રાજધાની પર ડ્રોન ત્રાટક્યા બાદ ઇઝરાયલનો યમનના હૂતી વિદ્રોહીઓ ઉપર હવાઈ હુમલો

    • લેેખક, ટૉમ સ્પેન્ડર અને પૉલ એડમ્સ
    • પદ, બીબીસી ન્યૂઝ

હૂતી વિદ્રોહીઓએ હુમલાના એક દિવસ પછી ઇઝરાયલે યમનમાં હૂતી વિદ્રોહીઓના નિયંત્રણવાળા હુદૈદાહ બંદર પર જવાબી હુમલો કર્યો. આ બંદર રાતા સમુદ્રના કિનારે આવેલું છે.

હૂતી વિદ્રોહીઓ સાથે જોડાયેલા મીડિયાના અહેવાલ પ્રમાણે, આ હુમલામાં ત્રણ લોકોનાં મોત થયાં છે અને 80થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે.

હૂતી અધિકારી મહંમદ અબ્દુલ સલામે યમન વિરુદ્ધ ઇઝરાયલના આ હુમલાને 'ક્રુર' ગણાવ્યો છે.

જોકે, ઇઝરાયલના રક્ષામંત્રી યોઆવ ગૅલેન્ટે કહ્યું કે ઇઝરાયલ આ હુમલા થકી હૂતી ચળવળને એક સંદેશ આપવા માંગે છે.

ગૅલેન્ટે કહ્યું, “હુમલાને કારણે હુદૈદાહમાં લાગેલી આગની જ્વાળાઓ સમગ્ર મધ્યપૂર્વમાં જોઈ શકાય છે. આ હુમલાનું મહત્ત્વ હવે સ્પષ્ટ થઈ ગયું છે.”

તેમણે કહ્યું કે આ હુમલો હૂતી વિદ્રોહીઓ પર દબાણ વધારવા માટે કરવામા આવ્યો હતો, જેથી કરીને વિદ્રોહીઓ ગાઝામાં પેલેસ્ટાઇનિયનોનું સમર્થન કરવાનું બંધ કરે. વિદ્રોહીઓ હવે સમર્થન કરવાની હિંમત નહીં કરે.

ઇઝરાયલે પ્રથમ વખત હૂતી વિદ્રોહીઓ પર સીધો હુમલો કર્યો છે. ઇઝરાયલનું કહેવું છે કે હૂતી વિદ્રોહીઓએ છેલ્લા કેટલાક મહિનામાં તેના પર સેંકડો મિસાઇલો વરસાવી છે. વિદ્રોહીઓએ ડ્રોન હુમલાઓ પણ કર્યા છે.

ઇઝરાયલના હુમલા પછી શનિવારની સાંજથી હુદૈદાહમાં આગની ઊંચી જ્વાળાઓ જોવા મળી રહી છે.

હૂતી સંચાલિત સરકારે સનામાં કહ્યું, “ઇઝરાયલે સમુદ્ર તટની નજીક એક તેલ ભંડાર અને તેની સામે આવેલા એક પાવર પ્લાન્ટ પર હુમલો કર્યો છે.”

બીજી તરફ ઇઝરાયલની સેના આઈડીએફે કહ્યું, “યમનના હૂતી વિદ્રોહીઓ તરફથી ઇઝરાયલ પર છેલ્લા નવ મહિનામાં કરવામા આવેલા હુમલાઓ પછી ઇઝરાયલ વાયુસેનાનાં વિમાનોએ હુદૈદાહ પોર્ટ વિસ્તારમાં 1800 કિલોમીટર સુધી આતંકવાદીઓનાં સૈન્યઠેકાણાં પર હુમલાઓ કર્યા છે.”

આઈડીએફએ કહ્યું, “અમે જરૂર પડ્યે ઇઝરાયલ સામે ખતરો ઊભો કરનાર કોઈ પણ તાકાત ઉપર, ક્યાંય પણ હુમલો કરવા માટે સક્ષમ છીએ. એવો જ હુમલો હૂતી વિદ્રોહીઓ સામે કરવામા આવ્યો છે. આ ઑપરેશનનું કૉડ નેમ ‘આઉટસ્ટ્રેચ્ડ આર્મ’ હતું.”

“આ પ્રકારના હુમલાની જરૂર પડશે તો કરીશું”

ઇઝરાયલના રક્ષામંત્રી ગૅલેન્ટે કહ્યું કે હૂતી વિદ્રોહીઓએ ઇઝરાયલને નુકસાન પહોંચાડ્યુ હતું એટલે તેના પર હુમલો કરવામા આવ્યો.

તેમણે કહ્યું, “હૂતી વિદ્રોહીઓએ અમારી ઉપર 200થી વધારે હુમલાઓ કર્યા. તેમણે પહેલી વખત જ્યારે ઇઝરાયલના નાગરિકને નુકસાન પહોંચાડ્યું ત્યારબાદ અમે તેમના પર હુમલો કર્યો. અમે જ્યાં પણ આ પ્રકારનો હુમલો કરવાની જરૂર પડશે કરીશું.”

