોવાને કારણે રૅટ-હોલ માઇનિંગ પડ્યું છે.
સિલક્યારા સુરંગથી કઢાયેલા પ્રથમ શ્રમિકને રાત્રે આઠ વાગ્યાની આસપાસ ઍમ્બુલન્સ મારફતે સ્થાનિક સ્વાસ્થ્યકેન્દ્રમાં લઈ જવાયા.
મુન્ના કુરેશીએ કહ્યું કે રૅટ-હોલ માઇનર સતત પથ્થર સહિતના કાટમાળને હઠાવી રહ્યા હતા. તેમણે કહ્યું, “હું મારી ખુશી વ્યક્ત નથી કરી શકી રહ્યો. મેં મારા સાથી મજૂરો માટે આ કામ કર્યું છે. તેમણે અમને જેટલું સન્માન આપ્યું છે એને હું ક્યારેય ન ભૂલી શકું.”
અંતના બે મીટરમાં ખોદકામ કરનારા વધુ એક રૅટ-હોલ માઇનર ફિરોઝ બહાર નીકળ્યા ત્યારે તેમની આંખમાં આંસુ હતાં. તેમણે કહ્યું, “હું ફસાયેલા મજૂરોને ભેટ્યો ત્યારે રડી પડેલો.”
એક અન્ય રૅટ-હોલ માઇનરે કહ્યું કે બચાવ અભિયાન મુશ્કેલ હતું કારણ કે કાટમાળમાં ઘણા પથ્થર હતા.
તેમણે કહ્યું, “લગભગ એક વાગ્યે અંદર ફસાયેલા લોકોના અવાજ સંભળાવા લાગ્યા હતા. તેઓ અમારાથી લગભગ દસ મીટર દૂર હતા. અમે બૂમ પાડીને તેમને કહ્યું કે અમે ટૂંક સમયમાં જ તેમને બચાવી લઈશું.”
સુબોધકુમાર વર્મા એ 41 મજૂરો પૈકી એક છે, જેમને સિલક્યારા ટનલમાંથી બચાવી લેવાય છે. સુરક્ષિત બહાર આવ્યા બાદ સુબોધે સમાચાર એજન્સી એએનઆઇને જણાવ્યું કે, “હું ઝારખંડથી છું. સાચું કહું તો અમને ત્યાં માત્ર 24 કલાક સુધી જ તકલીફ પડી. આ 24 કલાક દરમિયાન ભોજન-પાણી અને ઓક્સિજનની મુશ્કેલી અનુભવાઈ.”
“પરંતુ 24 કલાક બાદ પાઇપ મારફતે કાજુ, સુકવેલી દ્રાક્ષ અને અન્ય વસ્તુઓ અમને ખાવા માટે અપાઈ. દસ દિવસ બાદ અમને દાળ-ભાત પણ મળ્યાં. મને કોઈ ખાસ પરેશાની ન થઈ. મુશ્કેલી માત્ર 24 કલાક માટે જ પડી. કેન્દ્ર અને રાજ્ય સરકારનો ધન્યવાદ.”
જ્યારે એનડીઆરએફના જવાનો માટે પાઇપ નાની પડી

ઇમેજ સ્રોત, GETTY IMAGES
આ દરમિયાન ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, ટ્રેન્ચલેસ એન્જિનિયરિંગમાં ભૂગર્ભ ટનલિંગના નિષ્ણાત પ્રવીણ યાદવે જણાવ્યું હતું કે એનડીઆરએફના સભ્યો સહિત ઘણા લોકોએ અંદર જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બ્લોઅરના અભાવ અથવા ઓક્સિજનના પૂરતા પુરવઠાના અભાવને કારણે તેઓ નિષ્ફળ ગયા હતા.
તેમણે કહ્યું, “જ્યારે કંઈ જ કામ કરતું ન હતું, ત્યારે મારા સાથી બલિન્દર યાદવ અને મેં અંદર જવા માટે સંમતિ વ્યક્ત કરી, પરંતુ મારા બૉસે કહ્યું કે પહેલાં એનડીઆરએફના લોકોને પ્રયાસ કરવા દો. પરંતુ તે સૈનિકો ખૂબ જ મોટા હતા અને તેમના માટે પાઇપો ખૂબ નાની હતી. આવી સ્થિતિમાં હવે મારે અંદર જવાનું હતું. મેં ગૅસ કટર લીધું, પાણીની બે બૉટલ ઉપાડી અને મારા ઘૂંટણ અને કોણીના દમ પર પાઇપમાં ઘૂસી ગયો.”
