ઉત્તરકાશી ટનલ દુર્ઘટના ટાળી શકાઈ હોત? શું કહે છે નિષ્ણાત?

આર્નોલ્ડ ડિક્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આર્નોલ્ડ ડિક્સ
    • લેેખક, અંનત ઝણાણે
    • પદ, બીબીસી સંવાદદાતા, ઉત્તરકાશીથી

ઉત્તરકાશીમાં સુરંગમાં 17 દિવસથી 41 કામદારો ફસાયા હોવાની ઘટના છેલ્લાં બે અઠવાડિયાંથી સતત સમાચારોમાં હતી. જોકે હવે તેમને બહાર કાઢી લેવાયા છે.

પરંતુ એવો સવાલ પણ ઊઠ્યો છે કે શું કામદારોની સુરક્ષા માટે વધુ સારી વ્યવસ્થા કરી શકાઈ હોત? શું આ અકસ્માત ટાળવા માટે કંઈક કરી શકાયું હોત?

બીબીસીએ સરકારી વેબસાઇટ infracon.nic.in પર આ પ્રશ્નોના જવાબો શોધવાનો પ્રયાસ કર્યો. આ પ્રોજેક્ટની દરખાસ્ત તપાસતા કેટલાક અંશે આ પ્રશ્નોના જવાબો મળી શકે છે.

જૂન-2018માં તૈયાર કરાયેલ સિલ્ક્યારા પ્રોજેક્ટના આરએફપી (રિક્વેસ્ટ ફૉર પ્રપોઝલ)ના અભ્યાસ મારફતે બીબીસીએ એ જાણવાનો પ્રયાસ કર્યો કે આખરે નૅશનલ હાઇવે ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમૅન્ટ કૉર્પોરેશન (NHIDCL) આ સ્થળે કયા પ્રકારની ટનલ બનાવવા માંગતી હતી?

પ્રોજેક્ટની કિંમતમાં વધારો

ટનલ

ઇમેજ સ્રોત, Getty Images

આ માહિતીને આધારે એવું કહી શકાય કે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સિલ્ક્યારા વળાંક પર બરકોટની ટુ-લૅન બાય-ડાઇરેક્શન ટનલ બનાવવાનું હતું. વળી તેના સંચાલન અને મૅન્ટનન્સ સિવાય નૅશનલ હાઇવે 134ના માર્ગમાં ઘરાસૂ-યમુનોત્રી સૅક્શનના 25.4 અને 51 કિલોમીટર વચ્ચે પડતા અપ્રોચ રોડ તથા ઍસ્કેપ પૅસેજ (બહાર નીકળાના માર્ગ)નું નિર્માણ સામેલ હતું.

2018ના અનુમાન મુજબ રૂ. 853.79 કરોડ ખર્ચે આ પ્રોજેક્ટ 48 મહિનામાં પૂરો કરવાનો હતો.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની અંદાજ સમિતિના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે 2021માં આ પ્રોજેક્ટની કિંમત વધીને 1383.78 કરોડ રૂપિયા થઈ ગઈ અને લખાયું કે ટનલ, ઍસ્કેપ પૅસેજ અને એપ્રોચ રોડનું નિર્માણ 8 જુલાઈ-2022 સુધી થઈ જશે.

શું ઍસ્કેપ ટનલ બનાવવી જરૂરી હતી?

ટનલ

ઇમેજ સ્રોત, Getty Images

આ રાહતકાર્યમાં ઇન્ટરનૅશનલ ટનલિંગ ઍન્ડ અંડરગ્રાઉન્ડ સ્પેસ ઍસોસિએશન (ITUSA)ના પ્રમુખ આર્નોલ્ડ ડિક્સ પણ જોડાયા હતા. તેઓ દરરોજ ટનલની અંદર જતા હતા અને તેમના તકનીકી અનુભવ દ્વારા બચાવકાર્યમાં સલાહ પૂરી પાડતા હતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તો શું આવી ટનલમાં ઍસ્કેપ પૅસેજ બનાવવો જરૂરી હોય છે?

આર્નોલ્ડ ડિક્સ આ વિશે કહે છે, "મારો અંગત અભિપ્રાય છે કે, ટનલનિર્માણના આ તબક્કે ઍસ્કેપ પૅસેજ હોવું જરૂરી નથી કારણ કે સામાન્ય રીતે તમે બાંધકામ હેઠળની ટનલ તૂટી પડવાની અપેક્ષા રાખતા નથી."

