વિકાસ યાદવ કોણ છે જેની સામે અમેરિકાએ હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રાઘવેન્દ્ર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા
અમેરિકાના ન્યાય વિભાગે 17 ઑક્ટોબરના રોજ ભારતીય નાગરિક વિકાસ યાદવ સામે 'હત્યાની સોપારી લેવી' અને 'બેનામી નાણાકીય લેવડદેવડ - મની લૉન્ડરિંગ'ના આરોપો ઘડ્યા છે
આ મામલો સાલ 2023માં ન્યૂ યૉર્ક શહેરમાં અમેરિકન નાગરિક અને શીખ અલગતાવાદી નેતા ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના નિષ્ફળ ષડ્યંત્ર સાથે સંબંધિત છે.
અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે પન્નુની હત્યાના કાવતરામાં વિકાસ યાદવની મહત્ત્વની ભૂમિકા હતી.
અમેરિકાના ન્યાય વિભાગે યાદવને ભારત સરકારના કર્મચારી ગણાવ્યા છે, જ્યારે ભારતે કહ્યું છે કે વિકાસ યાદવ હવે ભારત સરકારના કર્મચારી નથી.
આ કેસમાં અન્ય એક ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પહેલેથી જ અમેરિકાની કસ્ટડીમાં છે.
અમેરિકાનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાએ વિકાસ યાદવ અને નિખિલ ગુપ્તા પર 'હત્યાની સોપારી લેવા'નો આરોપ મૂક્યો છે. અમેરિકાના કાયદા પ્રમાણે આ ગુના માટે મહત્તમ 10 વર્ષની જેલની સજા છે.
બંને પર 'બેનામી નાણાકીય લેવડદેવડ - મની લૉન્ડરિંગ'ના આરોપો ઘડયા છે, જે માટે અમેરિકન કાયદા પ્રમાણે મહત્તમ 20 વર્ષની જેલની સજા થઈ શકે છે.
આરોપોની જાહેરાત કરતા, અમેરિકાના ઍટર્ની જનરલ મેરિક બી. ગારલૅન્ડે કહ્યું હતું કે, ''જો કોઈ પણ વ્યક્તિ અમેરિકન નાગરિકોને નુકસાન પહોંચાડવા અથવા ચૂપ કરાવવાનો પ્રયાસ કરશે તો ન્યાય વિભાગ તે વ્યક્તિને કસૂરવાર ઠેરાવવા માટે બનતા બધા પ્રયાસો કરશે. પછી ભલે તે વ્યક્તિ કોઈ પણ પદ પર અથવા સત્તાની નજીક કેમ ન હોય.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાના ઍટર્ની ડેમિયન વિલિયમ્સે કહ્યું, "ગયા વર્ષે આ કચેરીએ નિખિલ ગુપ્તા પર અમેરિકાની ધરતી પર ભારતીય મૂળના અમેરિકન નાગરિકની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ ઘડ્યો હતો."
"પરંતુ જે પ્રકારે આક્ષેપ કરવામાં આવ્યો હતો તે પ્રમાણે, ગુપ્તાએ આ કામ એકલા હાથે કર્યું નથી. આજે અમે એક ભારતના સરકારી કર્મચારી વિકાસ યાદવ સામે આરોપો ઘડવાની જાહેરાત કરીએ છીએ. વિકાસ ગુપ્તાએ ભારતથી કાવતરું ઘડ્યું હતું અને ગુપ્તાએ પીડિતની હત્યા કરવા માટે એક હત્યારાની નિમણૂક કરવાની સૂચના આપી હતી."
તેમણે વધુમાં જણાવ્યું, "અમેરિકન નાગરિકોને નુકસાન પહોંચાડવા માગતી દરેક વ્યક્તિ માટે આ મામલો ચેતવણી સમાન છે."
કોણ છે વિકાસ યાદવ?

