You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'પ્રાણીઓની જેમ હાથ બાંધીને ખાવું પડતું' હમાસના કબજામાંથી છૂટેલા ઇઝરાયલી બંધકોની કહાણી
- લેેખક, યોલાંદે નેલ અને અનસ્તાસિયા જ્લાતોપોલ્સ્કાઈ
- પદ, બીબીસી ન્યૂઝ
ગત શનિવારે 8મી જૂને મધ્ય ગાઝામાં હમાસના કબજામાંથી નાટકીય રીતે છોડાવવામાં આવેલા ચાર બંધકોમાંથી એકના પિતા માઇકલ કોઝલોવ કહે છે, "તેમને ફોસલાવીને બોલવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા."
રશિયન ઇઝરાયલી આન્દ્રેના પરિવારજનો માટે ઇઝરાયલી સ્પેશિયલ ફોર્સની 'ડાયમંડ' કૉડ નેમ દ્વારા ચલાવવામાં આવેલું આ અભિયાન એ કોઈ 'ચમત્કાર'થી ઓછું નથી.
બીબીસી સાથે વાત કરતાં યુઝેનિયા અને માઇકલ કોઝલોવે તેમના પુત્રની યાદમાં આઠ મહિના કઈ રીતે વિતાવ્યા તેના વિશે જાણકારી આપી હતી.
ઇઝરાયલી મિલિટરી તરફથી જાહેર કરવામાં આવેલા બૉડી કૅમનાં ફૂટેજમાં દેખાય છે કે જ્યારે સુરક્ષાકર્મીઓ એ ઓરડામાં પહોંચ્યા જ્યાં તેમને બંધક બનાવવામાં આવ્યા હતા ત્યારે 27 વર્ષના આન્દ્રે અને એક અન્ય ડરી ગયેલા બંધક હાથ પકડીને, છુપાઈને બેસેલા હતા.
યુઝેનિયા કોઝલોવ કહે છે કે, "મહિનાઓ સુધી બંધક બનાવનાર લોકોનું બ્રેઇનવૉશ કરવામાં આવ્યું હતું. આથી જ્યારે ઇઝરાયલની ટીમ છોડાવવા માટે પહોંચી ત્યારે તેમને એ ખ્યાલ નહોતો આવ્યો કે તેઓ તેમને મારવા માટે આવ્યા છે કે બચાવવા માટે."
માઇકલ કોઝલોવ કહે છે કે તેમના પુત્ર અને અન્ય બંધકોને જણાવવામાં આવ્યું હતું કે તેઓ ધીમા અવાજે જ વાત કરે, કારણ કે તેમની સુરક્ષા કરી રહેલા ગાર્ડના જણાવ્યા અનુસાર, "એક જાસૂસી કરનાર વિમાન અને ડ્રોન તેમનો અવાજ સાંભળી રહ્યું હતું. તેઓ હિબ્રૂમાં જે વાત કરી રહ્યા હતા તેને હું સાંભળી રહ્યો હતો."
કોઝલોવ અનુસાર, "તેમને અતિશય આઘાત લાગ્યો હતો અને તેમની કહેલી કેટલીક વાતો પર ભરોસો થઈ ગયો હતો. જ્યાં સુધી તેમને બચાવવામાં ન આવ્યા ત્યાં સુધી તેમને ભરોસો જ ન થઈ શક્યો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગાઝાના નુસેરત કૅમ્પથી આન્દ્રે સિવાય અન્ય ત્રણ બંધકો નોઆ અરગામાની, અલ્મોગ મીર જાન ઇને શ્લોમી જીવને પણ છોડાવવામાં આવ્યા હતા.
તેમને સાત ઑક્ટોબરની સવારે નોવ મ્યુઝિક ફેસ્ટિવલમાંથી જ બંધક બનાવી લેવામાં આવ્યા હતા. તેઓ ત્યાં એક સિક્યૉરિટી ગાર્ડ સ્વરૂપે કામ કરી રહ્યા હતા અને તેઓ માત્ર 18 મહિના પહેલાં જ રશિયાથી ઇઝરાયલ આવ્યા હતા.
સમાચાર સાંભળીને પણ ભરોસો ન થયો
યુઝેનિયા કોઝોલવ સેન્ટ પીટ્સબર્ગમાં રહે છે અને બંધકોના પરિવારોની રેલીમાં સામેલ થવા, રાજનેતાઓ અને સેનાના પ્રતિનિધિઓને મળવા માટે તેઓ નિયમિતપણે આવતાં રહે છે.
