You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કુવૈતની ઇમારતમાં આગ કેવી રીતે લાગી, સાક્ષીઓએ શું જણાવ્યું?
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી માટે
- દ્વારા રિપોર્ટિંગ, બેંગલુરુ
કેરળના કોલ્લમના રહેવાસી ઉમરુદ્દીન શમીરનો પરિવાર એટલો આઘાતમાં છે કે તેમના ફોન પર જવાબ પણ પાડોશીઓ આપી રહ્યા છે.
એક ભારતીય માલિકની ઑઇલ કંપનીમાં ડ્રાઇવરનું કામ કરનારા 29 વર્ષીય ઉમરુદ્દીન કુવૈતની એક ઇમારતમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલા લોકો પૈકી એક હતા.
પાડોશીએ પોતાનું નામ ન જાહેર કરવાની શરતે બીબીસીને જણાવ્યું કે, “તેઓ આઘાતમાં છે. અમુક કલાક પહેલાં જ પરિવારને આ વાતની જાણ થઈ છે. ઉમરુદ્દીનનાં લગ્ન નવ મહિના પહેલાં જ થયાં હતાં, એ સમયે તેઓ અહીં આવેલા હતા. તેમના માતાપિતા વાત કરવાની સ્થિતિમાં નથી.”
કુવૈતમાં ઉમરુદ્દીનના મિત્ર નૌફાલે બીબીસીને જણાવ્યું કે, “હું એમના પરિવાર વિશે ઝાઝું નથી જાણતો. મારું ઘર તેમની ઇમારતથી થોડું દૂર છે. અમે બધા એક જ ઑઇલ કંપનીમાં કામ કરીએ છીએ. ઉમરુદ્દીન એક મજૂર હતા. એ કહેવું ઘણું મુશ્કેલ છે કે એ ઇમારતમાં કોણ હતું અને કોણ નહોતું.”
નૌફાલે કહ્યું, “ઑઇલ કંપનીમાં કામ કરનારા લોકો શિફ્ટોમાં કામ કરતા હતા. સાત લોકોનું ગ્રૂપ લગભગ દોઢ વાગ્યાની આસપાસ જ કામે ગયું હતું. તેઓ પરત આવ્યા છે અને ઘણા આઘાતમાં છે.”
નૌફાલ પ્રમાણે, એ ઇમારતમાં મોટા ભાગના ભારતીય, ખાસ કરીને કેરળ અને તામિલનાડુના લોકો રહેતા હતા. જોકે, અન્ય દેશોના લોકો પણ ત્યાં રહેતા હતા.
પરંતુ કેરળ મુસ્લિમ કલ્ચરલ સેન્ટર (કેએમસીસી)ના કુવૈત યુનિટના શરફુદ્દીન કોનેત્તુએ બીબીસીને જણાવ્યું કે, “અમે હજુ આ ઘટનામાં મૃત્યુ પામેલા અને ઈજાગ્રસ્ત થયેલા લોકોની શોધખોળ કરી રહ્યા છીએ.”
શરફુદ્દીન ઘટનાસ્થળે જ હતા. તેમણે કહ્યું કે, “અમે ઘણા મૃતદેહોની ઓળખ નથી કરી શક્યા, કારણ કે ભોંયરામાં લાગેલી આગ છ માળની ઇમારતમાં સંપૂર્ણપણે ફેલાઈ ગઈ હતી. અત્યાર સુધી ઓછામાં ઓછા 11 ભારતીયોની ઓળખ થઈ છે, જેમના મૃત્યુ થઈ ચૂક્યાં છે. બે લોકોની સ્થિતિ ગંભીર છે. અમને કેટલાક મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટનો આશરો લેવો પડી શકે છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નજરે જોનારાઓએ શું જણાવ્યું?
તામિલનાડુના મણિકંદન કુવૈતમાં મજૂરી કરે છે. તેમણે બીબીસી સાથે આગ લાગવાની આ ઘટના વિશે વાત કરી.
મણિકંદને કહ્યું, “જ્યાં આગ લાગવાની આ ઘટના બની, હું એની પાસેના જ ઍપાર્ટમેન્ટમાં રહું છું. ગરમીની સિઝનને કારણે મોટા ભાગના મજૂરો રાતની શિફ્ટમાં જ કામ કરી રહ્યા છે. જે મજૂરો નાઇટ શિફ્ટ પરથી સવારે ઘરે પાછા ફર્યા હતા, તેઓ પરત ફર્યા બાદ ભોજન રાંધી રહ્યા હતા. આગ લાગતાં જ એ ઝડપથી ફેલાઈ ગઈ. જેઓ ઇમારતમાં હાજર હતા, તેઓ આગ પર કાબૂ મેળવવાની સ્થિતિમાં નહોતા.”
“ઇમારતમાં રહેતા મોટા ભાગના લોકો ભારતથી હતા, ખાસ કરીને કેરળ અને તામિલનાડુથી. હું એ ઇમારતમાં રહેતી કોઈ વ્યક્તિને વ્યક્તિગતપણે નથી ઓળખતો, પરંતુ આગ લાગતાં ઊઠેલા ધુમાડાને કારણે મેં ઘણા લોકોનો શ્વાસ રૂંધાતો જોયો. એ પૈકી કેટલાક લોકો સૂતા હતા, કારણ કે એ સવારનો સમય હતો.”