“આગળનો રસ્તો બનાવવા માટે, કાટમાળમાં રહેલા જાડા સળિયા શોધવાના હતા અને પછી તે ગૅસ કટરથી કાપવાના હતા. તેમજ બાકી બચેલા ટુકડા હઠાવવાના હતા.”
પ્રવીણ યાદવે કહ્યું, “આના કારણે અંદર ઘણી ગરમી પેદા થઈ રહી હતી અને બળી જવાનો ભય પણ હતો. નાની જગ્યામાં પ્રવેશવું મુશ્કેલ કામ હતું, પરંતુ કલાકો સુધી ગૅસ કટરનો ઉપયોગ કરવો એ તેનાથી પણ મોટો પડકાર હતો. તે સહનશક્તિ અને અનુભવની બાબત હતી.”
યાદવે જણાવ્યું કે જ્યારે ગૅસ કટરનો ઉપયોગ કરાઈ રહ્યો હતો ત્યારે તેમના ચહેરા અને શરીર પર તણખા પડી રહ્યા હતા. પરંતુ તેમણે સૅફ્ટી જાકીટ, હાથનાં મોજાં, ગૉગલ્સ અને હેલ્મેટ પહેર્યાં હતાં. તેમણે કહ્યું, "જો તમે અનુભવી છો, તો તમે જાણો છો કે કયા ઍંગલ પર કાપો મૂકવો જેથી જોખમ ન્યૂનતમ રહે."
તેમણે જણાવ્યું કે ડ્રિલિંગ દરમિયાન ઘણી વાર અવરોધો આવી રહ્યા હતા અને આ અવરોધોને દૂર કરવા તેમણે બેથી ત્રણ વખત ટનલની અંદર જવું પડતું હતું.
તેઓ જણાવે છે, “હું ધાતુને કાપીને તેને ઠંડું કર્યા પછી બહાર લાવી રહ્યો હતો. આના કારણે હું સંપૂર્ણપણે પરસેવાથી લથબથ થઈ જતો હતો. ત્યાં સુધી કે મારાં પગરખાં પણ પરસેવાથી ભરાઈ જતાં હતાં. બહાર આવ્યા બાદ જેવી જ તાજી હવા મને મળતી ત્યારે ખૂબ જ સુખદ અહેસાસ થતો. લોકોએ મારા માટે તાળીઓ પાડી અને મારી પ્રશંસા કરી.”
તેમણે કહ્યું કે તેઓ અગાઉ એમોનિયા ભરેલી જગ્યા પરથી ચાર લોકોને બચાવવાની કામગીરીમાં સામેલ થયા હતા, પરંતુ આ તેમનું સૌથી મુશ્કેલ બચાવ ઑપરેશન હતું.
'ગેરકાયદેસર ટેકનૉલૉજી'એ જીવ બચાવ્યા

ઇમેજ સ્રોત, GETTY IMAGES
સમાચાર એજન્સી પીટીઆઇના જણાવ્યા અનુસાર, રૅટ-હોલ માઇનિંગ ગેરકાયદેસર છે, પરંતુ એનડીઆરએફના એક સભ્યએ કહ્યું કે રૅટ-હોલ માઇનિંગ કરનારાની પ્રતિભા અને અનુભવને કારણે જ 41 લોકોના જીવ બચાવી શકાયો છે.
2014માં નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલે મેઘાલયમાં ત્રણ-ચાર ફૂટ સુરંગ બનાવીને રૅટ-હોલ માઇનિંગ તકનીક વડે થતા કોલસાના ખનન પર પ્રતિબંધ લાદી દીધો.
એનડીઆરએફના સભ્ય લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) સૈયદ અતા હસનૈને જણાવ્યું હતું કે રૅટ-હોલ માઇનરોએ 24 કલાકથી ઓછા સમયમાં દસ મીટરનો રસ્તો બનાવીને અદ્ભુત કામ કર્યું છે.
મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "રૅટ -હોલ માઇનિંગ ગેરકાયદેસર હોવા છતાં, માઇનરની પ્રતિભા અને અનુભવ અને તેમની ક્ષમતાઓનો ઉપયોગ કરાયો છે."