"સામાન્ય રીતે સમગ્ર વિશ્વમાં આપણે આપણી ટનલ આ રીતે તૂટી જશે તેવું વિચારીને બનાવતા નથી. અમે મુખ્ય ટનલ બનાવવાના અંતે ઍસ્કેપ ટનલ બનાવીએ છીએ જેથી જો કોઈ ઘટના બને તો ટનલનો ઉપયોગ કરતા લોકો તેમાંથી બચી શકે. "

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ પ્રોજેક્ટમાં ઍસ્કેપ ટનલ બનાવવાની દરખાસ્ત છે કે નહીં? એના જવાબમાં તેમણે કહ્યું, "જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી તેની અંતિમ ડિઝાઇનમાં એ છે. પરંતુ જ્યારે અમે મુખ્ય ટનલ બનાવતા હોઈએ ત્યારે અમે સામાન્ય રીતે તેવું કરતા નથી. કેટલાક યુરોપિયન દેશોમાં અમે સર્વિસ ટનલ બનાવીએ છીએ જેનો ઉપયોગ બચવા માટે થઈ શકે છે પરંતુ તે તેનો પ્રાથમિક હેતુ નથી."

આર્નોલ્ડ ડિક્સ કહે છે, "પરંતુ હવે અહીં આવી ઘટના બની ગઈ છે."

જ્યારે બીબીસીએ આર્નોલ્ડ ડિક્સને સિક્કિમમાં લગભગ પૂર્ણ થઈ ગયેલી ટનલ વિશે જણાવ્યું કે જેમાં એક ઍસ્કેપ ટનલ પણ છે. ત્યારે એ વિશે આર્નોલ્ડ ડિક્સે કહ્યું, "મેં એ ટનલ જોઈ નથી પરંતુ શક્ય છે કે ભારતના ખૂબ જ જટિલ ભૂસ્તરશાસ્ત્રને કારણે ઍસ્કેપ ટનલ બનાવાઈ હોય. પરંતુ વિદેશમાં અમે આવું નથી કરતા."

શું ટનલ તૂટી પડવાના કારણોની તપાસ થઈ રહી છે?

ટનલ

ઇમેજ સ્રોત, Getty Images

આ અંગે આર્નોલ્ડ ડિક્સ કહે છે, "હું જાણું છું કે ખૂબ જ ઝીણવટભરી તપાસ થશે કારણ કે આખી દુનિયા આ ઘટનાને જોઈ રહી છે અને ભારત દેશ પણ જોઈ રહ્યો છે. જોકે, હું આ વિશે ચોક્કસ જાણકારી નથી ધરાવતો."

અમે પૂછ્યું કે શું ટનલ ઍક્સપર્ટ તરીકે તેઓ આ ઘટનાનાં કારણોની તપાસ ઇચ્છે છે?

આના પર આર્નોલ્ડ ડિક્સ કહે છે, "હા. નહીં તો બધું વ્યર્થ છે. જો આપણે આ ઘટનામાંથી કંઈ શીખ્યા નથી તો પછી આપણે શું મેળવ્યું? આટલા પૈસા ખર્ચીને આપણે શું મેળવ્યું? માત્ર તણાવ અને પૈસાનો બગાડ કરીને શું મળ્યું? અને લોકોના જીવનમાં તણાવ થયો?”

આર્નોલ્ડ વધુમાં કહે છે, "જ્યાં સુધી હું સમજું છું ત્યાં સુધી તપાસ ટીમ પહેલા દિવસથી જ તપાસમાં જોડાઈ ગઈ છે. કારણ કે આને સામાન્ય કરતાં અસાધારણ ઘટના માનવામાં આવી છે. તપાસ ટીમ અહીં છે. હું એ ટીમમાં નથી. કેટલીક આપત્તિઓમાં હું તપાસ ટીમનો ભાગ રહી ચૂક્યો છે. પરંતુ આ ઘટનામાં હું તપાસ ટીમમાં નથી. પરંતુ હું 41 લોકોના બચાવકાર્યમાં જોડાયેલો છું."

શું કોઈ અલગ તકનીકનો ઉપયોગ કરવો જોઈએ?

ટનલ

ઇમેજ સ્રોત, Getty Images

આ અંગે ડિક્સ કહે છે કે, "અમે સામાન્ય રીતે ખડકની રચનાને જોઈએ છીએ અને એ મુજબ તે ખડક માટે સપૉર્ટ સિસ્ટમ બનાવીએ છીએ.”