શનિવારે હૂતી વિદ્રોહીઓ પર હુમલા બાદ ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ કહ્યું, “અમારો દેશ દરેક પ્રકારે પોતાની રક્ષા કરશે.”

તેમણે એક ટીવી સંબોધનમાં કહ્યું, "જે પણ અમને નુકસાન પહોંચાડશે, તેણે તેની આક્રમકતાની કિંમત ચૂકવવી પડશે.” તેમણે દાવો કર્યો કે હુદૈદાહ બંદરથી ઈરાની હથિયારો લાવવામા આવે છે. આ (બંધર) ઈરાની હથિયારોનું પ્રવેશદ્વાર છે."

તેમણે એવું પણ ઉમેર્યું કે આ હુમલાએ ઇઝરાયલના દુશ્મનોને દેખાડી દીધું કે ઇઝરાયલ ના પહોંચી શકે એવું કોઈ સ્થાન નથી.

ઇઝરાયલની સેનાના અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે ઈરાનનિર્મિત ડ્રોન વડે તેલ અવીવમાં ફ્લેટ્સના એક બ્લૉક પર હુમલો કરવામા આવ્યો હતો. આ ડ્રોન એવી રીતે બનાવવામા આવ્યું હતું કે લાંબા અંતર સુધી હુમલો કરી શકે.

હૂતી વિદ્રોહીઓએ આ હુમલાની જવાબદારી લીધી હતી. વિદ્રોહીઓનું કહેવું હતું કે આ પ્રકારના વધારે હુમલાઓ થશે.

આ હુમલામાં એક 50 વર્ષની એક વ્યક્તિ મૃત્યુ પામી હતી અને આઠ લોકોને ઇજા પહોંચી હતી. આ વ્યક્તિ હાલમાં જ બેલારૂસથી તેલ અવીવ આવી હતી.

ઇઝરાયલની સેનાના અધિકારીઓએ જણાવ્યું છે કે સેનાના લોકોએ તેલ અવીવ તરફ આવી રહેલા આ ડ્રોનને જોયું હતું. જોકે, આ ડ્રોનને તોડી પાડવાનો પ્રયત્ન કરાયો નહોતો, જે એક ભૂલ હતી.

હૂતી વિદ્રોહીઓએ છોડેલી એક પણ મિસાઇલ કે ડ્રોન આ પહેલાં તેલ અવીવ સુધી પહોંચ્યાં નહોતાં. કારણ કે ઇઝરાયલની સેના એ પહેલાં જ મિસાઇલ કે ડ્રોનને તોડી પાડતી હતી.

હૂતી વિદ્રોહીએ કહ્યું કે હુમલાનો અસરકારક વળતો જવાબ મળશે

હૂતી વિદ્રોહીના કાર્યકારી સંગઠન અને તેની સર્વોચ્ચ રાજકીય પરિષદે સમૂહમાધ્યમોને જણાવ્યું છે કે ઇઝરાયલને હુમલાનો અસરકારક વળતો જવાબ દેવામા આવશે.

ઇઝરાયલે આ પહેલાં યમનમાં હૂતી વિદ્રોહીઓ પર હુમલો કર્યો ન હતો. જોકે, અમેરિકા અને બ્રિટેન છેલ્લા કેટલાક મહિનાઓથી હૂતી વિદ્રોહીઓ પર હુમલાઓ કરતા રહ્યા છે.

હૂતી વિદ્રોહીઓએ આ પહેલાં કહ્યું હતું કે તે સમુદ્રમાર્ગે ઇઝરાયલથી અવર-જવર કરતાં જહાજો પર હુમલાઓ કરી રહ્યા છે. જોકે, કેટલાંક જહાજોનો ઇઝરાયલ સાથે કોઈ સંબંધ નહોતો.

ઇઝરાયલના હવાઈ હુમાલઓ શરૂ થયા પછી હૂતી વિદ્રોહીઓએ અમેરિકા અને બ્રિટેનનાં કેટલાંક જહાજોને નિશાનો બનાવ્યાં હતાં.

ગયા વર્ષે નવેમ્બરમાં યમનના એક મોટા ભાગ પર નિયંત્રણ કરનારા હૂતી વિદ્રોહીઓએ રાતા સમુદ્રથી ઇઝરાયલ જનારાં તમામ જહાજોને નિશાનોને બનાવવાની ચેતવણી આપી હતી.

હૂતી વિદ્રોહીઓએ ગત નવેમ્બરમાં રાતા સમુદ્રમાં એક માલવાહક જહાજનું અપહરણ પણ કરી લીધું હતું.

આ જહાજના માલિકનો સંબંધ ઇઝરાયલ સાથે હતો તેવું કહેવામા આવી રહ્યું હતું. હૂતી વિદ્રોહીઓએ છેલ્લા બે મહિનામાં રૉકેટ અને ડ્રોનથી કેટલાક વેપારી જહાજોને નિશાનો બનાવ્યાં હતાં.

