ખાલિસ્તાનને કારણે ઑસ્ટ્રેલિયામાં હિંદુઓ અને શીખો વચ્ચે અંતર આવ્યું?

ઇમેજ સ્રોત, LISA MAREE WILLIAMS/GETTY
- લેેખક, રૂચિકા તલવાર
- પદ, બીબીસી માટે, મેલબર્નથી
મેલબર્નના ભારતીય સમુદાયમાં આ વર્ષના જાન્યુઆરીથી તણાવ વધી રહ્યો છે.
ત્રણ મંદિરમાં તોડફોડ, કથિત 'ખાલિસ્તાની જનમત'માં બે વખત ઝપાઝપી અને હિન્દુ કાર્યકરો દ્વારા જરનૈલસિંહ ભિંડરાંવાલેના ચિત્રને વિકૃત કરવાના કથિત પ્રયાસ પછી ઑસ્ટ્રેલિયાના આ શહેરમાં ખાલિસ્તાની ચળવળના સમર્થકો દ્વારા ચલાવવામાં આવતા બિઝનેસના બહિષ્કારની સંખ્યાબંધ અપીલ સાંભળવા મળે છે.
ઑસ્ટ્રેલિયાના દક્ષિણ-પૂર્વીય રાજ્ય વિક્ટોરિયાના રાજધાની મેલબર્ન ભારતીય મૂળના લોકોની સૌથી વધુ વસ્તી ધરાવતું દેશનું બીજું શહેર છે. અહીં મોટી સંખ્યામાં શીખો અને પંજાબી વંશના અન્ય લોકો પણ રહે છે.
એક પછી એક બનેલી આ ઘટનાઓને કારણે ઑસ્ટ્રેલિયાના હિન્દુ સમુદાયના લોકો અને ખાલિસ્તાન ચળવળથી દૂર રહેલા અનેક શીખો પણ નારાજ છે.
તેમણે ખાલિસ્તાન ચળવળ સાથેના પોતાના વૈચારિક મતભેદની વાત બીબીસીને કરી હતી. બદલો લેવામાં આવશે તેવા ડરથી શીખ સમુદાયના લોકોએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે બીબીસી સાથે વાત કરી હતી.
ખુદને એન. કૌર તરીકે ઓળખાવતા મેલબર્નસ્થિત શીખ આઈટી પ્રોફેશનલે કહ્યું હતું કે "અમને અમારી સલામતી માટે ભયભીત છીએ. તેથી રેકૉર્ડ પર કશું બોલી શકતા નથી. તેઓ (ખાલિસ્તાની સમર્થકો) પાસે માત્ર ઝનૂન છે, પણ અમારે અમારા જીવન તથા આજીવિકાનું રક્ષણ કરવાનું છે."
એન. કૌરે સવાલ કર્યો હતો કે "ખાલિસ્તાની સમર્થકો ખાલિસ્તાનનો પ્રચાર કરવા ભારત શા માટે નથી જતા? અમને શાંતિથી જીવવા કેમ નથી દેતા? ભારતના પાડોશમાં ખાલિસ્તાન કેવી રીતે ટકી શકશે? આજે પાકિસ્તાનની જે હાલત છે એ તેઓ જોઈ નથી શકતા?"
ભારતીય સમુદાયમાં એક ઉદ્યોગસાહસિક તરીકે મજબૂત સંબંધ ધરાવતા, મેલબર્નના શીખ સમુદાયના એક અગ્રણી સભ્યે પણ તેમનું મંતવ્ય જણાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું હતું કે "આ (ખાલિસ્તાની જનમત) સંપૂર્ણપણે બકવાસ છે. માત્ર ઑસ્ટ્રેલિયા જ નહીં, પરંતુ ભારત સહિતના સમગ્ર વિશ્વમાંના મોટા ભાગના શીખોને ખાલિસ્તાનમાં ખરેખર રસ નથી. અમે અમારા ધંધા અથવા નોકરી અને પરિવારમાં જ એટલા વ્યસ્ત છીએ કે ખાલિસ્તાનના આ વિનાશક વિચાર માટે અમારો સમય, શક્તિ કે પૈસા ખર્ચી શકીએ તેમ નથી."
ભારતમાં 1984માં થયેલા શીખ-વિરોધી રમખાણ સંબંધે શીખ સમુદાયની પીડાને તેઓ સારી રીતે સમજે છે. તેમણે બીબીસીને જણાવ્યું હતું કે અમારા જેવા લોકોને એ દુઃખદ દિવસોનું પુનરાવર્તન પરવડે તેમ નથી.
તેમણે ઉમેર્યું હતું કે "અમે બહેતર જીવન તથા સારા ભવિષ્યની શોધમાં ઑસ્ટ્રેલિયા આવ્યા છીએ. ઑસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની સમર્થકોનો ઉદય આ દેશ માટે મોટી આફત છે. ધાર્મિક ઉગ્રવાદ કોઈ પણ દેશ માટે ખરાબ બાબત છે."