આ વખતે પણ તેઓ તેલ અવીવ આવી રહ્યાં હતાં, પરંતુ એ પહેલાં જ ઇઝરાયલી અધિકારીઓએ ટેલિફોન કરીને તેમના પુત્ર વિશે તેમને જણાવ્યું.
તેઓ કહે છે, "હું બરાડા પાડવા લાગી. મેં મારો ફોન ફેંકી દીધો. પરંતુ ફોનમાંથી સતત અવાજ આવી રહ્યો હતો કે અમારી પાસે સારા સમાચાર છે."
'મેં ટેબલ નીચેથી ફોન ઉઠાવ્યો અને કહ્યું, શું કહો છો?'
તેમણે કહ્યું, "ખૂબ સારા સમાચાર છે. આન્દ્રે છૂટી ગયા છે. મારું અંગ્રેજી એટલું સારું નથી. મેં તેમને ફરીથી બોલવા કહ્યું."
તેમને એ વાતની ચિંતા હતી કે આન્દ્રેની સ્થિતિ શું હશે પરંતુ જ્યારે તેમણે વીડિયો કૉલ પર તેમને જોયા ત્યારે તેમને નિરાંત થઈ. તેઓ ઠીક લાગતા હતા.
તેમનાં માતા કહે છે, "તે ખૂલીને હસ્યો, મજાક પણ કરી. ગાઝાથી આવ્યાના ત્રણ કલાક પછી જ તેમના ચહેરા પર ખુશી આવી ગઈ હતી."
તેઓ કહે છે, "તે જેલમાં હતો, તે એક કેદી હતો, પરંતુ થોડા કલાકો પછી જ એ ઇઝરાયલની ધરતી પર હતો."
જ્યારે ત્રણ પુરુષ બંધકોને નુસરત શરણાર્થી શિબિરના પરિવારના ઍપાર્ટમેન્ટમાંથી છોડાવવામાં આવ્યા ત્યારે ઇઝરાયલી સૈન્યે જણાવ્યું હતું કે તેઓ હમાસના ગાર્ડ સામે લડ્યા હતા.
ઇઝરાયલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, "બંધકોને બહાર કાઢવા માટે ઉપયોગમાં લેવાતું સ્ટ્રેચર ખરાબ થઈ ગયું હતું અને ત્યારે જ હથિયારબંધ લોકોએ અમને ઘેરી લીધા હતા."
ઇઝરાયલી ઍરફોર્સ દ્વારા એ સમયે ભારે બૉમ્બમારો કરવામાં આવ્યો હતો, જેથી બચાવકર્મીઓને બહાર નીકળવા માટે સમય અને કવર મળી શકે.
અપહરણકર્તાઓએ બંધકોને શું જણાવ્યું?
ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે યુદ્ધ શરૂ થયું ત્યારથી આ ઘટના સૌથી લોહિયાળ હતી, જેમાં 270 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા.
જોકે, ઇઝરાયલની સેનાનું કહેવું છે કે આ ઑપરેશનમાં 100થી ઓછા લોકો માર્યા ગયા છે. ઇઝરાયલે હમાસને નાગરિકોનાં મૃત્યુ માટે જવાબદાર ગણાવ્યું, કારણ કે તેણે બંધકોને ગીચ વસ્તીવાળા વિસ્તારમાં છુપાવ્યા હતા.
આન્દ્રેનાં માતા ધ્રૂજતા અવાજમાં કહે છે, "તેના હાથ-પગ બે મહિનાથી બંધાયેલા હતા."
આન્દ્રેને પ્રાણીઓની જેમ પાછળ હાથ બાંધીને ખાવાનું ગમતું ન હતું, આથી તે તેના હાથને પાછળથી ધક્કો મારીને આગળ લાવતો અને પછી ખાતો હતો.
તેમના પિતા કહે છે, "અંતે તેના હાથ જ્યારે સામેની બાજુએથી બાંધવામાં આવ્યા ત્યારે તેને ભેટ મળી છે તેવું તેને લાગ્યું હતું."
માઇકલ કોઝલોવ કહે છે કે અપહરણકર્તાઓએ તેને 'અપમાનિત કર્યો અને માર પણ માર્યો', પરંતુ તે સિવાય તેઓ અન્ય ક્રૂરતા પણ કરતાં હતાં.