જો બચાવકાર્ય માટે નાખવામાં આવતી પાઇપલાઇન માટે ડ્રિલિંગ દરમિયાન તમે સળિયા અને લોખંડના ટુકડા વારંવાર અવરોધ સર્જી રહ્યા હોવાની વાત સાંભળી હશે. એ બાંધકામમાં ઉપયોગમાં લેવાતા ગર્ડર છે.

સામાન્ય રીતે લૅટિસ ગર્ડર એટલે કે સળિયાથી બનેલા ગર્ડરનો ઉપયોગ ટનલિંગ માટે થાય છે. તે સિંગલ પીસ આયર્નથી બનેલા ISMB ગર્ડર કરતાં જુદા હોય છે.

આ બંને પ્રકારના ગર્ડરનો હેતુ ટનલને તૂટી પડતી અટકાવવાનો છે.

તો બંનેમાંથી કયો ગર્ડર સારો છે?

આ પ્રશ્ન પર આર્નોલ્ડ ડિક્સ કહે છે, "સામાન્ય રીતે અમે ખડકના પ્રકાર અને તે ખડક માટે જરૂરી સપૉર્ટ સિસ્ટમ નક્કી કરીએ છીએ. મને લાગી રહ્યું છે કે, હિમાલયમાં એક અસામાન્ય પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, જ્યાં ખડકોની શ્રેણી બદલાઈ રહી છે અને તે તેની તપાસ કરવી જરૂરી છે. કારણ કે જે ભાગ તૂટી પડ્યો છે એ પહેલાં ક્યારેય તૂટી પડ્યો ન હતો અને એ તૂટી પડશે એવા કોઈ સંકેત પણ મળ્યા ન હતા.”

શું આ સુરંગમાં છટકી જવાનો માર્ગ હતો?

ટનલ

ઇમેજ સ્રોત, Getty Images

“આપણી સમક્ષ પડકાર એ છે કે આપણે એ તપાસવાનું છે કે આ પહાડમાં એવું શું છે જેણે આપણને આ પરિસ્થિતિમાં નાખી દીધા. આ ટનલના એન્જિનિયરિંગે અપેક્ષા મુજબની તાકત નથી બતાવી?”

જો ટનલમાં ગ્રાઉટિંગ (તિરાડો રિપૅર કરવાનું કામ) ચાલી રહ્યું હતું તો શું કામદારોએ ગ્રાઉટિંગની જગ્યાએથી ટનલની અંદર વધુ આગળ ન જવું જોઈતું હતું?

આ અંગે આર્નોલ્ડ ડિક્સ કહે છે, "મને તેનો તાણ નહીં અનુભવાય, કારણ કે મને ટનલ તૂટી જવાની અપેક્ષા નહીં હોય. સામાન્ય રીતે અમે ટનલમાં અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ પ્રકારનાં કામ કરીએ છીએ અને એકબીજા એકમેક સાથે તાલમેલ જાળવી રાખીએ છીએ. પરંતુ મારા અનુભવમાં મેં ક્યારેય એવું નથી જોયું કે સુરંગમાં એક જગ્યાએ કોઈ કામ થઈ રહ્યું હોય અને ત્યાં અન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ હોય છે."

સિલ્ક્યારા ટનલ પ્રોજેક્ટ સંબંધિત સરકારી દસ્તાવેજમાં ઍસ્કેપ પૅસેજ બનાવવાનો ઉલ્લેખ હતો. એટલે જ્યારે અમે NHIDCLના એમડી મહમૂદ અહેમદને પૂછ્યું કે શું ટનલના વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR)માં પણ ઍસ્કેપ પૅસેજ વિશે કોઈ યોજના હતી કે નહીં?

આ પ્રશ્નના જવાબમાં મહમૂદ અહમદે કહ્યું, "તમે જે પ્રશ્ન પૂછ્યો છે તે અમારા મગજમાં પણ છે. સમિતિની રચના થઈ ગઈ છે અને તેનાં તારણો જાહેર કરવામાં આવશે. અમારો પ્રથમ ઉદ્દેશ અમારા 41 સાથીઓને બહાર લાવાવનો રહ્યો છે. પછી દરેક બાબતે વિચારણા કરાશે."

જ્યારે બીબીસીએ પૂછ્યું કે શું સમિતિએ તેનું કામ શરૂ કરી દીધું છે? ત્યારે મહમૂદ અહમદે આ પ્રશ્નનો જવાબ આપ્યો ન હતો.

રેડ લાઇન
રેડ લાઇન