- મેલબર્નના ભારતીય સમુદાયમાં આ વર્ષના જાન્યુઆરીથી તણાવ વધી રહ્યો છે
- ત્રણ મંદિરમાં તોડફોડ, કથિત 'ખાલિસ્તાની જનમત'માં બે વખત ઝપાઝપી અને હિન્દુ કાર્યકરો દ્વારા જરનૈલસિંહ ભિંડરાંવાલેના ચિત્રને વિકૃત કરવાના કથિત પ્રયાસ થયા છે
- શરૂઆત આ વર્ષની 12 જાન્યુઆરીના રોજ મિલ પાર્કમાંના બીએપીએસના સ્વામિનારાયણ મંદિરને ગંદું કરવા સાથે થઈ હતી
- ઑસ્ટ્રેલિયાના દક્ષિણ-પૂર્વીય રાજ્ય વિક્ટોરિયાના રાજધાની મેલબર્ન ભારતીય મૂળના લોકોની સૌથી વધુ વસ્તી ધરાવતું દેશનું બીજું શહેર છે
- એક પછી એક બનેલી આ ઘટનાઓને કારણે ઑસ્ટ્રેલિયાના હિન્દુ સમુદાયના લોકો અને ખાલિસ્તાન ચળવળથી દૂર રહેલા અનેક શીખો પણ નારાજ છે

શરૂઆત કેવી રીતે થઈ?

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA
આ બધાની શરૂઆત આ વર્ષની 12 જાન્યુઆરીના રોજ મિલ પાર્કમાંના બીએપીએસના સ્વામિનારાયણ મંદિરને ગંદું કરવા સાથે થઈ હતી. એ પછી 16 જાન્યુઆરી કેરમ ડાઉન્સના શિવ-વિષ્ણુ મંદિરમાં અને 23 જાન્યુઆરીએ આલ્બર્ટ પાર્ક ખાતેના ઇસ્કોન મંદિરને બગાડવાના કૃત્ય કરવામાં આવ્યાં હતાં.
મંદિરની ઇમારતો પર ખાલિસ્તાન તરફી સૂત્રો ચીતરવામાં આવ્યાં હતાં. એ કૃત્યની ચર્ચા ટૂંક સમયમાં જ ઑસ્ટ્રેલિયામાંના ભારતીય સમુદાયના તમામ ઘરમાં થવા લાગી હતી. તેના સમાચાર ભારતીય મીડિયામાં પણ ચમક્યા હતા.
આ ઘટનાઓ બાબતે વિક્ટોરિયા પોલીસની તપાસ ચાલુ છે અને પોલીસ હાલ કોઈ વિગત જણાવવા તૈયાર નથી ત્યારે ભારતમાં પ્રતિબંધિત અને અમેરિકાસ્થિત ખાલિસ્તાન તરફી શીખ્સ ફોર ખાલિસ્તાન (એસએફજે) સંગઠન દ્વારા 29 જાન્યુઆરીએ મેલબર્નમાં યોજવામાં આવેલા કથિત ખાલિસ્તાન જનમત કાર્યક્રમના આયોજકો સામે આંગળી ચીંધવામાં આવી રહી છે.
જોકે, એસએફજેએ આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે.
એસએફજેના પ્રમુખ અવતારસિંહ પન્નુએ બીબીસીને કહ્યું હતું કે "અમારી લડાઈ કોઈ ધર્મ સાથે નથી. અમારી લડાઈ જેણે શીખોને ગુલામ બનાવ્યા છે એ વ્યવસ્થા સામે છે. આ કૃત્યો માટે વાસ્તવમાં મોદીભક્તો જવાબદાર છે, પરંતુ તેઓ અમને દોષી ઠરાવી રહ્યા છે."
અમેરિકાવાસી પન્નુ જનમતની ઝુંબેશ તથા આયોજન માટે છેલ્લા બે મહિનાથી ઑસ્ટ્રેલિયામાં કાર્યરત છે. તેઓ બ્રિસ્બેન તથા સીડનીમાં જનમતના કાર્યક્રમો યોજવા વધુ બે મહિના ઑસ્ટ્રેલિયામાં ઇચ્છે છે.
ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડ શિખર પરિષદમાં ભાગ લેવા માટે બે માસ પછી ઑસ્ટ્રેલિયા જવાના છે.
ખાલિસ્તાન માટે ઑસ્ટ્રેલિયામાંના શીખો તરફથી મળતા સમર્થનની વાત કરતાં પન્નુએ કહ્યું હતું કે "દરેક શીખ મૂળભૂત રીતે ખાલિસ્તાની છે. તમે શીખ પરિવારમાં જન્મ્યા હો તો તમે ખાલિસ્તાનના સમર્થક છો. આ પણ મોદી સરકારનો દૃષ્ટિકોણ છે."
જોકે, અમે ઑસ્ટ્રેલિયામાંના ઘણા શીખો સાથે વાત કરી હતી અને તેઓ પન્નુના વિચાર સાથે સહમત નથી.