ઇમેજ સ્રોત, US Justice Department
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકા દ્વારા ઘડવામાં આવેલા આરોપો અનુસાર વિકાસ યાદવ ઉર્ફે અમાનત ભારત સરકારના કૅબિનેટ સચિવાલયમાં કામ કરતા હતા, જે ભારતીય વડા પ્રધાન કાર્યાલયનો એક ભાગ છે.
અમેરિકાના આરોપ પ્રમાણે યાદવ ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ ઍન્ડ ઍનાલિસિસ વિંગ(રૉ) માટે કામ કરતા હતા, જે કૅબિનેટ સચિવાલયનો એક ભાગ છે.
અમેરિકાના ન્યાય વિભાગે જણાવ્યું કે વિકાસ યાદવ પોતાની ઓળખ "વરિષ્ઠ ક્ષેત્ર અધિકારી" તરીકે આપતા હતા. તેઓ કહેતા કે તેમની જવાબદારી "સુરક્ષા વ્યવસ્થાપન" અને "ઇન્ટેલિજન્સ મૅનેજમેન્ટ" હતી.''
અમેરિકન અધિકારીઓના કહેવા અનુસાર, ''વિકાસ યાદવે તેમની ઑફિસનું સરનામું નવી દિલ્હી સ્થિત સીજીઓ (CGO) કૉમ્પ્લેક્સ જણાવ્યું છે. આ કૉમ્પ્લેક્સમાં રૉનું હેડક્ર્વાટર્સ છે.''
અમેરિકાના ન્યાય વિભાગનું કહેવું છે કે, વિકાસ યાદવે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફૉર્સ (સીઆરપીએફ)માં પણ કામ કર્યું છે. સીઆરપીએફ ભારતનું સૌથી મોટું અર્ધલશ્કરી દળ છે.
સીઆરપીએફમાં વિકાસ યાદવે "આસિસ્ટન્ટ કમાન્ડન્ટ" તરીકે ઓળખ આપી હતી. તેમની પાસે 135 લોકોની એક ટૂકડીની કમાન હતી.''
અમેરિકાએ કહ્યું છે કે, યાદવ વિશે જે માહિતી મળી છે તે પ્રમાણે તેમને કાઉન્ટર ઇન્ટેલિજન્સ, બૅટલ ક્રાફ્ટ (યુદ્ધ કલા), શસ્ત્રો અને પૅરાટ્રૂપરની તાલીમ લીધી છે.
કોણ છે નિખિલ ગુપ્તા?

ઇમેજ સ્રોત, US DEPARTMENT OF JUSTICE
અમેરિકાનું કહેવું છે કે 53 વર્ષીય નિખિલ ગુપ્તા ઉર્ફે નિક ભારતીય નાગરિક છે અને વિકાસ યાદવના સહયોગી રહ્યા છે.
અમેરિકાના ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર, ''નિખિલ ગુપ્તાએ વિકાસ યાદવ અને અન્ય લોકો સાથેની વાતચીતમાં ઉલ્લેખ કર્યો છે કે તે ડ્રગ્સ અને હથિયારોની આંતરરાષ્ટ્રીય દાણચોરીમાં સામેલ છે.''
ગયા વર્ષે ન્યાય વિભાગે ગુરપતવંતસિંહ પન્નુ કેસમાં નિખિલ ગુપ્તા પર 'હત્યાની સોપારી લેવા'નો આરોપ મૂક્યો હતો.
30 જૂન 2023ના રોજ, ચૅક રિપબ્લિકના અધિકારીઓએ નિખિલ ગુપ્તાની ધરપકડ કરી હતી. અમેરિકા અને ચૅક રિપબ્લિક વચ્ચે દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિ હેઠળ નિખિલ ગુપ્તાને અમેરિકાને સોંપવામાં આવ્યા હતા.
વિકાસ યાદવ અને નિખિલ ગુપ્તા વચ્ચે શું છે 'કનેક્શન'?