એનએચએઆઇ સભ્ય વિશાલ ચૌહાણે જણાવ્યું હતું કે એનજીટીએ કોલસાની ખાણોમાં પ્રતિબંધ મુકાયા છતાં આ ટેકનૉલૉજીનો ઉપયોગ કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર થાય છે.
તેમણે કહ્યું, “આ એક ખાસ પરિસ્થિતિ છે, લોકોના જીવ બચાવવાની બાબત છે. તેઓ (રૅટ-હોલ માઇનર) એવા ટેકનિશિયન છે જે અમને મદદરૂપ થાય છે.”
પીટીઆઇ અનુસાર જ્યારે તેમને રૅટ-હોલ માઇનરોને કોણે રાખ્યા છે એ વિશે પુછાયું તો એના જવાબમાં તેમણે કહ્યું કે, "જ્યારે આપણે સરકાર વિશે વાત કરીએ છીએ ત્યારે ખર્ચ અહીંથી આવે કે ત્યાંથી વાત તો એક જ છે."
સિલ્ક્યારામાં બચાવ કામગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવનાર 12 રૅટ-હોલ માઇનર દિલ્હી, ઝાંસી અને દેશના અન્ય ભાગોમાંથી આવે છે.
ગબ્બરસિંહ નેગી, જેમણે જાળવી રાખ્યું શ્રમિકોનું મનોબળ

જે દિવસે સવારે સાડા પાંચ વાગ્યે સુરંગમાં કામ કરતી વખતે 41 મજૂરો ફસાયા એ દિવસે દિવાળી હતી.
અમુક મજૂરો પોતે ક્ષેમકુશળ પાછા ફર્યા એ વાતને ચમત્કાર માની રહ્યા છે. એવી ઘણી તકો આવી, જ્યારે તેમને લાગ્યું કે હવે તેમનો અંત નજીક છે.
હિંદુસ્તાન ટાઇમ્સના સમાચાર અનુસાર લખીમપુર ખીરીના શ્રમિક મંજિતલાલના પિતા ચૌધરીએ 17 દિવસ બાદ પોતાના દીકરાને મળ્યા બાદ કહ્યું, “અમારા માટે તો આજે જ અસલ દિવાળી છે.”
ચૌધરીએ કહ્યું, “અંતે બહાર આવી ગયા છે. પહાડે અંતે મારા દીકરા અને અન્યોને જવા દીધા. હું કપડાં લઈ આવ્યો છું જેથી તેને સ્વચ્છ કપડાંમાં જોઈ શકું.”
ચૌધરીના મોટા દીકરા મુંબઈમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ પર થયેલા અકસ્માતમાં ગુજરી ગયા હતા.
તેમના દીકરાએ જણાવ્યું કે અન્ય ફસાયેલા લોકો સાથે ગબ્બરસિંહ નેગી નામના સહયોગી મારફતે મળી રહેલા પ્રોત્સાહનથી તેમનું મનોબળ જળવાયેલું રહ્યું.
ગબ્બરસિંહ નેગી 51 વર્ષીય ફોરમૅન છે, જેઓ સતત પોતાના ફસાયેલા સાથીઓને શાંતિ જાળવવા અને હિંમત રાખવા સમજાવી રહ્યા હતા. તેમણે સાથીઓને કહેલું કે તેઓ સૌથી છેલ્લે બહાર આવશે અને તેમણે એવું જ કર્યું.
અખબાર અનુસાર ગબ્બરના ભાઈ જયમાલસિંહ નેગીએ કહ્યું, “તેઓ સૌથી છેલ્લે બહાર આવ્યા. બહાર આવતી વખતે તેમના ચહેરા પર સ્મિત હતું.”
કોટદ્વારાના રેહવાસી જયમાલ 12 નવેમ્બરના રોજ જ સ્થળે પહોંચી ગયા હતા. તેમણે ભારે અવાજમાં કહ્યું, “આજે જ અમારા માટે દિવાળી છે. અંતે હું તેમને જોઈ શક્યો. આ બચાવ અભિયાન સાથે સંકળાયેલા તમામ લોકોને હું મુબારકબાદ આપવા માગું છું.”














