You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હમાસનો દાવો- ઇઝરાયલી સેનાના હુમલામાં ગાઝામાં 141 લોકોનાં મોત
ગાઝામાં હમાસ દ્વારા સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે 'માનવીય' જાહેર કરાયેલા વિસ્તાર પર ઇઝરાયલ દ્વારા કરાયેલા હવાઈ હુમલામાં 141 પેલેસ્ટાઇનવાસીઓનાં મૃત્યુ થયાં છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ હવાઈ હુમલામાં 400 લોકો ઘાયલ પણ થયા છે. ઇઝરાયલનું કહેવું છે કે તેણે હમાસના નેતા મહમદ દેફ અને એના નાયબ રફા સલામાને નિશાન બનાવીને આ હુમલો કર્યો હતો.
આ અંગે માહિતી આપતાં શનિવારની સાંજે પત્રકારપરિષદમાં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું છે કે 'બન્ને માર્યા ગયા છે કે કેમ એ અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી.'
આ હુમલો ખાન યુનિસ નજીક અલ-મવાસી વિસ્તાર ઉપર કરાયો હતો. આ વિસ્તારને ઇઝરાયલે માનવીય ઝોન જાહેર કર્યો છે. અલ-મવાસીસ્થિત પ્રત્યક્ષદર્શીએ બીબીસીને જણાવ્યું છે કે જ્યાં હુમલો કરાયો ત્યાં 'ભૂકંપ' આવ્યો હોય એવું લાગ્યું હતું.
સંબંધિત વિસ્તારના વીડિયોમાં સળગતો કાટમાળ અને સ્ટ્રેચર લઈ જવાઈ રહેલા મૃતદેહો જોઈ શકાય છે. કેટલાક વીડિયોમાં લોકોને હાથથી કાટમાળ હટાવતાં પણ નજરે પડે છે.
બીબીસી વેરીફાય દ્વારા હુમલા બાદના ફૂટેજ ચકાસવામાં આવ્યા છે અને સ્પષ્ટતા કરાઈ છે કે માનવીય ઝોન જાહેર કરાયેલા વિસ્તાર પર જ ઇઝરાયલ ડિફેન્સ ફૉર્સિઝે (આઈડીએફ) હુમલો કર્યો છે.
નેતન્યાહુએ જણાવ્યું છે કે સુરક્ષાદળો સાથે ચર્ચા કર્યા બાદ તેમણે આ હુમલાનો આદેશ આપ્યો હતો.
ઘટનાસ્થળ નજીક કોઈ અપહ્રત છે કે કેમ, હુમલામાં કેટલું નુકસાન થશે અને કેવાં પ્રકારનાં હથિયારોનો ઉપયોગ કરાશે એ સંબંધે માહિતી મેળવી હોવાનું પણ વડા પ્રધાને જણાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પત્રકારપરિષદમાં એમણે એવું વચન પણ આપ્યું કે હમાસના બધા જ વરિષ્ઠ નેતાઓને ખતમ કરી દેવાશે. તેમણે જણાવ્યું, "હમાસના આખા નેતૃત્વને કોઈ પણ રીતે ખતમ કરી દેવાશે."
નોંધનીય છે કે અગાઉના એક નિવેદનમાં હમાસના નેતા ઇસ્માઇલ હાનિયાએ સમાચાર સંસ્થા એએફપી સાથેની વાતચીતમાં નેતૃત્વ નિશાન બનાવાઈ રહ્યું હોવાના ઇઝરાયલના દાવાને ખોટો ગણાવ્યો હતો.
તેમણે કહ્યું હતું, "પેલેસ્ટાઇનના નેતાઓને નિશાન બનાવવાનો ઇઝરાયલે પહેલી વાર દાવો નથી કર્યો. બાદમાં આવા દાવા ખોટા ઠર્યા છે."
આ તરફ ઇઝરાયલી સૈન્યના અધિકારીએ જણાવ્યું છે કે સંબંધિત હુમલો એક 'ખુલ્લા વિસ્તાર'માં કરાયો હતો અને ત્યાં 'કોઈ નાગરિકો નહોતા.'
જોકે, જે વિસ્તાર પર હુમલો કરાયો એ સુરક્ષિત વિસ્તાર જાહેર કરાયેલો હતો કે કેમ એ અંગેની માહિતી હોવાનો અધિકારીએ ઇન્કાર કર્યો હતો.
તેમણે એવું પણ ઉમેર્યું કે આ 'સ્પષ્ટ હુમલા' પહેલાં 'ચોક્કસ બાતમી' મેળવાઈ હતી.