યુઝેનિયા કહે છે, "તે હંમેશાં માનસિક દબાણમાં રહેતો હતો. તેને કહેવામાં આવતું હતું કે તેની માતા રજાઓ માણવા માટે ગ્રીસ ગઈ છે. તેની પત્ની કોઈ બીજાને ડેટ કરી રહી છે."
આ નાટકીય ઑપરેશનને લઈને સમગ્ર ઇઝરાયલમાં ઉજવણીનો માહોલ છે.
યુઝેનિયા કહે છે, "સમગ્ર દેશમાં હવે આન્દ્રેને આવકારવા માટે ઉજવણી થશે. હું આશ્ચર્યચકિત છું કે આ ચાર બંધકોની મુક્તિ ઇઝરાયલમાં દરેક લોકો માટે ઉજવણી બની ગઈ છે."
આઠ મહિના પહેલાં હમાસના હુમલામાં 1200 લોકોનાં મોતના આઘાતમાંથી ઇઝરાયલ હજુ પણ બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
અપહરણ કરીને ગાઝા લઈ જવામાં આવેલા 240 બંધકોમાંથી, 100થી વધુને ગત નવેમ્બરમાં એક અઠવાડિયાના યુદ્ધવિરામ દરમિયાન મુક્ત કરવામાં આવ્યા હતા.
ઇઝરાયલ કહે છે કે માત્ર 116 બંધકો જ હવે ગાઝામાં છે - જેમાંથી લગભગ ત્રીજા ભાગના જીવિત નથી એવો અંદાજ છે.
જીવન પાટે ચડતાં વાર લાગશે
તાજેતરના આ અભિયાન પછી ઇઝરાયલનો આત્મવિશ્વાસ વધ્યો છે.
યુઝેનિયાને સતત એ યાદ અપાવવામાં આવી રહ્યું છે કે તેઓ કેટલાં નસીબદાર છે. તેલ અવીવની આસપાસ અને મધ્ય ગાઝામાં આન્દ્રેના ઘર પાસે એવાં અનેક પોસ્ટરો લાગેલાં છે જેમાં લાપતા લોકોની તસવીરો છે.
તેઓ કહે છે, "આ પોસ્ટરો જોઈને દુઃખ થાય છે. હવે હું જ્યારે તેમને જોઉં છું ત્યારે મને એક પ્રકારનો અપરાધબોધ થાય છે, કારણ કે અમે બહુ સારી રીતે આને સમજીએ છીએ, અમે દરરોજ ઘણી વખત એકબીજાને આ કહીએ છીએ કે આ એક ચમત્કાર છે."
તેમનો પુત્ર ભલે મુક્ત થઈ ગયો પણ તેમણે મુશ્કેલીઓ સહન કરી છે. તેમને તેમના ગાર્ડની વાત પર ભરોસો છે. તેમના ગાર્ડ કહી રહ્યા હતા કે અન્ય ઇઝરાયલી બંધકોની સરખામણીએ તેમને વધુ સારી જગ્યાએ રાખવામાં આવ્યા છે. અન્ય લોકોને તો જમીનની અંદર અને રોશનીથી દૂર રાખવામાં આવ્યા હતા.
માઇકલ ભારપૂર્વક કહે છે, "અમે હંમેશાં એવા લોકો વિશે વિચારીએ છીએ જેઓ હજી પણ ત્યાં છે. આપણે તેમને બચાવવા જોઈએ."
જોકે, તેમણે બચાવકામગીરીથી આશા છોડી નથી. તેમનો પરિવાર હવે આન્દ્રેના જીવનને પાટા પર લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. મેડિકલ તપાસ બાદ તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
245 દિવસ સુધી બંધક તરીકે રહ્યા પછી આન્દ્રે હવે શું થઈ રહ્યું છે તે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.બંધકોને પરત કરવાની માગ કરવા માટે ઇઝરાયલી સરકાર પર દબાણ લાવવા માટે માર્ચ યોજવામાં આવી રહી છે.
તેમનાં માતા કહે છે, "તે ઘણી બધી વસ્તુઓ જોઈને ચોંકી જાય છે. અને જે વાતની તેને ખબર નથી એ જો તેને ખબર પડી જાય તો તેને ઊંઘ આવતી નથી."
"પછી તે લેખ વાંચે છે અને કહે છે, શું આ સાચું છે? શું આ સાચું છે? શું આવું બન્યું હતું?"