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA
અમેરિકાના ન્યાય વિભાગનું કહેવું છે કે મે 2023માં વિકાસ યાદવે અમેરિકામાં ગુરપતવંતસિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવા માટે નિખિલ ગુપ્તાની ભરતી કરી હતી.
અમેરિકા અનુસાર, "વિકાસ યાદવની સૂચના પ્રમાણે નિખિલ ગુપ્તાએ પન્નુની હત્યા કરવા માટે હિટમૅનની ભરતી કરવા માટે એક વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. જેના વિશે નિખિલ ગુપ્તાનું માનવું હતું કે એ વ્યક્તિ ગુનાઇત કામ સાથે સંકળાયેલી છે. પરંતુ હકીકતમાં તે વ્યક્તિ અમેરિકાના ડ્રગ્સ ઍન્ફોર્સમેન્ટ ઍડમિનિસ્ટ્રેશન (DEA)ની ગુપ્તચર એજન્ટ હતી.''
"આ ગુપ્તચર એજન્ટે ગુપ્તાની એક કથિત હિટમૅન સાથે મુલાકાત કરાવી હતી. આ હિટમૅન વાસ્તવમાં અન્ડરકવર ડીઇએ અધિકારી હતા. નિખિલ ગુપ્તાએ જે સોદો કર્યો હતો તે મુજબ વિકાસ યાદવ પન્નુની હત્યા માટે હિટમૅનને એક લાખ ડૉલર આપવા સંમત થયા હતા.''
આરોપો અનુસાર, "9મી જૂન 2023ના રોજ, વિકાસ યાદવ અને નિખિલ ગુપ્તાએ હિટમૅનને 15 હજાર ડૉલર ઍડવાન્સ આપવા માટે તેમના એક સહયોગી પાસેથી રોકડ રકમની વ્યવસ્થા કરી હતી. આ પૈસા વિકાસ યાદવના એક સહયોગીએ હિટમૅનને મેનહટ્ટનમાં આપ્યા હતા"
'કેવી રીતે ઘડવામાં આવ્યું કાવતરું'?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકન અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જૂન 2023માં વિકાસ યાદવે હત્યાના ષડ્યંત્રને આગળ વધારવા માટે નિખિલ ગુપ્તાને પન્નુ વિશે અંગત માહિતી આપી હતી.
આ મહિતીમાં ન્યૂ યૉર્ક શહેરમાં પન્નૂનાં ઘરનું સરનામું, તેમની સાથે સંકળાયેલા ફોન નંબરો અને તેમની રોજબરોજની પ્રવૃત્તિઓ વિશેની વિગતોનો સમાવેશ થાય છે. નિખિલ ગુપ્તાએ આ તમામ માહિતી હિટમૅનને આપી હતી.
અમેરિકાના ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર, "વિકાસ યાદવે નિખિલ ગુપ્તાને જણાવ્યું કે હત્યાનું કાવતરું કેવી રીતે આગળ વધી રહ્યું હતું તે વિશેની નિયમિત અપડેટ તેમને આપવામાં આવે. નિખિલ ગુપ્તાએ અપડેટ અને પન્નુની જાસૂસી દરમિયાન લેવામાં આવેલી તસવીરો વિકાસ યાદવને મોકલી આપી હતી.''
અમેરિકાનો દાવો છે કે નિખિલ ગુપ્તાએ હિટમૅનને શક્ય તેટલી વહેલી તકે હત્યાને અંજામ આપવા કહ્યું હતું. પરંતુ તેણે હિટમૅનને એ પણ સૂચના આપી હતી કે આ હત્યા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની સત્તાવાર સરકારી મુલાકાતની આસપાસ ન થવી જોઈએ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત 20 જૂન, 2023ની નજીક શરૂ થવાની હતી.