'કાળા દિવસો પૈકી એક'
હુમલા બાદ એક સ્થાનિક હૉસ્પિટલના ડૉક્ટરે બીબીસી સાથેની વાતચીતમાં આને 'કાળા દિવસો પૈકી એક' ગણાવ્યો હતો.
બીબીસી વર્લ્ડ સર્વિસના 'ન્યૂઝઅવર' કાર્યક્રમ ડૉ. મહમદ અબુ રાય્યાએ જણાવ્યું કે હૉસ્પિટલમાં લવાઈ રહેલા મોટા ભાગના ઘાયલો મૃત હતા, જ્યારે બાકીનાઓને ગંભીર ઈજા થઈ હતી.
તેમણે આને 'નરકસમું' ગણાવ્યું અને મોટા ભાગના મૃતકોમાં મહિલાઓ અને બાળકો સામેલ હોવાનું ઉમેર્યું.
જ્યાં આ હુમલો કરાયો એ વિસ્તારની નજીક આવેલી કુવૈત ફિલ્ડ હૉસ્પિટલનાં વીડિયો ફૂટેજોમાં અફરાતફરીના મહોલ વચ્ચે ભોંય ઉપર જ ઘાયલોની સારવાર કરાઈ રહી છે.
ખાન યુનિસના નાસર મેડિકલ સંકુલ ઘાયલોથી 'ઊભરાયેલું' અને કામ ન કરી શકાય એવી સ્થિતિમાં હોવાનું પેલેસ્ટાઇન માટે 'બીબીસી ચેરિટી મેડિકલ સહાયે' જણાવ્યું છે.
મહમદ દેફ કોણ છે?
હમાસની સૈન્ય પાંખ અલ-કાસમ બ્રિગેડના વડા મહમદ દેફ ઇઝરાયલના મૉસ્ટ વૉન્ટેડ લોકોની યાદીમાં સામેલ છે.
પોતાની હત્યાના કેટલાય પ્રયાસો ખાળ્યા બાદ અને ઇઝરાયલની પકડમાંથી નીકળી ગયા બાદ ગાઝામાં એમને મિથિકલ દરજ્જો મળેલો છે. આવા જ હત્યાને એક પ્રયાસમાં વર્ષ 2002માં તેમણે પોતાની એક આંખ ગુમાવી દીધી હતી.
1989માં તેઓ ઇઝરાયલની જેલમાં બંધ હતા અને એમણે ઇઝરાયેલી સૈનિકોને પકડવા માટે બ્રિગેડની રચના કરી હતી.
1996માં થયેલા બસ બૉમ્બ વિસ્ફોટ પાછળ ઇઝરાયલ દેફને જવાબદાર ઠેરવે છે. આ વિસ્ફોટમાં ઇઝરાયલના કેટલાય નાગરિકો માર્યા ગયા હતા. 1990ના દાયકામાં ત્રણ ઇઝરાયલી સૈનિકોની હત્યામાં પણ તેમનો હાથ હોવાનું ઇઝરાયલ માને છે.
ઇઝરાયલ પર 7 ઑક્ટોબરે કરાયેલા હુમલા પાછળના માસ્ટરમાઇન્ડોમાં દેફ પણ સામેલ હોવાનું માનવામાં આવે છે. આ હુમલામાં 1200 ઇઝરાયલીઓ અને વિદેશીઓ માર્યા ગયા હતા. આમાંથી મોટા ભાગના સામાન્ય નાગરિકો હતા, જ્યારે 251 લોકોને અપહરણ કરીને ગાઝા લઈ જવાયા હતા.
એ હુમલા બાદ ઇઝરાયલે ગાઝા વિરુદ્ધ સૈન્યઅભિયાન શરૂ કરી દીધું હતું. જેમાં અત્યાર સુધી 38,400 પેલેસ્ટાઇનવાસીઓ માર્યા ગયા હોવાનું હમાસના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
હમાસના એક અધિકારીએ સમાચાર સંસ્થા રૉયટર્સને જણાવ્યું છે કે શનિવારનો હુમલો જણાવે છે કે ઇઝરાયલને યુદ્ધવિરામમાં કોઈ જ રસ નથી.
નોંધનીય છે કે કતાર અને ઇજિપ્તમાં ચાલી રહેલી યુદ્ધવિરામની વાતચીત શુક્રવારે કોઈ પણ પ્રકારની સફળતા હાંસળ કર્યા વગર નિષ્ફળતા સાથે પૂર્ણ થઈ હોવાનું બીબીસીને જાણવા મળ્યું છે.