ખાલિસ્તાન અને ઑસ્ટ્રેલિયન શીખ

ઇમેજ સ્રોત, Getty Images
રાજ્યમાંના ગુરુદ્વારાઓનું પ્રતિનિધિત્વ કરતી ધ વિક્ટોરિયન શીખ ગુરુદ્વારા કાઉન્સિલે (વીએસજીએસ) બીબીસીને જણાવ્યું હતું કે વીએસજીએસ પન્નુના મંતવ્ય સાથે સહમત નથી.
વીએસજીએસના પ્રવક્તા અને શીખ ઇન્ટરફેઇથ કાઉન્સિલ, વિક્ટોરિયાના અધ્યક્ષ જસબીરસિંહે કહ્યું હતું કે "આ એસએફજીનો અભિપ્રાય છે અને હું એ બાબતે ટિપ્પણી કરવા ઇચ્છતો નથી. અમે એવું માનીએ છીએ કે દરેક શીખ ગુરુ દા શીખ છે એટલે કે ગુરુ નાનક, ગુરુ ગોવિંદ સિંહ અને ગુરુ ગ્રંથસાહેબનો શિષ્ય છે."
"તેની સાથે અમે એવું પણ માનીએ છીએ કે એસએફજેને તેમની માગ શાંતિપૂર્ણ રીતે રજૂ કરવાનો લોકતાંત્રિક અધિકાર છે."
તેમણે ઉમેર્યું હતું કે "આ બાબતે દરેક શીખ આગવો અભિપ્રાય ધરાવે છે અને જેઓ જનમતમાં સામેલ થયા છે તેઓનો પણ પોતાનો અભિપ્રાય છે, પરંતુ કેટલાક લોકો તેની સાથે અમારું નામ જોડીને અમારી પ્રતિષ્ઠાને ખરડવાના પ્રયાસ કરી રહ્યા છે."
ઉદ્યોગસાહસિક શીખ અગ્રણીએ કહ્યું હતું કે "ખાલિસ્તાન બીજું કાશ્મીર બનશે અને તે પાકિસ્તાનની દયા પર નિર્ભર હશે. અવતારસિંહ પન્નુ જેવા કો ઑસ્ટ્રેલિયાના શીખોને ગેરમાર્ગે દોરી રહ્યા છે."
"એ પૈકીના મોટા ભાગના શીખો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી તરીકે યુવાન વયે અહીં આવ્યા છે અને તેમના દિમાગને પ્રભાવિત કરી શકાય તેમ છે. મેં સાંભળ્યું છે કે એસએફજે તેમને અહીં કે કૅનેડામાં કાયમી નિવાસી બનાવવામાં મદદની ખાતરી વડે લલચાવી રહ્યું છે."
જોકે, મેલબર્નસ્થિત શીખ અને ખાલિસ્તાનના કટ્ટર સમર્થક કુલદીપસિંહ બસ્સીએ પાકિસ્તાનના સમર્થનની વાતને ફગાવી દીધી હતી.
"પાકિસ્તાન પોતે ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે ખાલિસ્તાનને ટેકો કેવી રીતે આપશે? હું કહીશ કે વિશ્વના 98 ટકા શીખો ભારતથી અલગ ખાલિસ્તાન બનાવવા માગે છે, કારણ કે ભારતે અમને ગુલામ બનાવ્યા છે એવું અમે માનીએ છીએ," એમ કહેતાં બસ્સીએ ઉમેર્યું હતું કે મારો પરિવાર છેલ્લાં 122 વર્ષથી ઑસ્ટ્રેલિયામાં રહે છે.
ખાલિસ્તાન વાસ્તવિકતા બનશે તો તમે તમારા પરિવાર સાથે ત્યાં સ્થળાંતર કરશો કે નહીં, એવા સવાલના જવાબમાં બસ્સીએ કહ્યું હતું કે "ના, પણ અમે ત્યાં આવતાં-જતાં રહીશું. અમારા જેવા લોકોના પરિવારો અને નોકરી-ધંધા ભારતની બહાર છે. તેથી આ બધું છોડીને ત્યાં જવું શક્ય નથી."