એ ઘટનામાં બચી ગયેલી એક વ્યક્તિએ કહ્યું, “હું પાંચમા માળે સૂતો હતો અને અચાનક પાડોશીઓએ અંદરથી દરવાજે ટકોરા માર્યા. હું જ્યારે બહાર આવ્યો તો ખબર પડી કે ત્યાં માત્ર કાળો ધુમાડો જ હતો, કંઈ નહોતું દેખાઈ રહ્યું.”
તેમણે કહ્યું, “જે લોકોએ મારો દરવાજો ખખડાવ્યો હતો, તેઓ જીવ બચાવવા માટે બીજી તરફ જતા રહ્યા. તેથી અમે અન્ય રૂમમાં રહી રહેલા લોકોના દરવાજા ન ખખડાવી શક્યા. મારા રૂમની બારી મોટી હતી તેથી અમે ચારેય લોકો ત્યાં જ રહ્યા અને એ રસ્તાથી બહાર નીકળી ગયા. પરંતુ મારા પોડાશના રૂમમાં બારી નાની હતી. તેઓ ત્યાંથી ન નીકળી શક્યા.”
કુવૈતમાં એક બહુમાળી ઇમારતમાં આગ લાગવાને કારણે મૃત્યુ પામનારા 49માંથી મોટા ભાગના ભારતીયો છે.
કુવૈતમાં ભારતના રાજદૂતે હૉસ્પિટલની મુલાકાત લઈને ઈજાગ્રસ્તોના ખબરઅંતર પૂછ્યા. આ ઘટનામાં લગભગ 50 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.
અધિકારીઓ જણાવ્યું હતું કે કુવૈતમાં મંગાફ વિસ્તારની એક છ માળની બિલ્ડિંગના કિચનથી આગની શરૂઆત થઈ હતી.
એ સમયે બિલ્ડિંગમાં 160 મજૂર હાજર હતા. તમામ મજૂર એક જ કંપનીમાં કામ કરે છે.
વડા પ્રધાને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું, “કુવૈતમાં આગ લાગવાની ઘટના દુ:ખદ છે. મારી સંવેદનાઓ એ તમામ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું પ્રાર્થના કરું છું કે ઈજાગ્રસ્ત જલદી ઠીક થઈ જાય.”
“કુવૈતમાં ભારતીય દૂતાવાસની સ્થિત પર નજર છે અને આ ઘટનાથી પ્રભાવિત લોકોની સહાય માટે ત્યાંના અધિકારીઓ સાથે કામ થઈ રહ્યું છે.”
કુવૈતમાં વિદેશમંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું કે વડા પ્રધાનનાં નિર્દેશ પર વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહ કુવૈત પહોંચી રહ્યા છે.
ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે એક્સ પર લખ્યું કે તેમણે કુવૈતના વિદેશમંત્રી અબ્દુલ્લા અલી અલ-યાહ્યા સાથે વાત કરી છે. તેમણે દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ અને દોષિતોને સજા અપાવવાનું આશ્વાસન આપ્યું છે.
કુવૈતમાં નેપાળના રાજદૂત ઘનશ્યામ લમસલ પ્રમાણે એ વાતની પુષ્ટિ થઈ ચૂકી છે કે આવાસમાં કુલ પાંચ નેપાળી રહી રહ્યા છે.
તેમણે કહ્યું, “પાંચ લોકોમાંથી બે સુરક્ષિત અને ત્રણ ઈજાગ્રસ્ત છે. દૂતાવાસની ટીમ તેમની સ્થિતિની તપાસ કરવા માટે હૉસ્પિટલ ગઈ છે.”
કુવૈતના ગૃહમંત્રી ફહદ યુસુફ અલ સબાહે ઘટનાસ્થળની મુલાકાત લીધી.
સ્થળ પર પત્રકારો સાથે વાત કરતા ગૃહમંત્રીએ કહ્યું કે, “સંપત્તિમાલિકોની લાલચ આ ઘટના માટે કારણભૂત છે.”
કુવૈતના મીડિયા રિપોર્ટ અનુસાર આ ઇમારતમાં ક્ષમતા કરતાં વધુ લોકો રહી રહ્યા હતા.
ગૃહમંત્રીએ કહ્યું કે સંપત્તિ કાયદાના ઉલ્લંઘન અંગે પણ તપાસ કરાશે.
ભારતીય દૂતાવાસે આ દુ:ખદ ઘટના બાદ એક હેલ્પલાઇન નંબર +965-65505246 જાહેર કર્યો છે. સહાયતા માટે લોકો આ નંબર કૉલ કરી શકે છે.
કુવૈતમાં બે-તૃતિયાંશ વસતી પ્રવાસી મજૂરોની છે. આ દેશ બહારના મજૂરો પર આધારિત છે, ખાસ કરીને નિર્માણ અને ઘરેલુ ક્ષેત્રમાં.
માનવાધિકાર સમૂહો ઘણી વખત કુવૈતમાં પ્રવાસીઓ જીવનસ્તર અંગે સવાલ ઉઠાવી ચૂક્યા છે.