"હવે આ પ્રાથમિકતા છે"

ઇમેજ સ્રોત, FB/VIRSA SINGH VALTOHA
18 જૂન, 2023ના રોજ ભારતના વડા પ્રધાનની અમેરિકાની સત્તાવાર મુલાકાતના આશરે બે દિવસ પહેલા માસ્ક પહેરેલા બંદૂકધારીઓએ કૅનેડાના બ્રિટિશ કોલંબિયામાં એક ગુરુદ્વારાની બહાર હરદીપસિંહ નિજ્જરની હત્યા કરી હતી.
એવું માનવામાં આવે છે કે નિજ્જર ગુરપતવંતસિંહ પન્નુના સહયોગી હતા. પન્નુની જેમ નિજ્જર પણ શીખ અલગતાવાદી નેતા અને ભારત સરકારના પ્રખર ટીકાકાર હતા.
અમેરિકની અદાલતમાં દાખલ કરવામાં આવેલા આરોપોમાં કહેવામાં આવ્યું છે કે, ''નિજ્જરની હત્યાના બીજા દિવસે એટલે કે 19 જૂન, 2023ના રોજ નિખિલ ગુપ્તાએ હિટમૅનને કહ્યું હતું કે નિજ્જર પણ 'ટાર્ગેટ' હતા અને 'અમારી પાસે ઘણા આ પ્રકારના ટાર્ગેટ છે'.''
આરોપો અનુસાર નિખિલ ગુપ્તાએ હિટમૅનને કહ્યું હતું કે, નિજ્જરની હત્યાના પગલે પન્નુની હત્યા કરવા માટે "હવે રાહ જોવાની જરૂર નથી".
અમેરિકાના ન્યાય વિભાગનું કહેવું છે કે, 20 જૂન, 2023ના રોજ વિકાસ યાદવે નિખિલ ગુપ્તાને પન્નુ વિશે એક સમાચાર લેખ મોકલ્યો જેની સાથે એક સંદેશ પણ હતો: "હવે આ પ્રાથમિકતા છે."
ભારત-અમેરિકા સંબંધો પર શું અસર પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
અનિલ ત્રિગુણાયત ઘણા દેશોમાં ભારતના રાજદૂત રહી ચૂક્યા છે.
બીબીસીએ તેમની પાસેથી સમજવાનો પ્રયાસ કર્યો કે આ સમગ્ર મામલાની ભારત અને અમેરિકાના સંબંધો પર શું અસર પડશે?
ત્રિગુણાયત કહે છે, "મને નથી લાગતું કે આ સમયે તેની કોઈ સીધી અસર પડશે. બંને દેશો જાણે છે કે આવી ઘટનાઓ કરતાં તેમની વચ્ચેના મોટા સંબંધો વધુ મહત્ત્વપૂર્ણ છે. અમેરિકનો સારી રીતે જાણે છે કે તેઓ સાર્વભૌમત્વના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ચરમપંથીઓ, આંતકવાદીઓ અને અલગતાવાદીઓને સંરક્ષણ આપી રહ્યા છે. તેની સામે અવાજ તો ઉઠાવવો પડશે. એવું નથી કે તમે (અમેરિકા) એક મોટી શક્તિ છો અને એટલે તમે કંઈ પણ કરી શકો છો અને એ દેશોની સુરક્ષાની ચિંતાઓને ધ્યાનમાં નહીં લેશો જે તમારા મિત્ર અથવા વ્યૂહાત્મક ભાગીદાર છે.''
તેઓ વધુમાં કહે છે, "જો આપણી પાસે ક્ષમતા અને યોગ્યતા હોય અને જો અમારા વ્યૂહાત્મક ભાગીદારો અમારી સુરક્ષાની ચિંતાઓનું ધ્યાન ન રાખતા હોય, તો અમારે તેની કાળજી જાતે લેવી જોઈએ. પરંતુ આ ભારતની નીતિ નથી."
તેઓ જણાવે છે કે અમેરિકા જેવો દેશ માત્ર શંકાના આધારે બીજા દેશો પર બૉમ્બ ફેંકીને નષ્ટ કરી નાખે છે.