હમાસના હુમલા પછી સાત ઑક્ટોબરે ગાઝા પર ઇઝરાયલના વળતા હુમલાની શરૂઆતથી જ હૂતી વિદ્રોહીઓએ ઇઝરાયલ પર મિસાઇલો અને ડ્રોન છોડ્યાં હતાં. હૂતી વિદ્રોહીઓ ગાઝામાં હમાસનું સમર્થન કરે છે. હૂતી વિદ્રોહીઓને ઇરાનનું પણ સમર્થન મળે છે.

કોણ છે હૂતી વિદ્રોહીઓ અને તેમનો ઇરાદો શું છે?

હૂતી યમનના એક લઘુમત્તી શિયા ’ઝૈદી’ સમુદાયનું હથિયારધારી જૂથ છે.

સમુદાયે 1990ના દાયકામાં તત્કાલીન રાષ્ટ્રપતિ અલી અબ્દુલ્લાહ સાલેહના કથિત ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવા માટે આ સંગઠનનું ગઠન કર્યું હતું.

આ જૂથનું નામ અભિયાનના સંસ્થાપક હૂસેન અલ હૂતીના નામ પરથી પડ્યું છે. તે પોતાને ‘અંસાર અલ્લા’ એટલે કે ઇશ્વરના સાથી પણ કહે છે.

અમેરિકાના નેતૃત્વમાં 2003માં ઇરાક પર થયેલા હુમલાઓમાં હૂતી વિદ્રોહીએ નારો આપ્યો હતો, “ઇશ્વર મહાન છે. અમેરિકાનો ખાતમો થઈ જાય, ઇઝરાયલનો ખાતમો થાય, યહૂદીઓનો વિનાશ થાય અને ઇસ્લામનો વિજય થાય.”

હૂતી વિદ્રોહીઓ પોતાને હમાસ અને હિઝ્બુલ્લાહની સાથે ઇઝરાયલ, અમેરિકા અને પશ્ચિમી દેશોની વિરુદ્ધ ઈરાનના નેતૃત્વવાળી ‘પ્રતિકારની ધરી’નો હિસ્સો ગણાવે છે.

યૂરોપિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પીસના એક વિશેષજ્ઞ હિશામ અલ-ઓમેસીએ કહ્યું કે આ વાત પરથી અંદાજો લગાવી શકાય કે હૂતીઓ કેમ ખાડીથી ઇઝરાયલ તરફ જઈ રહેલાં જહાજોને નિશાનો બનાવી રહ્યા છે.

તેમણે કહ્યું, “હકીકતમાં તેઓ હવે ઉપનિવેસકો સામે લડી રહ્યા છે. તેઓ ઇસ્લામિક દેશોના દુશ્મનો સામે લડી રહ્યા છે. આ વિચાર પણ તેના આધાર સાથે સારી રીતે મેળ ખાય છે.”

વિદ્રોહીઓની મદદ કોણ કરે છે?

હૂતી વિદ્રોહીઓ લેબનાનના સશસ્ત્ર શિયા સમૂહ હિઝ્બુલ્લાહના મૉડલથી પ્રેરિત છે.

અમેરિકાના રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ‘કૉમ્બૅટિંગ ટેરરિઝમ સેન્ટર’ની માહિતી પ્રમાણે, હૂતી વિદ્રોહીઓને 2014થી મોટાપાયે હિઝ્બુલ્લાહ જ તાલીમ આપે છે.

હૂતી વિદ્રોહીઓ પોતાને ઈરાનના સહયોગી ગણાવે છે. કારણ કે બંનેનું દુશ્મન સાઉદી અરેબિયા છે.

ઈરાન હુતી વિદ્રોહીઓને હથિયારો આપે છે તેવી શંકાઓ છે.

અમેરિકા અને સાઉદી અરેબિયા કહે છે કે ઈરાને હૂતી વિદ્રોહીઓને બૅલેસ્ટિક મિસાઇલો અપાવી હતી. આ મિસાઇલોનો ઉપયોગ 2017માં સાઉદી અરેબિયાના પાટનગર રિયાધ પર થયેલા હુમલામાં કરવામા આવ્યો હતો. જોકે, આ મિસાઇલોને હવામાં જ તોડી પાડવામા આવી હતી.

સાઉદી અરેબિયાએ ઈરાન પર હૂતી વિદ્રોહીઓને ક્રૂઝ મિસાઇલ અને ડ્રોન આપવાનો પણ આરોપ લગાવ્યો છે, જેનો ઉપયોગ સઉદીની તેલની ફેકટરીઓ પર 2019માં થયેલા હુમલામાં કરવામા આવ્યો હતો.

હૂતી વિદ્રોહીઓ ઓછી રેન્જ વાળી હજારો મિસાઇલો સાઉદી અરેબિયા પર છોડી ચૂક્યા છે. વિદ્રોહીઓએ યુએઈને પણ નિશાનો બનાવ્યો છે.