ઑસ્ટ્રેલિયામાં હિન્દુઓ અને શીખો વચ્ચેનો સંબંધ

ઇમેજ સ્રોત, DON EMMERT
તાજેતરની ઘટનાઓની ઑસ્ટ્રેલિયામાંના હિન્દુઓ તથા શીખો વચ્ચેના સંબંધ પર કોઈ અસર થઈ છે?
આ કાંટાળા સવાલ બાબતે બે છેડાના અભિપ્રાય મળે છે.
બીએસપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતેના કૉમ્યુનિટી તથા મીડિયા આઉટરીચ વિભાગના ઇન્ચાર્જ પાર્થ પંડ્યાએ જણાવ્યું હતું કે મંદિર આવી બાબતો પર ધ્યાન આપવા ઇચ્છતું નથી.
તેમણે કહ્યું હતું કે "અમારા ગુરુએ અમને શાંતિ જાળવવાની અને આ બાબતે પોલીસને તેનું કામ કરવા દેવાની સલાહ આપી છે. તેમણે અમને સાધના પર ધ્યાન કેન્દ્રીત કરવાનો આદેશ આપ્યો છે."
"2002માં ગુજરાતના ગાંધીનગર ખાતેના અમારા અક્ષરધામ મંદિર પર આતંકવાદીઓએ હુમલો કર્યો, અમારા સાધુઓ તથા ભક્તોની હત્યા કરી ત્યારે પણ અમે કોઈ ટિપ્પણી કરી ન હતી. અમારા માટે ગુરુનું માર્ગદર્શન સર્વોચ્ચ છે."
સ્થાનિક હિન્દુઓ અને શીખો વચ્ચે કોઈ તણાવ હોવાનો વીએસજીસી અને શીખ ઇન્ટરફેઇથ કાઉન્સિલ, વિક્ટોરિયાના સિંઘે ભારપૂર્વક ઇનકાર કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે "અમે મેલબર્નથી માંડીને (આશરે 200 કિલોમીટર દૂર આવેલા) શેપરટન ગામ સુધીના ગુરુદ્વારાઓ સાથે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યું હતું કે હિન્દુઓ આજે પણ, અગાઉની માફક જ ગુરુદ્વારાની મુલાકાતે આવે છે. કોઈ દુશ્મનાવટ ન સર્જાય તેનું ધ્યાન રાખવાની અપીલ વીએસજીસી બન્ને સમુદાયને કરે છે."
જોકે, ઉદ્યોગસાહસિક શીખ ભારપૂર્વક માને છે કે તાજેતરની ઘટનાઓ પછી મેલબર્નમાંના હિન્દુઓ તથા શીખો વચ્ચેના સંબંધને નુકસાન થયું છે.
તેમણે કહ્યું હતું કે "અમારા હિન્દુ દોસ્તો હવે એવું માને છે કે બધા શીખો ખાલિસ્તાની છે અને ભારતના ભાગલાનું સમર્થન કરે છે. સત્યથી સર્વોચ્ચ કશું ન હોઈ શકે."
આ દૃષ્ટિકોણ સાથે અસહમત થતાં એસએફજેના પન્નુએ જણાવ્યું હતું કે ખાલિસ્તાનની માગને હિન્દુઓ કે તેમનાં મંદિરો સાથે કશું લાગતું-વળગતું નથી.
પન્નુના અભિપ્રાય સાથે સહમત થતાં બસ્સીએ જણાવ્યુ હતું કે ઘણા હિન્દુઓ તેમના દોસ્ત છે અને એ પૈકીના એકની માલિકીની રેસ્ટોરાંમાં અન્ય 20 લોકો સાથે જવાના કાર્યક્રમનું આયોજન તેઓ કરી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે "હું ડીનસાઇડ ખાતેના દુર્ગા મંદિરમાં નિયમિત દાન આપું છું અને તેના પ્રમુખ સાથે મારે મૈત્રીનો સંબંધ છે. અમે હિન્દુઓના દુશ્મન નથી."