અનિલ ત્રિગુણાયત કહે છે,"અને પછી તમે આશા રાખો છો કે બીજા લોકો કંઈ નહીં કરે."
શું ભારત વિકાસ યાદવને અમેરિકાને સોંપશે?

ઇમેજ સ્રોત, X/@NIA_INDIA
આ સમગ્ર ઘટનાને કારણે મોટો સવાલ એ છે કે શું ભારતે વિકાસ યાદવને અમેરિકાને સોંપવા પડશે?
ભારત અને અમેરિકા વચ્ચે 1997માં પ્રત્યાર્પણ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સંધિ હેઠળ અમેરિકા વિકાસ યાદવને ભારતમાંથી પ્રત્યાર્પણ કરવા ઇચ્છશે.
પ્રોફેસર હર્ષ વી. પંત દિલ્હી સ્થિત ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના અધ્યયન અને વિદેશ નીતિ વિભાગના ઉપાધ્યક્ષ છે.
અમે તેમને પૂછ્યું કે શું ભારત અને અમેરિકા વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારતે વિકાસ યાદવને અમેરિકાને સોંપવા પડશે?
તેઓ કહે છે, "મારી પોતાની સમજણ એ છે કે બંને દેશોએ અદાલતોથી આગળ જઈને અમુક સમાધાનો કરવા પડશે કારણ કે આમ ન કરવાથી સમસ્યાઓ ઉકેલાવાને બદલે વધુ મુશ્કેલી ઊભી થશે."
તેમણે કહ્યું, "ચોક્કસપણે કોઈ પણ સરકાર પૂર્વ ગુપ્તચર અધિકારીના પ્રત્યાર્પણની મંજૂરી આપશે નહીં. મને લાગે છે કે ભારત અને અમેરિકાએ આ મુદ્દાને કેવી રીતે ઉકેલી શકાય તે શોધવા માટે અન્ય કોઈ રસ્તો શોધવો પડશે."
પ્રોફેસર પંતના મતે, "આખરે આ બધા રાજકીય નિર્ણયો છે".
તેઓ કહે છે, "એક વખત જો સ્પૉટલાઇટ બંધ થઈ જાય છે તો તમે ઘણી વસ્તુઓ કરી શકો છો પરંતુ જ્યાં સુધી સ્પૉટલાઇટ છે ત્યાં સુધી તે મુશ્કેલી છે."
"આ મામલામાં અમેરિકન પ્રણાલીની કાયદાકીય બાબતો સામેલ છે. આ મર્યાદાઓમાં રહીને કઈ વાત પર બંને દેશ એકમત થઈ શકે છે તે અનિવાર્યપણે એક રાજકીય પ્રશ્ન હશે."
અનિલ ત્રિગુણાયત કહે છે, "આ બધું એ વાત પર નિર્ભર છે કે અમેરિકનો આ મામલે શું કરવા માંગે છે. ભારત સરકારે તેમના વિશે માહિતી શૅર કરીને કહ્યું છે કે તે હવે સરકાર સાથે નથી. તો હવે એ જોવાનું રહેશે કે અમેરિકનો આ મામલાને કેટલી હદ સુધી આગળ લઈ જવા માંગે છે અને ભારત કેટલી હદે ઝૂકવા માંગે છે અથવા ઝૂકવા તૈયાર નથી."
બંને દેશો વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હોવા છતાં અમેરિકાએ 26/11 મુંબઈ હુમલાના દોષી ડૅવિડ કૉલમૅન હૅડલીને ભારતને સોંપવાનો ઇન્કાર કર્યો હતો.
શું ભારત વિકાસ યાદવના કિસ્સામાં પણ આવું કરી શકે છે?
પ્રોફેસર હર્ષ પંત કહે છે, "ગુપ્તચર અધિકારીઓ સાથે સંકળાયેલા મોટા ભાગના કિસ્સાઓમાં તમારી પાસે સિસ્ટમની અંદર એક તંત્ર હોય છે. મને લાગે છે કે માળખું તમને તે કરવાની મંજૂરી આપે છે."
"તમે ગૂંચવણો ઊભી કરી શકો છો, તમે વિલંબ કરી શકો છો, વિચલિત કરી શકો છો, સંદર્ભ બદલી શકો છો અને કાયદાકીય અર્થઘટનને એવી રીતે આગળ વધાવી શકો છો જેથી અધિકારીને અમેરિકાને પ્રત્યાર્પણ કરતા અટકાવી શકાય છે."
પરંતુ પ્રોફેસર પંત પ્રમાણે ભારતે આ મામલામાં શરૂઆતમાં કહ્યું હતું કે તે તપાસમાં મદદ અને સહયોગ કરી રહ્યું છે, તેથી આ મામલે બંને દેશો વચ્ચે કોઈ ખટાશ નથી.
પ્રોફેસર પંત કહે છે, "અમેરિકનોએ આ વાત સ્વીકારી લીધી છે અને કહ્યું છે કે તેઓ સંતુષ્ટ છે. કૅનેડાના મામલાથી વિપરીત, અહીં પરિસ્થિતિ તદ્દન અલગ છે."
આ મામલે ભારત સરકારનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, MEA
ભારતે કહ્યું છે કે તે આ મામલાની તપાસમાં અમેરિકાને સહયોગ કરી રહ્યું છે અને અમેરિકાએ કહ્યું છે કે તે અત્યાર સુધી મળેલા સહયોગથી સંતુષ્ટ છે.
ગુરુવારે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે વિકાસ યાદવનું નામ લીધા વિના કહ્યું હતું કે, અમેરિકાના ન્યાય વિભાગના આરોપમાં જે વ્યક્તિનું નામ છે તે હવે ભારત સરકારના કર્મચારી નથી.
એક પ્રશ્નના જવાબમાં જયસ્વાલે કહ્યું, "મેં હમણાં જ પુષ્ટિ કરી છે કે હા, આ ખાસ વ્યક્તિ, તે હવે ભારત સરકારના માળખાનો ભાગ નથી. તેઓ કોઈ કર્મચારી નથી. આ સિવાય મારી પાસે તમારી સાથે શૅર કરવા માટે કંઈ નથી."
જયસ્વાલે જણાવ્યું કે આ કેસ સાથે એક સંબંધિત ઉચ્ચસ્તરીય તપાસ સમિતિના સભ્યો અમેરિકામાં છે.
તેમણે કહ્યું કે અમેરિકાએ ભારતને શૅર કરેલા ઇનપુટની તપાસ કરવા માટે નવેમ્બર 2023માં આ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી.
જયસ્વાલે કહ્યું, "અમે આ ઇનપુટને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ અને અમે આ મામલે અમેરિકા સાથે સંપર્કમાં છીએ. ઉચ્ચસ્તરીય સમિતિના બે સભ્યો ત્યાં ગયા છે અને તેમણે અમેરિકન પક્ષ સાથે બેઠકો કરી છે."
આ વર્ષે સપ્ટેમ્બરમાં ગુરપતવંતસિંહ પન્નુએ અમેરિકાની એક કોર્ટમાં ભારત સરકાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને રૉના પ્રમુખ સામંત ગોયલ અને અન્ય વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
આ કેસમાં પન્નુએ ભારત સરકાર પર તેમની હત્યાના પ્રયાસનો આરોપ લગાવ્યો હતો અને વળતરની માગ કરી હતી. અમેરિકન કોર્ટે આ કેસમાં નામ આપવામાં આવેલા લોકોને સમન્સ પાઠવ્યા હતા.
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ તેને "સંપૂર્ણપણે અયોગ્ય મામલો" ગણાવ્યો હતો અને કહ્યું કે પન્નુ વિશે એક બાબત સ્પષ્ટ છે કે તેઓ "ગેરકાયદેસર સંગઠન" સાથે સંકળાયેલા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