ભારતનું વલણ

ઇમેજ સ્રોત, DREW ANGERER
ઑસ્ટ્રેલિયામાંના ભારતીય હાઈ કમિશનર મનપ્રીત વોહરાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે 29 જાન્યુઆરીનો જનમત કાર્યક્રમ "નિંદાપાત્ર" અને "ખેદજનક" હતો.
તેમણે મેલબર્ન ખાતેના શિવ-વિષ્ણુ મંદિરની મુલાકાત બાદ એક ટ્વીટ કરી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
હિન્દુ સમુદાયમાં ખળભળાટ સર્જનારી તાજેતરની શ્રેણીબદ્ધ ઘટનાઓ પછી ઑસ્ટ્રેલિયાના નાયબ વિદેશ પ્રધાન ટિમ વોટ્સે પાંચમી ફેબ્રુઆરીએ મેલબર્નના શ્રી દુર્ગા મંદિરની મુલાકાત લીધી હતી. તેઓ મંદિર સમિતિની મળ્યા હતા અને હિન્દુ સમુદાયની ચિંતા સાંભળી હતી.
એ પછી કરેલી ટ્વીટમાં તેમણે જણાવ્યું હતું કે "સંસદની કાર્યવાહી ફરી શરૂ થઈ તે પહેલાં મેં સંસદસભ્યો ક્લેર ઓનીલ અને પીટર ખલીલ સાથે શ્રી દુર્ગા મંદિરની મુલાકાત લીધી હતી. અમે દુર્ગા મંદિરની સમિતિના સભ્યોને મળ્યા હતા અને તેમનો દૃષ્ટિકોણ સાંભળ્યો હતો. આ મેલબર્ન, પશ્ચિમમાંનું અને કદાચ આખા ઑસ્ટ્રેલિયામાંનું સૌથી મોટું હિન્દુ મંદિર છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
મેલબર્નમાં છેલ્લા એક દાયકાથી રહેતા ધર્મપ્રેમી હિન્દુ આર કુમાર દરરોજ સ્થાનિક મંદિરની મુલાકાત લે છે અને સ્થાનિક હિન્દુ સમુદાયમાં થતી વાતચીતથી તેઓ સારી રીતે વાકેફ હોય છે.
તેમણે કહ્યું હતું કે "મેલબર્નમાં હિન્દુઓ અને શીખો વચ્ચેના સંબંધ બદલાયા નથી. અમારી વચ્ચે આજે પણ અગાઉની માફક મૈત્રીપૂર્ણ સંબંધ છે."
"અમે ગુરુદ્વારા જઈએ છીએ, પરંતુ હવે કોણ શીખ છે અને કોણ ખાલિસ્તાની છે એ બાબતે થોડા સાવધ રહીએ છીએ. ભારતવિરોધી કોઈ પણ વ્યક્તિ ખાલિસ્તાની છે અને તે અમારો દોસ્ત તો નથી જ."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














